અછાંદસ

You are currently browsing the archive for the અછાંદસ category.


(આથમતા ઓળા….                …ગુલમર્ગ, કાશ્મીર, ૦૭-૦૫-૨૦૧૨)

*

તને કોઈ પ્રશ્નો નથી,
કોઈ શંકા
કે કોઈ બીજો વિચાર પણ નથી.
પણ મને છે.
હા, છે.
મોટા ભાગે તો છે જ.
પણ છે તો કેમ છે
એ ખબર નથી.
તું કાચ જેવું સ્વચ્છ વહે છે,
પણ
બધાં પાણી સ્વચ્છ તો નથી હોતાં ને ?
હું સ્વચ્છ નથી.
હા, નથી.
મોટા ભાગે તો નથી જ.
પણ નથી તો કેમ નથી
એ પણ ખબર ક્યાં છે જ ?
માસ્ટર તો સ્કૂલમાં
સરખું જ ગણિત ભણાવે છે
પણ
બધાના માર્ક્સ કંઈ સરખા આવે છે ?
સંબંધોના સમીકરણ સાચા માંડવા હોય
તો
દુનિયાના લીટા ભૂંસીને
સ્લેટ કોરી કરવી પડે.
તારી એ તૈયારી છે… પૂરેપૂરી છે.
પણ મારી ?
.
.
.
એક કામ કરીએ…
હું દોસ્તીના દરવાજા ખોલી દઉં છું,
તું પ્રેમનો પવન થઈને આવ્યા કરજે…

- વિવેક મનહર ટેલર
(૦૯-૦૪-૨૦૧૧)

*


(પ્રકાશના પડછાયા….        …સોનમર્ગ, કાશ્મીર, ૦૫-૦૫-૨૦૧૨)


(મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી…     …. ઈલોરા, ૨૭-૧૦-૨૦૧૧)

*

આંબાના ઝાડને અઢેલીને
હું કવિતા લખવા બેઠો છું.
મારે આજે ઇશ્વરની કવિતા કરવી છે
પણ મને ઇશ્વર ક્યાંય નજરે જ ચડતો નથી.
કૃષ્ણ?
એણે સગા મામાને માર્યા અને મામાના સગાંઓને પણ.
એણે ધાર્યું હોત તો એ દુર્યોધનને સીધો કરી શક્યા હોત
પણ એણે લાખોના લોહી વહાવડાવ્યા.
રામ?
સાવ કાચા કાનના.
જેણે એના માટે બધું ત્યાગ્યું, એણે એને જ ત્યાગી દીધી.
બબ્બેવાર.
રાવણે એની પત્ની ઉપાડી તો એણે એને જ ઉપાડી લીધો.
એક પત્ની માટે કંઈ કેટલાય રીંછ-વાનર-માનવનો ભોગ.
શીતળામાતા?
સાવ આંધળા.
ચાલુ ચૂલો દેખાયો નહીં ?
પોતે દાઝે એમાં કોઈની કૂખ બાળવાની?
ઇન્દ્ર ?
ઇર્ષ્યાળુ.
મહાકાળી ?
ડરામણા.
બ્રહ્મા ?
ડરપોક.
વિષ્ણુ ?
સળીખોર.
શંકર ?
અવિચારી.
કેટલાની વાત કરું?
કોઈએ ધર્મના નામે તો કોઈએ કર્મના નામે…
કોઈએ પાપ સામે તો કોઈએ આપ સામે…
બધા જ માટીપગા….
ઇશ્વર ક્યાં ?
પણ મારી પાસે આ બધુ માંડીને કહેવાનો સમય જ નથી.
હું તો બળબળતા તડકામાં
આંબાના છાંયડામાં
કવિતા કરવા બેઠો છું.
મારે નથી ધર્મગ્રંથ લખવાનો કે નહીં ઇતિહાસ.
આગળ શું લખું એ વિચારું છું તેવામાં જ
નાગાં-પૂગાં છોકરાંવનું એક ટોળું ધસી આવ્યું
અને આંબે પથ્થર વરસ્યા
ને
ધરતી પર કેરી.
એક નાગૂડિયો સાવ મારી પાસે આવી ઊભો,
કેરીથી ચિતરાયેલા એના મોઢાનું બચ્ બચ્
અને આંખોમાં સ્મિત લઈને !
મેં ડોક ઊંચકીને આંબા સામે જોયું
કાગળ ગડી કરીને ખિસ્સામાં મૂક્યો.
અને કવિતા લખવી બંધ કરી
કેમ કે એ પૂરી થઈ ગઈ હતી.

-વિવેક મનહર ટેલર
(૦૮-૦૪-૨૦૧૨)

*


(મેં તો ઝાંકીને જોયું જરા ભીતર…     ….ઈલોરાથી સુરતના રસ્તે, ૨૭-૧૦-૧૧)

OLYMPUS DIGITAL CAMERA
(શિલ્પ…                                    …ઇલોરા,૩૦-૧૦-૧૧)

*

શાશ્વત મૌન છે
એકમાત્ર અક્ષત કવિતા…
એને તમે શબ્દોથી ટાંચો છો
ત્યારે
શિલ્પ તો બની જાય છે
પણ
કવિતા તૂટી જાય છે !

 

- વિવેક મનહર ટેલર
(૦૪-૧૧-૨૦૧૧)

*

OLYMPUS DIGITAL CAMERA
(તેજ-છાયા…                           …ઇલોરા,૩૦-૧૦-૧૧)

P5270568
(ભડભાંખળું…..                     …સાન ફ્રાંસિસ્કોના દરિયાકાંઠે, મે-૨૦૧૧)

*

મળસ્કે આછા અજવાળે
મારા ડબલબેડ પર બાંધેલી મચ્છરદાની
અને
રૂમની બારી પર લગાડેલ મોસ્કિટો નેટની બહાર
દૂ…ર
આછા દેખાતા એક તાર પર
એક ઝીણકો પડછાયો
આવીને બેઠો
અને
પથારીમાં આડી પડેલી મારી ચશ્માં વગરની આંખો ઝીણી થઈ-
-સિપાહી બુલબુલ?

પાણીની મોટરનો એકધારો અવાજ,
પંખાની અનવરત ગરગરાટી,
પસાર થતા વાહનોની ઘરઘરાટી અને હૉર્ન,
સવારપાળીમાં બાજુમાંની સ્કૂલે જતાં બાળકોનો કલબલાટ,
છાપાવાળાની બૂમ,
અઠવાડિક પ્રભાતફેરીનું ‘હરે રામ, હરે કૃષ્ણ’-
- આ બધી જ દીવાલો તોડીને
એક ટહુકો
છે…ક મારી અંદર ટકોરા મારી ગયો
અને
મારી સવાર જરા હસી દે છે…

-વિવેક મનહર ટેલર
(૧૧-૦૮-૨૦૧૧)

P5219095
(કાનાફુસી…..                   …મિસ્ટરી પૉઇન્ટ, સાન ફ્રાંસિસ્કો, મે-૨૦૧૧)

PB078936
(દીકરો મારો લાડકવાયો…       ….દિરાંગ, અરુણાચલ પ્રદેશ. ૦૭-૧૧-૨૦૧૦)

*

વેકેશનમાં
દીકરો
બહારગામ ફોઈને ત્યાં રહેવા ગયો.
દસ વર્ષમાં
પહેલવહેલીવાર
એ અમારાથી આમ સાવ જ છૂટો થયો.
એના વિના જાણે સૂરજ ઊગતો જ નથી
ને ઊગે તો પછી કદી આથમતો જ નથી…
એની મમ્મી તો
સવાર-બપોર-સાંજ
ફોન કરીને એના ખબર-અંતર પૂછી લે-
આ કર્યું ?
આમ કેમ કર્યું ?
ફોઈને હેરાન કરે છે ?
બહુ ચૉકલેટ નહીં માંગવાની.
આઇસક્રીમની જીદ નહીં કરવાની.
દીકરો પણ
એના આખા દિવસના પરાક્રમ
મમ્મીને વિગતવાર કહે-
ક્યાં ક્યાં ફરવા ગયા હતા ?
શું શું જોયું ?
શું ખાધું ? ફોઈએ શું અપાવ્યું ?
-બધું જ.
મારા મોબાઇલ પર ફોન કરે
પણ ‘મમ્મીને આપો’ એટલું કહેવા પૂરતું જ.
એની મમ્મી તો
ખુલ્લું રડી પણ પડે…
હું…
હું શું કરું?

