સૉનેટ

You are currently browsing the archive for the સૉનેટ category.

twenty years

વીસ વરસ પહેલાં છવ્વીસમી જાન્યુઆરીના દિવસે અમે અગ્નિની સાક્ષીએ દ્વૈતમાંથી અદ્વૈત થવા તરફ ગતિ કરી હતી… જીવનમાં બંનેનું સરખું વજન રહે એ માટે, કોઈ પંડિતની સલાહ લીધા વિના અમે જાતે જ પ્રજાસત્તાક દિવસ પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો.  દામ્પત્યજીવનની વીસમી વર્ષગાંઠ પર આ એક સૉનેટ મારા તરફથી વૈશાલીને ભેટ કેમ કે વીસ વર્ષના સહવાસનો આ પ્રવાસ હવે શ્વાસ બની ગયો છે…

*

(શિખરિણી)

કદી આ રસ્તાને ઉપર ચડવું’તું પરવતે,
યદિ એનું ચાલે, શિખર કરતાં ઉન્નત જતે,
કદી ખીણોથીયે નીચું ઉતરવાનું થયું હશે,
વળી કો’દી તો એ પણ થયું હશે: ના જવું કશે.

કદી આ રસ્તો છે સમથળ અને ક્યાંક નહિ એ,
કશે તૂટ્યો-ફૂટ્યો કરમ સમ તો અક્ષત કશે,
કદી સીધેસીધો, કદી અવળચંડો વનવને,
કદી થંભે દોડે, જીવન સરખો લાગત મને.

કહો, રસ્તાને હો થવું અગર રસ્તો, શીદ થશે?
કિનારી જોશેને ઉભય તરફે! તો જ બનશે.
કદી ઢાંકી દે ઘાસ, કદી વળી ઢેફાં-ધૂળ નડે,
છતાં બંને સાથે સતત રહીને મારગ ઘડે.

ભલે જેવો-તેવો પણ સતત વચ્ચે જ લઈને,
રચ્યો બંનેએ મારગ જીવનનો કોર થઈ બે.

– વિવેક મનહર ટેલર
(૨૬-૦૧-૨૦૧૭)

(લગાગાગાગાગા / લલલલલગા / ગાલલલગા)

*

IMG_1774

Saras Cranes by Vivek Tailor
(સાથે સાથે….                    …સારસ ક્રેન, ઉભરાટ, ઑગસ્ટ-૨૦૦૯)

*

{સ્ત્રગ્ધરા (12)} {ખંડ મંદાક્રાન્તા (2)}

બોલો જોયું કશે સારસ યુગલ સમું પ્રેમમાં મગ્ન કોઈ?
પ્રેમે કેવો ? દીયા-બાતી, રુધિર રગમાં, સોયમાં દોર પ્રોઈ;
સંગાથે બેઉ જીવે, અનવરત લઈ ચાંચ-ચાંચે ફરે છે,
જ્યાં એકે જીવ ખોયો, તરત જ પટકી માથું બીજું મરે છે,

હૈયું જોડાયું’તું એમ જ ઉભયનું, ના રેણ ના કોઈ સાંધો,
જોડી જાણે કે રાધા કિશન પ્રણયમાં લીન હો રાત-દા’ડો;
ઈર્ષ્યા ના થાય કોને ? તનમનધનથી બેઉ સંપૃક્ત કેવા !
છો જગ જાતું રસાતાળ પણ ઉભયને કોઈ લેવા, ન દેવા.

કોની લાગી હશે રે નજર જળ થયા લાઠી માર્યે જુદા આ,
પત્તાનો મ્હેલ કે કાચ ઘર ? બધું થયું એક ફૂંકે સફાયા ?
નોખાં થૈ ગ્યાં સદાના હમસફર, ભલે વાસ એક જ રયો છે,
કાયા છોડી દઈ ભીતર રવરવતો શ્વાસ ચાલ્યો ગયો છે.

પાછો આવે ? ના.. ના.. શ્રદ્ધા ગત થઈ પછી કોઈ કાળે ન આવે,
શંકા? ના…ના… પ્રેમ જ… હા..હા.. પરત દિલમાં લાવે તો માત્ર લાવે.

