વર્ષગાંઠ

You are currently browsing the archive for the વર્ષગાંઠ category.

OLYMPUS DIGITAL CAMERA

*

૦૨-૦૨-૨૦૦૫ના રોજ લગભગ પંદર વર્ષ લાંબી શીતનિદ્રા બાદ “વૃક્ષ” ગઝલસ્વરૂપે મારું પહેલું રિ-અવેકનિંગ થયું. અને એ જ વર્ષની ૨૯મી ડિસેમ્બરના રોજ “શબ્દો છે શ્વાસ મારા” નામે મારો બ્લૉગ શરૂ કર્યો એ મારું બીજું રિ-અવેકનિંગ ગણી શકાય. મારી પુનર્જાગૃતિને સતત સજીવન રાખવામાં મારી પોતાની સર્જકતા કરતાં પણ આ બ્લૉગ અને એ નિયમિતપણે અપડેટ કરવાની મારી કટિબદ્ધતા અને પ્રતિભાવ સ્વરૂપે મળતા આપ જેવા દિલકશ મિત્રોએ વધુ અગત્યનો ફાળો ભજવ્યો. એક-એક કરતાં છ વર્ષ પૂરાં થઈ ગયાં અને સાડી ત્રણસોથી વધુ રચનાઓ અહીં પૉસ્ટ થઈ ગઈ જેના પર મિત્રોએ લગભગ સાડા નવ હજાર જેટલા લેખિત પ્રતિભાવો આપ્યા.   સાઇટ મીટર ચાલુ કર્યા પછી છેલ્લા સડા ત્રણ વર્ષમાં એક લાખથી વધુ યુનિક વિઝિટર્સ અને અઢી લાખથી વધુ ક્લિક્સ… આપના આ પ્રેમલ પ્રતિસાદનો પ્રતિઘોષ આપી શકવા માટે હું સાવ વામણો છું, દોસ્તો…

આ વર્ષમાં મારા બે પુસ્તકો- “શબ્દો છે શ્વાસ મારા” (ગઝલસંગ્રહ) તથા “ગરમાળો” (કાવ્યસંગ્રહ) અને ઑડિયો સીડી “અડધી રમતથી”નો સેટ પ્રકાશિત થયો. જેને આપ સહુનો સ્નેહભર્યો પ્રતિસાદ પણ સાંપડ્યો. (કોઈ મિત્રોને આ સેટ મેળવવાની ઇચ્છા હોય તો અહીં ક્લિક કરે)

દર શનિવારે vmtailor.com પર મારાથી શક્ય હશે ત્યાં સુધી આપણે સતત મળતા રહીશું… હું દર શનિવારે આપની રાહ જોતો રહીશ.

અંતે, જે મેં આગળના વર્ષે કહ્યું હતું એ જ ફરીથી કહીશ:

આ સાઇટને જેટલી મેં ઘડી છે એથી વધુ એણે મને ઘડ્યો છે…

સહુ દોસ્તોનો હૃદયપૂર્વક આભાર…

મળતા રહીશું, શબ્દોના રસ્તે, શ્વાસોને સરનામે !

વિવેક

*

અન્ય સર્જકો અને કોલમિસ્ટૉની અડફેટે ચડી ગયેલા મારા કેટલાક શેર આપ સહુ માટે:

1

(ફૂલછાબ (રાજકોટ), ગુલછાડી…          …મધુકાન્ત જોષી, 18-09-2009)

*

2

(દિવ્ય ભાસ્કર ‘વુમન ભાસ્કર’…   …કાજલ ઓઝા-વૈદ્ય, 21-12-2010)

*

3

(દિવ્ય ભાસ્કર, કળશ…                          ….મનોજ શુક્લ, 26-01-2011)

*

4

(સંદેશ (સુરત)…                                   …મેહુલ દેસાઈ, 19-12-2010)

*

5

(ગુજરાત સમાચાર ‘શતદલ’…    …જય વસાવડા, 09-11-2011)