-વિવેક મનહર ટેલર
(૦૧-૦૬-૨૦૧૦)

*

PB078896
(ગુફ્તગુ…                         ….દિરાંગ, અરુણાચલ પ્રદેશ. ૦૭-૧૧-૨૦૧૦)

PB110454
(એ નજર…                  ….અરુણાચલના રસ્તાઓ પર, ૧૧-૧૧-૨૦૧૦)

*

હજારોની ભીડ ચીરીને
એ નજર
એ એક નજર
એ જ નજર
ક્ષણાર્ધમાં
ક્ષણાર્ધ માટે જ મને વીંધી ગઈ…
અને તીવ્ર થતા તડકા સામે બાષ્પીભૂતાતા ઝાકળની જેમ
આખી ભીડ…
આ જ નજરના હીંચકા પર
જિંદગીના
કંઈ કેટલાય ખુશનુમા વરસો હીંચ્યા હતા.
આ જ નજરના ઝરણામાં
કંઈ કેટલાય સ્મરણો નાહી-ધોઈને ઉજળાં થયાં હતાં.
આ જ નજરના રસ્તે ચાલીને
કંઈ કેટલીય ઇચ્છાઓ આંટણિયાળી થઈ હતી.
આ જ નજરના છાંયડામાં
જન્મોજનમના કોલ વાવ્યા હતા.
આ નજર મારી નજરમાં
એમની એમ જ અકબંધ લઈને
સદીઓથી
હું ત્યાં જ ઊભો હતો.
કોઈ તડકો-ટાઢ-વરસાદ-ધુમ્મસ કે આંધી
એને લગરીક પણ ધુંધળી કરી શક્યાં નથી.
આજે
અચાનક
સદીઓ પછી
એ ચિરાંકિત નજર ફરીથી રૂ-બ-રૂ થઈ.
ભીડ ગાયબ.
સમય-શબ્દ-સ્થળ-સૃષ્ટિ કંઈ જ ન રહ્યું…
ચંદ શ્વાસોની ચાલુ આવ-જા સિવાય
નિશ્ચેત દેહ લઈને
હું
એ નજરને
કાગળ પર શી રીતે ચાક્ષુષ કરવી
એ વિમાસણમાં
કદાચ સદીઓ સુધી ત્યાં જ ઉભો રહીશ…

- વિવેક મનહર ટેલર
(૨૮-૦૪-૨૦૧૦)

*

PB089583
(તારી આંખનો અફીણી…       …પર્ણવી પટેલ, આસામ, ૧૩-૧૧-૨૦૧૦)

?

OLYMPUS DIGITAL CAMERA
(Greater Coucal ~ Crow Pheasant  ~ Centropus sinensis)
(કબીરવડ, 26-07-2010)

*

તારી પાછળ
લોહીને
મુશ્કેટાટ
બાંધી રાખ્યું ન હોત
તો

કાગળ પર
કાવ્ય હોત ?

-વિવેક મનહર ટેલર
(૦૪-૦૪-૨૦૧૦)

P6096125
(black-crowned night heron ~Nycticorax nycticorax)
(ઘર પાસેની નહેર કાંઠે, ૦૯-૦૬-૨૦૧૦)

*

હવે એનો ઉલ્લેખ વાતોમાં ન આવવો જોઈએ
એ વાત ઉપર
બંનેનો ઝઘડો અટક્યો.
એણે શ્વાસ જ રોકી દેવો પડ્યો
પા મિનિટ પસાર થઈ…
શ્વાસ બંધ…
અડધી મિનિટ…
પોણી મિનિટ…
નસકોરાં ફૂલી ગયાં.
આંખોમાં લોહી ઉતરી આવ્યું.
પણ નિર્ધાર પાકો હતો.
એક મિનિટ…
ઉપર દસ સેકન્ડ…
બીજી પાંચ સેકન્ડ…
ઉપર ચાર સેકન્ડ…
બીજી બે’ક સેકન્ડ…
બીજી એક…
ઉપર એ…ક…
ઉ…
….પ…
……….ર…
પાણી ભરેલા ફુગ્ગાની જેમ

હાથમાંના કોરા કાગળ પર ફૂટી પડ્યો.
એ તો ખલાસ થઈ ગયો
પણ
કાગળ પરના એ ડાઘા
એ વર્ષની શ્રેષ્ઠ કવિતાનો પુરસ્કાર જીતી ગયા…

- વિવેક મનહર ટેલર
(૦૧-૦૬-૨૦૧૦)

*

heron
(black-crowned night heron ~Nycticorax nycticorax)
(ઘર પાસેની નહેર કાંઠે, ૦૯-૦૬-૨૦૧૦)

P1011275
(ચાલ ને ભેરુ ! નહાવાને, વરસાદની મોસમ છે….          …સ્વયમ્, 2005)

*

દોસ્તનો ફોન આવ્યો:
“અરે !
પહેલો વરસાદ પડ્યો.
કંઈ લખ્યું કે નહીં ?”
- શું કહું ?
શી રીતે
લખી શકાય
ભીના કાગળ પર ?!

- વિવેક મનહર ટેલર
(૦૨-૦૬-૨૦૧૦)

OLYMPUS DIGITAL CAMERA
( સોના ઇંઢોણી, રૂપા બેડલું રે નાગર…     …ખાવડા, કચ્છ, ઓક્ટો ‘૦૯)

*

તારી યાદમાં
હું
પળેપળ
તૂટી રહ્યો છું
ને
તારો પ્રેમ
મને
પળેપળ
સાંધી રહ્યો છે…

- વિવેક મનહર ટેલર
(૨૮-૦૪-૨૦૧૦)

Bird
(સ્થિતપ્રજ્ઞ….                                        ….નળ સરોવર, ૧૦-૦૧-૨૦૧૦)

*
મારા ઘરનો
ચાળીસ ફૂટ પહોળો બાગ
ધીમે-ધીમે
ચાર ફૂટનો થઈ ગયો છે.
મેં
જેમ-જેમ આ શહેરનું પાણી પાયું,
એમાં મકાન ઊગતું ગયું.
હવે થોડાં કૂંડા અને
કમ્પાઉન્ડ વૉલને વળગીને ટકી રહેલાં
થોડાં છોડ અને ઝાડ
એમની નવી ડાળી પર
દીવાલ ઊગી નીકળવાની બીક છતાં
જીવવાનું સાહસ કરી રહ્યાં છે.

મને
બેડ-રૂમની બારીએ બેસવાની ટેવ છે.
બે કાચિંડા અચૂક સાધુની સમાધિ લઈને
એક જ ઝાડ પર
આખો દિવસ
શિકારની તાકમાં સ્થિર બેઠેલા જોવા મળે છે.
ખિસકોલીઓની દોડાદોડ અને ચિક્-ચિક્
મારા આંખ-કાનમાં સતત રોપાયાં કરે છે.
ક્યારેક બુલબુલ,
તો ક્યારેક ઑરિએન્ટલ રોબિન,
ક્યારેક દેવચકલી
તો ક્યારેક પોપટ, મેના,કાબર,કાગડા-
-મારા બાગનાં બચેલાં વૃક્ષોના રંગ
મોસમથીયે વધુ ઝડપે બદલતા રહે છે.
કોયલનો ટહુકો તો
આંબાનાં મૂળની જેમ જ
જાણે બાગની જમીનમાં
ખોડાઈ જ ગયો હોય એમ હટતો જ નથી.
ચકલીનું ચીં-ચીં
અને કબૂતરનું ઘૂ-ઘૂ
તો આમેય કદી ખોવાયાં જ ન્હોતાં.

