પગથિયાં


(આસમાં સે આગે… ….હટગઢ, ૨૦૧૯)

*

સામે જ પગથિયાં હતાં
પણ વાદળ નીચે ઉતરી આવ્યાં હતાં
એમાં એ અડધેથી જ ગરકાવ થઈ ગયાં હતાં
ચડું કે ન ચડુંનો સવાલ
બેકપેકનું વજન વધારી રહ્યો હતો.
વાદળની પેલે પાર
આ પગથિયાં નહીં હોય તો?
એ અડધે જ પતી ગયાં હોય તો?
શું હશે પગથિયાંના પેલા છેડે?
પર્વતનું શિખર?
કે ખીણ?
પગથિયાં મને ઉપર લઈ જશે
કે ખીણમાં પટકશે?
બંને પગ બેકપેકમાં પેક કરી દઈ
હું
વાદળ હટી જાય એની રાહમાં
ત્યાં જ ઊભો છું-

-સદીઓથી.

– વિવેક મનહર ટેલર
(૨૯-૦૯-૧૯- ૫.૩૦ મળસ્કે)

ચૌદમી વર્ષગાંઠ પર…

આખરે એક-એક કરતાં ચૌદ વર્ષ પૂરાં થઈ ગયાં… શ્રી રામે જેટલો સમય વનવાસમાં કાઢ્યો એટલો સમય મેં આપના સહવાસમાં વીતાવ્યો… ચૌદ વર્ષમાં છસોથી વધુ પૉસ્ટ્સ થઈ… ૧૪૦૦૦ જેટ્લા પ્રતિભાવો મળ્યા; અને મળ્યો આપ સહુનો અનવરત સ્નેહ…. જેણે મારી કવિતાને ઘડવામાં અનૂઠો ભાગ ભજવ્યો છે.

સોશ્યલ મીડિયાઝના આક્રમણ સામે વેબસાઇટ્સ અને બ્લૉગ્સ ક્યાં સુધી ટકી શકશે એ તો ખબર નથી પણ જ્યાં સુધી આપ સહુનો સ્નેહ સાંપડતો રહેશે, ત્યાં સુધી શબ્દોમાં પરોવીને મારા શ્વાસ લ્ઈને આપને મળવા આવતો રહીશ…

દર મહિનાના પહેલા અને ત્રીજા શનિવારે થોડો સમય મારા માટે ફાળવીને અહીં હાજરી પૂરાવવાનું ચૂકશો નહીં…

સહુનો અંતઃકરણપૂર્વક આભાર…

ક્યારેક જીતવા મળે

ક્યારેક જીતવા મળે, ક્યારેક શીખવા,
એવી રમત બની જ નથી જે દે હારવા.

जब से गए है छोड के साजन बिदेसवा*,
હું છું ને મારા વર્ચુઅલ આ વર્લ્ડની હવા

વોટ્સએપમાં રચ્યાં-પચ્યાં છે જેના ટેરવાં,
શાયર એ લખશે શી રીતે શેરો નવા નવા ?

મહિનામાં એક બંક તો ચાંદોય મારે છે,
માંડ્યો છે સૂર્ય પણ હવે આવું વિચારવા.

વાર્તાય એની એ જ છે, સસલાંય એનાં એ જ;
જીતવાના કૉન્ફિડન્સમાં માંડે છે ઘોરવા.

પ્રિ-પેઇડ બૉક્સ આવ્યું છે, ખોલ્યું તો તકલીફો,
किस की दया से हुई है यूँ हाजत मेरी रवा?

– વિવેક મનહર ટેલર
(૨-૫ ઑક્ટોબર, ૨૦૧૯)

(*સાભાર સ્મરણ: શ્રી ભગવતીકુમાર શર્મા)

પ્લાસ્ટિકનું ગીત

ટિક્ ટિક્ ટિક્ ટિક્ ટિક્ ટિક્ ટિક્
ઘડિયાળના કાંટાની સૌને છે બીક,
પણ હું છું અલગ, મારું નામ પ્લાસ્ટિક

કાલે જ્યાં દરિયો હતો, આજે હિમાલય છે; કચ્છના રણનુંય છે એવું,
સૃષ્ટિમાં કોઈ માટે ક્યારેય સંભવ નથી, છેકથી છેક એમ ને એમ રે’વું,
લોઢું કટાઈ જાય, માણસ ખવાઈ જાય, ચૂકવે છે કાળનું સૌ દેવું,
હું જ એકમેવ છું જે સદીઓની સદીઓ લગ કાળ સામે ઝાલે છે ઝીંક.
કોઈ મને ડારી શકે ન જરીક.

अश्वत्थामा बलिर्व्यासो हनूमांश्च** એમ આઠ ચિરંજીવીની ઉપર,
નવમો હું, અવતારીનોય અવતારી, હું કાળાતીત, અજર-અમર,
મારા સૂરજને કોઈ પશ્ચિમ નથી ને નથી ચાંદને અમાસનો ડર,
મને મારવાનો-ડારવાનો એક જ ઈલાજ–મારા સર્જનને રોકો લગરીક.
મને રિસાઇકલ કરો તો ઠીક.
આટલું સમજી શકો તો નસીબ.

– વિવેક મનહર ટેલર
(૧૪-૧૧-૨૦૧૯)

*

** अश्वत्थामा बलिर्व्यासो हनूमांश्च विभीषणः ।
कृपः परशुरामश्च सप्तैते चिरजीविनः ।
सप्तैतान् संस्मरेन्नित्यं मार्कण्डेयमथाष्टमम् ।
जीवेद्वर्षशतं सोङपि सर्वव्याधिविवर्जितः ॥

(અશ્વત્થામા, બલિ, વેદવ્યાસ, હનુમાન, વિભીષણ, કૃપાચાર્ય અને પરશુરામ આ સાતની ચિરંજીવીમાં ગણના થાય છે. આ સાત સિવાય આઠમા માર્કંડેય ઋષિ છે. આ આઠે પુરુષોનું નિત્ય સ્મરણ કરવાથી સર્વ વ્યાધિઓ દૂર રહે છે અને આયુ સો વર્ષથી ઉપર થાય છે.)

अश्वत्थामा बलिर्व्यासो हनूमांश्च विभीषणः ।
कृपः परशुरामश्च सप्तैते चिरजीविनः ।
सप्तैतान् संस्मरेन्नित्यं मार्कण्डेयमथाष्टमम् ।
जीवेद्वर्षशतं सोङपि सर्वव्याधिविवर्जितः ॥

ચંપામાસી

બે દિવસ પહેલાં જ બાળદિન ગયો… એના અનુસંધાનમાં આજે આપણે ચંપામાસીને મળવાનું રાખીએ તો? માસી કેવા લાગ્યા એ કહેવાનું ચૂકશો નહીં… નહિંતર માસીને પાછું માઠું લાગી આવશે, યાદ રહે…

લાગું ને સાવ ચંપામાસી?!


*

માથામાં મણ-મણનું કોપરેલ નાંખ્યું ને ચોટલી બે બાંધી છે પાછી,
બોલો, લાગું ને સાવ ચંપામાસી?!

મમ્મીના સેન્ડલ ચડાવીને ઘરમાં
હું ટપ્-ટપ્ ચાલું કેવી વટથી;
મોઢા પર લાલી-કાજળના લપેડા
આપણે તો કાયમની મસ્તી,
મમ્મીનો દુપટ્ટો ખોવાયો હોય તો સમજી લો, પહેરું છું સાડી.
બોલો, લાગું ને સાવ ચંપામાસી?!

ચાંપલી-ચમેલી કહી પપ્પા ચિડાવે પણ
લાગે ન સ્હેજ મને ખોટું,
પપ્પાને એમ કે હું ભેંકડિયા તાણીશ
પણ ડેડી! આ બચ્ચુ છે મોટુ;
મમ્મી આ ખેલ જોઈ દૂરથીને દૂરથી આપે છે મને શાબ્બાશી.
બોલો, લાગું ને સાવ ચંપામાસી?!

– વિવેક મનહર ટેલર
(૦૮-૦૩-૨૦૧૮)

ડાળખી લાખ બટકણી છતાં…

૨૦૦૮ની સાલમાં લખેલી એક ગઝલ આજે મળી આવી… એ આપ સહુ સાથે વહેંચી રહ્યો છું… પ્રતિભાવ જરૂર આપજો…

*

ડાળખી લાખ બટકણી છતાં એ તોડે નહિ,
એ રહે સાથે ને સાથે જ છતાં જોડે નહિ.

આયનો એનામાં, મારામાં અને ચારેતરફ,
જાણે છે સૌ કે બધું ઊલટું છે પણ ફોડે નહિ.

ખાલી વમળો જ નહીં ઊઠે, એ ડહોળાશે પણ
શાંત પાણીને કહો એને કે ઝંઝોડે નહિ.

હું મળી જઈશ હજી બાજુ બચી માટીમાં,
આ સડેડાટ સીધો જાય છે એ રોડે નહિ.

કેવું ઘરફોડું છે આ મન કે જે લૂંટે છે મને !
એક ઘર ચોરની પેઠેય શું એ છોડે નહિ?!

હવાને સ્થાને તું જો શબ્દ થઈ આવી ચડે,
તો પછી ફેફસાં એ શ્વાસને તરછોડે નહિ.

જાત નીચવીને પ્રથમ ધોવું પડે છે આ લલાટ,
સામે ચાલીને કદી કંકુ ગઝલ ચોડે નહિ.

– વિવેક મનહર ટેલર
(૧૫-૦૩-૨૦૦૮)

કોનો હતો કસૂર?

તારો પ્રેમ અકબંધ ને મારો ચકનાચૂર?
તારો એ સંબંધ પણ મારો તે ફિતૂર?
આ તે કેવું શૂર?

તું કહે છે તારી પ્રીતની તોલે કોઈ ન આવે,
તું કહે એ ભલભલા ઇતિહાસને શરમાવે;
મેં તો કંઈ કર્યું જ નથી, હું પૂછું છું રંકભાવે-
આવી ઉત્કૃષ્ટ પ્રણયકથાનું કેમ ઊડી ગ્યું નૂર?
કોનો હતો કસૂર?