*

6

(મુંબઈ સમાચાર, ‘મેટ્રો’…     ….ક્ષિતિજ નાયક, 26-04-2011)

7

(મુંબઈ સમાચાર, ‘મેટ્રો’…      …પ્રિયંકા વિસરીયા-નાયક, 17-05-2011)

(શ્રી જવાહર બક્ષી જેવા સિદ્ધહસ્ત કવિનો અતિલોકપ્રિય શેર ટાંકતી વખતે લેખકને મારું નામ યાદ આવે એને મારે શું ગણવું? )

*

8

(દિવ્ય ભાસ્કર, રણમાં ખીલ્યું ગુલાબ’…  …ડૉ. શરદ ઠાકર, 24-07-2011)

*

9

(દિવ્ય ભાસ્કર, ‘ડૉક્ટરની ડાયરી’…     …ડૉ. શરદ ઠાકર, 21-09-2011)

*

10

(ગુજરાત મિત્ર, 14-07-2011)

*

11

ફૂલછાબ (રાજકોટ)…       … સ્નેહા પટેલ, 13-07-2011)

Vivek tailor

વહાલસોયા વાચકમિત્રો,

શ્વાસમાં શબ્દ વણીને કમ્પ્યૂટર પર ટિક્..ટિક્.. કરીને આપ સહુના હૃદય સુધી પહોંચવાની શરૂઆત કરી એ વાતને આજે પાંચ વર્ષના વહાણાં વાઈ ગયાં… ત્રણસોથી વધારે પૉસ્ટ અને સાડા સાત હજારથી વધુ પ્રતિભાવો…  કોણે કહ્યું કે પ્રેમને અવાજ નથી હોતો ?   છેલ્લા અઢી વર્ષમાં ઇકોતેર હજારથી વધુ યુનિક વિઝિટર્સ અને દોઢ લાખથી વધુ ક્લિક્સ… આપનો આ પ્રેમ અવિરત કાને પડતો રહ્યો છે…

છેલ્લા ચારેક વર્ષમાં ચોવીસેક જેટલા સાહિત્યલક્ષી સામયિકો અને અખબારોમાં ૧૩૦ જેટલા કાવ્યો પ્રકાશિત થયાં એ પણ આ સાઇટના જ કારણે…

આવનારું વર્ષ મારા માટે વધુ ખાસ છે…  આ વેબસાઇટે મને અને મારામાંના કવિને સતત જીવતો રાખ્યો છે. આ વેબસાઇટમાંથી પસંદ કરેલ કવિતાઓ આવનાર વર્ષની ત્રેવીસમી ફેબ્રુઆરીએ ‘શબ્દો છે શ્વાસ મારા’ અને ‘ગરમાળો’ નામે પુસ્તકાકાર લેશે. એ ઉપરાંત મેહુલ સુરતીના સંગીત-સ્વરાંકનમાં એક ઑડિયો સીડી પણ એ જ દિવસે તૈયાર થશે. આ સમારોહમાં પધારવા માટે આપ સહુને મારું આગોતરું આમંત્રણ છે.

પુસ્તકોની અને સીડીની તૈયારીના કારણે લાંબા સમયથી સર્જન પ્રક્રિયા શીતનિદ્રામાં ગરકાવ થઈ છે પણ દર શનિવારે કોઈ ને કોઈ બહાને અને કોઈને કોઈ રીતે આપણે અહીં મળતા જરૂરથી રહીશું…

છઠ્ઠા વર્ષમાં પ્રવેશતી વખતે પણ આપ સહુના સ્નેહ, સદભાવ અને માર્ગદર્શનની એવી જ અપેક્ષા રાખું છું…

આભાર !