આ શહેરના શાંત કોલાહલની વચ્ચે
આ ટહુકાઓનો ઘોંઘાટ જ
કદાચ હજી મને જીવતો રાખી શક્યો છે.
પેલાં
દીવાલને વળગીને જીવવા મથી રહેલાં
ફૂલ-છોડ-ઝાડનું સાહસ કદાચ સફળ છે.
મકાન અને કમ્પાઉન્ડ-વૉલની વચ્ચે ચગદાઈ મરવા છતાં
એ લોકો
મારામાં મકાન ચણાઈ જતું અટકાવી શક્યા છે !

- વિવેક મનહર ટેલર
(મે-૨૦૦૭)

OLYMPUS DIGITAL CAMERA
(તન્હા…             …શબરીધામ, આહવા, ૧૫-૦૮-૨૦૦૯)

*

ચશ્માં કાઢીને
વાળ કપાવવા બેઠો
ત્યારે
અચાનક જ ખ્યાલ આવ્યો :
બસ ! હવે બહુ થયું.
હું કહી શકું છું, મને ખબર છે
હું કહી દઈશ
મારે કહેવું જ પડશે
આજે જ.
હા, આજે જ.
આ જ સમય છે યુ-ટર્ન લેવા માટેનો.
બસ ! બહુ થયું હવે.
જે જે કહેવાયું નથી,
કહેવાતું નથી,
કહેવાવાનું નહોતું,
કહી દેવું જોઈતું હતું
એ બધું જ…
હવે તો બહુ થયું, બસ…
બહુ થયું…
આ આંખની નીચે
આ કાળાં કુંડાળાં ?!

- વિવેક મનહર ટેલર
(૦૫-૦૯-૨૦૦૯)

Suryachakra
(દિપાવલી…                                                        …ઑક્ટોબર-૨૦૦૬)

*

સહુ વાચકમિત્રોને દિવાળીની શુભેચ્છા અને તન-દુરસ્ત મન-દુરસ્ત નૂતન વર્ષની મંગલ કામનાઓ…

*

માથે-મોઢે
રૂમાલ બાંધીને
દિવાળીની સફાઈ કરવા
હું માળિયામાં પેસી.
કરોળિયાના જાળાઓમાં
શિકાર થઈ ગયેલાં
મારા ગઈકાલનાં વર્ષોનાં કંકાલ ઝૂલી રહ્યાં હતાં.
એક પલવડી
ધ્યાનભંગ થઈ અને ભાગી ગઈ,
મારાં સ્વપ્નોનાં કટાઈ ગયેલાં વાસણોનાં ઢગલા પાછળ.
મારી પિયરની નેઇમ-પ્લેટ પર
તૂટી ગયેલાં જહાજોનાં દિશાહીન ભંગારનો ભૂકો ફરી વળ્યો હતો.
કરચલીઓનાં કાટમાળ પછવાડેથી
જડી આવ્યું એક આલબમ.
એને ખંખેરતાં જ
પડળ પર પડળ થઈ ચડી ગયેલાં સંબંધોએ
આખા માળિયાને તરબતર કરી દીધું…
અંતરસના અવાવરૂ કૂવા
મારી ભીતર જોરશોરથી
ફાટી ગયેલા અવાજોના જિન્ન સમા
પડઘાવા માંડ્યા
અને
નાની-શી તિરાડમાંથી
બિલ્લીપગલે ઘૂસી આવેલ તડકાનો  રૂમાલ
અચાનક મારામાંથી ઓગળીને
આલબમ પર પડેલ એક ટીપાનેલૂછવા માંડ્યો.
આલબમના પહેલાં જ પાનાં પર
અમારા હનીમૂનનો ફોટો ચોંસઠ દાંત ઊઘાડીને બેઠો હતો.

-વિવેક મનહર ટેલર
(૧૫-૧૦-૨૦૦૯)

ખાતરી

OLYMPUS DIGITAL CAMERA
(કાળી પ્રતીક્ષા…                              …શબરીધામ, ૧૫-૦૮-૨૦૦૯)

*

તું અને હું
આજીવન
ખસી-ચસી ન શકાય એ રીતે
કાળમીંઢ વેદનાના પહાડ થઈને
જુદાઈની છાતીમાં ખોડાઈ ચૂક્યાં છીએ
અલગ-અલગ જગ્યાએ
એકબીજાથી સા…..વ દૂર.
હવે
કદી
ભેગાં નહીં જ થઈ શકાય
એવી ખાતરીના ખડક તળે
અંકુરિત થવા માંગતા આપણાં સપનાંઓને તું રોકીશ નહીં.
મને ખાતરી છે,
એક દિવસ તો
હું ફૂટી જ જઈશ

.   ખે
.      આ
.           ખો
ને
વહી આવીશ
તારી તળેટી પખાળવા
લાવાની નદી બનીને !

- વિવેક મનહર ટેલર
(૧૩-૦૯-૨૦૦૯)

P5168407
(ઉડ્ડયન…                                                     ….સાપુતારા, ૧૬ મે, ૦૯)
(બગલો ~ Intermediate Egret ~ Mesophoyx Intermedia)

*

પૂરી સજ્જતા
સભાનતા
ને કર્તવ્યપરાયણતાથી
મારો રથ
હું
વિજયશ્રી તરફ
સડેડાટ હંકારતો હોઉં
ત્યારે જ
દર વખતે
રણમધ્યે જ
શા માટે એ કળણગ્રસ્ત થઈ જાય છે ?
મેં તો
માત્ર
એટલું જ ઇચ્છ્યું’તું
કે
તારી નિદ્રામાં ખલેલ ન પડે…

-વિવેક મનહર ટેલર
(૧૧-૦૯-૨૦૦૯)

P8149312

(રડી રડીને વિખેરાઈ રાત ફૂલો પર…     …શબરીધામ, આહવા, ૧૫-૦૮-૨૦૦૯)

*

મારા માથે
ધીમેથી હાથ ફેરવીને તેં
કદાચ પચ્ચીસમીવાર,
હા, પચ્ચીસમી વાર
રાત્રે બાર વાગ્યે
મને ‘હૅપ્પી ઍનિવર્સરી’ કહ્યું.
હું તરત તારા તરફ ફરી.
અને
મારી નજરે
રાત્રે બાર વાગ્યે
કાયમ મને ઊંઘમાંથી જગાડીને
તેં આપેલ
તારા હાથે લખેલાં કે (ક્યારેક) ખરીદેલાં હૃદયંગમ કાર્ડ્સ,
તરોતાજા કવિતાઓ,
બીજા દિવસે વહેલી સવારે
ડોરબેલમાંથી ખુશબૂ બની વહી આવતા રંગીન પુષ્પગુચ્છ,
અડધા દિવસની રજા,
લૉંગ ડ્રાઇવ (શરૂઆતમાં તો સ્કુટર પર),
સાંજે કપાતી કેક,
હૉટલમાં ડિનર
અને
વધતાં વર્ષોની સાથે
વધતી જતી કિંમતની ભેટો
તરવરી ઊઠ્યાં.
હું પણ એ જ રીતે વહેતી-છલકાતી રહેતી.
પણ વચ્ચે ક્યાંક
એકવાર તારો પગ કૂંડાળામાં પડી ગયો
અને
હું સુકાઈ ગઈ.
તું પાછો તો ફરી ગયો પણ પાછો ફરી ના શક્યો.
એ પછી પણ છેલ્લાં ત્રણ-ચાર વર્ષોથી
ઍનિવર્સરી પર
એની એ જ પરંપરા આપણે ચાલુ પણ રાખી હતી.
પણ આજે તું મને અડ્યો
ત્યારે હું જાગતી જ હતી.
પચ્ચીસ વર્ષ પછી
આજે પહેલીવાર દિલને ધ્રાસકો પડ્યો હતો:
તું આજે મને ઉઠાડીને વિશ નહીં કરે તો ?
તું જોકે ભૂલ્યો નહીં
પણ આજે તેં પહેલીવાર કહ્યું:
તને આપવા માટે મારી પાસે કંઈ નથી બચ્યું.
હું સાવ ખાલી થઈ ગયો છું.
અને મેંય છેલ્લાં બચી ગયેલાં આંસુ ખર્ચી નાંખ્યાં…

-વિવેક મનહર ટેલર
(૨૦૦૯)

?

