પંચોતેરમે…

Tree by Vivek Tailor

*

(મુક્ત સૉનેટ ~ કટાવ છંદ)

પાન બધાંયે ખરી ગયાં છે,
કાળ તણી ચાબુકના ડરથી જાણે કેવાં ડરી ગયાં છે !
ડાળ બરડ સૌ તરડ-તરડ થઈ ધીમે ધીમે નમી રહી છે,
કેટકેટલી પાનખરો આ રસ્તાઓએ એક પછી એક સતત સહી છે !

ટાઢ-તાપ-વર્ષાની આંધી જરઠ ઝાડને સતત વીતાડે,
નાગો ચહેરો ઊર્મિઓને ક્યાં સંતાડે ?
સાચવ્યા છે કંઈ કંઈ પેઢીના કલરવ કંઈ ટહુકાઓ ને કંઈ માળાને,
ગણિત માંડવા બેસીએ તો માઠું લાગે સરવાળાને.

એક સમયનો હણહણતો હય ભૂલી ગયો છે જીવતરનો લય,
લોહી હજી પણ વહે છે રગમાં, કામ છતાં પણ કરી રહી વય.
બાદ થયા છે હવે પ્રતીક્ષામાંથી પંથી ને પનિહારી, બચ્ચા-કચ્ચા, ઝૂલા આદિ…
રાહ છે એક જ – પવન ફૂંકાશે કબ દખણાદી ?

સહસા વેલી એક ક્યાંકથી ઊગી નીકળી ને પહોંચી ગઈ થડથી લઈને ડાળ સુધી ત્યાં,
કંપ થયો આખી કાયામાં, પાન નામની ફૂટી ઘટના…

– વિવેક મનહર ટેલર
(૧૯-૦૯-૨૦૧૩)

 *

Tree by Vivek tailor

લગ્નજીવનની સોળમી વર્ષગાંઠે…

Vivek and Vaishali
(અમે બે…             …૨૬ જાન્યુઆરી, ૧૯૯૭ થી ૨૬ જાન્યુઆરી, ૨૦૧૩)

*

આજે છવ્વીસમી જાન્યુઆરી, પ્રજાસત્તાક દિવસે અમારા સહજીવનનું વહાણ સોળમા સમુદ્રમાં પ્રવેશ્યું. લગ્નજીવનની સોળમી વર્ષગાંઠે મારી વહાલસોયી પત્નીને એક સોનેટ-કાવ્ય ભેટ આપું છું. આપ સહુ મિત્રો પણ શુભેચ્છા પાઠવતા પહેલાં કવિતામાંથી જરૂર પસાર થાવ એવો મારો નમ્ર અનુરોધ છે…

* * *

ખુશબૂ
(સૉનેટ- બત્રીસો સવૈયો)

આગળ વધવું હોય અગર તો રસ્તાની સાથે રસ્તામાં
હોય ભલે ને ઠોકર- ખાડા, એને પણ રસ્તા ગણવાનાં.
ટાઢ-તાપ-વર્ષાના કાંટે સમય તણી ઘડિયાળ ફરે છે,
બિંદુ છે સ્થિર જનમ-જનમથી, ગતિ પામે જો રેખ બને છે.
ધીમેધીમે ચડતાં-પડતાં, સમય લગોલગ સરતાં-સરતાં
આવી ઊભાં આપણ બંને આજ અહીં બસ, હરતાં-ફરતાં.

ઓટ અને ભરતીની વચ્ચે ભીનપ સતત રહી વરતાતી,
વરસનું વીતવું જોયું કોણે ? તાજપ સદા રહી હરખાતી.
સહજીવન છે જૂનું કેટલું એ ગણવા માટેનાં ચશ્માં
વેદીમાં ફેંકી દીધાં’તાં, હિસાબ ક્યાં બંનેના વશમાં ?
પૂર્ણોલ્લાસી રૂપ ષોડષી કન્યા જેમ જનમ લઈ પામે,
એ જ પ્રકારે આપણું સગપણ ખીલ્યું આજે સોળ કળાએ.

જ્યારે જ્યારે રાત ઊતરી એક-મેકને ભરી લઈ બથ,
પવનપીઠ પર હંકાર્યા છે બસ, રાત તણી રાણીના રથ !

