ફરી એકવાર ભીંજાવાની મોસમ…

સામાન્ય રીતે વાત એવી બનતી હોય છે કે કોઈ કાગળ પર તમારી કવિતાનું તમે સરસ મજાનું કૉમ્પ્યુટર પ્રિન્ટ-આઉટ કાઢીને ટપાલ-ટિકિટનો ખર્ચો કરીને કોઈ સામયિકના તંત્રીને મોકલો (સાથે પૈસા ખર્ચીને પોતાના સરનામાવાળું પૉસ્ટકાર્ડ પણ ખરું જ સ્તો!) અને થોડા વખત પછી તકિયાકલામ જેવી બે લીટીમાં ‘સાભાર પરત’નો સંદેશો તમને મળે. પણ કોઈકવાર આનાથી સાવ વિપરીત થાય તો?

રવિવારની એક સવારે મુંબઈથી પ્રિય સખી મીના છેડાનો ફૉન આવ્યો કે તરત જ કૉફીની વરાળ સમી સવાર ખુશનુમા બની ગઈ. ‘અભિનંદન, અલ્યા ! તારી કવિતા તો ‘મુંબઈ સમાચાર’ની રવિવારીય પૂર્તિના પહેલા પાના પર આવી છે…’

‘પણ ત્યાં કેવી રીતે?’ નો પ્રશ્ન જેવો ઊગ્યો એવો જ આથમી પણ ગયો. ‘મહેફિલે-ખાસ’ વિભાગમાં મુકુલ ચોક્સીની ‘લયસ્તરો‘ પર સૌપ્રથમવાર પ્રગટ થયેલી અક્ષુણ્ણ ગઝલની સાથે મારી વેબ-સાઈટ પર પ્રગટ થયેલું આ ગીત… મારી બંને વેબ-સાઈટના કોઈ રસિક મિત્રે અમારા બંનેની કૃતિઓ ‘મુંબઈ સમાચાર’ને મોકલી આપી હશે… ‘સાભાર-પરત’ના કાગળિયાઓના વરસાદની વચ્ચે સાવ આમ અચાનક કોઈ કવિતા જ્યાં કદી મોકલી નથી, કે મોકલવાનું વિચાર્યું નથી ત્યાં વીજળીની માફક ચમકી આવે તો કેવો આનંદનો પ્રકાશ છવાઈ જાય ! બસ, એ ક્ષણાર્ધના અજવાળામાં આપ સૌનો પણ ફોટો પાડી લેવાની ઈચ્છા થઈ એટલે અગાઉથી જ આભાર માની લઈને આ આજની પૉસ્ટ…


(મુંબઈ સમાચાર – રવિવારીય ‘વેરાઈટી’ પૂર્તિ…           …૩૦-૦૯-૨૦૦૭)

એક કદમ ઓર…

નેટથી પ્રિન્ટનો જે માર્ગ મેં હંમેશા નજર સમક્ષ રાખ્યો હતો, એ માર્ગ પર આજે ફરીથી એક કદમ આગળ વધતા આનંદ થાય એ સ્વાભાવિક છે… અને મારા શ્વાસ અને શબ્દોના કદમ-બ-કદમ સાક્ષી એવા આપ સૌને સાથે રાખ્યા વિના આગળ વધવાનું ય શક્ય નથી એટલે આ ગુલાલ થોડો-થોડો આપ સૌના માથે પણ… શુભેચ્છા પાઠવનાર સૌ મિત્રોનો પહેલેથી જ આભાર માની લઉં…


(“કવિતા”- ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૭….         …. તંત્રી: શ્રી સુરેશ દલાલ)
(આ રચના આપ અગાઉ અહીં માણી ચૂક્યા છો)

* * * * * * * * * * * *


(“ઓપિનિયન”- ઑગસ્ટ, ૨૦૦૭….          …. તંત્રી: શ્રી વિપુલ કલ્યાણી)
(લંડનથી પ્રગટ થતું ગરવું ગુજરાતી માસિક)
(આ રચના આપ અગાઉ અહીં વાંચી ચૂક્યા છો)

સપનું ખુલ્લી આંખનું….

(પ્રાણ પણ નથી…..                             …..”કુમાર” ઑગસ્ટ,૨૦૦૭)

કુમારના પૃષ્ઠ પર પોતાની કવિતા જોવાનું સપનું કયો કવિ ન જુએ? બંધ આંખે અહર્નિશ જોયેલું આ સપનું આજે ખુલ્લી આંખે સાચું પડ્યું છે ત્યારે તમને ન બતાવું તો શીદ ગમે?

ગમતાંનો કરીએ ગુલાલ…

કોઈ વાત ગમે અને મિત્રો સાથે એને વહેંચીએ નહીં તો એ વાતમાં ગમવા જેવું વળી શું ? એક સર્જકની દૃષ્ટિએ છેલ્લા બે મહિના ઘણા સારા ગયા. અલગ-અલગ પાંચ સામયિકોમાં આ સમયગાળા દરમિયાન પ્રકાશિત થયેલી આઠ રચનાઓને પ્રતિદિન એકના ધોરણે છેલ્લા આઠ દિવસમાં આજ પૉસ્ટ પર એક પછી એક upload કરી છે. મારા આનંદના ઈન્દ્રધનુના આ આઠ અલગ-અલગ રંગો છે પણ આ તમામ રંગ આપની હાજરી વિના સાવ ફિક્કાફસ્સ્ છે. આ તમામ રંગોમાં આપ અગાઉ તરબોળ થઈ જ ચૂક્યા છો… છતાં આ એક અઠવાડિયા માટે આવો, મારા આ સ્વાનંદને વિશ્વાનંદ બનાવી દઈએ…..