IMG_2229
(ધુમ્મસના પહાડ…                                    …જાલોરી પાસ, સોજા, નવે., ૦૭)

.

*

.

આ શહીદો સાલ્લા….
….કોણ જાણે કયું ચોઘડિયું જોઈને મરી ગયા…!?
નાલાયકોની ચિતા તો શમતી જ નથી…
નેતાઓની ખીચડીય ચડતી નથી
ને
દેશ બળતો જાય છે…

- વિવેક મનહર ટેલર
(૧૯૮૯)

Squirrels_Love making

(કામકેલિમાં મગ્ન ખિસકોલીઓ…      …મારા ઘરની બારીમાંથી, ૦૮-૦૫-૨૦૦૯)

*

તારા નામનો પ્રચંડ વિસ્ફોટ
મારી ભીતર
સ-ત-ત
અટક્યા વિના
એકધારો
સદીઓથી
થઈ રહ્યો છે…

…લોહી
નસોમાં
કેટલી તીવ્રતાથી ને કેમ દોડે છે

માત્ર
ચામડી જોનારને શી રીતે સમજાય ?!

- વિવેક મનહર ટેલર
(૨૨-૦૭-૨૦૦૯)

PB012865

(જળપ્રપાત….           …..વિલ્ડરનેસ્ટ રિસૉર્ટ, સ્વપ્નગંધા વેલી, ગોવા, ઓક્ટો. ‘૦૮)

*

મારું-તારું,
તારું-મારું વાવીને
જે ઝાડ ઉગાડ્યું હતું
તે
આપણું હતું
ને આપણું જ રહેવાનું હતું
જો અધિકારની કુહાડીએ
એના
બે

ભાં
ફાડિયાં ન કરી નાંખ્યા હોત તો !

-વિવેક મનહર ટેલર
(૦૪-૦૩-૨૦૦૯)

PA312640
(જળપ્રપાત….           …..સ્વપ્નગંધા વેલી, ગોવા, ઓક્ટો-૨૦૦૮)

*

બૉલપેનની
કાળી લીટીની દીવાલની
પોતપોતાની બાજુએ
અમે
બંને જણ
પોતપોતાના ભંગારને
પોતપોતાને ઉઠાવતા
જોયા કરીએ છીએ.
મારી બાજુમાં ક્યાંક એ પડી હોય
કે એની બાજુમાં ક્યાંક એકાદ ટુકડો મારો પડ્યો હોય,
તો ઊંચકીને
હવે
એકબીજાને આપતા નથી.
અમારી તો
બધી જ દીવાલો બંધ.
અંધ.
હવાના ટુકડાય
છાતીની ગલીઓમાં
લગરીક આવ-જા કરે એટલું જ.
બસ.
નિસાસાના એક ડૂસકાંને બહાર ટપકી પડવું હોય
તો એણેય
ગુરુત્વાકર્ષણની લેખિત પરવાનગી માંગવી પડે
એ હદે
અમે લોખંડ પી બેઠાં છીએ.
ક્યારેક વાંસળી થઈ સૂરાતાં
ભીતરનાં પોલાણ
જડયા જડે એમ નથી.
લોખંડ…લોખંડ…લોખંડ…
કાનના તળાવમાંય
પહેલો કાંકરીચાળો થયો
એ દિ’નું
ઉતરી ગયું છે ધગધગતું સીસું.
અમારી હયાતીની જમીન પર
અમે
સહિયારી
ખેડેલી ફસલના
લસલસતા પાકમાં
હરાયાં ઢોર ભેલાણ કરે છે
તોય હલાતું નથી.
અમારું
તો
આંખ-હાકોટા-હાથ
-બધુંય ચાડિયાનું !

-વિવેક મનહર ટેલર
(૨૨-૦૫-૨૦૦૯)

P4097197
(લંચ ટાઈમ….                             …ખિસકોલી, ૦૪, એપ્રિલ, ૨૦૦૯)

*

ઘરોના નળમાં ‘બુડ…બુડ…’ અવાજ
ને ડોલોને ઉપડે રિક્તતાની ખાજ,
સૂના રસ્તાના અવાવરું બિસ્તર પર
એકલ-દોકલ બગાસાં ખાતી સુસ્ત હવા,
નિર્વસ્ત્ર ડાળો પર જામી ગયેલો સન્નાટો,
ફરતા પંખા પરથી ચરકતો સમય
દીવાલોના ગાલ પર ગરમ ચચરાટ બની ચોંટી જાય છે
ને
ત્રસ્ત કો’ ચહેરા પરથી ટપકતો ખારો અજંપો…
ગલીના નાકે
એકાદ રડ્યાખડ્યા જનાવરના મુખમાં
વાગોળાતો સૂર્ય
પછી
પોદળો થઈ પથરાય
અને
ચોમેર
બદબૂ….બદબૂ… બદબૂ…

- વિવેક મનહર ટેલર
(૧૯-૦૯-૧૯૮૬)

Female Cuckoo
(નર કોકિલ….                                                   …….૧૫-૦૪-૨૦૦૯)
(Asian Koel ~ Eudynamys scolopacea)

રંગે-રૂપે કાગડા જેવી ભાસતી કોયલને ખુલ્લામાં ઝડપવી થોડું કઠિન છે. ટહુકા કાયમ સાંભળવા મળે પરંતુ ૩૮ વર્ષની ઉંમરમાં છેક ગયા વરસે ઉનાળામાં કોયલના સાક્ષાત્ દર્શન નસીબ થયા. દેવબાગ, કર્ણાટકના જંગલમાં ખુબસૂરત કોયલ જોવા મળી (નીચેનો ફોટોગ્રાફ) અને ગઈકાલે મારા ઘર સામેના અમેરિકન કોટન પર નર કોકિલ (ઉપરનો ફોટો) ખુલ્લામાં દૃષ્ટિગોચર થઈ મને કહે, લે ! તારે મારા ફોટા પાડવા હતા ને ! પાડ હવે….

male cuckoo
(માદા કોયલ…..                    …દેવબાગ, કારવાર, કર્ણાટક, નવે-૨૦૦૮)

*

ગઈકાલે
ભયંકર ડિપ્રેશનમાં હૉસ્પિટલમાં દાખલ થયેલા કાકા
આજે ખુશખુશાલ હતા.
મારી દવાની આટલી ઝડપી અસર ?
કેમ છો કાકા ?
અરે, શું કહું ડોક્ટરસાહેબ ?
આ કંઈ હૉસ્પિટલ નથી,
આ તો હિલ-સ્ટેશન છે, હિલ-સ્ટેશન !
મેં સ્ટથૉસ્કૉપ બાજુએ મૂક્યું.
અરે સાહેબ !
અહીં હૉર્ન ઓછા સંભળાય છે અને ટહુકા વધુ…
કોયલે તો દિ’ આખામાં એક ઘડીનોય વિરામ લીધો નથી
ચકલીનું ચીં ચીં ને કબૂતરનું ઘૂ ઘૂ તો
ઘણા દહાડે કાન ભરી ભરીને સાંભળ્યું.
અને ખિસકોલીની ચિક્ ચિક્ તો શહેરમાં આવ્યો પછી પહેલીવાર સાંભળી
કાગડા, બુલબુલ, કાબર તો ઠીક,
તમારે ત્યાં તો દરજીડો પણ આવે છે…
અચ્છા ! પેલો ઝીણકી ચકલી જેવો જે આવે છે
એ દરજીડો છે ?
તમે તો કાકા ! એક નવા જ ટહુકાની ઓળખ આપી.
…એમની છાતીને અડાડ્યા વિના જ
મેં સ્ટેથોસ્કૉપ ગળામાં પાછું લટકાવી દીધું.
હું શું બોલું ?
દવા પણ શું આપું ?
તમારી સારવાર તો સમજાઈ ગઈ, કાકા
પણ આખી જિંદગી કંઈ હૉસ્પિટલમાં તો રાખી શકાવાનું નથી ને ?!