-વિવેક મનહર ટેલર
(૨૨/૨૩ જાન્યુઆરી, ૨૦૧૩)

*

Vivek and Vaishali

ચોટ

P1012822
(પાંદડે ડાઘ…          ….ગિરા ધોધ, વઘઈ, ૧૧-૦૮-૨૦૧૨)

*

(સૉનેટ – શાર્દૂલવિક્રીડિત)
(ગાગાગા લલગા લગા લલલગા | ગાગાલગા ગાલગા)

*

“તૂટે નક્કી જ એરણે સમયની, મોતી યદિ ખોટું છે,
સોનું જો નકલી હશે, ચમક ના લાંબી ટકે”, કીધું મેં:
“એની જેમ જ આપણો પ્રણય જે સાચો નથી લાગતો,
પંજો કેમ સહી શકે, પ્રિય ! કહે, એ કારમા કાળનો?

“ખોટો સાવ હતો નહીં, પ્રિય ! છતાં સંબંધ આ આપણો,
થોડું ભાગ્ય, જરા પ્રયત્ન પણ તો ટૂંકો પડ્યો બેઉનો;
સાથે રે’વું સદા છતાંય કમને, એ દુઃખની ખાતરી,
છૂટા યોગ્ય પળે થવું, અગર હો સાચી દિલે લાગણી.

“રે’શે એ દિવસો સદા સ્મરણમાં જે જે ગયા સાથમાં,
રે’શે કાયમ ગાઢ તોય પણ જો, આ આપણી મિત્રતા;
મારો નિર્ણય આપણા હિત અને સારાઈ માટે જ છે,
માને છે તું શું, બોલ, બોલ પ્રિય, તું ! આ વાત તો યોગ્ય છે.”

કાવ્યાંતે જ્યમ ચોટ ધારી કરતું સોનેટ હો એ રીતે
આ છેલ્લી ક્ષણમાં ઊઠાવી નયનો તેં જોયું સામે અને…

– વિવેક મનહર ટેલર
(૧૭-૦૭-૨૦૧૨)

*

P1012839
(નજરોનું સોનું…          ….ગિરા ધોધ, વઘઈ, ૧૧-૦૮-૨૦૧૨)

પોસ્ટ નં. ૪૦૧ : મજા સફરમાં છે સાચી

OLYMPUS DIGITAL CAMERA
(સોનેરી શમણું…..                   સુરત, ૧૮-૦૮-૨૦૧૨)

*

ગુજરાતી ભાષાની સર્વપ્રથમ વેબસાઇટ ધરાવતા હોવાનું ગૌરવ આજે એક નવા મુકામે આવી ઊભું છે. એક-એક કરતાં આજે ચારસો પોસ્ટ પૂરી થઈ. આ છે પોસ્ટ નં. ૪૦૧. ઓગણત્રીસમી ડિસેમ્બર, ૨૦૦૫ના રોજ આ સાઇટ શરૂ કરી ત્યારે આ સાતત્યની ખાતરી નહોતી. આજે ચારસોનો ચમત્કારિક લાગતો આંકડો પાર કરી શકાયો છે ત્યારે એના ગૌરવનું સાચું શ્રેય મારા માથે લઈ શકતો નથી કેમકે આ યાત્રા શરૂ કરી ત્યારથી જ તમારી યાત્રા હતી.. આપ સહુ મિત્રોના સાથ અને સ્નેહ વિના હું પહેલાં ડગલાં પછીનું બીજું ડગ પણ ભરી શક્યો ન હોત.. આ સફરની સફળતાના સાચા હકદાર આપ સહુ મિત્રો જ છો અને હું આપ સહુનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું અને કવિ વાલ્મિકીએ જે છંદમાં રામાયણ લખ્યું હતું એ જ છંદમાં સફરની મજા વિશેનું જ એક સોનેટ આજે રજૂ કરું છું…

*

(સૉનેટ- અનુષ્ટુપ)

સાથે રે’વું, થવું છૂટા, આપણા હાથમાં નથી,
ભાગ્ય સામે લડી કોણ જીત પામી શક્યું અહીં ?
બે’ક ઘડી રહ્યાં સાથે, હતું માત્ર નસીબ એ,
છૂટા થવું પડ્યું આજે એ પણ માત્ર ભાગ્ય છે.