આપણ બંને એમ જ જીવ્યા જાણે કે મનમીત;
પણ શું આપણ એકમેકમાં ઊતર્યા કદી ખચીત્?
હવાય જો પોલાણ ન હો તો બને નહીં સંગીત,
અવકાશ જ નહોતો વચ્ચે કે શું રહ્યાં હરદમ દૂર?
ના જન્મ્યા કો’ સૂર…

– વિવેક મનહર ટેલર
(૧૫-૦૩-૨૦૧૮)

બર્થ ડે પર…

ડાર્લિંગ હરજાઈ મારા!
કેમ એમ કહે છે જે આપ્યું’તું લાસ્ટ યર, એને જ તાજું ગણી, લેવું…?
મારે તો બર્થ ડે પર ગીત જ ખપે ને તેય લેટેસ્ટ, હું કહું સાવ એવું!

નથી મને ઇચ્છા કંઈ સોના-ચાંદી કે પછી ડાયમંડ-પ્લેટિનમના સેટ્સની,
નથી મારે એવીય કોઈ ઇચ્છા, સમજ પ્યારે! બ્રાન્ડેડ કે ફોરેનના ડ્રેસની;
શાને તું ચાંદ-તારા તોડી લાવે ને કરે મારા માટે પર્સનલ ચાંદની?
અજવાળાં ઓલવીને હેપ્પી થવાનું એવી કેન્ડલ, બોલ! મારે શા કામની?
તું કેક આપે, હું ચપ્પુ ચલાવું, આ બર્થ ડેનું આવું તે કેવું?
હવે આથી વધીને શું કહેવું?
મારે તો બર્થ ડે પર ગીત જ ખપે ને તેય લેટેસ્ટ, હું કહું સાવ એવું!

ઑનલાઇન કે મૉલમાં જઈ લાવી શકાય એવી ગિફ્ટોનું કરવાનું શું?
આડે હાથ એ તો ક્યાંક મૂકી દેવાય, વળી તૂટી જાય, ખૂટી જાય વસ્તુ,
કેમ કરી સમજાવું, માય ડિઅર! મારે મન તું જ છો ઘરેણું મારું સાચું;
આપવું જ હો તો જે પરમેનન્ટ રહે એવું, છો ને ના રહે વર્લ્ડ આખું,
હાર્ટમાંથી બે’ક વર્ડ્સ કાઢી ઘડે તું એ ઘરેણું કંઈ હોય જેવું-તેવું?
મારે બીજું કશુંય નથી કહેવું…
મારે તો બર્થ ડે પર ગીત જ ખપે ને તેય લેટેસ્ટ, હું કહું સાવ એવું!

– વિવેક મનહર ટેલર
(૩૦-૩૧/૧૨/૨૦૧૭ – ૦૭/૦૯/૨૦૧૯)

એ તારે કાજે છે…

કાલે હતો એથી વધારે આજે છે
દિલમાં એ રીતે દોસ્ત! તું બિરાજે છે;
ગંતવ્ય એક-એક શ્વાસનું એક જ છે કે-
જે પણ હતા, જે છે એ તારે કાજે છે.

– વિવેક મનહર ટેલર

ઘર કરી ગઈ

હા, એક્સ-રેથી પણ વધુ એ સોંસરી ગઈ,
ભીતર ગઈ એ છોકરી, ને ઘર કરી ગઈ.

જે ડાળ મારા થડથી તૂટીને ખરી ગઈ,
તારી જમીનમાં પડી ને પાંગરી ગઈ.

મા સરસતીને ત્યાં હતી એ નોકરી ગઈ,
તારા જતાંની સાથે મારી શાયરી ગઈ.

હોવું હજી બચ્યું છે શું અકબંધ સાચેસાચ?
તું ગઈ અને જે પણ હતી સૌ ખાતરી ગઈ.

ધીમેથી જેમ દૂધ ઘનીભૂત થાય એમ
મારામાં એક દૃષ્ટિ ભળી, ને ઠરી ગઈ.

ઇતિહાસ એનો એ જ છે ઇચ્છાનો કાયમી,
‘જાઉં છું’, ‘જાઉં છું’ કરે ને લાંગરી ગઈ.

ઇતિહાસ નહિ ભૂંસાય તસુભર, મથો ભલે,
તો શું થયું કે દુર્ગથી બે કાંગરી ગઈ?

– વિવેક મનહર ટેલર
(૧૦-૦૫-૨૦૧૯)

એ ખતનો ઈંતેજાર છે…

એક જૂની ગઝલ… ખબર નહીં કેમ, પણ વેબસાઇટ ઉપર મૂકવાની જ રહી ગઈ હતી… આપને કેવી લાગી એ કહેજો..

*

નેજવા પર આંખના થીજ્યા સમયનો ભાર છે,
જે લખાવાનો નથી એ ખતનો ઈંતેજાર છે.

વૃક્ષ આખેઆખું જીવતરનું ધરાશાયી થયું,
એક શંકાની ઊધઈનો આટલો આભાર છે.

તુજ વિરહનો અગ્નિ વડવાનલ થયો ને કાંઠા પર-
શાંત જળને જોઈને રાજી થતો સંસાર છે!

શ્વાસની ધરતીમાં કૂંપળ લહલહે છે શબ્દની,
હું કે તું, કોને ખબર? પણ વરસ્યાં અનરાધાર છે…

– વિવેક મનહર ટેલર
(૦૨-૦૭-૨૦૦૫)

માસિકત્રયી : ૦૩ : મા દીકરીનો સંવાદ

પહેલીવાર માસિકમાં આવેલી દીકરીનો સવાલ અને માએ એને આપેલો જવાબ આપણે જોઈ ગયા. હવે, આ માસિકત્રયી ગુચ્છનું આ આખરી કાવ્ય…

*

મા! મને દાદી કહે છે, દૂર બેસ,
અડકાબોળો ન કર, માથાબોળ નહાઈ લે, આ કેવી આભડછેટ?

માસિકનું આવવું જો ઓળખ હો સ્ત્રીની તો શાને આ આઇ કાર્ડ કાળું?
હરદમ જે વળગીને જીવતી એ સખીઓનો સંગાથ કેમ કરી ટાળું?
બાકીના પચ્ચીસથી અળગા કરીને આ પાંચને હું શાને પંપાળું?
ઈશ્વર કને તો હું રોજરોજ જાતી, હવે કઈ રીતે જાતને હું ખાળું?
આ તો અપમાન, મા! ખુદને હું કઈ રીતે કહું કે લે, આને વેઠ!
મા! મને દાદી કહે છે, દૂર બેસ.

બેટા! તું સાચી છે, કુંડાળે પડ્યો છે દુર્ભાગ્યે દુનિયાનો પગ,
માસિક તો દીવો છે, એ વિના થાય નહીં માતૃત્વ ક્યાંય ઝગમગ;
રગરગમાં ભર્યા એ ઈશ્વરસમીપ જતાં થાતી ન સહેજ ડગમગ,
કહી દેજે સૌને, આ ગૌરવ છે નારીનું, આપવું જ પડશે રિસ્પેક્ટ.
ના બેટા! કોઈથીય અળગી ન બેસ.

– વિવેક મનહર ટેલર
(૨૨-૦૫-૨૦૧૯)

માસિકત્રયી : ૦૨ : માનો જવાબ

પહેલવહેલીવાર માસિકમાં આવેલી દીકરીએમાને કરેલો સવાલ આપે ગઈ પોસ્ટમાં વાંચ્યો. હવે મા શું જવાબ આપે છે એ જોઈએ:

*

બેટા! તું થઈ હવે મોટી.
બીજું કશું જ નહીં, માસિક આવ્યું છે તને, ફિકર-ચિંતા ન કર ખોટી.

આજ કહું-કાલ કહું, શું કહું-કેમ કહું
હિંમત મારી જ પડી ટૂંકી,
આવી ગઈ આજે અચાનક તું ટાઇમમાં,
ને મા થઈ ટાઇમ હું ચૂકી;
મારી જ આળસ ને મારી જ અવઢવે
તને આજે આ હાલતમાં મૂકી,
તારો આ લાલ રંગ કંઈ નહીં, બસ, મારા માવતર પર પડેલી સોટી.

ભૂલ ગણી, પાપ ગણી, ચોરી-સજા કહી
ક્યાં લગી ખુદને સંતાપશે?
મનેય આવ્યું’તું, તનેય આવ્યું છે,
ને તારી બેટીને પણ આવશે;
કુદરતની દેણ, બસ, સ્ત્રીઓ પર મહેર છે,
આ જ તને મા-પદે સ્થાપશે.
ભાઈઓથી જુદી નહીં, ઊંચી એ કહેવાને એણે લીધી આ કસોટી.

– વિવેક મનહર ટેલર
(૨૧-૦૫-૨૦૧૯)

માસિકત્રયી : ૦૧ : દીકરીનો સવાલ

ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં કદાચ પહેલવહેલીવાર સુરતમાં માસિકને કેન્દ્રસ્થાને રાખીને લખાયેલી કવિતાઓનું કવિસંમેલન યોજાઈ ગયું. આ સંમેલનમાં માસિકધર્મમાં પહેલીવાર પ્રવેશતી યુવતી વિશેના ત્રણ ગીત મેં રજૂ કર્યાં હતાં. આ શનિવારે એમાનું પહેલું ગીત રજૂ કરું છું… આપ સહુના પ્રામાણિક પ્રતિભાવોની પ્રતીક્ષા રહેશે…

*

મા! મને આવતો નથી કંઈ ખ્યાલ,
ન પડી, ન આખડી, ન વાગ્યું-કપાયું તો કઈ રીતે થઈ હું લાલ?

જલ્દીથી મોટા થઈ જવાની લ્હાયમાં
હું ભાગભાગ તેર માળ ચડી,
ગઈ કાલ સુધી હું હતી પતંગિયું,
ને આજે અચાનક નદી?
સમજ્યો સમજાય નહીં ઓચિંતો ફેરફાર,
કેવી વિડંબનામાં પડી?
મા, બીજા કોને જઈ પૂછું સવાલ?

એવી તે કઈ ભૂલ, એવાં તે કયાં પાપ,
જેને લીધે આ થયા હાલ;
જૂઠ્ઠું બોલી કે શું? ચોરી કરી કે શું?
કરી ભગવાનજી સાથે બબાલ?
રાત્રે તો ચોખ્ખુંચટ પહેરીને સૂતી
ને સવારે આ શું ધમાલ?
મા! મને આપ થોડી સમજણ ને વહાલ.