Sandesh
(‘ખટ્ટા-મીઠા’ , સં. મેહુલ નયન દેસાઈ…                                  …સંદેશ, 19-12-2010)

*

vimochan
(ગૌરવ ગટોરવાળાના સંગ્રહ ‘પળનું પરબીડિયું’ના વિમોચન પ્રસંગે, 16-05-2010)
(દિવ્ય ભાસ્કર, 22-05-2010)
(ગુજરાત મિત્ર, 23-05-2010)
(શહીદ-એ-ગઝલ, જૂન-ઑગસ્ટ, 2010)

*

Pranvaayu2
(‘પ્રાણવાયુ’ મેડિકલ મેગેઝિનના લોકાર્પણ નિમિત્તે… )

*

pranvaayu1
(‘પ્રાણવાયુ’ મેડિકલ મેગેઝિનના લોકાર્પણ નિમિત્તે)

*

155377_10150318321165013_579230012_15823148_1996554_n
(મીના છેડાના વાર્તા સંગ્રહ ‘સંબંધ નામે દરિયો’ના લોકાર્પણ નિમિત્તે… …મુંબઈ, 23-11-2010)

*

60648_10150318322690013_579230012_15823183_4064450_n
(મીના છેડાના વાર્તા સંગ્રહ ‘સંબંધ નામે દરિયો’ના લોકાર્પણ નિમિત્તે… …મુંબઈ, 23-11-2010)

*

facebook
(‘ફીલિંગ્સ’ના કવર પેજ પર ફેસબુકના સંદર્ભે…                                …01-07-2010)

*

facebook2
(‘ફીલિંગ્સ’ના કવર પેજ પર ફેસબુકના સંદર્ભે…                                …01-07-2010)

*

woman bhaskar 2
(દિવ્ય ભાસ્કરની વુમન ભાસ્કર પૂર્તિમાં કાજલ ઓઝા વૈદ્યની અડફટે ચડી ગયેલો શેર)
(21-12-2010)

*

woman Bhaskar 1
(દિવ્ય ભાસ્કરની વુમન ભાસ્કર પૂર્તિમાં કાજલ ઓઝા વૈદ્યની અડફટે ચડી ગયેલો શેર)
(21-12-2010)

PA232490

ચાર વર્ષ ? હા, ચાર વર્ષ… આજે આ વેબસાઇટ શરૂ કર્યાના ચાર વર્ષ પૂરાં થયાં. એ દિવસ યાદ આવે છે જ્યારે મારા અતિપ્રિય ‘કન્વેન્શનલ ગુજરાતી ફૉન્ટ્સ’ છોડી યુનિકોડ અપનાવવા તૈયાર પણ નહોતો. પણ ધવલની આંગળી ઝાલીને જે દિવસે આ વિશ્વમાં પ્રવેશ કર્યો એ દિવસથી જાણે કે આખેઆખી જિંદગીમાં સમૂચ્ચુ પરિવર્તન જ આવી ગયું.

આ સાઇટ મને વિશ્વભરના ગુજરાતીઓના ઘરમાં લઈ ગઈ. અમેરિકાના નુવાર્ક એરપૉર્ટ પર ફ્લાઇટ ચૂકી જવાના કારણે એક દિવસ રોકાવું પડ્યું પણ જરાય ડર ન લાગ્યો ત્યારે આ સાઇટની ખરી કિંમત સમજાઈ… મારા વેબ-મિત્રો મને એકલો પડવા દે એમ નથી. મહામૂલી મિત્રતાની વિશ્વવ્યાપી ભેટ ચાર વર્ષમાં જેટલી હું આ સાઇટ દ્વારા કમાઈ શક્યો છું એ કદાચ ચારસો વર્ષમાં અન્યથા કમાઈ શક્યો ન હોત.

૨૫૦ જેટલી રચનાઓ… લગભગ ૬૦૦૦ જેટલા પ્રતિભાવો… કુલ ચાર વર્ષમાંથી સાઇટમીટર શરૂ કર્યું એના છેલ્લા માત્ર દોઢ વર્ષમાં ૪૫૦૦૦ જેટલા મુલાકાતીઓ અને એક લાખથી વધુ ક્લિક્સ… રોજના આશરે ૮૪ મુલાકાતીઓ અને ૧૯૦ જેટલી ક્લિક્સ…  (ગયા વર્ષે આ સરેરાશ ૬૮ અને ૧૬૩ હતી !!)