સાથે જ્યારે રહ્યાં કેવાં સમજથી, સુમેળથી !
આગાહી શું પડી ખોટી એક્કેવેળા સ્વભાવની ?
આંસુઓ આવશે ક્યારે ? ક્યારે ગુસ્સો થઈ જશે ?
જાણ થઈ જતી એની આગોતરી જ બેઉને.

ગોરંભાઈ રહી હો જે એ પળો પકડી લઈ,
ઇચ્છા હો એ દિશાઓમાં વાળવામાં મજા હતી;
હતો સંતોષ એમાં જે, સ્વર્ગમાંય કશે નથી,
તો પણ આજ દોરાહે ઘસડી લાવી જિંદગી.

મજા સફરમાં સાચી અને છે માર્ગમાં ખરી,
મંઝિલ હાથમાં આવે એ ઘડી અંતની ઘડી…

– વિવેક મનહર ટેલર
(૨૦/૨૪-૦૭-૨૦૧૨)

*

OLYMPUS DIGITAL CAMERA
(રૂપની પૂનમનો પાગલ….                  …કાશ્મીર,  ૦૬-૦૫-૨૦૧૨)

દ્વાર (સૉનેટ ગઝલ)

P5111695
(જાતની હોડી ને હાથના હલેસાં…              …દાલ સરોવર, મે, ૨૦૧૨)

*

અગાઉ એક ગઝલ સૉનેટનો પ્રયોગ કર્યો હતો. આ વખતે એક સૉનેટ ગઝલ. સૉનેટ ગઝલ એટલા માટે કે આ વખતે સૉનેટના લક્ષણ વધારે છે… આ ફ્યુઝન પોએટ્રી તમને કેવી લાગી એ જણાવજો…

*

(પૃથ્વી)
લગા લલલગા લગા લલલગા લગા ગાલગા

અચાનક થઈ ગઈ છું હું અલોપ, ક્યાં શોધશે ?
બધે જ હું હતી, હવે નથી કશેજ, ક્યાં શોધશે ?
નથી હું અલમારી, ટેબલ, પલંગ, સોફા કશે,
સમસ્ત ઘરના કણેકણ મહીંય ક્યાં શોધશે ?
અડી જવું અજાણતા પ્રથમ વારનું યાદ છે ?
ચૂમી પ્રથમ ને મૂવી પ્રથમ બોલ, ક્યાં શોધશે ?
સરી હતી હું જૂઠું, સ્કુટરની બ્રેક જૂઠી જ તો,
હતી શરમ જૂઠી, સાચું હતું હાસ્ય, ક્યાં શોધશે ?

વસંત ઋતુમાંય બાગ નથી બાગ, તારા પછી,
ફૂલો, તરુવરો બધે પ્રખર આગ તારા પછી.
મકાન ભીતરે શું, બ્હાર શું ? બધે જ છે કંટકો,
ન ખીલું હું, ન ફીટવાનું કમભાગ તારા પછી.

અચાનક તું આવે તો ? સતત દ્વાર ખુલ્લાં રહે,
મહીં ધબકશે કશું અગર દ્વારને તું અડે…

– વિવેક મનહર ટેલર
(૧૬/૧૭-૦૭-૨૦૧૨)

*

P5121873
(સ્વર્ગ…                                              …કાશ્મીર, મે, ૨૦૧૨)

સ્વર્ગ

OLYMPUS DIGITAL CAMERA
(કિતની ખૂબસૂરત યે તસ્વીર હૈ….                                         ….યે કશ્મીર હૈ!)

*

(ઝૂલણા)

બોમ્બ વિસ્ફોટ કે ગોળીઓ પણ નથી, હિમશિખર પર નથી લાલ રંગો,
કમકમાટી ભરી શબ તણી ગંધ પણ ગાયબ થયે થયો એક અરસો;
તે છતાં નાક પર હાથ દઈ ચાલવા ફરજ પાડે, કરે ત્રાહિત્રાહિ,
આ ગલી, તે ગલી, જ્યાં જુઓ ત્યાં મળે, ગંદકી છે ખરી ત્રાસવાદી.