– વિવેક મનહર ટેલર
(૨૧-૦૫-૨૦૧૯)

એક ટચલી તે આંગળીનો નખ…



એક ટચલી તે આંગળીનો નખ,
કોતરે છે ભોંય અને તાક્યા કરે છે એને મારી આ આંખ એકટક.

સત્તર શમણાંઓની ભારી લૂંટવાને આયો પાતળિયો ભારી નઘરોળ,
ને તારતાર ઊતરે રૂમાલમાં અત્તર એમ મારું જ છત્તર ઓળઘોળ?
પરબારા બેસી ’ગ્યા હાથ સૌ ધોવા, મેં એવા તે દીધાં શા દખ?
એક ટચલી તે આંગળીનો નખ.

શેરડા ને પાંપણ ને ઘૂંઘટ વીંધીને કોઈ ઠેઠ લગી મને ઝંઝોડે,
થાતું કે કાશ! હુંય ભોંયમાં ગરી જાઉં નજરુંની શારડીની સોડે;
ને ઝાડેથી ટહુકો એમ બારસાખમાંથી હું ઊડું ઊડું થાઉં લગભગ.
એક ટચલી તે આંગળીનો નખ.

– વિવેક મનહર ટેલર
(૦૪-૦૩-૨૦૧૯)

*
(પુણ્યસ્મરણ: શ્રી વિનોદ જોશી ~ ટચલી આંગલડીનો નખ)

ગરમાળો ખીલ્યો છે આજે


(મારા ઘરના ગરમાળાની પહેલી સેર…. …૦૩-૦૫-૨૦૧૯)

*

આંખો વાવીને મે રોપ્યો’તો જેને એ ગરમાળો ખીલ્યો છે આજે,
મારો ઈન્તજાર ફળ્યો છે આજે

ઉનાળે દર વરસે ખાલીખમ ડાળીઓ
રોજ મને કેવો ટટળાવતી!
ઓણ સાલ? પોર સાલ? એક સીંગ? એક કળી?-
લગરિક અણસાર નહોતી આલતી.
સઘળી નિરાશાનું સાટું વાળે એ પીળચટ્ટો દિ’ ઊગ્યો છે આજે.
મારો ઈન્તજાર ફળ્યો છે આજે

પીળાં ખીલ્યાં છે એને ફૂલોનું નામ ન દો
દૃષ્ટિ ખુલી છે, મારી દૃષ્ટિ,
વર્ષોથી આવું આવું કરનારાં સ્વપ્નોએ
સર્જી છે સોનેરી સૃષ્ટિ.
પીળા પલકારાની ઈર્ષ્યાના તોરમાં સૂરજ પણ સળગ્યો છે આજે.
મારો ઈન્તજાર ફળ્યો છે આજે

– વિવેક મનહર ટેલર
(૦૩-૦૫-૨૦૧૯)

જાત કહે એ સાચું

જાત કહે એ સાચુ, સાધુ
જાત કહે એ સાચુ.

ગુરુ બિન જ્ઞાન નહીં, હે સાધો! સાચ આપકી બાની,
ઘટનાં અંધિયારાં પીવાં કે ઘાટ ઘાટનાં પાણી?
ગૌતમ, મહાવીર, મહંમદ, ઈસુ, નાનક, હો કે સાંઈ,
ભીતરના દરિયે ડૂબ્યા જે, સહજ સમાધિ પાઈ.
લાખ ગુરુ પડતાં મેલીને
ખુદની ભીતર જાંચુ.

મસમોટા ગ્રંથોનાં પાનાં જીવનભર ઊથલાવ્યાં,
અક્ષરની ગલીઓમાં ક્યાયે અજવાળાં ના લાધ્યાં;
પ્રશ્ન થયો આ લહિયાઓએ કેટલા ગ્રંથો વાંચ્યાં?
અવર અંગુલિ ઝાલી બોલો, કોણ અલખને પામ્યા?
ખુદનું ખુદ લખે તે સાચુ,
જાતનું પુસ્તક વાંચુ.

-વિવેક મનહર ટેલર
(૧૨-૦૨-૨૦૧૯, ૦૪.૨૫)

સસલાના શિંગડાં

એક સંઘ સાથે તમે ક્યાંક જઈ રહ્યા છો
અને અચાનક જ
સસલાના માથે શિંગડાં ફૂટી આવ્યાં હોય એમ
ક્યાંકથી
કોઈક
ધસી આવે છે
ને
ધડાઅમમમમમઅઅ
પ્રચંડ ધડાકા સાથે
અચાનક જ તમારા કેટલા બધા સાથી મિત્રો
‘છે’માંથી ‘હતા’ થઈ જાય છે…
બૉમ્બના અવાજથી તમારા કાન
લાં…બા સમય સુધી હવે સૂન્ન જ રહેવાના છે…
આગ, ધુમાડા અને રાખના વાદળની વચ્ચેથી
તમારે તમારા સાથી મિત્રોના ટુકડા
કાળજીપૂર્વક વીણવાના છે
અને
ઝિગ-સૉ પઝલ રમતાં હો એ રીતે
એકનો ટુકડો બીજામાં ને બીજાનો ત્રીજામાં
ભળી ન જાય એમ
લોહી-માંસના બચી ગયેલા લબાચાઓમાંથી
તમારા મિત્રો ઘડી કાઢવાના છે,
જેથી એમના ઘરવાળાંઓ એમને ઓળખી કાઢી શકે.
હવે આજે આખો દિવસ દેશભરના ટીવીઓ ચીસો પાડશે,
ને આવતીકાલે સવારે અખબારો.
પરમદિવસે આખો દેશ
કેન્ડલ માર્ચ કાઢશે, સભાઓ ભરશે, રસ્તાઓ ગજવશે ને યુદ્ધ માંગશે.
મદદ માટેના પૈસાનું એક ઘોડાપૂર ઊઠશે
ને એમાંથી થોડાં લિટર તમારા મિત્રોમાંથી કેટલાકના ઘરના ઉંબરા ભીંજવશેય ખરાં.

સાંજે લગ્નમાં જવાનું હતું, એ લોકો ગયા.
વરઘોડામાં બેન્ડ પર નાચવું પણ પડશે.
ગલીબૉય ફિલ્મ હિટ થઈ ગઈ છે.
આવતીકાલની સાંજની ટિકીટ પણ આવી ગઈ છે.
એ જોવા જવું પડશે.
બધું ઠેકાણે પડી જશે, પડી જ ગયેલું છે
પણ તમારા કાનમાં પડી ગયેલી ધાક
જીવનભર દૂર થવાની નથી.
હવે બાકી આખી જિંદગી
તમે સસલાના માથે ફરી શિંગડાં ક્યારે ઊગી આવશે
એની દહેશતમાં જ પસાર કરવાના છો…
કેમ કે
સસલાના માથે શિંગડાં ઊગતા રોકનાર તો કોઈ છે જ નહીં.

– વિવેક મનહર ટેલર
(૨૩-૦૨-૨૦૧૯)

અડતાળીસમે…

વર્ષગાંઠ હોય, શનિવાર હોય અને એ પણ SCSM પર પોસ્ટિંગનો શનિવાર હોય, એવું તો જવલ્લે જ બને… તો આજના દિવસનો સદુપયોગ કરીને ઉંમરના આ મુકામે આવીને શું અનુભવાય છે એની બે’ક વાત કરું? આપનો અભિપ્રાય જરૂર આપજો…
*

અડતાળીસમે,
ગયાં એટલાં નથી જવાનાં, સંભાળીશ ને?

કાન જરા ઝાંખા પડ્યા ત્યારે સંભળાયું,
ગીત ખરતાં પળિયાંએ જે વરસોથી ગાયું:
બોજ ખભે લઈ-લઈને જઈશ તું કેટલે આઘે?
છોડતાં રહીએ તો થાકોડો ઓછો લાગે,
મારું મારું મારું ક્યાં લગ? બોલ, ત્યાગીશ ને?
ગયાં એટલાં નથી જવાનાં, સંભાળીશ ને?

અકળાવે છે આંખ તળે કાળાં કુંડાળાં,
ચહેરા ઉપર કોણ બાંધતું રોજ આ જાળાં?
રોજ અરીસો ટાઇમ નામનો ટોલ ઊઘરાવે,
રોજ રોજ દેતાં રહેવાનું ક્યાંથી ફાવે?
જે આવે છે, જેમ આવે છે, સ્વીકારીશ ને?
ગયાં એટલાં નથી જવાનાં, સંભાળીશ ને?

હા, હા, હું ગિરનાર હજી પણ ચડી શકું છું
દીકરાની સામે હું નીચો નમી શકું છું
હાથમાં હાથ મિલાવી જે ચાલી છે સાથે
હવે પછીનાં સઘળાં વર્ષો એના માટે,
પળ પળ હવે છે મોજ, જિંદગી! મોજ કરીશ ને?
ગયાં એટલાં નથી જવાનાં, સંભાળીશ ને?
અડતાળીસમે…

-વિવેક મનહર ટેલર
(૧૩-૦૩-૨૦૧૯)

*

ના, હાંફી ગયો છું હું…


(ડેડી જાગી જાય એ પહેલાં પતાવી લે ને, ચાલ… …સાસણ ગીર, જાન્યુઆરી, ૨૦૧૯)

*

તમે પણ આવું કહેશો, કૃષ્ણ? : ના, હાંફી ગયો છું હું?
ખરે એવો વિકટ છે પ્રશ્ન? ના, હાંફી ગયો છું હું.

અલગ હો પક્ષ બે તો, પાર્થ! થોડું કામ ઇઝી થાય,
બધા એક જ છે, છે કોઈ ભિન્ન? ના, હાંફી ગયો છું હું.

હવાને પેક કરી આપું, તરસ મૃગજળથી છીપાવું,
તને સમજાવવાનો યત્ન? ના, હાંફી ગયો છું હું.

સમાધાનોના ગુંદરથી કદી સંધાય ના સંબંધ,
કદી છૂટાં, કદી સંલગ્ન? ના, હાંફી ગયો છું હું.

કરીને પીઠ રાતી અન્યને ચમકાવવા ક્યાં લગ?
અરીસો બોલ્યો થઈને ખિન્ન: ના, હાંફી ગયો છું હું.