- વિવેક મનહર ટેલર
(૨૯-૦૪-૨૦૦૮)

(ડૉ. નગીન મોદીને સાદર અર્પણ)

ચૂપ

kid
(દરિયો શું દઈ દઈને દેશે?     ….પટ્ટાયા, થાઈલેન્ડ, ૨૧-૦૮-૨૦૦૮)

*

પહેલાં ત્રણ દિવસ મદ્રાસમાં કૉન્ફરન્સ છે
પછી
બે દિવસ આપણે પૉંડિચેરી થતા આવીશું
-રાત્રે
ઑફિસથી આવીને મેં કહ્યું
એટલામાં તો
મારો રાજકુમાર
નસકોરાંની તલવાર તાણીને
ઊભી છાતીએ સામે આવી લાગ્યો-
-એ વખતે મારી સ્કૂલ ચાલુ છે ને ?
હા.
એટલે મારી રજા પડશે ?
હા.
કેટલી ?
- એ આંગળી ગણવા બેઠો.
મને હસવું આવી ગયું.
આ માળું બેટું, ત્રીજા ધોરણનું મગતરૂં…
વર્તુળ પૂરું થતાં પહેલાં જ પેન્સિલ બટકી પડે
એવી કે એવી કંઈ ગણતરીથી
એ મારા હાસ્ય ઉપર ત્રાટક્યો-
ત મે મ ને પૂ છ યું ?
મા રી ટિ કી ટ કે ન સ લ ક રો. ક ર વી પ ડ શે.
અને ઓવરનો છેલ્લો દડો ઝડપથી ફેંકી
બેટ્સમેનને
ઊંઘતો ઝડપી લેવો ન હોય એમ એણે ઝડપથી ઊમેર્યું-
મારું હોમવર્ક તમે કરશો ?
એક ગુગલીની કળ વળી નહોતી ત્યાં પાછો એ બાઉન્સર લઈ આવ્યો-
તમને નુકશાન થશે ને ?
મેં આંખો વડે ‘હા’નો સિક્કો ઊછાળ્યો.
કેટલા રૂપિયા?
-અને મને એની આંખમાં ફરી પૂર્વનો ભૂરો દરિયો ઊછળતો દેખાયો
પણ હું પૂરો ભીંજાઉં
એ પૂર્વે જ
નિર્ણયના પથ્થરો પર એણે મને પછાડ્યો-
ભ લે.
જે નુ ક શા ન થા ય તે.
તમે મને પૂછ્યું હતું ?
-અને હું ચૂપ.
આણે તો વીટો જ વાળી દીધો.
સીધો વટહુકમ જ જારી કરી દીધો.
મને લાગ્યું કે
એના દફતરના ભાર નીચે
મારી પાંપણો દબાઈ રહી છે
અને
આંખો ચૂપ…
હું આખો ચૂપ…

-વિવેક મનહર ટેલર
(૦૨-૦૩-૨૦૦૯)

Saaras Beladi
(સારસ બેલડી…                              ….ઉભરાટ-સુરત રોડ, ૨૨-૦૩-૨૦૦૯)
.                             (Sarus Crane ~ Grus antigone)

*

હવાના બે ઝોકાં
સામસામેથી આવે
અને એકબીજામાં ભળી જાય
કે
બે ઝરણાં
અલગ અલગ દિશાથી આવે
અને ભેળાં થઈ જાય
ત્યારે
કોણ કયું એ નક્કી કરવું અશક્ય બની જાય
એવી રીતે રહેવાનું નક્કી કરીને
આપણે
પહેલા ચુંબનમાં
એકસાથે ઓગળ્યા હતા
પછી શી રીતે
એક જણ હવા
ને બીજું જણ ઝરણું બનીને રહી ગયું
કે

.  ત
.     ત
સાથે ને સાથે વહેવા છતાં
હવે એકબીજામાં ઓગળાતું જ નથી ?
ક્યારેક
પરપોટો બનીને પાણીમાં ડૂબકી મારી લે છે હવા
તો ક્યારેક
મોજું બનીને હવામાં ઊછળી પણ લે છે ઝરણું
પણ
એ તો એક પળ માટે જ !

-વિવેક મનહર ટેલર
(૦૬-૦૩-૨૦૦૯)

  P1175622
(વેદનાના સળ….               ….પદમડુંગરી, વ્યારા, ૧૮-૦૧-૨૦૦૯)

*

તું જ કહેતો હતો ને
કે
મારી આંખો ફોડી નાંખો,
કાન ઉખાડી કાઢો,
જીભ પણ ખેંચી લો,
હાથ-પગ અને માથું સુદ્ધાં કાપી નાંખો,
અરે, હૃદય પણ બંધ કરી દો
અને ચિત્તને પણ તાળાં મારી દો
તો પણ
મારા નામનું લોહી તારી રગોમાં વહેતું રહેશે !
હવે
આજે
આ આપણા સગપણમાં
તારો ને મારો ‘હું’
દીવાલ બની ઊભા રહી ગયા છે
ત્યારે
કેમ થીજી ગયું છે તારું લોહી ?

શું આ જ છે તારી પ્રેમની અમર કવિતા ?

-વિવેક મનહર ટેલર
(૧૫-૦૨-૨૦૦૯)

( જર્મન કવિ રિલ્કેની કવિતા ‘તું’ પરથી પ્રેરિત)

Saaras2
(સારસ…                                      …ઉભરાટ-સુરત રોડ, ૦૮-૦૨-૨૦૦૯)
(Sarus Crane ~ Grus antigone)

ભરબપ્પોરે
ખેતરના શેઢા લગોલગ
ઝાંઝવાના પાણીની જેમ દડી જતી મારી ગાડી
અચાનક
ધીમી બ્રેક સાથે અટકી ગઈ.
વીજળીના તાર પરથી એક પતંગો ઊડી ગયો.
પણ મારી આંખ તો
પાછલી સીટ પર બેઠેલા
અમારા નાનકડા કોલંબસે શોધી કાઢેલ
સારસ બેલડી પર સ્થિર હતી.
માથે ધોધમાર વરસતા સૂરજની
ધરાર અવગણના કરી
વરસોની તરસ છીપાય એટલું
આંખોથી આકંઠ પાન કરી
હું વળી ગાડીમાં બેઠો.
‘ખબર છે બેટા?’,
-સીટ-બેલ્ટ બાંધતા બાંધતા હું બોલ્યો,
‘આ લોકો કાયમ જોડીમાં જ રહે.
એક મરી જાય તો
બીજું માથું પટકી પટકીને જીવ દઈ દે.’
અને અનાયાસે
બાજુમાં બેઠેલી પત્નીએ
સ્ટિયરિંગ પર મૂકેલા મારા હાથ પર
એનો હાથ મૂકી દીધો.
મેં એની તરફ
અને એણે મારી તરફ જોયું.
આછા સ્મિતની આકસ્મિક વીજળી
ઘેરાયેલાં બન્ને વાદળમાં
ઝબકી ગઈ
અને
અમારા કોલમ્બસને
તો એની જાણ પણ ન થઈ !