પુષ્પની ચાદરો પર નજરમાં ચડે રૅપરો બિસ્કિટો, વૅફરોનાં,
કોકની બોટલો, બટ સિગારેટનાં, પાન-ગુટખા તણાં પાઉચ ઘણાં;
ખૂબસુરત સ્થળે પૂછ્યું મેં ગાઇડને, ” ભાઈ, કાગઝ કહાઁ ડાલૂઁ મૈં યે ?”
એ કહે, “સા’બજી ! બેફિકર ડાલ દો, આપ તો કિધર ભી રાસતે મેં”

સાચવી લીધું મેં થોડું કાશ્મીર ત્યાં, સેરવી જેબમાં અલ્પ કચરો,
જ્યાં સમાઈ શકે આખું કાશ્મીર એ ખિસ્સું કોની કને લાવવાનો ?
પર્યટક સ્થળ ઉપર ડસ્ટબિન ક્યાંય પણ નજર ચડતું નથી કમનસીબે,
હોય પણ તોય શું આપણા લોકમાં ગંદકીની સમજ ધૂળ જડશે ?

ધૂળમાં મળી ગયા સ્વર્ણ સમ શબ્દ જે ચૂમતા’તા સદા હિમશિખરને-
“ધરતી પર ક્યાંય પણ સ્વર્ગ છે જો અગર, એ અહીં છે, અહીં છે, અહીં છે.”

– વિવેક મનહર ટેલર
(૦૬-૦૮-૨૦૧૨)

દાલદા દાલદા | દાલદા દાલદા | દાલદા દાલદા | દાલદા ગા

*

P5121878
(પુષ્પની ચાદરો…                                     …સલામ કાશ્મીર!)

દિવસો (ગઝલ સૉનેટ)

P5121887

સાથે ને સાથે રહેતા હતા એ દિવસ ગયા,
બે કાયા, એક છાયા હતા એ દિવસ ગયા.
ખાવું-પીવું તો ઠીક, હવાનેય બુંદ-બુંદ
શ્વાસોમાં સાથે લેતા હતા એ દિવસ ગયા.
પળથી વરસ સુધીની સમયની બધીય વાડ,
હરપળ વળોટી જીવ્યા હતા એ દિવસ ગયા.
જીરવાય, ના જીવાય જુદાઈની એક પળ
એ કાયમી મિલનમાં હતા એ દિવસ ગયા.

સંજોગે ખોઈ બેઠાં જણસ, આ દિવસ રહ્યા,
જીવન ઉપર ઉપરથી સરસ, આ દિવસ રહ્યા.
વાતો કે હસવું ઠીક છે, રસ્તે અગર મળ્યાં,
સામુંય જોઈ ના શક્યાં, બસ આ દિવસ રહ્યા.
કાંઠા સમું જીવન થયું, સાથે જ પણ અલગ,
વચ્ચે સતત વહે છે તરસ, આ દિવસ રહ્યા.

– વિવેક મનહર ટેલર
(૨૬-૧૧-૨૦૧૧ મળસ્કે ૦૩.૪૫)

આજની પેઢી સોનેટકાવ્યોથી વિમુખ થતી જાય છે એવા દિવસોમાં એવું શું કરી શકાય જેના કારણે આજની અને આવતીકાલની પેઢીનું સોનેટકાવ્ય સાથે પુનઃસંધાન કરી શકાય એવી મથામણના અંતે સરળ ભાષામાં સોનેટ લખવા, પંક્તિના અંતે વાક્ય પૂરા થઈ જાય એવું વિચારીને પરંપરાગત છંદમાં કેટલાક સોનેટ લખ્યા જે આપ અગાઉ માણી ચૂક્યા છો. પણ તોય કંઈક ખૂટતું હોય એમ લાગતું હતું. એ આ. ગઝલ-સોનેટ.

બાહ્ય બંધારણ સોનેટનું. ચૌદ પંક્તિઓ. એક અષ્ટક અને એક ષટક. અષ્ટક પતે અને ષટક શરૂ થાય ત્યારે ભાવપલટો. અને કાવ્યાંતે ચોટ.

ફ્યુઝન ગઝલસ્વરૂપ સાથે. છંદ ગઝલનો. મત્લા અને શેરના સ્વરૂપમાં કાફિયા અને રદીફની જાળવણી. અષ્ટક પતે પછી ભાવપલટાની સાથો સાથ નવો મત્લા અને નવા કાફિયા-રદીફ સાથેના શેર.