અરે ભારત! ચલ, આગળ વધ! જો, કેવું ભાગે ત્યાં ટોળું,
પથર ફેંકે સનનનન સન્ન! ના, હાંફી ગયો છું હું.

નથી કહેવાનું કહી-કહીને બધું જાણી ગયાં છે સૌ,
છતાં એ રાખવું પ્રચ્છન્ન? ના, હાંફી ગયો છું હું.

કવિતા! માફ કર, હું મૌન કોરું શબ્દથી કિંતુ
એ રહેવું જોઈએ અક્ષુણ્ણ? ના, હાંફી ગયો છું હું.

– વિવેક મનહર ટેલર
(૦૨/૦૬-૦૪-૨૦૧૮)


(એક અકેલા… …સાસણ ગીર, જાન્યુઆરી, ૨૦૧૯)

શું સળવળાટ છે?

(ઠસ્સો…. …સાસણ ગીર, જાન્યુઆરી, ૨૦૧૯)

ઉન્માદ શાનો લોહીમાં, શેં રવરવાટ છે?
શબ્દોનો શ્વાસમાં ફરી શું સળવળાટ છે?

પાણી પીધું જે વાવમાં ઉતરી તેં બાર હાથ,
ત્યાં માત્ર ખાલીપો અને નકરો ઉચાટ છે.

કોણે છે તૂટવાનું અને વહેશે પહેલું કોણ?
આંખોના ચોરે લોકમાં આ ચણભણાટ છે.

એકાદી તારી યાદ ત્યાં ભૂલી પડી કે શું?
મનનું સમસ્ત નેળિયું, જો મઘમઘાટ છે.

એરૂ અણીના ટાંકણે આભડ્યો મૌનનો,
બાકી જીવનના પાનાં તો સૌ કડકડાટ છે.

– વિવેક મનહર ટેલર

ઓક્ટૉબર-નવેમ્બર, ૨૦૧૧

(રાણી….                ….સાસણ ગીર, જાન્યુઆરી, ૨૦૧૯)

એક પગમાં મોજું છે ને…

એક પગમાં મોજું છે ને એક પગ છે ખાલી,
સાવ જ નવ્વી સ્ટાઇલ પહેરી હું મૉર્નિંગ વૉક પર ચાલી.

બીજું મોજું લઈને મમ્મી પાછળ મૂકે દોડ,
એ પહેલાં હું એવી છૂ કે જલ્દી આવે રોડ;
રોડ ઉપરના કંકર-પથ્થર પગને આપે તાલી.
સાવ જ નવ્વી સ્ટાઇલ પહેરી હું મૉર્નિંગ વૉક પર ચાલી.

ખુલ્લા પગને રસ્તો એવી રીતે કરતો ‘હેલો’,
મોજાંવાળા પગને મોજું લાગે છે જમેલો,
કાઢું કે ન કાઢું કરતી ઠેઠથી ઠેઠ લગ મ્હાલી.
સાવ જ નવ્વી સ્ટાઇલ પહેરી હું મૉર્નિંગ વૉક પર ચાલી.

ઘરમાં ઘુસતાં જ મમ્મી ડોળા કાઢતી સામે આવી,
મને જોઈને એનો ગુસ્સો થઈ ગ્યો હવાહવાઈ;
બીજું મોજું કાઢી બોલી: ‘આવ, મારી વ્હાલી’.
સાવ જ નવ્વી સ્ટાઇલ પહેરી હું મૉર્નિંગ વૉક પર ચાલી.

– વિવેક મનહર ટેલર
(૧૫-૦૫/૨૫-૦૭-૨૦૧૮)

કાનની છે ભારી ધમાલ

મોબાઇલ અડે તો ફ્લાઇટ મોડ થઈ જાય પણ શબ્દો અડે તો ગુલાલ,
દોસ્ત! આ કાનની છે ભારી ધમાલ.

હવાના દોરડાઓ ઝાલીને ધ્વનિના રશ્મિ ઠેઠ અંદર લગ ઊતરે,
અંદર જઈ સીધા જ વેરવા માંડે છે દાણાઓ દિલના ચબૂતરે;
ને દાણાઓ ચૂગવા આવી ઊતરે છે પાછાં પંખીય કેવાં કમાલ!
ભાઈ! આ કાનની તો કેવી ધમાલ!

ગળણી લઈને બેઉ બેસે છે પાછા, ને ઇચ્છા પડે એને ચાળે
ને ગમી જો જાય પાછી વાત જો કોઈ, સીધી મગજ સુધી એ પહોંચાડે
એય પાછું ભારી છે, કોરટ જ જોઈ લ્યો! તે પૂછશે પચ્ચીસ સવાલ
બાઈ! આ કાન છે કે નકરી ધમાલ!?

ઊંચ નીચના કોઈ ભેદ ન જાણે, સૌ સરખો જ આવકારો પામે
પણ બેમાંથી એકેય ન રે’વા દે કોઈનેય પલભર માટેય નિજ ધામે,
એમ કરીને શું એ શીખવી રહ્યા છે જીવતરના ખરા સૂરતાલ?
હા, હા! આ કાનની છે જબરી ધમાલ.

-વિવેક મનહર ટેલર
(૨૦-૦૧-૨૦૧૮: ૦૨-૦૩.૦૦ મળસ્કે)

હવે ત્યજી દો આ આંબાઓ ગણવું

જે ધાર્યું એ નહીં, ના ધાર્યું એ બને છે અને
કદીમદી નહીં, કાયમ આ મારી સાથે બને.

નજૂમી છે તું કે બક્ષિસ આ કુદરતી છે તને?
તું રોજ શૅર કરે મારા દિલની વાત મને.

તું એ જ માંગ જે સૌથી વધુ છે પ્રિય મને,
નકારી દઈ શકું પણ દઈશ નહીં કશું કમને.

બલિની જેમ બલિ શું બન્યો છું તારી સમક્ષ?
તું ખુદ કહી દે, બચ્યું છે કશુંય મારી કને?

વધી વધીને બસ, એક કાન કે ખભો દઈ દે,
વધુ તો હોય શું કરવાનું, બોલો, આપ્તજને?

હવે પચાસ વટી આપ વનમાં આવ્યા છો,
હવે ત્યજી દો આ આંબાઓ ગણવું આમ્રવને.

– વિવેક મનહર ટેલર
(૨૩-૦૮-૨૦૧૮)

તેરમી વર્ષગાંઠ પર બે વાત…

૧૩ વર્ષ…
૬૦૦ પૉસ્ટ્સ…
૧૩૫૦૦થી વધુ પ્રતિભાવ…

૨૯-૧૨-૨૦૦૫થી ૨૯-૧૨-૨૦૧૮. એક-એક કરતાં તેર વર્ષ આપ સહુના સ્નેહ અને સાથના પ્રતાપે વીતી ગયાં. સોશ્યલ મિડીયાની આંધી વેબસાઇટ્સના સૂર્યને કદી ઓલવી નહીં શકે એવી શ્રદ્ધા દિલમાં લઈને આ યાત્રા આજ સુધી ચાલુ રાખી છે અને શક્ય બનશે ત્યાં સુધી ચાલુ જ રાખવાનું નિર્ધાર્યું છે.

સમય ફાળવીને આપ સહુ રચનાઓ વાંચવા જે રીતે અહીં પધારો છો એ જ રીતે થોડી પળ વધુ કાઢીને આપનો બહુમૂલ્ય પ્રતિભાવ પણ આપશો તો એ આ યાત્રામાં પ્રાણવાયુનું કામ કરશે…

આપનો સ્નેહ સાંપડતો રહેશે ત્યાં સુધી દર મહિનાના પહેલા અને ત્રીજા શનિવારે અહીં અચૂક મળીશું… આપ પણ યાદ રાખીને દર મહિનાના પહેલા અને ત્રીજા શનિવારે અહીં મુલાકાત લેવાનું ચૂકશો નહીં…

આભાર… 

કઈ આંખથી વાંચું?

તું લખે એ સાચું, બેટા! તું લખે એ સાચું,
તારા કાલાઘેલા લીટા, કઈ આંખથી વાંચું?

છાપાં, કાગળ, નોટબુક – તું જે મળે એ ધાપે,
ટાઇલ્સ હો કે ચાદર, તું બસ, એક માપથી માપે;
ભીંતોના મુડદાલ રંગોમાં આજે વર્ષો બાદ,
જાન આવી છે તારા ચિતરડાઓના જ પ્રતાપે,
તું કે’ તો એ પોકિમોન છે, તું કે’ તો પિકાચુ.
તું લખે એ સાચું, બેટા! તું લખે એ સાચું.

આ તારી એબીસીડી ને આ એકડા તારા,
આમ જુઓ તો કૈં નથી એ, છે નકરા ગોટાળા;
પણ જે રીતે તું મચી પડીને કામ આ કરે છે,
ખરું કહું તો થઈ રહ્યા છે સપનાંના સરવાળા,
પણ ભણી ગયેલી આંખો મારી, મારું ભણતર કાચું.
તારા કાલાઘેલા લીટા, કઈ આંખથી વાંચું?

– વિવેક મનહર ટેલર
(૨૪/૨૫-૧૦-૨૦૧૮)

ઇતિહાસ સૂઈ રહ્યો છે


(ઇતિહાસ સૂઈ રહ્યો છે…..     ભુજ, ૨૦૧૭)

હળવેથી અહીં પધારો, ઇતિહાસ સૂઈ રહ્યો છે,
સૂતાનું તો વિચારો! ઇતિહાસ સૂઈ રહ્યો છે.

કોઈ ફરી ન આવે, પણ આવશો તમે, હા
એવી છે આ મજારો, ઇતિહાસ સૂઈ રહ્યો છે.

ભડ ભડ બળી રહ્યો છે દેશ આખો વાતવાતે
બચવાનો ક્યાં છે આરો? ઇતિહાસ સૂઈ રહ્યો છે.

લઈ લઈને નામ જેનું ઘર સૌએ હચમચાવ્યું
ખૂણામાં એ બિચારો ઇતિહાસ સૂઈ રહ્યો છે.

જાગે તો ભોગ લાગે સૌના, શું એ વિચારે
સૌનું વિચારનારો ઇતિહાસ સૂઈ રહ્યો છે?

મહિના નહીં, છ જન્મે પણ આરો નહિ જ આવે,
આશા ત્યજો, સિધારો! ઇતિહાસ સૂઈ રહ્યો છે.

