ત્રીજા વર્ષમાં પ્રવેશતી વેળાએ…

પ્રિય મિત્રો,

નાતાલ અને આવનાર નવા વર્ષની શુભકામનાઓ !

શબ્દોને શ્વાસમાં ભરીને આદરેલી સફરનું આજે બીજું વર્ષ પૂર્ણ થયું. “શબ્દો છે શ્વાસ મારા” જો આજે ગુજરાતી ભાષાની સર્વપ્રથમ સ્વરચિત કાવ્યોની વેબસાઈટ તરીકે અધિકારપૂર્વક આદર પામી હોય તો એના સાચા હકદાર આપ સૌ છો. વેબસાઈટ શરૂ કરી ત્યારે ખબર ન્હોતી કે રસ્તો ભલેને લાંબો હોય, અહીં ક્યાંય કાંટા નથી મળવાના. જ્યાં જ્યાં પગલું માડ્યું ત્યાં ગુલાબની પાંખડીઓ જ પથરાયેલી હતી. એટલે આખી સફરમાં કદી એકલું લાગ્યું જ નહીં અને રસ્તો પાણીની જેમ કપાતો જ ગયો. આ વેબસાઈટે મને બે જ વર્ષમાં જેટલા દિલદાર મિત્રો રળી આપ્યા છે, એટલા ગયેલી આખી જિંદગીમાં પણ પામી શક્યો ન્હોતો. વેબસાઈટ ઉપર, ઈ-મેઈલ દ્વારા, ટેલિફોન પર કે રૂબરૂમાં જે પણ મિત્રોએ વિધાયક અને નિર્ણાયક ટિપ્પણીઓ સતત આપતા રહી મારા શબ્દોને સાચૂકલો શ્વાસ પૂરો પાડ્યા કર્યો છે એ તમામ મિત્રોનો આ તકે દિલથી આભાર માનું છું અને સ્વીકારું છું કે આભાર શબ્દ મને આજ પહેલાં આવડો નાનો કદી લાગ્યો ન્હોતો.

“શબ્દો છે શ્વાસ મારા”નું બીજું વર્ષ એકંદરે મારા માટે ખાસ્સું ફળદાયી પણ નીવડ્યું. ‘કુમાર’, ‘કવિતા’, ‘કવિલોક’, ‘કવિ’, ‘બુદ્ધિપ્રકાશ’, ‘કાવ્યસૃષ્ટિ’, ‘ગઝલ વિશ્વ’, ‘સંવેદન’, ‘મુંબઈ સમાચાર’, ‘અખંડ આનંદ’ તથા લંડનથી પ્રગટ થતા ‘ઑપિનિયન’ જેવા અગિયાર અલગ-અલગ સામયિકોમાં મારી કુલ્લે ઓગણીસ જેટલી રચનાઓ પ્રકાશિત થઈ અને કેટલીક સ્વીકારાઈ હોવાની જાણ થઈ. તમામ સામયિકોના સંપાદકમંડળનો પણ અહીં આભાર માનું છું.

ત્રીજા વર્ષમાં આજે પ્રવેશ કરી રહ્યો છું ત્યારે મારા શબ્દો અને દૃષ્ટિ-બંનેને બિરદાવનાર તમામ મિત્રોનો ફરી એકવાર ઋણસ્વીકાર કરી દર શનિવારે એક કૃતિની કટિબદ્ધતા જાળવી રાખવાના નિયમ તરફની પ્રતિબદ્ધતા પુનઃ દોહરાવું છું.

આભાર !

વિવેક મનહર ટેલર.