– વિવેક મનહર ટેલર
(જુલાઈ ૨૦૧૬)

Saras Cranes by Vivek Tailor
(અલગ અલગ….                  …સારસ ક્રેન, ઉભરાટ, ઑગસ્ટ-૨૦૦૯)

scsm_first n third saturday

*

(વનવેલી સૉનેટ)

સાચો શબ્દ જડી આવે એની રાહ જોવામાં જ
એઝરા પાઉન્ડે એક આખું વર્ષ કાઢી નાંખ્યું.
પેરિસના મેટ્રો સ્ટેશને જોયેલા ચહેરાઓને
કંડારવા છત્રીસ પંક્તિઓ લખી. છત્રીસની અઢાર કરી ને અંતે
બે જ પંક્તિ ને ચૌદ શબ્દોની કવિતા વરસ પછી આ દુનિયાને આપી.
વરસોથી એ કવિતા જગ આખાને મંત્રમુગ્ધ કરતી આવી છે અને કીધા કરશે.

એક સાચી કવિતા, એક શબ્દની રાહ માણસ ક્યાં સુધી જોઈ શકે ?
મારે દર શનિવારે મારી વેબસાઇટ ઉપર એક નવી કવિતા અપલોડ કરવાની હોય છે.
પાઉન્ડને શું હતાં આવાં કોઈ કમિટમેન્ટ ?
આજે ફરી મારે અઠવાડિક કવિતા પૉસ્ટ કરવાનો દિવસ આવી ઊભો છે.
થોભો જરા, ગજવા ફંફોસી લઉં. ઘસાઈ ન ગયો હોય એવો કોઈ
શબ્દ કે ચવાઈ ન ગઈ હોય એવી કોઈ કવિતા બચ્યાં છે ખરાં મારા ખિસ્સામાં ?

ઓ પાઉન્ડ, યુ બાસ્ટર્ડ ! ખુશ ?
મેં કેલેન્ડરમાંથી શનિવાર જ ફાડી નાંખ્યા છે કાયમ માટે.

– વિવેક મનહર ટેલર
(૦૮-૧૦-૨૦૧૪)

Luggage by Vivek Tailor
સામાન સો બરસ કા હૈ…. એરપૉર્ટ, ન્યૂ જર્સી, ૨૦૧૧)

*

(ઇન્દ્રવજ્રા)

સામાનમાં રાખવું શું, નહીં શું ?
માથે દઈ હાથ હું એ વિમાસું:
ખાવા-પીવાની કરવી વ્યવસ્થા,
ઇસ્ત્રેલ વસ્ત્રો, ઘડિયાળ, ચશ્માં;
સેલ્ફોન, પાકીટ, ડિઓ વગેરે,
ને સાબુ, શેમ્પૂ ભરવું સુપેરે.
થોડીક ઇચ્છા, શમણાંય થોડાં,
બાંધ્યા અકસ્માત્ જ બિસ્તરામાં…

ચાલું છું વર્ષોથી હું એકધારું,
તોયે હતો જ્યાં, હજુ ત્યાં ને ત્યાં હું,
શું કો’ સમે અંતર આ કપાશે ?
સામાન ના હોત તો શું ચલાતે ?

(વંશસ્થ)
મુસાફરી આ શું કદી પૂરી થશે ?
મને શું મારો હું કદીય લાધશે ?

– વિવેક મનહર ટેલર
(૧૭-૧૯/૦૭/૨૦૧૪)

*

Luggage by Vivek Tailor

canal view by Vivek Tailor
(શહેરની વચ્ચે નહેર…..                …ભટાર રોડ, સુરત, ૦૧-૦૩-૨૦૧૪)

*

અગાઉ જે વિષય ઉપર એક દીર્ઘ નઝમ લખી હતી એ જ વિષય પર આ વખતે એક નઝમ-સૉનેટ…

સૉનેટના લક્ષણો: ચૌદ પંક્તિઓ (૪-૪-૪-૨), આઠ પંક્તિઓ સુધી ભાવાભિવ્યક્તિની ભરતી અને પછી ષટકમાં કથયિતવ્ય વળાંક બાદ ભરતી પછીની ઓટના બદલે ચોટ.

