વર્ષગાંઠ મુબારક હો….

Vai_bday1_2013

*

ઊંમર ભલે ને કોઈ પણ હોય, વર્ષગાંઠનો દિવસ તો ખાસ જ લાગવાનો.. આજે આઠમી સપ્ટેમ્બર… મારી જીવનસાથી વૈશાલીનો જન્મદિવસ… એ નિમિત્તે એક નાનકડું તરોતાજા અંજનીગીત ભેટ સ્વરૂપે…

…કેમકે મારા તો દરેક શબ્દ, દરેક કવિતા નખશિખ એના ઋણી છે…

જન્મદિવસ મુબારક હો, વહાલી વૈશાલી..

*

પ્રાર્થના

તારા સાગરની બે બુંદો,
તારા ઘરનો એક જ ખૂણો
એક જ કાનો ‘તારા’માંનો,
.                 થાવું છે મારે.

થોડું ખાતર, થોડું પાણી,
થોડી પ્રેમભરેલી વાણી,
એ પરથી બસ, જઈશ હું જાણી
.                 શું તુજ મનમાં છે ?

બીજી કોઈ ઇચ્છા ક્યાં છે ?
જીવું છું હું એક વિચારે,
સફર સફળ છે જો તું ચાલે
.                 બે જ કદમ સાથે.

– વિવેક મનહર ટેલર
(૦૭-૦૯-૨૦૧૩)

*

Vai_bday2_2013

અંજની-ત્રયી : ૦૩ : વ્યાખ્યા

Sunset at Grand canyon
(હું ત્યાં ત્યાં છું, તું જ્યાં જ્યાં છે….         …ગ્રાન્ડ કેન્યન, એરિઝોના, ૨૦૧૧)

*

અંજની-ત્રિવેણીનો આ ત્રીજો અને આખરી પ્રવાહ… આલિંગનનો રોમાંચ, એનું મીઠું સ્મરણ- આ બધું ઓગળી- ઓળંગી ગયા પછી ? જ્યારે કશું ન રહે એ ક્ષણ જ પ્રેમના સાક્ષાત્કારની ક્ષણ છે…

૦૩.

પગની નીચે ધરતી ક્યાં છે ?
હું ત્યાં ત્યાં છું, તું જ્યાં જ્યાં છે,
પ્રેમની મારા મનમાં, પ્રિયતમ !
.                            બસ, આ વ્યાખ્યા છે.

ક્યા પાયા હૈ, ક્યા થા બોયા ?
જ્યોં જ્યોં પાઉં, ત્યોં ત્યોં ખોયા,
સફળ મનોરથ, સકળ તીરથ મેં
.                            તારામાં જોયા.

-વિવેક મનહર ટેલર
(૧૦-૦૨-૨૦૧૩)

*

girl katchh
(હું મને ક્યાંય પણ જડતી નથી…      …કચ્છ, ૨૦૦૯)

અંજની-ત્રયી : ૦૨ : પડઘા

Vivek and vaishali
(તુમ સાથ હો જબ અપને…                          …દુબઈ, નવેમ્બર, ૨૦૧૨)

*

પ્રથમ આલિંગનની અનુભૂતિની અંજની-ત્રિવેણીનો આ બીજો પ્રવાહ. આ અંજનીગીતમાં પ્રાસ-રચના પ્રણાલિકા પ્રમાણે રાખી છે. આગલા ગીતમાં આલિંગનની ક્ષણોનો રોમાંચ હતો, અહીં આલિંગન પૂરું થઈ ગયા પછી એની સ્મૃતિઓ શી રીતે પડઘાતી રહે છે એની વાત છે…

૦૨.

એ પહેલું પહેલું આલિંગન,
એ હળવું માથા પર ચુંબન,
હજી સુધી તન-મનમાં કંપન
.                               પડઘાયે રાખે…

સુધ-બુધ જાયે, આવે, જાયે,
હું ખુદને જડતી ના ક્યાંયે,
ફરી ફરી ઇચ્છું છું આ યે-
.                               ફરી મને ચાખે.

જગ આખું લાગે છે પોકળ,
ખુશબૂથી પણ કોમળ કોમળ
મારા આ તન-મનની ભોગળ
.                               કોણ હવે વાખે ?