ગયા વર્ષે છેલ્લા બે વર્ષમાં નાનાવિધ સામયિકોમાં પ્રકાશિત રચનાઓની સંખ્યા ૫૪ હતી જે આ વર્ષના અંતે ૯૦ જેટલી થઈ…

આ સાઇટને જેટલી મેં ઘડી છે એથી વધુ એણે મને ઘડ્યો છે…

…અને આ કશું પણ આપના સતત સાથ અને હૂંફ વિના શક્ય જ નહોતું…

આભાર !

Vivek2
(મહુવા અસ્મિતા પર્વ, 2008 ખાતે એક ફોટોગ્રાફર મિત્ર (વ્રજ મિસ્ત્રી)એ કવિ સંમેલન સાંભળતી વેળાએ કચકડે કંડારી લીધેલી આકસ્મિક પળ)

*

શબ્દો છે શ્વાસ મારાગુજરાતી ભાષાની આ સર્વપ્રથમ સ્વરચિત કાવ્યોની વેબસાઈટને આજે ત્રણ વર્ષ પૂરાં થયાં. ચોથા વર્ષમાં પ્રવેશતી વેળાએ સહર્ષ રોમાંચ અનુભવી રહ્યો છું. ગુજરાતી ભાષાને પુસ્તકના પાનાંનો ઉંબરો વળોટાવીને વિશ્વ-ગુર્જરી બનાવવાનું જે સ્વપ્ન વીતેલા ત્રણ વર્ષોમાં જોયું હતું એ સ્વપ્ન હવે સાકાર થતું લાગે છે. શરૂઆતના મુઠ્ઠીભર બ્લૉગર્સની સામે હવે ગણ્યા ગણાય નહીં એટલા ગુજરાતી બ્લૉગર્સ ઇન્ટરનેટના જાળામાં ગુંથાયેલા નજરે ચડે છે. મરણાસન્ન ગુજરાતી ભાષા માટે ઇન્ટરનેટ સંજીવની સાબિત થશે એવો ક્યારેક રમતો મૂકેલો વિચાર સાચો પડતો જણાય છે. આવનારા એક દાયકામાં ઇન્ટરનેટ ગુજરાતી ભાષાનું નવું સરનામું સાબિત થશે એ વાત પણ હવે સિદ્ધ થતી ભાસે છે.

ત્રણ વર્ષોની આ મુસાફરીમાં ૧૧૫ ગઝલ, ૧૦ ગીત, ૧૦ મુક્તક, ૬ બાળગીત, ૧૭ અછાંદસ કાવ્ય અને ૮ હાઈકુ સહિત કુલ્લે ૨૦૯ પોસ્ટ કરી જેના પર ૩૮૧૪ જેટલા પ્રતિભાવ સાંપડ્યા છે. છેલ્લા છ મહિનાથી સાઈટ મીટર શરૂ કર્યું છે એના આંકડાઓએ મને ખાસ્સો આશ્ચર્યચકિત કર્યો. સાઈટ મીટર શરૂ કર્યું એના કુલ ૨૧૧ દિવસોમાં આ વેબસાઈટની મુલાકાત કુલ્લે ૧૪૩૫૬ વાચકોએ પ્રતિદિન ૬૮ની સરેરાશે મુલાકાત લીધી અને કુલ્લે ૩૪૫૪૦ જેટલી ક્લિક્સ પ્રતિદિન ૧૬૩ની સરેરાશે કરી. અઠવાડિયે માત્ર એક જ કવિતા પીરસતી મારી આ વેબસાઈટ પર દર અઠવાડિયે ૪૭૫ જેટલા વાચકો આવે અને ૧૧૪૧ જેટલી કૃતિઓ માણે એનાથી મોટો ચમત્કાર બીજો શો હોઈ શકે? એક કાવ્યસંગ્રહની પાંચસો નકલ વેચાતા ક્યારેક પાંચ-છ વર્ષ થઈ જતા હોય છે એની સરખામણીમાં આ આંકડો તો જાદુઈ લાગે છે!