સદીઓનું જ્ઞાન છે પણ લેવાલ ક્યાં છે કોઈ?
કેવો પડ્યો છે ધારો! ઇતિહાસ સૂઈ રહ્યો છે!

પાછા કદી ન જાગી, એ આ જ કહી રહ્યો છે:
બસ, આજનું વિચારો, ઇતિહાસ સૂઈ રહ્યો છે.

– વિવેક મનહર ટેલર
(૧૩-૧૪/૦૩/૨૦૧૮)

 

આની છે તોફાની…

રમવા તો જવાની….. તોફાની આની @ Yellowstone National Park

ઠંડી છો ને મોટી છે ને હું છું છો ને નાની,
હૂ-હૂ-હૂ-હૂ થાય ભલે ને, રમવા તો જવાની.
મમ્મી! તારી આની છે તોફાની…

બારી-બારણાં-રસ્તા બધે જ બરફ બરફ બરફ છે,
ડેડી નીકળ્યા સાફ કરવા, કામ કેટલું ટફ છે!
ઘરની બહાર જવા ન દે તું, મમ્મી! કેટલી રફ છે!
ડેડી બનશે સ્નૉ-મેન ને હું સ્નૉ-એન્જલ બનવાની.
હૂ-હૂ-હૂ-હૂ થાય ભલે ને, રમવા તો જવાની.
મમ્મી! તારી આની છે તોફાની…

સ્વેટર ઉપર જેકેટ પહેર્યું, હાથમાં પહેર્યાં મોજાં,
મફલર નાંખ્યું, હૂડી પહેરી, થઈ ગ્યા ગોટમગોટા;
અમને જાવું રમવા ને મમ્મી! તું કહે છે: સો જા!
મમ્મી! તું જોયા કર, હું સરકી જઈશ છાનીમાની.
હૂ-હૂ-હૂ-હૂ થાય ભલે ને, રમવા તો જવાની.
મમ્મી! તારી આની છે તોફાની…

– વિવેક મનહર ટેલર
(૧૮-૦૧-૨૦૧૮)

ડેડી બનશે સ્નૉ-મેન ને હું સ્નૉ-એન્જલ બનવાની….. @ Yellowstone National Park

યાવચ્ચંદ્રદિવાકરૌ

આ ફુલ્લકુસુમિત તેજ રહો યાવચ્ચંદ્રદિવાકરૌ,
આ સ્મિત પણ એનું એ જ રહો યાવચ્ચંદ્રદિવાકરૌ.

મદમસ્ત ગુલાબી સપનાંને એકેય કંટક ભોંકાય નહીં,
એ મખમલ મખમલ સેજ રહો, યાવચ્ચંદ્રદિવાકરૌ.

સમજણ-વિશ્વાસનો મંદ પવન તડપનની આગ ન બુઝવા દે,
આંખેય થોડો ભેજ રહો, યાવચ્ચંદ્રદિવાકરૌ.

લૈલા-મજનૂ, શીરી-ફરહાદ, રોમિયો-જુલિયેટઃ સહુ પ્રેમીમાં
અવ્વલ હું – તું બે જ રહો, યાવચ્ચંદ્રદિવાકરૌ.

સંગાથના સુખની બાબતમાં બીજું કશું ખપતું જ નથી-
‘હતું’-‘હશે’ નહીં, ‘છે જ’ રહો યાવચ્ચંદ્રદિવાકરૌ.

-વિવેક મનહર ટેલર
(૦૭-૧૧-૨૦૦૯/૩૧-૧૦-૨૦૧૮)

નવ વરસ પહેલાં એક મિત્રના લગ્નમાં શુભેચ્છા પાઠવવા માટે લખાયેલી આ રચના નવ વરસમાં નવ વાર હાથમાં લીધી હશે પણ કદી સુધારી ન શકાઈ… આજે નવ વર્ષ પછી આ રચના અચાનક સુધારી શકાઈ છે ત્યારે આપ સહુને હૃદયપૂર્વક ભેટ ધરું છું…

એક અડધી કવિતાની ડાળે

એક અડધી કવિતાની ડાળે,
અટકી પડ્યો છું હું – લટકી પડ્યો છું ન ઊગતા કશાકની વચાળે.

કાગળ તો ઝંખે છે વર્ષા થાય, વર્ષા થાય,
શબ્દો આવે ને ડૂબાડે,
પણ વિચારનાં વાદળિયાં શલ્યા થઈ બેઠાં છે,
કોણ એને સ્પર્શે? જગાડે?
એંઠું ચાખીને ભૂખ ભવભવની ભાંગે એ ભાંગી આશાની કો’ક પાળે
મોઢું વકાસી વિમાસે છે પેન – ના થાવાનું થ્યું બનવાકાળે.
એક અડધી કવિતાની ડાળે…

એકાદું પાન ક્યાંક ફૂટે તો ડાળખીને
સધિયારો થાય કે હું છું,
પાનમાંથી પાન પછી આપોઆપ ફૂટે
ને ફૂલનેય થાય, ચાલ ખીલું.
પણ થાય શું જ્યાં મૂળ પોતે ચડી બેઠું હો કારમા દુષ્કાળના ચાળે.
પાણી ઊતરી ગ્યાં કૂવાના દેશે કિયો માટી માટીને પલાળે?
એક અડધી કવિતાની ડાળે…

– વિવેક મનહર ટેલર
(૨૪-૦૯-૨૦૧૮)

વાર લાગે છે…

યુગોના વળગણોને છોડવામાં વાર લાગે છે,
જૂની હો તોય સાંકળ તોડવામાં વાર લાગે છે.

તમે તો કહી દીધું કે આવ, મારી પાસે બેસી જા,
શરમને પગ લઈને દોડવામાં વાર લાગે છે.

જુએ છે રાહ મારી જેમ આ સપનુંય આજે, પણ
તમારા સમ! બે પાંપણ જોડવામાં વાર લાગે છે.

હજારો મન્સૂબા તૈયાર થઈ આવે છે રોજેરોજ
છતાં પણ શી ખબર, વરઘોડવામાં વાર લાગે છે!

કશું તો છે જ્યાં આવીને ભરોવાઈ પડ્યું છે મન
નકર શું કાંચળી તરછોડવામાં વાર લાગે છે?

મને કોરાણે મૂકી ક્યારે હું નીકળી ગયો આગળ,
સ્મરણપટ પર એ દિ’ તાજો થવામાં વાર લાગે છે.

બુરાઈ ઝપ્પ દઈને દોડી કાઢે આખી મેરેથોન,
ભલાઈને, ભલી ભાખોડવામાં વાર લાગે છે.

હવે સંબંધમાં ઊઁડાણ ને લંબાણ ક્યાં છે, દોસ્ત?
કહો, શું જોડવા કે તોડવામાં વાર લાગે છે?

રદીફો-કાફિયાના વૃક્ષ નીચે છું હું સદીઓથી,
છતાં મનગમતાં ફળ ઝંઝોડવામાં વાર લાગે છે.

– વિવેક મનહર ટેલર
(૨૭-૦૨-૨૦૧૮)

સુંદર કન્યા…

સુંદર કન્યા સ્મિત ઝરે પણ બોલે નહિ કંઈ,
મુજ શ્વાસ ન ભીતર ઉતરે, નીકળે બાહર પણ નંઈ.

મૌનના પડદા સાત હો તો પણ ચીરી દઈએ,
સ્મિતની મોનાલિસાને ક્યાંથી ઉકલીએ?
વાદળ હો કાળાં તો એને નીચવી દઈએ,
વીજળીના ચમકારા બોલો, કેમ પકડીએ?
ચાંદ ખીલ્યો પણ ચાંદનીનું એક ટીપું નઈં
આગિયાના ઝબકારે મારગ ક્યમ સૂઝે તંઈ?

દ્વાર ક્રોધના ખોલવાનું તો કંઈકે સહેલું,
સ્મિતની સીડી પર થઈ ચડવું, ભારે કપરું;
શબ્દ વેર્યા હો તો અર્થોને ચુગી લઈએ,
કેવું મુશ્કેલ મૌનની માયાજાળથી છૂટવું?
બોલો, હજીયે મૌન જ રહેશો? કહેશો નહીં કંઈ?
સમજણ સાથે જાત પાથરી દેશું રે સંઈ!

– વિવેક મનહર ટેલર
(૩૦-૦૭-૨૦૧૮)

બૉર્ડ ‘હૉલિડે’નું…

બેસવું ક્યાં લગ પ્રતીક્ષાની આ સૂની પાળ પર,
એક ફળ ક્યારેક તો આવે ને ભૂખી ડાળ પર?!

જિંદગી એક જ સહારે જીવવા નિર્ધાર્યું’તું,
જિંદગી નીકળી ગઈ સાચે જ એક જ આળ પર.

એમને ત્યાં સૂર્ય જેવા હાલ ઇચ્છાના થયા,
જાવું’તું તો ઠેઠ ભીતર, થીજી ગઈ પડશાળ પર.

દાણે દાણે જે રીતે ખાનારનું લખ્યું હો નામ,
એમ મારું દિલ લખાયું છે તમારી જાળ પર.

મન રહ્યું બંધિયાર એમાં લપસી ગઈ સૌ ઝંખના,
વાંક પાણીનો હતો પણ આળ છે શેવાળ પર.

બૉર્ડ મારી ‘હૉલિડે’નું પાછો સૂતો સોમવાર,
કેટલા વર્ષો પછી ઊતર્યો છે એ હડતાળ પર!

– વિવેક મનહર ટેલર
(૧૪/૧૫-૧૨-૨૦૧૭)

જૂનું ગુલાબ મહેકે

પુસ્તક ઊઘાડતાં શું જૂનું ગુલાબ મહેકે?
ના, ફૂલ એ સૂકું નહિ, પણ યાદ એક ચહેકે.

યાદોનું કામ પાછું અદ્દલ શરાબ જેવું,
જે જેટલી જૂની લે, એ એટલું જ બહેકે.

યાદોના વનમાં એને શોધું તો કઈ રીતે હું?
જાઉં જો ત્યાં તો અહીં ને અહીં હોઉં તો ત્યાં ગહેકે.

બોલો, વધી વધીને એ શું બગાડી લેશે?
પણ યાદ અડકી લે તો કોઈ એનું એ જ રહે કે?

