Articles by વિવેક

You are currently browsing વિવેક’s articles.

_MG_2242
(સમયના શરીરે કરચલીનું જાળું….     …)
(સેરોલસર તળાવ પાસે, શોજા, હિ.પ્ર., નવે.-૦૭)

*

હસબંડ આખો દિવસ ઑફિસમાં વ્યસ્ત.
કંપની મોટી
એટલે
કામ પણ મોટું.
ઑફિસ અવર્સ પછી
બિઝનેસ મિટીંગ્સ, બિઝનેસ પાર્ટીઝ ને ક્યારેક બિઝનેસ ટ્રીપ્સ…
છોકરાને શું કહેવું ?
એ કૉલેજમાં વ્યસ્ત… કૉલેજ પછી મિત્રોમાં…બાકી એની જાતમાં…
રસોઈ કૂક બનાવી જાય.
કચરા-પોતા, વાસણ-કપડાં લક્ષ્મીબાઈ કરી જાય.
એની છોકરી વળી
સાંજે આખા શરીરને મસાજ પણ કરી જાય.
શરીર દબાય ત્યારે ખૂબ સારું લાગે છે.
દર્દ ભાગી જાય છે.
પણ એ મસાજ કાયમ અધૂરો લાગે છે…
બધું કેમ દબાવી-ભગાવી નથી શકાતું ?
આખો દિવસ
ઇન્ટરનેટ લઈને ખાલી ખાલી બેસી રહું છું
પણ ખાલીપાના વાસણમાં
થીજી ગયેલા સમયને
ચોસલાં પાડી
નેટ-મિત્રો, ચેટ-મિત્રોમાં વહેંચી
કેમે પૂરો કરી શકાતો નથી.
અને
કૉમ્પ્યુટર પર બેઠી હોઉં તો પણ
પીઠ પાછળ
દીવાલોના બનેલા ખાલી ઓરડામાં
ફૂલ વૉલ્યુમ પર ટીવી સતત ચાલુ જ રાખું છું.

-વિવેક મનહર ટેલર
(૨૦-૦૬-૨૦૦૮)

શનિવારે સવારે મારી વેબસાઈટ પર મારી નવી રચના માણવા આવનાર વાચકમિત્રોને આજે ફરી એકવાર ધરમ-ધક્કો… આજે ફરી મારી એક પ્રકાશિત રચના જ અહીં મૂકું છું. નાની નાની સફળતાઓના આ નાના નાના આનંદને આપ સહુ સાથે વહેંચ્યા વિના આગળ વધવાનું ગમતું નથી. મારી કાવ્ય-યાત્રામાં જેટલો હું મારી સાથે રહ્યો છું, આપ સહુ પણ એટલા જ મારી સાથે શરૂઆતથી રહ્યા છો. મારી એક-એક કવિતાને મિત્રોનો જેટલો સાથ અને સદભાવ સાંપડ્યો છે એટલો ભાગ્યે જ કોઈ અન્ય કવિને સાંપડ્યો હશે અને એના માટે ઇન્ટરનેટના આ માધ્યમનો પણ જેટલો આભાર માનું એટલો ઓછો છે.

Kavilok- Naso ma Bhavna Na
(’કવિલોક’ …..                             ….તંત્રી: શ્રી ધીરુ પરીખ)
(આ ગઝલ અને એના વિશે મિત્રોના પ્રતિભાવ આપ અહીં માણી શકો છો.)

લખવાનું કામ જ્યારે બંધ હોય ત્યારે છપાવવાનું યાદ આવે… લાંબા સમયથી ગઝલ-લેખન અટક્યું છે ત્યારે ગઝલ-પ્રકાશનનું કાર્ય અનવરુદ્ધ ચાલતું રહે એમ કરવાની ઈચ્છા રહે છે… ગઝલ-વિશ્વના છ મહિના મોડા પ્રકાશિત થયેલા અંકમાંની આ ગઝલ આપ પૉસ્ટ તરીકે અહીં તથા પ્રકાશિત રચના સ્વરૂપે અહીં માણી ચૂક્યા છો…

Ghazal Vishwa- Mane na puchh
(ગઝલ વિશ્વ, ડિસે.,2007…     ….સંપાદક: રાજેશ વ્યાસ ‘મિસ્કીન’, અંકિત ત્રિવેદી)

IMG_0742
(પ્રેમરસ પાને તું…..                   ….ચૈલ, હિ.પ્ર., નવે.-૨૦૦૭)

*

પાંપણ જ્યાં સુધી મટકી શકે એમ નથી, દોસ્ત,
સપનાંને કોઈ પટકી શકે એમ નથી, દોસ્ત.