મારી દૃષ્ટિએ ગઝલની ગઝલ અને સોનેટનું સોનેટ… આખરી ફેંસલો આપના હાથમાં… આપ શું કહો છો?

અજંટાની ગુફાઓ…

PA273880
(બુદ્ધં શરણં ગચ્છામિ…                                …અજંટા, ૨૭-૧૦-૨૦૧૧)

*

(શિખરિણી)

*

સૉનેટ-વિમુખ થઈ રહેલી આજની પેઢી ફરીથી સૉનેટાભિમુખ થાય એ આશયથી લખેલું વધુ એક સૉનેટ. બને એટલી સરળ બોલચાલની ભાષા, પંક્તિના અંતે પૂરું થઈ જતું વાક્ય અને પ્રાસ-ગોઠવણી – મને જણાવજો કે હું આ કોશિશમાં સફળ થયો છું કે નહીં?

*

ઘણા સૈકા પૂર્વે ગગન ચુમતા પર્વત મહીં,
હથોડી-છીણીથી અનુપમ ગુફાઓ રચી અહીં;
સદીઓ સુધી કૈં અનવરત આ કોતરણી થૈ,
અડો ત્યાં બોલી દે, સજીવન કળા એવી થઈ કૈં,
મહાવીરો, બુદ્ધો, શિવ-જીવ બધા એક જ સ્થળે
રહે છે સંપીને, અબુધ જગ આ કેમ જ કળે ?

ભલે આકાશેથી અગનઝરતો તાપ પડતો,
અતિવૃષ્ટિ, ઠંડી; નિશદિન ભલે કાળ ડસતો;
મશીનોયે ન્હોતા, કુશળ ઇજનેરો ય ન હતા,
હતા બે હાથો ને જગતભરની તીવ્ર દૃઢતા;
તમા ના કીર્તિની, અપ્રતિમ પુરસ્કારનીય ના,
છતાં અર્પી દીધું જીવતર થવાને અહીં ફના.

પ્રભુની માયા કે અચરજ ચમત્કાર તણું આ ?
અરે, ના ના ! આ તો હતી ફકત શ્રદ્ધા અકળમાં !

-વિવેક મનહર ટેલર
(૨૮-૧૧-૨૦૧૧)

*

PA274073
(અંતઃસ્થ…                               …અજંટા, ૨૭-૧૦-૨૦૧૧)

ભૂકંપ

OLYMPUS DIGITAL CAMERA
(સમયનો કંપ…                          ……નટરાજ, ઈલોરા, ૨૭-૧૦-૨૦૧૧)

*

સૉનેટથી ડરતી આજની પેઢીને શું ફરીથી સૉનેટાભિમુખ કરી શકાય? સૉનેટનું થોડું સરળીકરણ કરવાથી શું એનો ડર મનમાંથી કાઢી શકાય? પ્રસ્તુત છે, આ માટેની મારી એક કોશિશ…

*

(હરિગીત તથા પરંપરિત હરિગીત)
ગાગાલગા ગાગાલગા | ગાગા | લગા ગાગાલગા

વહેલી સવારે રોજની માફક ઘરે બેઠો હતો,
પરિવાર સાથે મસ્તીથી, ખોલી હું છાપાં રોજનાં;
સાથે મસાલેદાર ચા, ડાયેટ સ્પેશ્યલ ખાખરા,
ને સ્વાદ બોનસમાં ભળે છે દીકરાની વાતનો.

કપ ચા તણો સરક્યો જરા, ચમચી ધ્રૂજી, ટેબલ હલ્યું,
આ શું થયું ? ચિત્તભ્રમ છે કે ચક્કર જરા આવી ગયાં ?
ઘર બહાર આવી જોયું તો રસ્તા ઉપર લોકો બધા,
ભૂકંપની થઈ ખાતરી ત્યાં સળવળ્યું ભીતર કશું.

ભૂકંપની ગંભીરતાની ટીવી દ્વારા જાણ થઈ,
કંઈ કેટલી બિલ્ડિંગની બિલ્ડિંગ કચ્ચરઘાણ થઈ !
અરમાન, આશા કેટલાં, ઊજળાં ભવિષ્યો કેટલાં
આ આંખના પલકારમાં બસ, કાટમાળ જ થઈ ગયાં!