ના આગ કે ના તણખો, ના વીજ કે ના તડકો
યાદોમાં એવું શું છે કે રોમ-રોમ દહેકે?

મોસમને લાગે મહિના, યાદોનું એથી ઊલટું,
ચપટીમાં પાનખરના સ્થાને વસંત લહેકે.

-વિવેક મનહર ટેલર
(૧૦-૪/૦૧-૦૭-૨૦૧૮)

શિકાર થયો શિકારી….


(નન્હે શિકારી….            …આન્યા ભક્ત, ૨૦૧૮)
(છબી સૌજન્ય: જયશ્રી ભક્ત, ટહુકો ડોટ કોમ)

*

માથે શિકારીની ટોપી, પગમાં પહેર્યાં બૂટ,
ટાઇટ પેન્ટ ચડાવી પગમાં, ઉપર જંગલસૂટ,
સૂટની ઉપર મફલર નાંખ્યું, આંખે કાળા ચશ્માં,
ગન મૂકી ખભા પર, અમે નીકળી પડ્યાં વટમાં.

મમ્મી પૂછે, સવાર-સવારમાં ક્યાં ઊપડ્યા બચ્ચુ?
એક નંબરની આઇટમ મમ્મી, કેમનું ખાધું ગચ્ચુ!
શિકારીને રેડી જોઈને ડરી જવાનું હોય
કે પછી ક્યાં ચાલ્યા સાહેબ, એમ પૂછે શું કોઈ?

આઘી ખસ, ત્યાં જંગલમાં સૌ રાહ જુએ છે મારી,
બ્રેકિંગ ન્યૂઝ ફેલાઈ ચૂક્યા છે- આવે છે શિકારી.
વાઘ-સિંહ ને ચિત્તા-દીપડા થઈ ગ્યા ઘાંઘાંવાંઘાં
ને અહીં તું રસ્તો રોકી સવાલ કરે છે પાછા?

હવે તું આઘી નહીં ખસે તો ગન મારી ઊઠાવીશ,
એઇમ લઈને સીધું ગોળી પર ગોળી ચલાવીશ.
મમ્મી થોડી ડાહી હશે તે ખસી ગઈ વચમાંથી,
ઘબ્બ ધબ્બ કરતીકને હું નીકળી જ્યાં ઘરમાંથી,

મેગી કોણ ખાવાનું એવી પાછળથી બૂમ આવી,
આપણે સીધા દોડ્યા ઘરમાં, ગન-ગૉગલ્સ ફગાવી.
શિકારનું આખ્ખુંયે પ્લાનિંગ થઈ ગયું ધૂળ ધાણી,
મમ્મી! તારી મેગીએ તો ફેરવી દીધું પાણી!

લાખ મથે બેટમજી પણ મમ્મી જ કાયમ ફાવી,
શું મારા સૌ મન્સૂબાની એની કને છે ચાવી?
આજે પણ જોઈ લ્યો! મારી ચાલી ન હોંશિયારી;
નીકળ્યો’તો શિકારે પણ ખુદ શિકાર થયો શિકારી.

– વિવેક મનહર ટેલર
(૦૨-૦૬-૨૦૧૮)

‘કદાચ’ની ઝીણી પછેડીને…

(મને પાનખરની બીક ન બતાવો…          …સાપુતારા, ૨૦૧૮)

*

તું આપી ગ્યો’તો એ ‘કદાચ’ની ઝીણી પછેડીને
હું ઓઢીને ઊભી છું યાદની ભીંતે અઢેલીને.

તું ઠાંસી-ઠાંસીને ખાલીપો એવો દઈ ગયો છે કે,
હવે શ્વાસોય ભીતર સહેજ પણ પગરવ નથી કરતા,
અને તું ભીતરેથી સેલ પણ કાઢી ગયો કે શું?
હવે મારી ભીતર ઘડિયાળના કાંટા નથી ફરતા,

ને કરવાનુંય શું કાંટાઓને આગળ ધકેલીને?
હું ઓઢીને ઊભી છું યાદની ભીંતે અઢેલીને.

કરે છે કોઈ કાનાફૂસી કે આપે છે કોઈ સાદ?
હવે સમજાય ક્યાં છે કે હું આઘે છું કે ઓરી છું?
હવે ભીતર કે બાહર ક્યાંય પણ મારો નથી વરસાદ,
વરસતા વાદળોની નીચે પણ હું સાવ કોરી છું,

રડી’તી ક્યારે છેલ્લું એય ક્યાં છે યાદ ઘેલીને?
હું ઓઢીને ઊભી છું યાદની ભીંતે અઢેલીને.

– વિવેક મનહર ટેલર

(ધુંઆ ધુંઆ સા હૈ શમા…         …સાપુતારા, ૨૦૧૮)

ખેંચતાણ છે જ હજી…

(દીપમાળ….                           …ગોવા, ૨૦૧૮)

*

એનું ક્યાં કો’ પ્રમાણ છે જ હજી?
છે તો બસ, ખેંચતાણ છે જ હજી.

છે, હજી પણ સમય છે, આવી જા
ખોળિયામાં જો, પ્રાણ છે જ હજી.

એક સોરીથી પણ પતી ન શકે,
એવી મોટી ક્યાં તાણ છે જ હજી?

વાગું કે નહીં એ હાથમાં જ નથી
બાણ પર એ દબાણ છે જ હજી.

કાલની વાત પર તું ગેમ ન રમ,
કાલની કોને જાણ છે જ હજી?

સામા થઈ જઈએ તો હસી તો શકાય
એટલી ઓળખાણ છે જ હજી

પ્રાણ નામે હલેસાં છૂટ્યાં પણ
દેહ નામે તો વહાણ છે જ હજી.

-વિવેક મનહર ટેલર
(૨૩-૦૩-૨૦૧૮)


(પ્રતીક્ષા….                                                                …ગોવા, ૨૦૧૮)

નોટબુકના પાનાંથી શાળાના પાઠ્યપુસ્તક સુધી…

કવિતા લખવાનું તો છેક પાંચમા ધોરણમાં સાડા નવ વર્ષની વયે જ શરૂ કરી દીધું હતું એટલે ગુજરાતી વાચનમાળામાં નરસિંહ-મીરાં, અખો-દયારામ, નર્મદ-ન્હાનાલાલ, ઉ.જો.-સુન્દરમની હારોહાર ક્યારેક મારું નામ પણ આવશે એવું સ્વપ્ન પણ સેવ્યું હતું… આજે આપ સહુ મિત્રો-સ્નેહીઓ સાથે ખુશીના આ સમાચાર વહેંચતા અત્યંત હર્ષોલ્લાસની લાગણી અનુભવું છું કે મહારાષ્ટ્ર રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના ધોરણ દસમાના પાઠ્યપુસ્તક “ગુજરાતી સાહિત્યભારતી”માં મારી ગીતરચનાનો પાઠ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે…

ગુજરાતી ભાષાની સર્વપ્રથમ સ્વરચિત કાવ્યોની વેબસાઇટ – vmtailor.com પરથી આગળ વધીને પાઠ્યપુસ્તક સુધીની આ મુસાફરી આપ જેવા મિત્રોના એકધારા સ્નેહ અને લગાતાર પ્રોત્સાહન વિના શક્ય જ નહોતી… એટલે પાઠ્યપુસ્તક મંડળની સાથોસાથ આપ સહુ પ્રિયજનોનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું…

 

એ દાબ રહી ગયા છે

(યાયાવર…..                                     સુરખ્વાબ! કબીરવડ, ૨૭-૦૬-૨૦૧૦)

*

સંબંધમાં હજીપણ એ દાબ રહી ગયા છે.
પીછાં ખરી ગયાં પણ રુઆબ રહી ગયા છે.

એથી જ તો મુસાફર અટકી રહ્યો જીવનભર,
મંઝિલ ને રસ્તા ગાયબ, અસબાબ રહી ગયા છે.

યાયાવરી કરીને આંસુ ઊડી ગયાં પણ
આંખોના કોરા કાંઠે સુરખાબ રહી ગયાં છે.

વર્ષો પછી હું એને ભેટ્યો તો એમ લાગ્યું,
બાકી બધું જ ગાયબ, આદાબ રહી ગયા છે.

લૂટો, લૂટો, લૂટી લો, લૂટ્યો નહીં લૂટાશે-
આંખોમાં એક જણની બે ખ્વાબ રહી ગયાં છે.

– વિવેક મનહર ટેલર
(૦૮-૦૧-૨૦૧૮)

(અક્સ…..                                  વારકા બીચ, ગોવા, ૦૧-૦૫-૨૦૧૮)

આ રણ નથી ઠાર્યું ઠરાય એવું નક્કી

આ રણ નથી ઠાર્યું ઠરાય એવું નક્કી,
રણ હવે થઈ ગ્યું છે જક્કી

આ રણ નથી, લાખો ને ક્રોડો ઇચ્છાઓના અશ્મિનો નાગો રઝળાટ છે,
દોડો દોડો ને હાથ આવે નહીં એવા ઝાંઝવાનો અંતહીન પથરાટ છે;
ને આટલું ઓછું હો એમ થોરિયાવ સાલા, પકડી પકડીને ભરે બક્કી…

રણ તો છે યુગયુગનું તરસ્યું, તું અનરાધાર વરસે ને તોય નહીં ભીંજે
પણ તારા એક રણદ્વીપની આશામાં ખાલીપો છોડી ન જાય ક્યાંય બીજે
રૂંવે રૂંવે ને ઢૂવે ઢૂવે પ્રતીક્ષા પણ રણ શું છે એટલુંય લક્કી ?

– વિવેક મનહર ટેલર
(૧૭-૨/૦૮-૦૩-૨૦૧૮)

 

મધથી મધુરું છે

(ચિત્રમાં હજી આકાશ ભૂરું છે…      …જૂહુ બીચ, ૨૦૧૭)

*

પૂરું ભરી દીધું? જરા જુઓ, શું પૂરું છે?
ઇચ્છા! આ કેવું પાત્ર છે? કાયમ અધૂરું છે!

ચાખું છું, થૂકું છું સતત, એ નકરું તૂરું છે,
સાચવ્યું છે એના માટે એ મધથી મધુરું છે.

શોધું છું પંચતંત્રનો એ કાચબો બધે;
જેને મળું છું, સસલું છે- આરંભે શૂરું છે.