સૂરજ જરા જો અસ્ત થયો, આગિયા ઊગ્યા,
અંધારું અહીં ફટકી શકે એમ નથી, દોસ્ત.
**

ટહુકો તમે મૂકી શકો તો મૂકી જુઓ, પણ
આ ડાળ વધુ બટકી શકે એમ નથી, દોસ્ત.

પડછાયા જીવનમાં કદી લાંબા, કદી ટૂંકા…
અજવાસથી એ છટકી શકે એમ નથી, દોસ્ત.

છેડીને ગઝલ અટકી ન જા, રાત ભલે જાય,
આ વાત હવે અટકી શકે એમ નથી, દોસ્ત.

શબ્દોને ગણ્યા શ્વાસ તો લખવું પડે હરદમ,
જીવું ત્યાં સુધી અટકી શકે એમ નથી, દોસ્ત.

-વિવેક મનહર ટેલર
(૦૯-૦૪-૨૦૦૮)

છંદ વિધાન : ગાગાલ | લગાગાલ | લગાગાલ | લગાગા

(** = આ શેર હાલ પૂરતો આ ગઝલમાંથી રદ કર્યો છે. કાફિયા-દોષ તરફ ધ્યાન દોરવા બદલ શ્રી અનિલ પરીખનો આભાર. ગઝલમાંથી રદ કરવા છતાં આ શેર પોસ્ટ પરથી હાલ એટલા માટે દૂર કરતો નથી કે વાચકોને ખ્યાલ રહે કે માણસ માત્ર ભૂલને પાત્ર)

પ્રકાશિત રચનાઓની શ્રેણીમાં વધુ એક ગીત… આગળ પગલું ભરવું દોહ્યલું થઈ પડે એમ ભરબપ્પોરે કોઈની નજરની ફાંસ વાગી જાય ત્યારે ભરચક્ક મેળાની વચ્ચોવચ્ચ જાતના ઓગળી જવાના કોઈ અહેસાસને કંડારતું અને મને ગમતું આ ગીત કવિતાના પૃષ્ઠ પરથી સીધું આપના માટે…

Kavita- Najaryu ni vaagi gayi faans

(’કવિતા’, એપ્રિલ-મે: ૨૦૦૮…. …તંત્રી: શ્રી સુરેશ દલાલ, હિતેન આનંદપરા)
(આ ગીત અને એના વિશેના મિત્રોના અગાઉના પ્રતિભાવ આપ અહીં ફરી એકવાર માણી શકો છો)

support
(ટેકો….              ….મહુવા, ભાવનગર, ૧૯-૦૪-૨૦૦૮)

.

એ નાનો હતો
ત્યારે મમ્મી એને ખોળામાં લઈને
ગાડીમાં આગળ
મારી બાજુની સીટ પર બેસતી.
એ થોડો મોટો થયો
એટલે અમે એને પાછળની સીટ પર
-આખી સીટ તારા એકલાની-
કહી બેસાડતાં હતાં.
પણ થોડો વધુ મોટો થયો
ત્યારે એણે જબરદસ્તીથી
મમ્મીને પાછળ બેસાડવાનું શરૂ કર્યું
અને પોતે આગળ.
કારણ કંઈ નહીં.
આખ્ખી સીટની લાલચ પણ કામ ન કરી શકી.
અમને લાગ્યું
કે એને એ.સી.ની આદત પડી ગઈ છે
અથવા
બાળકને તો આગળ બેસવાનું જ ગમે ને !
એક દિવસ બપોરે
એ અમારા બેની વચ્ચે ઘૂસ્યો,
દબાઈને સૂઈ ગયો
અને મારા ગાલ ખેંચ્યા-
-હું તમને સૌથી વધારે વહાલો છું, સમજ્યા?

-વિવેક મનહર ટેલર
(૨૨-૦૫-૨૦૦૮)


(સુખનો ચહેરો….            …સાંગલા ગામ, કિન્નૂર વેલી, નવે.૦૭)

.