-વિવેક મનહર ટેલર
(૦૯-૦૨-૨૦૦૯)

Dolphins at play
(મધદરિયે રમત…                 …કારવાર, કર્ણાટક, નવે. 2008)

*

ધર્મ
સામાજિક એક્તાની જનેતા બની રહશે
એમ વિચારીને
ટિળકે ગણેશોત્સવ શરૂ કર્યો.
આજે
દરેક શેરીમાં
ઓછામાં ઓછા ત્રણ ગણેશ સ્થપાય છે…
હોળીનું પણ એવું જ થયું-
મહોલ્લે મહોલ્લે આગ-
-જેટલી ભીતર એટલી બહાર…?
પહેલાં
આખા શહેરમાં એક જ રાવણ બળાતો
અને કીડિયારાંની જેમ લોક ઊભરાતું.
હવે
રાવણદહન પણ ઠેકઠેકાણે થવા માંડ્યું છે.
માણસની તહેવારપ્રિયતા વધી રહી છે
એમ તમે માનતા હો
તો રહેવા દો…
તો તો મારે તમને કશું કહેવાનું રહેતું જ નથી !
કારણ કે
મને તો લાગે છે કે
આ બધું
આપણી અંદર કશાકને
inversely proportionate છે…

-વિવેક મનહર ટેલર
(૦૯-૧૦-૨૦૦૮)

PB022982
(દેવબાગ બીચ રિસૉર્ટ, કારવાર, કર્ણાટક…               …નવે. 2008)

*

બધું જ પાછળ છોડીને
આજે હું અહીં આવ્યો છું.
આકાશને ગળી જવાની હોડમાં
ઊંચે ને ઊંચે વધતા જતાં મકાનો,
જન્મતાંની સાથે જ
કદી ન ઊંઘી શકવાનો શાપ પામેલી ગીચ સડકો,
કવચિત્ જ ઘરમાં આવી શકતો ટુકડાબંધ તડકો,
વ્યાજખોર શાહુકારના પેટની જેમ વધતું જતું મારું બેન્ક બેલેન્સ,
વસૂકી ગયેલી ગાયના આંચળ જેવા મારા સંબંધો,
મારી ઑફિસ,
મારી એપોઇન્ટમેન્ટ્સ, મારી વિઝિટ્સ,
પડછાયાની જેમ વળગી રહેતી મારી ઓળખાણ…
…આ બધું પાછળ છોડી દઈને
હું અહીં આવ્યો છું આજે.
એ બધાંનો મને કદી મોહ હતો જ નહીં.
પણ જીવતરની સોય નસમાં ઘૂસી
ત્યારથી
આજ બધું દવાની જેમ લોહીમાં ભળી ગયું હતું.
આજે અહીં
એકબાજુ નજર હાંફી જાય એનીય પેલી પાર સુધી વિસ્તરેલ
અનંત ફેનિલ ભૂરો સમુદ્રકિનારો,
બીજી તરફ સૂર્યના કિરણોથી
રસ્તાની ચામડીને દાઝતી બચાવતા
પરગજુ ઘટાટોપ જંગલો,
પર્વતો-ધોધ-જળાશય-પશુ-પક્ષીઓની વચ્ચે
ટ્રી-હાઉસમાં બેઠો છું.
પણ મને આ કશાયનો પણ મોહ નથી.
મને યાદ આવે છે-
-હોટલના બસો રૂપિયાના રૂમમાં પંખાની ઠંડકે
મઘમઘી ઊઠેલા એ દિવસો
અને રસ્તાની કોરે
ફૂટપાથ પર બેસીને ખાધેલું લારી પરનું ચાઈનીઝ ફૂડ.
સાથે પીધેલી
પહેલવહેલી ગૉલ્ડસ્પૉટની બોટલ પરનું રેપર પણ હજી સાચવી રાખ્યું છે, નહીં?!
તારી કોઈ જ વાતમાં મને
કે મારી કોઈ જ વાતમાં તને ફરિયાદ જ નહોતી.
પણ ત્યારે
તારી કે મારી – એવી કોઈ વાત જ ક્યાં હતી?
જે હતું તે આપણું જ હતું.
સમયની સાથે વહેતાં વહેતાં આ નદીને
ક્યારે
બે કિનારા ઊગી આવ્યા એ વર્તાયું જ નહીં.
આજે
પાંચ-પંદર હજારના વાતાનુકૂલિત રિસૉર્ટ્સના
ફાઈવસ્ટાર રેસ્ટોરન્ટમાં હાથમાં કૉકનું ટિન લઈ કૉન્ટિનેન્ટલ ફૂડ ખાઉં છું
ત્યારે હું શું શું ‘મીસ’ નથી કરતો!!
વરસો પછી
આ ટ્રી હાઉસમાં મને મારો સમય જડ્યો છે
ત્યારે સમજાય છે કે
જે છોડીને આવ્યો છું એનો મને મોહ નહોતો.
જેની વચ્ચે આવ્યો છું એનો પણ મને કોઈ મોહ નથી.
હું તો માત્ર
મારા ખોવાઈ ગયેલા સુખની થોડી ક્ષણો
પાછી મેળવવા આવ્યો છું!

-વિવેક મનહર ટેલર
(31-10-2008, વિલ્ડરનેસ્ટ હીલ રિસૉર્ટ, સ્વપ્નગંધા વેલી, ગોવા)

P9202069
(ગુફ્તેગૂ…                                         …ઓક્ટોબર, ૨૦૦૮)

*

ધીમા મક્કમ પગલે
લગભગ ભરાઈ ચૂકેલી
ડોક્ટર્સ લિફ્ટમાં પ્રવેશું
એ પહેલાં
કોઈ દર્દીના બે’ક સગાં
ઝડપથી અંદર ઘુસી ગયા.
પાંચ માળ ચઢી જાઉં કે થોભું
એ વિમાસણમાં
મારી નજર લિફ્ટમેન સાથે મળી.
એણે તરત જ
એ બંને સગાંને બહાર કાઢ્યા.
રહેવા દે, વાંધો નહીં,
હું દાદર ચઢી જઈશ
- આ બે વાક્ય હૈયેથી હોઠે આવે
એ પહેલાં તો હું લિફ્ટમાં પ્રવેશી ચૂક્યો હતો.

-વિવેક મનહર ટેલર
(૧૯-૦૭-૨૦૦૮)

P1011353
(કોરતું ને કોરાતું એકાંત….                        …..જુલાઈ, ૨૦૦૮)

*

તારા જવાથી
હું ઉદાસ તો હતો જ.
દુઃખીય ખરો.
અચાનક જ
ઉંમરનો થાક પણ વર્તાવા માંડ્યો.
માથા પર સ્થિર થઈ ગયેલા
પ્લાસ્ટર ઑફ પેરિસના આકાશમાં
આંખ
રાત આખી તારાઓ ગણતી થઈ ગઈ
અને કદી સ્વીચ-ઑફ ન કરી શકાય
એવી ટ્યુબલાઇટ સમી તારી યાદ ત્યાં સળગ્યા કરે છે….
આવામાં
વિરહવ્યાકુળ કવિ
કવિતા ન કરે તે કેમ ચાલે ?
હુંય બઠો એક કાગળ લઈને.

કોરા કાગળમાં થઈને
કેલેંડરના પાનાંના પાનાં
પસાર થઈ ગયા
પણ
તારા નામથી આગળ
કદી વધી જ નહીં મારી કવિતા…!