છેલ્લા બે વર્ષમાં અલગ-અલગ સામયિકો અને અખબારોમાં પ્રકાશિત કૃતિઓની સંખ્યા લગભગ ૫૪ જેટલી થઈ. આ તમામ પ્રકાશિત રચનાઓને આપે સતત વધાવી એ ઉત્સાહ જ આ સફળતાનું સાચું પીઠબળ છે.
(કક્કાવારી પ્રમાણે સામયિકનું નામ અને વર્ષ 2007-08 દરમિયાન પ્રકાશિત રચનાઓની સંખ્યા)

અખંડ આનંદ (2)
ઑપિનિયન (લંડન) (1)
કવિ (6)
કવિતા (6)
કવિલોક (7)
કાવ્યસૃષ્ટિ (2)
કુમાર (1)
ગઝલ વિશ્વ (3)
ગુજરાત મિત્ર (2)
ગુજરાત સમાચાર (1)
નવનીત સમર્પણ (4)
પરબ (1)
પ્રિયજન (1)
ફીલિંગ્સ (1)
બુદ્ધિપ્રકાશ (3)
મુંબઈ સમાચાર (1)
શબ્દ સૃષ્ટિ (3)
શહીદે ગઝલ (3)
સંવેદન (6)

આ ઉપરાંત વીતેલા ત્રણ વર્ષોમાં ગણી ન શકાય એટલા સહૃદય મિત્રો અને શુભેચ્છકો સાંપડ્યા. આ ગાળામાં કવિતાની વિધાયક ટિપ્પણીઓ સતત મને ઘડતી રહી. વેબસાઈટ શરૂ ન કરી હોત તો કદાચ હું મારી કવિતાનો વિકાસ કદી સાધી શક્યો ન હોત. આ વેબસાઈટે જ મને સતત લખતો અને ખાસ તો સતત વાંચતો રાખ્યો.  અને કદાચ આ વેબસાઈટે જ મને જીવતો રાખ્યો…

…અને હવે સતત જીવતા રહેવાની ઈચ્છા થાય છે…

*

અભિયાનના દિવાળી અંકમાં મારી ઓળખ તબીબ કે કવિ તરીકે નહીં પણ ગુજરાતી કવિતાની વેબસાઈટના સંચાલક તરીકે આપવામાં આવી ત્યારે અહેસાસ થયો કે હવે મારો નવોન્મેષ થઈ ચૂક્યો છે:

Abhiyan_vivek
(‘અભિયાન’- દિવાળી અંક….                                            …નવેમ્બર, ૨૦૦૮)

*

વિવિધ અખબારો ગુજરાતી બ્લૉગ્સની બાકાયદા નોંધ લઈ રહ્યા છે જેની એક નાનકડી ઝલક આ સાથે મૂકી રહ્યો છું.

DNA - blogs & doctors
(DNA, દિવ્ય ભાસ્કરની દૈનિક અંગ્રેજી આવૃત્તિ…                        …૦૩-૧૦-૨૦૦૮)

*

DNA- Vivek
(DNA, દિવ્ય ભાસ્કરની દૈનિક અંગ્રેજી આવૃત્તિ…        …૧૮-૦૯-૨૦૦૮)

*

Utsav_vivek
(‘ઉત્સવ’… દિવ્યભાસ્કરનો દિપોત્સવી વિશેષાંક…    લેખ: શ્રી હિમાંશુ કિકાણી, ઓક્ટોબર, ૨૦૦૮)

પ્રિય મિત્રો,

નાતાલ અને આવનાર નવા વર્ષની શુભકામનાઓ !