(“અખંડ આનંદ”, ડિસેમ્બર-૨૦૦૭….           ….તંત્રી શ્રી હરિકૃષ્ણ પાઠક)


(“કવિલોક”, સપ્ટે-ઓક્ટો- ૨૦૦૭…..            …તંત્રી શ્રી ધીરુ પરીખ)

શબ્દોના રસ્તે વીતેલા પહેલા વર્ષનું સરવૈયું…

 

વ્હાલા દોસ્તો,

પલંગ પર આડા પડીને પેટ પર પુસ્તક મૂકીને વાંચવાને ટેવાયેલો હું ક્યારેક મારી વ્હાલુડી માતૃભાષાને કૉમ્પ્યુટરના સ્ક્રીન પર વાંચતો કે વંચાવતો હોઈશ એવો વિચાર દોઢેક વર્ષ પહેલાં આવ્યો હોત તો જુલે વર્નની નવલકથાની જેમ એ સમયના પરિપ્રેક્ષ્યમાં અવકાશયાન કે સબમરીનની પરિકલ્પના કરતો હોઉં એવું ટાઢા પહોરના ગપ્પા જેવું મને લાગ્યું હોત. આંગળી પકડીને ધવલ આ દુનિયામાં લઈ આવ્યો અને એસ.વી.એ સમય-સમયે માર્ગદર્શન આપ્યું. આજથી બરાબર એક વર્ષ પહેલાં ૨૯-૧૨-૨૦૦૫ના રોજ એક બ્લૉગ શરૂ કર્યો- શબ્દો છે શ્વાસ મારા… ગુજરાતી ભાષાનો સર્વપ્રથમ સ્વરચિત કાવ્યોનો બ્લૉગ. સ્વરચિત કાવ્યોનો એક બ્લૉગ કદાચ એ પહેલાં પણ અસ્તિત્વમાં હતો, પણ છંદબંધારણ અને કવિતાના નિયમોથી એ વેગળો હોવાથી સાહિત્યના નિયમોની એરણે મૂકવામાં આવે તો મારા બ્લૉગને સર્વપ્રથમ કહેવાનું ગૌરવ હું જરૂરથી લઈ શકું.

સફરની શરૂઆતમાં કૃતિઓની કોઈ ખાસ નિયમિતતા ન્હોતી. પણ પાછળથી જાત અને મિત્રોને એક વણકહ્યો વાયદો અપાઈ ગયો અને અઠવાડિયામાં બે વાર- દર બુધવારે અને શનિવારે સાંજે- પૉસ્ટ મૂકાવા માંડી. પછી તો ફૉટોગ્રાફ ઉમેરાયા અને આજે એક વર્ષ પછી પાછળ ફરીને જોઉં છું તો ૯૨ કવિતાઓ અને ૬ પ્રકીર્ણ-લેખો મેં મિત્રોના માથે થોપી દીધા છે.

આ બ્લૉગે મને માત્ર લખવાની નિયમિતતા નથી બક્ષી, આ બ્લૉગે મને ખોબલા ભરાતા ય ન ખૂટે એવા અને એટલા ઉમદા મિત્રો આપ્યા છે. સાથે પીઠ પાછળ કરાયેલ ઘાને સામી છાતીએ ઝીલવાની તાકાત પણ મને અહીં જ મળી છે. ગુજરાતી નેટ-જગત પર મારા હિસ્સાનું પદાર્પણ થઈ શકે ત્યાં લગી કરતો રહીશ અને શક્ય હોય ત્યાં લગી આપ સૌને આપ સૌનો પ્રેમ પામવા મારા શબ્દોના રસ્તે મળતો રહીશ…

આજે આ બ્લૉગની પહેલી વર્ષગાંઠ પર નવા સ્વરૂપ, નવી સવલતોની ભેટ લઈને આવ્યો છું. વર્ડપ્રેસ ફોર્મેટની સગવડો ઘણા સમયથી આકર્ષ્યા કરતી હતી. આજે ધવલની, માત્ર ધવલની જ કહી શકાય એ મહેનતના પરિપાકરૂપે આ નવા સ્વરૂપમાં એજ વેબ-એડ્રેસ કાયમ રાખી આપની સમક્ષ ઉપસ્થિત થયો છું. વધારે સગવડોના બદલે આને હું “યુઝર-ફ્રેંડલી વર્ઝન” કહેવાનું જો કે વધુ પસંદ કરીશ. આશા છે આ નવું કલેવર આપને ગમશે…

આભાર…

વિવેક