-વિવેક મનહર ટેલર
(૧૮-૦૮-૨૦૦૮)

Swayam's hand_24-03-2008
(ભાવિને કરી શકાય છે શું સ્કૅન?…                   …જુન-૨૦૦૮)

*

મને એ સમજાતું નથી
કે આવડા નાના છોકરાને
સૉરી કહેવામાં શું તકલીફ પડતી હશે !
આમ તો જે કહેવા-કરવાનું
આપણે શીખવીએ છીએ,
એ તરત શીખી જાય છે.
ક્યારેક જબરદસ્તી કરવી પડે
પણ તોય વાંધો નથી આવતો.
આમ કર કહીએ એટલે થોડું મોઢું બગાડે
તોય કરી તો દે જ છેવટે.
પણ સાલું, આ સૉરી કહેવામાં ક્યાં બ્રેક લાગી જાય છે !
નાની અમથી ભૂલ…
પણ શિષ્ટાચાર તો શીખવવો જ પડે ને !
સૉરી બોલ, જોઉં..!
આટલું સૉરી નથી બોલાતું ?!
મારી સામે જો…
એક તીખી નજર સામે ઊઠી
અને મને ક્યાંક કશુંક ભોંકાઈ ગયું.
એની એ આંખોમાં અટકી ગયેલા સૉરીની પાછળ
મારો જ ગુસ્સો,
મારો જ ઊંચો અવાજ,
મારી જ હઠ,
મારી જ એક થપ્પડ
અને
થોડાક પાણીની પછીતે

આખ્ખો ઊભો હતો !

-વિવેક મનહર ટેલર
(૦૨-૦૬-૨૦૦૮)

_MG_2242
(સમયના શરીરે કરચલીનું જાળું…. …)
(સેરોલસર તળાવ પાસે, શોજા, હિ.પ્ર., નવે.-૦૭)

*

હસબંડ આખો દિવસ ઑફિસમાં વ્યસ્ત.
કંપની મોટી
એટલે
કામ પણ મોટું.
ઑફિસ અવર્સ પછી
બિઝનેસ મિટિંગ્સ, બિઝનેસ પાર્ટીઝ ને ક્યારેક બિઝનેસ ટ્રિપ્સ…
છોકરાને શું કહેવું ?
એ કૉલેજમાં વ્યસ્ત… કૉલેજ પછી મિત્રોમાં…બાકી એની જાતમાં…
રસોઈ કૂક બનાવી જાય.
કચરા-પોતાં, વાસણ-કપડાં લક્ષ્મીબાઈ કરી જાય.
એની છોકરી વળી
સાંજે આખા શરીરને મસાજ પણ કરી જાય.
શરીર દબાય ત્યારે ખૂબ સારું લાગે છે.
દર્દ ભાગી જાય છે.
પણ એ મસાજ કાયમ અધૂરો લાગે છે…
બધું કેમ દબાવી-ભગાવી નથી શકાતું ?
આખો દિવસ
ઇન્ટરનેટ લઈને ખાલી ખાલી બેસી રહું છું
પણ ખાલીપાના વાસણમાં
થીજી ગયેલા સમયને
ચોસલાં પાડી
નેટ-મિત્રો, ચૅટ-મિત્રોમાં વહેંચી
કેમે પૂરો કરી શકાતો નથી.
અને
કમ્પ્યૂટર પર બેઠી હોઉં તો પણ
પીઠ પાછળ
દીવાલોના બનેલા ખાલી ઓરડામાં
ફૂલ વૉલ્યુમ પર ટીવી સતત ચાલુ જ રાખું છું.

-વિવેક મનહર ટેલર
(૨૦-૦૬-૨૦૦૮)

support
(ટેકો….              ….મહુવા, ભાવનગર, ૧૯-૦૪-૨૦૦૮)

.

એ નાનો હતો
ત્યારે મમ્મી એને ખોળામાં લઈને
ગાડીમાં આગળ
મારી બાજુની સીટ પર બેસતી.
એ થોડો મોટો થયો
એટલે અમે એને પાછળની સીટ પર
-આખી સીટ તારા એકલાની-
કહી બેસાડતાં હતાં.
પણ થોડો વધુ મોટો થયો
ત્યારે એણે જબરદસ્તીથી
મમ્મીને પાછળ બેસાડવાનું શરૂ કર્યું
અને પોતે આગળ.
કારણ કંઈ નહીં.
આખ્ખી સીટની લાલચ પણ કામ ન કરી શકી.
અમને લાગ્યું
કે એને એ.સી.ની આદત પડી ગઈ છે
અથવા
બાળકને તો આગળ બેસવાનું જ ગમે ને !
એક દિવસ બપોરે
એ અમારા બેની વચ્ચે ઘૂસ્યો,
દબાઈને સૂઈ ગયો
અને મારા ગાલ ખેંચ્યા-
-હું તમને સૌથી વધારે વહાલો છું, સમજ્યા?

-વિવેક મનહર ટેલર
(૨૨-૦૫-૨૦૦૮)


(સુખનો ચહેરો….            …સાંગલા ગામ, કિન્નૂર વેલી, નવે.૦૭)

.

રાત્રે
ઊંઘમાંથી ઊઠીને
એ બૂમ પાડે-
મમ્મી… પપ્પા…
અને રડવા માંડે.
જાગી જઈને
ક્યારેક હું
તો ક્યારેક એની મમ્મી એને પૂછે-
શું થયું, બેટા ?
એ બોલે નહીં
બસ, હીબક્યા કરે.
અંતે ક્યાં તો
હું એની પથારીમાં જઈને સૂઈ જાઉં
કે મમ્મી એને અમારી પાસે બોલાવી લે.
આ રોજનો નિયમ.
સવારે પૂછીએ તો કહે
કે મને ડર લાગે એવાં સપનાં આવે છે.
અમે કાર્ટૂન ચેનલ્સના માથે દોષનો ટોપલો ઢોળી દઈએ-
સાલાઓ… ટી.વી. પર શું શું બતાવ્યા કરે છે આખો દહાડો…
પછી
અમે એને સાથે સુવાડવાનું શરૂ કર્યું.
સમ ખાવા પૂરતો ય

એક પણ રાત્રે
કદી અધવચ્ચે જાગ્યો જ નહીં.
કાર્ટૂન્સ જોવાનું તો
એણે હજી છોડ્યું જ નહોતું.

-વિવેક મનહર ટેલર
(૨૨-૦૫-૨૦૦૮)

P6020342
(દમણના દરિયે…                          …૦૩-૦૬-૨૦૦૬)

*

મારી વેદનાનો રણઝણતો સાગર
એક આંસુમાં આપીશ
- તને ચાલશે ?

-વિવેક મનહર ટેલર
(૧૯૮૬)

The glory of Taj

(મૂર્ત પ્રેમ….                               ….તાજ, આગ્રા, મે-૨૦૦૫)

બપોરે
અમને બંનેને
પોતાના નાનકડા ખોળામાં ઢબૂરી
અમારા બંનેના માથા પર
ક્યાંય સુધી
પોતાના નાના-નાના હાથ
પસવાર્યા કર્યા પછી
અમારો દીકરો બોલ્યો-
‘તમે બંને મારા નાનાં-નાનાં બેબી છો’.
સવારે જ એણે
મમ્મીને પૂછ્યું હતું,
‘કાલે પપ્પાએ તને કેમ માર્યું હતું?’

