વિશ્વાસ ( આદ્યંતે* રદીફની ગઝલ )


(ચિત્રાંકન: ડૉ. કલ્પન પટેલ…                                        … સુરત)

*

વિશ્વાસ ક્યાં મળે છે કોઈ આંખમાં હવે ?
વિશ્વાસ ચોપડીમાં મળે વાંચવા હવે.

વિશ્વાસ ખટઘડી તણા સંભારણા હવે,
વિશ્વાસ દાદીમાની કોઈ વારતા હવે.

શોધો છો એ જીવન હવે મળશે નહીં કદી,
વિશ્વાસના આ ‘વિ’ વિનાના શ્વાસમાં હવે.

ફાવી ગયું બધાયને ઘર બહાર ઝાંપે છે…ક
‘વિશ્વાસ’ નામ કોતરી શણગારતાં હવે.

તારી ને મારી વચ્ચેનું અંતર, કહું ? શું છે?
વિશ્વાસના ન હોવાની સંભાવના હવે.

છો, શ્વાસ જ્યાં નિઃશ્વાસ મૂકે, શબ્દ નીકળે,
વિશ્વાસના વજન વિના શું કામના હવે

-વિવેક મનહર ટેલર

(આદ્યંતે = બંને છેડે. કાફિયાવાળી પંક્તિમાં બંને છેડે રદીફ – એક છેડે ‘વિશ્વાસ’ અને બીજા છેડે ‘હવે’ – રાખીને વિચારની સ્વતંત્રતાને લગીર અવરોધીને ગઝલ લખવાનો એક નાનકડો પ્રયોગ અહીં કરી જોયો છે.)

19 thoughts on “વિશ્વાસ ( આદ્યંતે* રદીફની ગઝલ )

 1. બહુ જ સરસ પ્રયોગ છે. શ્વાસ અને વિશ્વાસની આ શબ્દ રમત ગમી – પણ તેથી ઘણો વધુ આ ભાવ ગમ્યો.

 2. તારી ને મારી વચ્ચેનું અંતર, કહું ? શું છે?
  વિશ્વાસના ન હોવાની સંભાવના હવે.

  – ખરી વાત !

 3. સુંદર!
  ડૉ.માનવજીવવિજ્ઞાનમાં હું તો ક્યારેય પણ
  હ્ર્દયમાં કે આંખમાં વિશ્ર્વાસના અસ્તિત્વ
  વિશે ભણ્યો નથી.
  વૃક્ષો અને લગ્નો ટકી રહે છે. એટલે ક્યાંક તો
  એ વિશ્વાસ છે જ.
  કિરીટ.

 4. “તારી ને મારી વચ્ચેનું અંતર, કહું ? શું છે?
  વિશ્વાસના ન હોવાની સંભાવના હવે.”

  ખૂબ જ સુંદર ભાવ…!!

  વિશ્વાસ દેખાય શ્રદ્ધામાં ક્યાંથી હવે?
  વિશ્વાસમાં પણ રહી ન શ્રદ્ધા હવે!!

  ઊર્મિસાગર

 5. તારી ને મારી વચ્ચેનું અંતર, કહું ? શું છે?
  વિશ્વાસના ન હોવાની સંભાવના હવે.

  પ્રિય મિત્ર વિવેક,

  તારી ગજલને નમે છે સદાય મારુ મૌન.

  મીના

 6. Very well said in ghazal.really trust is very important.

  It is well said,
  “I trust you Is better compliment than I love you.”

 7. વાહ!

  શોધો છો એ જીવન હવે મળશે નહીં કદી,
  વિશ્વાસના આ ‘વિ’ વિનાના શ્વાસમાં હવે.

  સુંદર રચના થઈ છે વિવેકભાઈ,
  -અભિનંદન.

 8. તારી ને મારી વચ્ચેનું અંતર, કહું ? શું છે?
  વિશ્વાસના ન હોવાની સંભાવના હવે.
  ………..

Comments are closed.