નઝમના લક્ષણો: મુખ્ય ત્રણ અંતરા. ત્રણેય અંતરાની ત્રણ પંક્તિઓના પ્રાસ એક-મેક સાથે અને નઝમ-શૈલી મુજબ દરેક અંતરાની ચોથી પંક્તિઓના પ્રાસ એક-મેક સાથે અને અંતિમ બે પંક્તિઓ સાથે. છંદ પણ નઝમનો.

આ કોક-ટેલ આપને કેવું લાગ્યું એ જણાવશો તો ગમશે…

*

કશેક દૂરના ખેતરને પ્રાણ દેવામાં,
કિનારે ઊગ્યાં છે એ ઝાડવાંની સેવામાં;
નહેર શહેરની વચ્ચેથી કેવા-કેવામાં
ન જાણે કેટલા વરસોથી કાઢે છે હડીઓ !

સમયની સાથે વહે છે કે એ વહે આગળ ?
સિમેન્ટી આંખમાં આંજ્યું ન હો લીલું કાજળ;
શિરા શરીરની, જ્યાં રક્ત વહે છે પળપળ
અલગ બે દ્વારને સાંકળતો જાણે આગળિયો.

હવે સિમેન્ટના ખોખામાં થાશે બંધ નહેર,
કિનારે ઊગ્યા બધા વૃક્ષ પર ઉતરશે કહેર,
સડક થશે ને ઉપરથી થશે પસાર શહેર,
શહેર જીવતું હતું, જીવશે- કોને ફેર પડ્યો ?

ઉતરતાં પાણીમાં દેખાતી સાફ માછલીઓ,
ત્યજી ગયો કહી, ‘ગુડ બાય’ એક કલકલિયો.

– વિવેક મનહર ટેલર
(૧૯-૦૨-૨૦૧૪)

*

Kingfisher by Vivek Tailor
(બંધાતી જતી નહેર અને કલકલિયો…     …ભટાર રોડ, સુરત, ૦૧-૦૩-૨૦૧૪)

Vivek Tailor n vaishali

*
ગુજરાતી સૉનેટ પહેલવારકુ લખાયું એ વાતને આજે ૧૨૫ વર્ષ થયા… ૧૮૮૮થી ૨૦૧૩ની આ મઝલની શરૂઆત બળવંતરાય ક. ઠાકોરના અજરઅમર “ભણકારા” સૉનેટથી થઈ. ગુજરાતી સૉનેટ આ સવા શતાબ્દીમાં કેટલું બધું બદલાયું! આજે તો એ કદાચ મૃતઃપાય પરિસ્થિતિમાં મૂકાયું છે. છતાં ક્યાંક ક્યાંક સૉનેટની જ્યોત આછી તો આછી પણ હજી પ્રજ્વલિત છે. પરંપરાને બાજુએ મૂકીને છંદના બંધન ફગાવીને આજે માણીએ એક ગદ્ય સૉનેટ.
*

(ગદ્ય સૉનેટ)

સમયના સળ ચહેરા પર પડ્યા ન હોય, મકાનની એવી હાલત છે,
રંગના પોપડાં ઊખડી ગયા છે કદાચ શુંનું શું સાથે લઈને, પ્લાસ્ટર
ચીરીને ક્યાંક હવા તો ક્યાંક અંધારું મથી રહ્યાં છે અંદર ઉતરવા,
દીવાલો-ગોખલાંઓ રમી રહ્યાં છે કરોળિયાઓ સાથે. અવાવરૂ ઇચ્છા
જેવા એકાદ-બે પીપળા પણ ફૂટી આવ્યા છે નાના-મોટા.વરસાદને
રુચિ ગઈ હોય એવી એકાદ-બે જગ્યાએ શેવાળ પણ ફૂટી નીકળી છે.

આપણુંય આમ તો આવું જ ને ! સમયના થપાટે ક્યાંક કરચલી,
ક્યાંક સફેદી; ક્યારેક કમર, ક્યારેક ઘૂંટણ; કદીક શું, કદીક શું નહીં!
નાના-મોટા ભૂકંપ, પૂર, આગ,
પોપડાં-તડ-શેવાળ વિ. વિ.
એકદા એકાદા કુંડાળામાંય ગરી નહોતો ગયો આ પગ? હા, હાસ્તો.
પણ તેં સમય પર સાચવી લીધું હતું ને બધું સચવાઈ ગયું, હં ને!