-વિવેક મનહર ટેલર
(૧૦-૦૨-૨૦૧૩)

khushboo
(ખુશબૂથી પણ કોમળ કોમળ…                      …અમેરિકા, મે, ૨૦૧૦)

અંજની-ત્રયી : ૦૧ : આલિંગનમાં…

At Dubai...
(દડબડ દોડે…….                                     …દુબઈ, નવે-૨૦૧૨)

*

પ્રથમ આલિંગનનો રોમાંચ કેવો હોય એની અનુભૂતિ વર્ણવતા ત્રણ અંજનીગીતોના ગુચ્છમાંનું આ પહેલું અંજની ગીત…

એક તરફ આ આલિંગન અહં બ્રહ્મની અનુભૂતિ કરાવે છે તો બીજી તરફ એ પૂરી ન શકાય એવો સુનકાર મહેસુસ કરાવે છે અને ત્રીજી તરફ એ selflessnessની સ્થિતિ સુધી લઈ જાય છે…

*

૦૧.

લાખો ઘોડા દડબડ દોડે,
સમદર મોજાં પથરાં તોડે,
ઘાસ પવનમાં એમ રૂંવાડા
.                   જાતને ઝંઝોડે.

अहं ब्रह्मનું ગાન ગગનમાં,
તોયે સૂન્ન સૂન્ન શું મનમાં,
હું પીગળી ગઈ પહેલા-વહેલા
.                   આ આલિંગનમાં.

– વિવેક મનહર ટેલર
(૧૦-૦૨-૨૦૧૩)

*

અંજની કાવ્ય વિશે શ્રી રામનારાયણ વિ. પાઠક ‘બૃહત્ પિંગળ’માં આપેલી જાણકારીના હિસાબે એમ કહી શકાય કે જેમ સૉનેટ, હાઈકુ, ગઝલ એમ અંજની ગીત પણ આપણે ત્યાં અન્ય સાહિત્ય (મરાઠી)માંથી આયાત થયેલો કાવ્યપ્રકાર છે. અંજની ગીત સૌથી પહેલું કાન્તે લખ્યું જણાય છે… (જો કે એ પહેલાં કાન્તના મિત્ર રાજારામ રામશંકરના ગુજરાતી ભાષાંતરમાં એક અંજની કાવ્ય કહી શકાય એવી રચના જડી આવે છે)

અંજની ગીતમાં પહેલી ત્રણ પંક્તિઓ સોળ સોળ માત્રાની અને એક જ પ્રાસ ધરાવે છે. એમાં ચાર ચતુષ્કલ (ગાગા) સંધિઓ આવે છે. ચોથી પંક્તિ ટૂંકી છે, દસ માત્રાની છે, ઉપરના પ્રાસથી વિખૂટી છે. આની ખાસ ખૂબી એ છે કે ત્રીજી પંક્તિ પ્રાસથી આગલી બે પંક્તિ સાથે સંધાયેલી હોય છે, છતાં પઠનમાં એ ચોથી સાથે વધારે ગાઢ રીતે સંધાયેલી હોવાથી એક સુંદર ભંગીનો અનુભવ થાય છે. છંદના જાણકાર માટે અંજની ગીતની ઉત્થાપનિકા આ પ્રમાણે થાય:

દાદા દાદા દાદા ગાગા
દાદા દાદા દાદા ગાગા
દાદા દાદા દાદા ગાગા
દાદા દાદા દા – –

પ્રણાલિકાથી જરા ઉફરા ચાલીને અહીં પહેલી, બીજી અને ચોથી પંક્તિઓમાં પ્રાસના અંકોડા ભેરવ્યા છે.

ભેટ

OLYMPUS DIGITAL CAMERA
(જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ…      …વૈશાલી, ૦૫-૦૫-૧૨)

*

(અંજનીગીત)

“સોનું-ચાંદી, હીરા-મોતી,
સ્વપ્ન કહે, તું કોના જોતી ?
આભ ચીરીને લાવું ગોતી
.                  જન્મદિને તારા”

એ ના બોલી એક હરફ પણ,
થોડી ઊંચકી, ઢાળી પાંપણ,
હૈયામાં શી થાય વિમાસણ
.                  એના ને મારા !

વીજ ઝબૂકે મેઘાડંબર,
એ ઝંખે છે આજ જીવનભર,
રેલાવી દઉં જન્મદિવસ પર
.                  ગીત તણી ધારા

-વિવેક મનહર ટેલર
(૦૭-૦૯-૨૦૧૨)

મારી વહાલસોયી પત્નીને એના જન્મદિવસ પર મારું પહેલું અંજનીગીત. અંજનીગીત મરાઠીમાંથી ઊતરી આવેલો કાવ્યપ્રકાર છે જેના વિશે વધુ માહિતી આપ લયસ્તરો પર આ લિન્ક (http://layastaro.com/?p=7440) ઉપર જોઈ શક્શો…

*

OLYMPUS DIGITAL CAMERA
(આ સ્મિતનો સૂર્ય સદા ઝળહળતો રહો…        …વૈશાલી, ૧૨-૦૫-૧૨)