સાવ જ ભૂંસી નંખાયો નથી લીલો રંગ, દોસ્ત!
એથી જ ચિત્રમાં હજી આકાશ ભૂરું છે.

શબ્દો પીધા કે બીજી બધી પ્યાસ થઈ ખતમ,
એથી વધુ છે કંઈ કે જે માટે હું ઝૂરું? છે?

વિચાર એ વિચારીને પાછો વળી ગયો-
માથાં જ કૂટવા છે તો અહીંયા શું બૂરું છે?

– વિવેક મનહર ટેલર
(૩૦-૦૩-૨૦૧૮)

*


(ઠસ્સો…       …નાનો પતરંગો, કૉર્બેટ, ૨૦૧૭)

ધસમસતું આવ્યું, જો! પૂર…

(આલ્બર્ટ હૉલ, જયપુર, ૨૮-૧૦-૨૦૧૪)

*

ધસમસતું આવ્યું, જો! પૂર…
બારી ઊઘાડતાં જ સુગંધનું ત્સુનામી આવી ચડ્યું ભરપૂર-
બેઉ, રાતરાણી ને હું ચકચૂર!

પવનની પીઠ પર સુગંધ સવાર થઈ,
સુગંધ પર સંભારણાં હેતનાં;
આકંઠ બેહોશી એવી છવાઈ,
જાગી સદીઓથી સૂતેલી ચેતના,
વીતેલા દિવસોના અજવાળાં તાણી ગ્યાં અંધારાં ક્યાંય દૂરદૂર…
ધસમસતું આવ્યું, જો! પૂર…

આંખોથી ચાખી’તી, હોઠેથી સાંભળી’તી,
ઝાલી’તી મેં કે પછી શરમે?
રામ જાણે કયા કેલેન્ડરની વારતા પણ
લાગે જીવી હો કાલ-પરમે,
કિયા તે ભવની ઊઘડી ગઈ બારી તે એક થ્યાં પાછાં બે ઊર.
બેઉ જણ, રાણી ને હું ચકચૂર!

– વિવેક મનહર ટેલર
(૨૭-૧૨-૨૦૧૭)

સામાન્યરીતે રચના વિશે રચનાકાર કંઈ બોલે નહીં… એ કામ ભાવકનું… પણ કા રચના એક મિત્રને વંચાવી તો એણે કેટલાક પ્રશ્નો પૂછ્યા… જે જવાબ મેં આપ્યો એ અહીં મૂકવાની લાલચથી બચી ન શકાયું એટલે આ…

રાતના સમયે નાયક બારી ઊઘાડે છે એવામાં જ રાતરાણીનું સુગંધદળ બારીમાંથી ત્સુનામીના પૂરની જેમ ધસમસી આવે છે અને ઇંદ્રિયો તર કરી દે છે… જેમ સુગંધ પવનના સહારે આવી છે એમ જ સુગંધના સહારે અતીતના સંભારણાં પણ આવી ચડે છે. સુગંધની તીવ્રતાથી નાયક જાણે કે મદહોશ–લગભગ બેહોશ થઈ ગયો છે અને આ બેહોશી એવી છે જે સદીઓની સૂતી ચેતના જાગૃત કરી દે છે. વીતેલા દિવસોની આ યાદના અજવાળામાં રાતના અંધારાં દૂર દૂર તણાઈ ગયાં…

સ્મરણ અને સુગંધની તીવ્રતાના કારણે ઇન્દ્રિયવ્યત્યય થાય છે. હોઠનું કામ આંખે કર્યું હતું ને કાનનું કામ હોઠે કર્યું’તું, નાયકે નાયિકાને ઝાલી હતી કે નાયિકા શરમના હાથે ઝલાઈ હતી એય સ્પષ્ટ નથી. કયા જમાનાની વાત હતી એ તો ભગવાન જાણે પણ એવું જ લાગે છે જાણે કાલ-પરમમાં જ એ સહવાસની ઘટના ઘટી ન હોય! એક બારી ખૂલી એમાં તો બેય જણ ચકચૂર થઈ ગયાં…

પાણી પાણી થઈ જશે

જીવન એક પરપોટો….

*

આ વખતે કંઈક નવું કરીએ… પ્રસ્તુત ગઝલમાં એક શેરમાં બે શ્લેષ અલંકાર વાપર્યા છે…  જોઈએ, વાચકમિત્રો એ પકડી શકે છે કે કેમ?

*

જ્યારે ભ્રમ હયાતીનો બુદબુદાનો ભાંગશે,
થઈ જશે હવા હવા, પાણી પાણી થઈ જશે.

જિંદગીમાં એક ક્ષણ, દોસ્ત! એવી આવશે,
સરખું લાગશે બધું – છે, હતા, નથી, હશે !

માર્ગ લઈ નવો તું જો ચાલ ચાલ રાખશે
ચાલ પડશે એ રીતે, જગ પછીતે ચાલશે

ના, કશું જ નહીં થશે, ના દિવસ થશે, ના રાત
જે ઘડીએ તું મને ‘આવજો’ કહી જશે…

‘તું નથી’ની ટ્રેન તું, ખાલી પ્લેટફૉર્મ હું:
શું ફરક પડે પછી, થોભે કે ન થોભશે?

શું કરું, ખબર નથી; ક્યાં જવું, ફિકર નથી,
શબ્દનું શરણ લીધું, રહીશું જેમ રાખશે.

-વિવેક મનહર ટેલર
(૧૯-૧૦-૨૦૧૭)

आज तुम्हें मैं जिस्माना चाहता हूँ।

 

कब तक युं रुहानी इश्क़ की दुहाई देती रहोगी तुम?
बहुत हो चुका।
उब चुका हूँ मैं इन रुहानी इश्क़ के चौंचलों से।
इन्हें कविओं ने पैदा किया है, इन्हें कविताओं में ही रहने दो।
अब मै प्यार करता हूँ तुमसे तो करता हूँ
और चाहता हूं तो बस, चाहता हूँ।
और अगर चाहता हूँ तो फ़िर आधा-अधूरा क्यों?
कोई तो वजह दो…

थक गया हूं मैं शाम के सिरहाने पर बैठकर
तुम्हारे ढलते हुए आँचल का सूरज देख-देखकर
और इन हवाओं की झुल्फ़ों से
मेरे अरमानों के गालों को सहलाते सहलाते।
तुम्हारा हाथ हाथ में लेकर बैठे हुए सदीयाँ बीत गई, जाना।
अब तुम्हारे अंदर उतर जाना है।

तुम्हारे और मेरे बीच
ये जो देखने-सराहने की काव्यात्मक दीवारें खडी कर रक्खी हैं,
आज इन्हें गिराना है किसी भी तरह।
आज मैं नहीं चाहता कि अपनी आग को फ़िर कपडों में छिपा-छिपाकर
तुम्हें उसी तरह आँखो से पीता रहूँ, पीता रहूँ, पीता रहूँ;
और फ़िर यूँ प्यासा ही मरता रहूँ, जीता रहूँ।

आज कोई अच्छाई की अडचन मुझे न रोक पाएगी।
आज मैं सच्चाई से टकरा गया हूँ।
आज मुझे कोई रुहानी इश्क़ का कॉन्डम मत थमा देना तुम,
आज तुम्हें मैं जिस्माना चाहता हूँ।
आज मैं तुम में उतर जाउँगा। आज मैं हम हो जाउँगा।

-विवेक मनहर टेलर
(०२-१२-२०१७)

કવિ અને કવિતા કદી કોઈ ખુલાસાના મહોતાજ હોતા નથી… દરેક ભાવક પોતાની સમજણના સથવારે જ એને સમજી શકતા હોય છે. પણ આ કવિતા સાઇટ ઉપર મૂક્યાના બીજા દિવસે મને એક મિત્રે ઝાકીરખાનની નઝમ મોકલી આપી. હું વરસોથી સમસામયિક હિંદી અને ઉર્દૂ કવિતા વાંચતો જ નથી એટલે મારા માટે આ નામ નવું હતું. (મારો દીકરો ઝાકીરખાન કોણ છે એની રજ-રજથી વાકિફ છે.) ઝાકિરખાનની નઝમ નીચે કોમેન્ટ વિભાગમાં મૂકી છે.

મારી આ અછાંદસ કવિતા એક મિત્ર સાથેના ચેટિંગનું પરિણામ છે. પ્લેટોનિક લવ અને ફિઝિકલ લવની ચડસાચડસીમાંથી આ નઝમ જન્મી છે. અને આ ચેટિંગ ચાલતું હતું ત્યારે મારી ઓફિસમાં ‘અપને હોઠોંસે લગાના ચાહતા હૂઁ, હાઁ, તુમ્હેં મૈં આઝમાના ચાહતા હૂઁ’ ગઝલ વાગી રહી હતી. આ ‘આઝમાના’ શબ્દ પરથી મને ‘જિસ્માના’ શબ્દ સૂઝ્યો. મારા અછાંદસની પહેલી પંક્તિ ઝાકીરખાનની કવિતા સાથે લગભગ હૂબહૂ મળતી આવે છે એ સંજોગને હું ઊઠાંતરી તરીકે સ્વીકારી પણ લઉં તો પણ મારી કવિતાને બહુ બહુ તો તરહી ગઝલની જેમ તરહી આઝાદ નઝ્મ કહી શકું. એ એક પંક્તિ સિવાય આ બન્ને કવિતા સરખી છે એમ કહેવું બન્ને કવિતાનું અપમાન છે. એક તટસ્થ વિવેચક તરીકે મારે એક પંક્તિમાં આ બે રચનાઓ વિશે કંઈ કહેવું હોય તો એમ કહી શકું કે જે જગ્યાએ ઝાકીરખાનની રચના પૂરી થઈ જાય છે એ જગ્યાએથી વિવેક ટેલરની રચના શરૂ થાય છે…

ઝાકિરખાનની કવિતાની શરૂઆત તો રુહાની ઈશ્કથી થાકેલા અને શારીરિક સુખ ઝંખતા માણસથી થાય છે પણ રુહાની ઈશ્ક કરવો જ નથી એમ કહ્યા પછી પણ ઝાકિરખાન રુહાની ઈશ્ક જ કરે છે.