પણ કહે મને, પ્રિયે ! કહે છે કોણ કે આ ચુંબનોને કાટ લાગે છે ?!
આ જો… જો આ… હજી આટલા વરસેય મારાં એક-એક રૂંવાડાં…

– વિવેક મનહર ટેલર
(૨૯-૧૦-૨૦૧૩)

sparrows by Vivek Tailor
(સાથ….                               …દિરાંગ, અરુણાચલ પ્રદેશ, નવે-૨૦૧૦)

*

(સૉનેટ – વસંતતિલકા)
ગાગાલગા લલલગા | લલગાલ ગાગા

*

છોને થયાં અલગ બેઉ છતાં દિલોમાં
સંતોષ બે’ક ડગ સાથ લીધા તણો છે;
થોડી જ વાર પણ હાથ ગ્રહેલ હાથે,
એ સ્પર્શના સ્મરણ કાયમ આવવાના.

ખોટું રિસામણું, મનામણું તોય સાચું,
સાથે જીવેલ પળ યાદ તમામ રે’શે,
ઝીણીઝીણી વિગત કેમ કરી ભૂલાશે?
એ જિંદગી વગર જિંદગી જીવવાનું;

જે જે સ્થળે ભ્રમણ સાથ રહી કરેલ,
એ હેરિટેજ તરીકે જ હવે ગણાશે;
સંગાથ છો કડડભૂસ થયો છતાંયે
ત્યાં કાંગરોય ન ખરી શકવા સમર્થ.

લાગે ભલે કદથી હાઇકુ નાનું તોયે,
સોનેટથીય અદકેરું બની શકે છે.

-વિવેક મનહર ટેલર
(૧૭/૧૮-૦૭-૨૦૧૨)

*

Junagadh by Vivek Tailor
(હેરિટેજ…                       …બહાઉદ્દીન મકબરા, જૂનાગઢ, ૨૫-૦૨-૨૦૧૩)

P6090171
(સપનાં અનલિમિટેડ…..                               …લદાખી કન્યા, 2013)

*

(ગઝલ-સૉનેટ)

થોડાં સપનાં, થોડી ઇચ્છા, થોડી વાતો લાવી છું,
હાથ ભલે ખાલી લાગે પણ કંઈ સોગાતો લાવી છું.
પાળી-પોષી જીવની માફક પળ-પળ જે ઉછેર્યાં છે,
એંઠાં બોર સમાં એ એક-એક દિ’ ને રાતો લાવી છું.
ફેસબુક-વૉટ્સએપ-ફોનની પેલી બાજુ તું જડશે કેવો?
રંગ કલ્પનાઓનો વાસ્તવથી ચડિયાતો લાવી છું.
પાગલ-શાણી, શાંત-ત્સુનામી, નિર્ભીક-ભીરુ-શરમાતી,
એક જાતની ભીતર જાણે કેટલી જાતો લાવી છું.

પણ શું સઘળું લઈ આવવામાં હું શું સાચે ફાવી છું?
કે તારી સામે હું બિલકુલ ખાલી હાથે આવી છું?
મારાં સપનાં, મારી ઇચ્છા, મારી વાતો લાવી છું ?
કે હું કેવળ કલ્પન છું ને વાસ્તવ ઉપર હાવી છું ?
તું સામે આવ્યો જ્યાં હું ખુદને સાવ જ લાગી ખાલી
હું અહીંયાં આવી તો ગઈ છું પણ શું સાચે આવી છું?

– વિવેક મનહર ટેલર
(૧૫-૦૯-૨૦૧૩)

*

ગઝલના લક્ષણો: મત્લા, રદીફ-કાફિયા, શેર, છંદ. (અષ્ટક પછી ષટકમાં આવતા ભાવપલટા માટે નવા મત્લા અને નવા રદીફ-કાફિયા)
સોનેટના લક્ષણો: પંક્તિસંખ્યા, અષ્ટક-શતકનું સ્વરૂપબંધારણ, અષ્ટક પછી ભાવપલટો, અંતિમ પંક્તિઓમાં ચોટ, છંદ (?બત્રીસો સવૈયો)

woman
(એક અને અનંત….                               ….હુડસર, નુબ્રા વેલી, મે 2013)

Tree by Vivek Tailor

*

(મુક્ત સૉનેટ ~ કટાવ છંદ)

પાન બધાંયે ખરી ગયાં છે,
કાળ તણી ચાબુકના ડરથી જાણે કેવાં ડરી ગયાં છે !
ડાળ બરડ સૌ તરડ-તરડ થઈ ધીમે ધીમે નમી રહી છે,
કેટકેટલી પાનખરો આ રસ્તાઓએ એક પછી એક સતત સહી છે !

