![]()
(પડછાયાનું જાળું…… ….સફેદ રણ, કચ્છ, ૧૯-૧૦-૨૦૦૯)
*
(જિંદગીમાં પહેલીવાર મોનો-ઇમેજ કાવ્ય પર હાથ અજમાવ્યો છે… કહેશો, કેવાં લાગ્યાં ?)
*
૧
શરદપૂનમની રાતે
ચાંદો
આટલો નીચે
છે…ક મારા બાગમાં
આવડી મોટ્ટી ટોર્ચ લઈ કેમ ઉતરી આવ્યો છે ?
એનો પડછાયો શોધવા ?
૨
મોટા મકાનની ભીંતમાં
ચણાઈ ગયેલો મારો પડછાયો
એના પગ શોધે છે.
૩
પડછાયો જાણે છે કે
એની કાળાશ પણ
કોઈક ઉજાસને જ આભારી છે.
૪
પડછાયો મિત્ર છે.
નાસી છૂટે છે, અંધારું થતાવેંતમાં જ !
૫
મારા કરતાં તો મારો પડછાયો વધુ નીડર છે.
તને હજારો વાર ભેટે, ચૂમે છે.
હું તો
તને જોઈને જ પાણી પાણી થઈ જાઉં છું.
૬
પડછાયો વધુ સારો.
અંતરાત્મા તો ક્યારેક છેહ પણ દઈ દે.
૭
ખૂબ ઊંચે જઈએ
ત્યારે
આપણે
આપણો પડછાયો પણ ગુમાવી બેસીએ છીએ.
(મારા મોનો-કાવ્ય ગુચ્છમાંથી આ કાવ્ય રદ કરું છું)
૮
પડછાયાની જાત,
કેવી ડરપોક !
અંધારું જોયું નથી કે…
૯
માણસનો પડછાયો તો કોઈપણ અજવાળે પડે.
વિચારનો પડે ?
કયા અજવાળે ?
બોલ ને, કવિતા !
૧૦
પડછાયો મારી સોડમાં આવીને સૂતો,
કચકચાવીને… દાબીને..
…આજે મધુરજની આવી.
૧૧
હું તો મરી ગયો છું.
ભલે તમે મને બાળી દો કે દાટી દો.
મારા પડછાયાનું શું ?
૧૨
પડછાયો કદી દુઃખી નથી થતો.
ચઢતા-ઢળતા સૂરજ સાથે
એણે વધઘટનું અનુકૂલન સાધી લીધું છે.
- વિવેક મનહર ટેલર
(૧૧-૧૦-૨૦૧૧)
*

આપના અભિપ્રાયો