શબ્દોને શ્વાસમાં ભરીને આદરેલી સફરનું આજે બીજું વર્ષ પૂર્ણ થયું. “શબ્દો છે શ્વાસ મારા” જો આજે ગુજરાતી ભાષાની સર્વપ્રથમ સ્વરચિત કાવ્યોની વેબસાઈટ તરીકે અધિકારપૂર્વક આદર પામી હોય તો એના સાચા હકદાર આપ સૌ છો. વેબસાઈટ શરૂ કરી ત્યારે ખબર ન્હોતી કે રસ્તો ભલેને લાંબો હોય, અહીં ક્યાંય કાંટા નથી મળવાના. જ્યાં જ્યાં પગલું માડ્યું ત્યાં ગુલાબની પાંખડીઓ જ પથરાયેલી હતી. એટલે આખી સફરમાં કદી એકલું લાગ્યું જ નહીં અને રસ્તો પાણીની જેમ કપાતો જ ગયો. આ વેબસાઈટે મને બે જ વર્ષમાં જેટલા દિલદાર મિત્રો રળી આપ્યા છે, એટલા ગયેલી આખી જિંદગીમાં પણ પામી શક્યો ન્હોતો. વેબસાઈટ ઉપર, ઈ-મેઈલ દ્વારા, ટેલિફોન પર કે રૂબરૂમાં જે પણ મિત્રોએ વિધાયક અને નિર્ણાયક ટિપ્પણીઓ સતત આપતા રહી મારા શબ્દોને સાચૂકલો શ્વાસ પૂરો પાડ્યા કર્યો છે એ તમામ મિત્રોનો આ તકે દિલથી આભાર માનું છું અને સ્વીકારું છું કે આભાર શબ્દ મને આજ પહેલાં આવડો નાનો કદી લાગ્યો ન્હોતો.

“શબ્દો છે શ્વાસ મારા”નું બીજું વર્ષ એકંદરે મારા માટે ખાસ્સું ફળદાયી પણ નીવડ્યું. ‘કુમાર’, ‘કવિતા’, ‘કવિલોક’, ‘કવિ’, ‘બુદ્ધિપ્રકાશ’, ‘કાવ્યસૃષ્ટિ’, ‘ગઝલ વિશ્વ’, ‘સંવેદન’, ‘મુંબઈ સમાચાર’, ‘અખંડ આનંદ’ તથા લંડનથી પ્રગટ થતા ‘ઑપિનિયન’ જેવા અગિયાર અલગ-અલગ સામયિકોમાં મારી કુલ્લે ઓગણીસ જેટલી રચનાઓ પ્રકાશિત થઈ અને કેટલીક સ્વીકારાઈ હોવાની જાણ થઈ. તમામ સામયિકોના સંપાદકમંડળનો પણ અહીં આભાર માનું છું.

ત્રીજા વર્ષમાં આજે પ્રવેશ કરી રહ્યો છું ત્યારે મારા શબ્દો અને દૃષ્ટિ-બંનેને બિરદાવનાર તમામ મિત્રોનો ફરી એકવાર ઋણસ્વીકાર કરી દર શનિવારે એક કૃતિની કટિબદ્ધતા જાળવી રાખવાના નિયમ તરફની પ્રતિબદ્ધતા પુનઃ દોહરાવું છું.

આભાર !

વિવેક મનહર ટેલર.