મારી કવિતાની ગતિ સીધી છે. એ રુહાની ઈશ્ક નામના કવિઓએ જન્માવેલા પ્રપંચોથી થાકેલા નાયકની બેબાક સ્વગતોક્તિ છે. એ અડધું-અધૂરું ચાહવા માંગતો જ નથી. એ આંચલના સૂર્યને દૂરથી ઢળતો જોયા કરવાથી ને પ્રેમિકાના ઝુલ્ફોં અને ગાલોને પંપાળતા-પંપાળતા થાકી ગયો છે. એ પોતાની આગ કપડાંમાં સંતાડવા માંગતો નથી. જેને લોકોએ ‘અચ્છાઈ’ કહીને માથે ચડાવી મૂકી છે એ અડચણ પણ આજે એને રોકી શકનાર નથી. એ રુહાની ઈશ્કનું કૉન્ડમ પહેરનાર નથી… એ એની માંગણીમાં શરૂથી અંત સુધી સાફ છે અને એની ગતિમાં ક્યાંય કોઈ અવરોધ કે યુ-ટર્ન્સ નથી.

હાઇકુ

રાત રોજ જ
શમણાંઓ બિછાવે;
લેવા હો એ લો.

જરૂરતની
સાંકળથી- બંધાયા
બંને વર્ષોથી.

પરસ્પરને
આલિંગીએ કે ‘હું’ને
પોતપોતાના?

રજાઈ રોકે
ઠંડી : શું ઓઢી બેઠાં
આપણે બંને?

રાતરાણી દે
ટકોરા; બારી ખોલો
એ.સી. રૂમની.

હું તો આગળ
નીકળી ગયો; ક્યાંથી?
હજી યાદ છે?

– વિવેક મનહર ટેલર
(૧૩-૧૨-૨૦૧૭)

પેન ઉપર બેઠી વસંત

કાગળ પર જસ્ટ તારું નામ જ લખ્યું ત્યાં તો પેન ઉપર બેઠી વસંત,
આખેઆખો કાગળ મલકંત.

માટી ને પાણીના તોડી સૌ રૂલ
મારી પેન ઉપર ખીલ્યાં છે ફૂલ;
તારી ઇચ્છાઓમાં એકાદું ટાંકુ તો
બોલ, તને છે એ કબૂલ?
સીધી છે વાત, નથી સ્ટંટ,
હું પ્રેમી છું, નથી કોઈ સંત.
કાગળ પર જસ્ટ તારું નામ જ લખ્યું ત્યાં તો પેન ઉપર બેઠી વસંત…

કાગળને સ્હેજસાજ ઊપડ્યું છે શૂળ,
તારા નામમાંથી ફૂટ્યાં છે મૂળ;
ઊતરી ગ્યાં મારાંમાં એટલા તો ડીપ
કે મારો ‘આઇ’ મારામાં ધૂળ,
જ્યાં જોઉં ત્યાં તુ હિ તુ દિસંત,
મને મારો જડે ન કોઈ તંત.
કાગળ પર જસ્ટ તારું નામ જ લખ્યું ત્યાં તો પેન ઉપર બેઠી વસંત…

– વિવેક મનહર ટેલર
(૧૪-૦૨-૨૦૧૮)

નિઃશબ્દતા ઊગે છે…

(બેમાંથી એક થઈએ…                          …ભુજ આઉટસ્કર્ટ, ડિસે, ૨૦૧૭)

*

શબ્દો ખરી ગયા છે, નિઃશબ્દતા ઊગે છે,
તારી ને મારી વચ્ચે એક વારતા ઊગે છે.

પહોંચ્યું છે મૌન જ્યારે આજે ચરમસીમા પર,
બેમાંથી એક થઈએ એ શક્યતા ઊગે છે.

સૂરજ ! તને છે સારું, ઊગવાનું એકસરખું
દિનરાત ચોતરફ અહીં વૈષમ્યતા ઊગે છે. *

દર્પણ તૂટ્યા પછીની ખાલી દીવાલમાંથી,
ખુદને મળી શકાશે એ સજ્જતા ઊગે છે.

સગપણમાં વચ્ચે વચ્ચે તકલીફ આવી ક્યાંથી?
રોપ્યું નથી જ મેં તો કંઈ પણ છતાં ઊગે છે!

કરમાઈ શીદ ગયા છો, ડેડ-એન્ડ જોઈ દૂરથી જ?
રસ્તામાં થઈને રસ્તો આગળ જતાં ઊગે છે.

– વિવેક મનહર ટેલર
(૦૨-૦૧-૨૦૧૮)

* વિષમતા અને વૈષમ્યની સરહદ પર રમતા-રમતા ‘વૈષમ્યતા’ શબ્દનો અહીં જે પ્રયોગ થઈ ગયો છે એ ભાષાકીય ભૂલ છે. નવો સુધારો ન કરું ત્યાં સુધી આ શેર રદ ગણવો. આ ભૂલ તરફ ધ્યાન દોરનાર મિત્રોનો સહૃદય આભાર…


(શક્યતા ઊગે છે….                     …રિજેન્ટા રિસૉર્ટ, ભુજ, ડિસે, ૨૦૧૭)

આપણામાં…

(યે હસીન વાદિયાં….                     . ….ભુજ આટઉસ્કર્ટ, ૨૪-૧૨-૨૦૧૭)
*

આપણે રહેવાનું કેવળ આપણામાં
આપણે મળવાનું કેવળ ધારણામાં.

હૂંફ શાને શોધે છે તું તાપણામાં?
એટલી ઉષ્મા નથી શું આપણામાં?

પાંપણોમાં એ જ તો તકરાર થઈ છે –
કોણ રોકી રાખે સપનાં બારણાંમાં?

ફોન કરવો તો હવે સંભવ નથી પણ
એનો નંબર છે હજી સંભારણામાં.

આપણાથી ક્યાંય પહોંચી ના શકાયું,
આપણે અટકી રહ્યાં હોવાપણામાં.

ફેર જો કોઈ હતો તો શ્વાસનો, બસ!
એકસરખા સૌ સૂતા છે ખાંપણાંમાં.

– વિવેક મનહર ટેલર
(૨૦-૧૨-૨૦૧૭)
*

(ધાબળો……..                                      …સ્મૉગ, ભુજ, ૨૩-૧૨-૨૦૧૭)

૧૨ – ૧૨ દિન યે આયે…

૧૨ – ૧૨ દિન યે આયે… બાર-બાર દિલ યે ગાયે…

૨૫૦૦-૨૬૦૦ વર્ષ પહેલાં લાઓ ત્ઝુએ સાચું જ કહ્યું હતું, ‘a journey of a thousand miles begins with a single step’ (હજાર માઇલોની મુસાફરી એક પગલાંથી શરૂ થાય છે.) બાર વર્ષ પહેલાં ધવલ શાહની મદદથી ગુજરાતી ભાષાની સર્વપ્રથમ સ્વરચિત કાવ્યોની વેબસાઇટ શરૂ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું… એક-એક પગલાં ભરતાં ભરતાં આજે વિશ્વાસ નથી બેસાતો કે બા-બાર વર્ષનાં વહાણાં વાઈ ગયાં… બિલાડીના ટોપની જેમ ફાટી નીકળેલી અન્ય સેંકડો વેબસાઇટ્સની જેમ મારી સાઇટ પણ નિષ્ક્રિય કે મૃત ન થઈ જાય એની તકેદારી રાખવામાં મારી અંદરના કવિનું સતત સંમાર્જન થતું રહ્યું… વેબસાઇટની એક-એક પોસ્ટની સાથોસાથ મેં સતત મારો વિકાસ થતો અનુભવ્યો છે… અને આ વિકાસ શક્ય જ નહોતો, જો મિત્રો પોતાની વ્યસ્ત દિનચર્યામાંથી સમય ફાળવીને વેબસાઇટની મુલાકાત ન લેતા હોત…

દિવસે દિવસે દેડકાના પેટની જેમ ફૂલી રહેલ સોશ્યલ મિડિયાઝની સામે વેબસાઇટ્સ કેટલો સમય ટકશે એ તો ખબર નથી પણ હા, એક વાત નિશ્ચિત છે… સોશ્યલ મિડિયાઝ ગમે એટલાં લોકપ્રિય કેમ ન હોય, એ પાણીના પરપોટા છે… ક્ષણજીવી છે… સોશ્યલ મિડિયાઝ પર મૂકાતી રચનાઓ અને એના પર મિત્રોદ્વારા અપાતા પ્રતિભાવો – આ બધું જ અલ્પજીવી છે. વેબસાઇટ પર મૂકાતી રચનાઓ અને વાચકોના પ્રતિભાવો – આ બધું જ ચિરંજીવી છે…

મિત્રોના પાવન સ્નેહપગલાં આ વેબસાઇટ પર પડતાં રહેશે ત્યાં સુધી તો આ યાત્રા નહીં જ અટકે… દર મહિનાના પહેલા અને ત્રીજા શનિવારે અચૂક મળતા રહીશું… આપ પણ યાદ રાખીને દર મહિનાના પહેલા અને ત્રીજા શનિવારે અહીં મુલાકાત લેવાનું ચૂકશો નહીં…

૧૨ વર્ષ…
૫૭૦ જેટલી પૉસ્ટ્સ…
૧૩૦૦૦થી વધુ પ્રતિભાવો…

આભાર, દોસ્તો!

આપનો સહૃદયી,
વિવેક

દેવા ! દેવા !

(પર્વતનું આંસુ…..                                                                                    …નૈનિતાલ, ૨૦૧૭)

*

ઘેર બેઠાં ડૂબાડે એવા છે,
તારા વિચાર છે કે રેવા છે?

ન વિચારી શકું કશું આગળ,
તારો અહેસાસ જાનલેવા છે.

આયના ગામના થયા ઘરડા
ઓરતા તોય જેવાતેવા છે?

ફક્ત ફિલ્માવવાને લંબાવે,
આજ લોકોના હાથ કેવા છે!

એ જ આગળ છે ખોટું કરવામાં
વાતે-વાતે જે ‘દેવા! દેવા!’ છે.

શ્વાસને પ્રાણવાયુ બક્ષે છે,
શબ્દને કંઈ તો લેવાદેવા છે!

– વિવેક મનહર ટેલર
(૦૭-૦૯-૨૦૧૭)

(બોલ, ડૂબવું છે?…..                                                             ….કાન્હા જંગલ, ઉત્તરાખંડ, ૨૦૧૭)