(“ગઝલવિશ્વ” : જુન ‘૦૭.                તંત્રી: શ્રી રાજેશ વ્યાસ ‘મિસ્કીન’, શ્રી અંકિત ત્રિવેદી)
(આ કાવ્ય આપ અગાઉ અહીં માણી ચૂક્યા છો.)

*****

(“કવિલોક” : મે-જુન ‘૦૭.                            તંત્રી: શ્રી ધીરુ પરીખ)
(આ કાવ્ય આપ અગાઉ અહીં માણી ચૂક્યા છો.)

*****

(“કાવ્યસુષ્ટિ” : ફેબ્રુઆરી-માર્ચ ‘૦૭.                       તંત્રી: શ્રી સુરેશ વિરાણી)
(આ ગઝલ આપ અગાઉ અહીં માણી ચૂક્યા છો.)

*****

(“કવિ” : જુન ‘૦૭.                               તંત્રી: શ્રી મનોજકુમાર શાહ)
(આ કાવ્ય આપ અગાઉ અહીં તથા અહીં માણી ચૂક્યા છો.)

*****

(“કવિલોક” : મે-જુન ‘૦૭.                                 તંત્રી: શ્રી ધીરુ પરીખ)
(આ કાવ્ય આપ અગાઉ અહીં વાંચી ચૂક્યા છો.)

******

(“કાવ્યસુષ્ટિ” : ફેબ્રુઆરી-માર્ચ ‘૦૭.                          તંત્રી: શ્રી સુરેશ વિરાણી)
(આ કાવ્ય આપ અગાઉ અહીં માણી ચૂક્યા છો.)

*****

(“કવિલોક” : મે-જુન ‘૦૭.                              તંત્રી: શ્રી ધીરુ પરીખ)
(આ કાવ્ય આપ અગાઉ અહીં માણી ચૂક્યા છો.)

*****

(“કવિતા”- જુન-જુલાઈ ‘૦૭.                             તંત્રી: સુરેશ દલાલ)
(આ રચના આપ અગાઉ અહીં વાંચી ચૂક્યા છો.)

મને આ સફર મળે


(એમુ… …મનોરથી પાછા વળતાં એક પેટ્રોલપંપની પાછળ (કદાચ)
ગેરકાયદેસર ચાલતા પોલ્ટ્રીફાર્મમાં મળેલું સ્મિત, ૦૪-૦૩-૨૦૦૭)

*

જ્યાં દિલને થાય હાશ, મને એવું ઘર મળે,
શું થાય જો આ શોધનો છેડો કબર મળે ?!

વિકસીને દુનિયા કેટલી આગળ વધી, જુઓ!
માણસ મળે તો આંખમાં જીવન વગર મળે.

સચ્ચાઈના ચલણ વડે વીતે શું જીંદગી?
જૂઠ્ઠાંને આજે જે મળે, સઘળું પ્રવર મળે.

તારી ખુદાઈ તો જ હું માનીશ, ઓ ખુદા!
જે પણ મળે મને એ બરાબર અગર મળે.

છે શ્વાસ આખરી છતાં પૂરો નથી થતો,
છે આશ કૈંક ક્યાંકથી તારી ખબર મળે.

શબ્દોના રસ્તે ચાલીને મળતો રહું તને,
ઇચ્છું છું હર જનમમાં મને આ સફર મળે.

-વિવેક મનહર ટેલર

મને મનગમતી ગઝલોમાંની આ એક છે. ‘હૈયાને હાશ થાય એવું કોઈ ઘર મળે’ પંક્તિ પર ગઝલ લખવા માટે મળેલા આમંત્રણને સ્વીકારીને આ ગઝલ લખી હતી, જે 16 જુલાઈ, 2005ના રોજ ‘ગુજરાતમિત્ર’ દૈનિકની ‘સન્નારી’ પૂર્તિમાં છપાઈ હતી. મૂળ પંક્તિમાં થોડો ફેરફાર કરીને લખેલી આ ગઝલ બ્લૉગ પર અગાઉ પ્રકાશિત કરી હતી પણ એ વખતે મત્લા(ગઝલનો પહેલો શેર)ની પહેલી કડી(ઉલા મિસરા)માં થોડો છંદદોષ રહી ગયો હતો એ દૂર કરી ફરી આપની સમક્ષ લઈને આવ્યો છું.

સ્વપ્નના પૂરા થવાની શરૂઆત


ગુજરાતી ભાષામાં આજની તારીખે શ્રેષ્ઠ ગણાતા ફક્ત કાવ્યોના દ્વિમાસિક “કવિતા”માં કવિતા છપાવી એ દરેક કવિનું સ્વપ્ન હોય છે… આજે કદાચ મારા સ્વપ્નના પૂરા થવાની શરૂઆત થઈ છે… આ ગઝલ આ બ્લોગ પર અગાઉ પ્રગટ થઈ ચૂકી છે.