(“અખંડ આનંદ”, ડિસેમ્બર-૨૦૦૭….           ….તંત્રી શ્રી હરિકૃષ્ણ પાઠક)


(“કવિલોક”, સપ્ટે-ઓક્ટો- ૨૦૦૭…..            …તંત્રી શ્રી ધીરુ પરીખ)

 

વ્હાલા દોસ્તો,

પલંગ પર આડા પડીને પેટ પર પુસ્તક મૂકીને વાંચવાને ટેવાયેલો હું ક્યારેક મારી વ્હાલુડી માતૃભાષાને કૉમ્પ્યુટરના સ્ક્રીન પર વાંચતો કે વંચાવતો હોઈશ એવો વિચાર દોઢેક વર્ષ પહેલાં આવ્યો હોત તો જુલે વર્નની નવલકથાની જેમ એ સમયના પરિપ્રેક્ષ્યમાં અવકાશયાન કે સબમરીનની પરિકલ્પના કરતો હોઉં એવું ટાઢા પહોરના ગપ્પા જેવું મને લાગ્યું હોત. આંગળી પકડીને ધવલ આ દુનિયામાં લઈ આવ્યો અને એસ.વી.એ સમય-સમયે માર્ગદર્શન આપ્યું. આજથી બરાબર એક વર્ષ પહેલાં ૨૯-૧૨-૨૦૦૫ના રોજ એક બ્લૉગ શરૂ કર્યો- શબ્દો છે શ્વાસ મારા… ગુજરાતી ભાષાનો સર્વપ્રથમ સ્વરચિત કાવ્યોનો બ્લૉગ. સ્વરચિત કાવ્યોનો એક બ્લૉગ કદાચ એ પહેલાં પણ અસ્તિત્વમાં હતો, પણ છંદબંધારણ અને કવિતાના નિયમોથી એ વેગળો હોવાથી સાહિત્યના નિયમોની એરણે મૂકવામાં આવે તો મારા બ્લૉગને સર્વપ્રથમ કહેવાનું ગૌરવ હું જરૂરથી લઈ શકું.

સફરની શરૂઆતમાં કૃતિઓની કોઈ ખાસ નિયમિતતા ન્હોતી. પણ પાછળથી જાત અને મિત્રોને એક વણકહ્યો વાયદો અપાઈ ગયો અને અઠવાડિયામાં બે વાર- દર બુધવારે અને શનિવારે સાંજે- પૉસ્ટ મૂકાવા માંડી. પછી તો ફૉટોગ્રાફ ઉમેરાયા અને આજે એક વર્ષ પછી પાછળ ફરીને જોઉં છું તો ૯૨ કવિતાઓ અને ૬ પ્રકીર્ણ-લેખો મેં મિત્રોના માથે થોપી દીધા છે.

આ બ્લૉગે મને માત્ર લખવાની નિયમિતતા નથી બક્ષી, આ બ્લૉગે મને ખોબલા ભરાતા ય ન ખૂટે એવા અને એટલા ઉમદા મિત્રો આપ્યા છે. સાથે પીઠ પાછળ કરાયેલ ઘાને સામી છાતીએ ઝીલવાની તાકાત પણ મને અહીં જ મળી છે. ગુજરાતી નેટ-જગત પર મારા હિસ્સાનું પદાર્પણ થઈ શકે ત્યાં લગી કરતો રહીશ અને શક્ય હોય ત્યાં લગી આપ સૌને આપ સૌનો પ્રેમ પામવા મારા શબ્દોના રસ્તે મળતો રહીશ…

આજે આ બ્લૉગની પહેલી વર્ષગાંઠ પર નવા સ્વરૂપ, નવી સવલતોની ભેટ લઈને આવ્યો છું. વર્ડપ્રેસ ફોર્મેટની સગવડો ઘણા સમયથી આકર્ષ્યા કરતી હતી. આજે ધવલની, માત્ર ધવલની જ કહી શકાય એ મહેનતના પરિપાકરૂપે આ નવા સ્વરૂપમાં એજ વેબ-એડ્રેસ કાયમ રાખી આપની સમક્ષ ઉપસ્થિત થયો છું. વધારે સગવડોના બદલે આને હું “યુઝર-ફ્રેંડલી વર્ઝન” કહેવાનું જો કે વધુ પસંદ કરીશ. આશા છે આ નવું કલેવર આપને ગમશે…

આભાર…

વિવેક

Powered By Indic IME