સંસારની હસતી છબી લાગી અજંપ…
તું ગઈ એ દિ’ પણ આ રીતે થ્યો’તો ભૂકંપ…

– વિવેક મનહર ટેલર
(૨૧-૧૦-૨૦૧૧)

OLYMPUS DIGITAL CAMERA
(અનંત…                            …ઈલોરા, ૨૭-૧૦-૨૦૧૧)

હોત હું જો કલાપી

OLYMPUS DIGITAL CAMERA
(કોના વાંકે….                        …નીલકંઠ (ઇન્ડિયન રોલર), ૧૮-૧૦-૨૦૧૧)

*

કવિ ઉદયન ઠક્કરનો આ પ્રશ્ન ‘ગઝલ ને ગીતને એ વારાફરતી પહેરે છે, કવિની પાસે શું વસ્ત્રોની બે જ જોડી છે?’ વિચારતા કરી મૂકે છે. હું બહુધા ગઝલ લખું છું, ગીત પણ લખું છું. ક્યારેક મુક્તક, હાઈકુ, અછાંદસ અને એકાદ વાર મોનો-ઇમેજ કાવ્ય પર પણ હાથ અજમાવી ચૂક્યો છું. પણ અંદરથી સતત એવું થયા કરે કોઈ ઇમેજનો શિકાર થવાના બદલે કે બધા જ કાવ્યપ્રકારોમાં મારે મારી શક્તિને નાણી-તાણી જોવી જોઈએ. સંસ્કૃત વૃત્તોએ કાયમ ડરાવ્યો હોવા છતાં પ્રબળતાથી આકર્ષ્યો પણ એટલો જ.

એક સવારે છાપું લેવા ઘર બહાર નીકળ્યો અને નીલકંઠને મરેલું જોયું. સુરત શહેરમાં નીલકંઠ (જીવતું કે મરેલું) જોવા મળે એ જ મહાઆશ્ચર્ય અને એ પણ મારા જ ઘરના ઓટલા પર? મારી ભીતર મંદાક્રાન્તાનો પવન વાતો હોવાનું અનુભવ્યું અને આમ અચાનક જ સૉનેટની શરૂઆત થઈ.

સળંગ ચાર ગુરુ અને તરત જ સળંગ પાંચ લઘુ અક્ષરો અને બે યતિની લગામ લઈને વહેતા મંદાક્રાન્તા છંદમાં લખાયેલું આ સૉનેટ આપને કેવું લાગ્યું?

*

(મંદાક્રાન્તા)
ગાગાગાગા | લલલલલગા | ગાલગા ગાલગાગા

*

પ્રાતઃકાળે શિથિલ પગલે બારણું ખોલ્યું મેં જ્યાં,
છાપાંસ્થાને જીવનહીન મેં પંખી જોયું પડ્યું ત્યાં.
શ્વાસો મારા જડવત અને વેદનાસિક્ત આંખો,
કાયા એવી બધિર, લકવો કેમ જાણે પડ્યો હો !

નીલું એનું મનહર તનુ, રંગબેરંગી છાંટા
આંખો ખુલ્લી – મહીં તગતગે આભના કૈંક આંટા.
આવ્યો ક્યાંથી નગર વચમાં, ગામનો જીવ ભોળો ?
જાગી ઊઠ્યાં સ્મરણ સહસા, નીલકંઠો જ આ તો.

બિલ્લીની આ કરતૂત નથી, બચ્યું છે આ સુવાંગ,
રેઢો મૂકે કદી ન સમડી આવી રીતે શિકાર.
કોના વાંકે સૂતું વિહગ આ આખરી શ્વાસ ત્યાગી?
કે પાંખોમાં ભરી ક્ષિતિજને જિંદગી આજ થાકી ?

‘રે પંખીની ઉપર’ મનમાં વેદના કૈંક વ્યાપી,
કીધાં હોતે કવન બહુ મેં, હોત જો હું કલાપી.

– વિવેક મનહર ટેલર
(૧૯-૧૦-૨૦૧૧)

*

nilkanth
(નીલકંઠ….                                                       ….કચ્છ, ૨૧-૧૦-૨૦૦૯)