-વિવેક મનહર ટેલર
(૦૨-૦૫-૨૦૦૮)


(કણકણમાં સૌંદર્ય…                …રણથંભોર, ૦૩-૧૨-૨૦૦૬)

ઉંબરેથી
બ્હાર ઓટલા પર
પગ મૂકતાની સાથે જ
મોઢેથી ચીસ નીકળી ગઈ…
ઝાટકાભેર પગ પાછો ખેંચાયો…
હાથમાંથી સવારનાં પેપર છટકી ગયાં…
…ઊભી ખીલી ઘૂસી ગઈ કે શું?
જોયું તો
એક મંકોડો !
એનો ડંખ વધુ ઊંડે ઉતરી જાય એ પહેલાં જ
ઝડપી ને જોરદાર ઝાપટ મારીને
એને દૂર ફગાવી દીધો.
મોઢાની ચીસ અટકી તો પગની ચાલુ !
લોહી પણ નીકળી આવ્યું.
‘ખતમ કરી નાંખ એને’-
-મારી ત્રાડના દોરડે બંધાયેલ
અને હજી આ દૃશ્ય પચાવવા મથતા
મારા નાના-અમથા દીકરાએ
ચંપલ ઊપાડી
અને પેલા મંકોડાને
એકવાર, બે વાર, ત્રણવાર- બરોબર ચગદી નાંખ્યો.
હજી એનો ડંખ ચટકા ભરતો હતો પગમાં….
…એના માટે તો એ ડંખ
માથે પડી રહેલા વિશાળકાય પગ સામેની
આત્મરક્ષાની કોશિશ હતી કદાચ…!
લોહીના કાળા લિસોટાને જોઈને
મારા દીકરાએ પૂછ્યું-
‘પપ્પા, બહુ ડંખીલો હતો?’
‘કોણ બેટા?’

-વિવેક મનહર ટેલર
(૧૨-૦૭-૨૦૦૭)


(ધાર્યું નિશાન…                          …કાચિંડો, મે-૨૦૦૭)

છેલ્લાં
ચાર-પાંચ દિવસથી
મારો
એકનો એક દીકરો
છ-સાત નાનાં-મોટાં સૉફ્ટ ટૉઈઝથી રમ્યા કરે છે.
નાનો હતો
-જ્યારે સૉફ્ટ ટૉઈઝ રમવાની ઉંમર હતી-
ત્યારે કદી એ
સૉફ્ટ ટૉઈઝને હાથ લગાડતો નહોતો.
હવે
એ મોટો થઈ ગયો છે.
રાત્રે સૂતી વખતે
આ બધાં રમકડાંને
પોતાની પથારીમાં
એણે કતારબંધ ગોઠવ્યા-
‘આ બધાં મારા નાનાં ભાઈ-બહેન છે !’
-અને સૂઈ ગયો…

-વિવેક મનહર ટેલર
(૧૨-૦૮-૨૦૦૭)

(ચાળણી…        …સૂર્યાસ્ત, માલદીવ્સ, ફેબ્રુઆરી-2002)

મને લાગે છે -
હું હજી પણ થોડો માણસ છું.
આજે સવારે
જ્યારે મેં
એક બગલમાં
બોડી ડિઓડોરન્ટ સ્પ્રે છાંટ્યો,
ત્યારે
અચાનક
મને
આકાશમાં
ક્યાંક
દૂ…ર
ઓઝોનના સ્તરમાં
એક નાનકડું બાકોરું પડવાનો અવાજ સંભળાયો.
મને લાગે છે…

..કેમકે
પછી મેં
બીજી બગલ જેટલા આકાશમાં
બાકોરું પડતું બચાવી લીધું !

- વિવેક મનહર ટેલર

(કુંવારી નદી…     …રણથંભોરના જંગલમાં, 04-12-2006)

તું સાગર છે.
તારા માટેનો મારો પ્રેમ
એટલે કુંવારી નદીની તરસ.
રેતીના સાગર સાથેના મારા સંવનનમાં
મુખપ્રદેશના મદોન્મત્ત ચુંબનનો અનંગવેગ નથી
ને અલિપ્ત છું જહાજોના આલિંગનથી…
હું તો ખડકને ઊગેલું
ને રેતીમાં ચૂર થયેલું સ્વપ્ન…
પાણીમાં જ વિસ્તરેલું
પણ પાણીથી જ દૂર રહેલું ક્રંદન…
મારી પૂર સમી ઉત્કંઠાઓને જન્મવાનું વરદાન નથી
ને ચંદ્ર દ્વારા પાગલ ભરતી-ઓટના પ્રદાન નથી.
કોઈ સહસ્ત્રબાહુ ખેલ છોડે
યા ભગીરથ તપ આદરે
કે અગત્સ્ય કોગળો કરે
તો-
-તો સાગર, નદી, નદી, સાગર…
તું સાગર છે…
…પણ રેતીના કિલ્લામાં ધરબાઈ ગયેલા ખજાના સમી
મારી ઈચ્છાઓને ક્યાં ફળી છે ?!

-વિવેક મનહર ટેલર

(સહસ્ત્રબાહુ, ભગીરથ અને અગત્સ્ય- આ ત્રણે ય ક્યાંક કોઈક સ્વરૂપે પાણીને બાંધવાની અથવા બંધાયેલા પાણીને વેગ આપવાની દંતકથાઓ સાથે સંકળાયેલા છે. સહસ્ત્રબાહુ રાજાએ એના હજાર હાથ વડે બંધ બાંધી નદી રોકી લીધી હતી. ભગીરથે તપ વડે ઉદ્દંડ અને ઉચ્છ્રંખલ ગંગાને પૃથ્વી પર અવતારી એને દિશા આપી તો અગત્સ્ય રાક્ષસોને મારવા માટે આખો સાગર જ ગળી ગયા….)


(ઉડાન..                                         …માલદીવ્સ, ફેબ્રુઆરી-2002)

*

કેટલા મેઇલ આવ્યા…
કેટલા મેં વાંચ્યા… કેટલા ન વાંચ્યા…
પહેલાં તો મેં જવાબ આપવાનું બંધ કર્યું
ને પછી તો મેઇલ ખોલવાનું જ બંધ કર્યું
થાક્યો ત્યારે ઇનબોક્ષ ખોલવાનું પણ બંધ કર્યું
ને હવે તો નેટ પર બેસવાનું જ બંધ કરી દીધું…
પછી
એક દિવસ
વાવંટોળ જેવી એ અચાનક આવી ચડી…
હવે
એ તો કોઈ મેઇલ ન્હોતી કે
ક્લિક્ કરવું નહીં, ખોલવું નહીં, વાંચવું નહીં
કે જવાબ ન આપવું શક્ય બની શકે !
મેં
મારી આંખો બંધ કરી દીધી.
એણે જોયું કે
મને અચાનક પાંખ ફૂટી રહી છે…
ડોક ઊગી રહી છે… પગ લાંબા-પાતળા બની રહ્યાં છે…
અને
મારું માથું
રેતીમાં ઊંડે…વધુ ઊંડે ખૂંપી રહ્યું છે…
-શાહમૃગની જેમ !
એ તરત જ પાછી વળી ગઈ.
હવે આ સરનામેથી કોઈ મેઇલ કદી નહીં આવે
એની એને ખાતરી થઈ ગઈ હતી !

- વિવેક મનહર ટેલર

સડક


(ઈતિહાસના ગર્ભગૃહમાં…                         …ભીમબેટકા, નવે-05)

*

હાશ!
હવે ગાડી ચોથા ગિયરમાં ચલાવી શકાશે…
આવનારી પેઢી માટે
પેટ્રોલ પણ બચાવી શકાશે
અને
ઓછા ધુમાડાના કારણે
પર્યાવરણને પણ ફાયદો થશે!
સરસ સડક બની ગઈ છે,
કાલે જ
કોર્પોરેશને
મસમોટું ઝાડ કાપી નાંખ્યું હતું
તે જગ્યા પર!

- વિવેક મનહર ટેલર


(બાથટબમાં માછલી……                           …..સ્વયમ્, મે-૨૦૦૬)

*

પપ્પા !
આજે
તમે હાથ ફેરવો છો
તો મને કેમ નવું નવું લાગે છે ?
આજે કેમ આવું ?
આજે
શા માટે
તમે
મને
તમારી અને મમ્મીની વચ્ચે સુવડાવ્યો છે ?!

- વિવેક મનહર ટેલર

Powered By Indic IME