ટાઢ-તાપ-વર્ષાની આંધી જરઠ ઝાડને સતત વીતાડે,
નાગો ચહેરો ઊર્મિઓને ક્યાં સંતાડે ?
સાચવ્યા છે કંઈ કંઈ પેઢીના કલરવ કંઈ ટહુકાઓ ને કંઈ માળાને,
ગણિત માંડવા બેસીએ તો માઠું લાગે સરવાળાને.

એક સમયનો હણહણતો હય ભૂલી ગયો છે જીવતરનો લય,
લોહી હજી પણ વહે છે રગમાં, કામ છતાં પણ કરી રહી વય.
બાદ થયા છે હવે પ્રતીક્ષામાંથી પંથી ને પનિહારી, બચ્ચા-કચ્ચા, ઝૂલા આદિ…
રાહ છે એક જ – પવન ફૂંકાશે કબ દખણાદી ?

સહસા વેલી એક ક્યાંકથી ઊગી નીકળી ને પહોંચી ગઈ થડથી લઈને ડાળ સુધી ત્યાં,
કંપ થયો આખી કાયામાં, પાન નામની ફૂટી ઘટના…

– વિવેક મનહર ટેલર
(૧૯-૦૯-૨૦૧૩)

 *

Tree by Vivek tailor

Vivek and Vaishali
(અમે બે…             …૨૬ જાન્યુઆરી, ૧૯૯૭ થી ૨૬ જાન્યુઆરી, ૨૦૧૩)

*

આજે છવ્વીસમી જાન્યુઆરી, પ્રજાસત્તાક દિવસે અમારા સહજીવનનું વહાણ સોળમા સમુદ્રમાં પ્રવેશ્યું. લગ્નજીવનની સોળમી વર્ષગાંઠે મારી વહાલસોયી પત્નીને એક સોનેટ-કાવ્ય ભેટ આપું છું. આપ સહુ મિત્રો પણ શુભેચ્છા પાઠવતા પહેલાં કવિતામાંથી જરૂર પસાર થાવ એવો મારો નમ્ર અનુરોધ છે…

* * *

ખુશબૂ
(સૉનેટ- બત્રીસો સવૈયો)

આગળ વધવું હોય અગર તો રસ્તાની સાથે રસ્તામાં
હોય ભલે ને ઠોકર- ખાડા, એને પણ રસ્તા ગણવાનાં.
ટાઢ-તાપ-વર્ષાના કાંટે સમય તણી ઘડિયાળ ફરે છે,
બિંદુ છે સ્થિર જનમ-જનમથી, ગતિ પામે જો રેખ બને છે.
ધીમેધીમે ચડતાં-પડતાં, સમય લગોલગ સરતાં-સરતાં
આવી ઊભાં આપણ બંને આજ અહીં બસ, હરતાં-ફરતાં.

ઓટ અને ભરતીની વચ્ચે ભીનપ સતત રહી વરતાતી,
વરસનું વીતવું જોયું કોણે ? તાજપ સદા રહી હરખાતી.
સહજીવન છે જૂનું કેટલું એ ગણવા માટેનાં ચશ્માં
વેદીમાં ફેંકી દીધાં’તાં, હિસાબ ક્યાં બંનેના વશમાં ?
પૂર્ણોલ્લાસી રૂપ ષોડષી કન્યા જેમ જનમ લઈ પામે,
એ જ પ્રકારે આપણું સગપણ ખીલ્યું આજે સોળ કળાએ.

જ્યારે જ્યારે રાત ઊતરી એક-મેકને ભરી લઈ બથ,
પવનપીઠ પર હંકાર્યા છે બસ, રાત તણી રાણીના રથ !

-વિવેક મનહર ટેલર
(૨૨/૨૩ જાન્યુઆરી, ૨૦૧૩)

*

Vivek and Vaishali

« Older entries