રાત્રે
ઊંઘમાંથી ઊઠીને
એ બૂમ પાડે-
મમ્મી… પપ્પા…
અને રડવા માંડે.
જાગી જઈને
ક્યારેક હું
તો ક્યારેક એની મમ્મી એને પૂછે-
શું થયું, બેટા ?
એ બોલે નહીં
બસ, હીબક્યા કરે.
અંતે ક્યાં તો
હું એની પથારીમાં જઈને સૂઈ જાઉં
કે મમ્મી એને અમારી પાસે બોલાવી લે.
આ રોજનો નિયમ.
સવારે પૂછીએ તો કહે
કે મને ડર લાગે એવાં સપનાં આવે છે.
અમે કાર્ટૂન ચેનલ્સના માથે દોષનો ટોપલો ઢોળી દઈએ-
સાલાઓ… ટી.વી. પર શું શું બતાવ્યા કરે છે આખો દહાડો…
પછી
અમે એને સાથે સુવાડવાનું શરૂ કર્યું.
સમ ખાવા પૂરતો ય

એક પણ રાત્રે
કદી અધવચ્ચે જાગ્યો જ નહીં.
કાર્ટૂન્સ જોવાનું તો
એણે હજી છોડ્યું જ નહોતું.

-વિવેક મનહર ટેલર
(૨૨-૦૫-૨૦૦૮)

PB134857
(જરઠ ઝાડ…                      …સાંગલા, કિન્નૂર વેલી, હિ.પ્ર., નવે.-૨૦૦૭)

જગત જ્યારે જ્યારે કનડતું રહે છે,
મને કંઈક મારામાં જડતું રહે છે.

છે દિલ પર અસર શેનાં આકર્ષણોની ?
નથી ઢાળ તો પણ ગબડતું રહે છે.

પડે જેમ ખુશબૂનાં પગલાં હવામાં,
કોઈ એમ મારામાં પડતું રહે છે.

રહી દૂર કોઈ રહે ઠેઠ ભીતર,
રહી પાસે કોઈ, અછડતું રહે છે.

આ મન છે કે માણેકશાની ચટાઈ ?
બને દહાડે, રાતે ઊખડતું રહે છે.

આ વાતાનુકૂલિત મકાનોની પાછળ,
જરઠ ઝાડ કંઈ-કંઈ બબડતું રહે છે.

હથેળીની ભાષા અડી ગઈ’તી ક્યારેક,
કબૂતર હજી પણ ફફડતું રહે છે.

-વિવેક મનહર ટેલર
(૧૨-૦૪-૨૦૦૮)

(જરઠ=વૃદ્ધ)
(માણેકશાહ બાવાની ચટાઈ: અમદાવાદનો (કે મહેમદાબાદનો) સુલતાન શહેર ફરતે કોટ બાંધી રહ્યો હતો ત્યારે ત્યાં પડી રહેતો ફકીર ઓલિયો માણેકશાહ બાવો ચટાઈ વણતો રહેતો. દિવસ દરમિયાન એ ચટાઈ વણતો રહેતો અને કોટ બંધાવા આવતો પણ સાંજ પડતા એ ચટાઈ ખોલી નાંખતો અને કોટ તૂટી પડતો દિવસો સુધી આમ ચાલ્યું પછી જ્યારે રાજાને ફકીરનું મહત્વ સમજાયું અને એના આશીર્વાદ લેવા ગયો ત્યારે માણેક બાવાએ ચટાઈ ઊકેલવાનું બંધ કર્યું અને કોટ બંધાયો)

P6020342
(દમણના દરિયે…                  …૦૩-૦૬-૨૦૦૬)

મારી વેદનાનો રણઝણતો સાગર
એક આંસુમાં આપીશ
- તને ચાલશે ?

-વિવેક મનહર ટેલર
(૧૯૮૬)

The glory of Taj

(મૂર્ત પ્રેમ….                               ….તાજ, આગ્રા, મે-૨૦૦૫)

બપોરે
અમને બંનેને
પોતાના નાનકડા ખોળામાં ઢબૂરી
અમારા બંનેના માથા પર
ક્યાંય સુધી
પોતાના નાના-નાના હાથ
પસવાર્યા કર્યા પછી
અમારો દીકરો બોલ્યો-
‘તમે બંને મારા નાનાં-નાનાં બેબી છો’.
સવારે જ એણે
મમ્મીને પૂછ્યું હતું,
‘કાલે પપ્પાએ તને કેમ માર્યું હતું?’

-વિવેક મનહર ટેલર
(૦૨-૦૫-૨૦૦૮)

« Older entries