રેતી-સિમેન્ટ-કપચી (ત્રિપદી ગઝલ)

OLYMPUS DIGITAL CAMERA
(સત્યમ્ શિવમ્ સુંદરમ્….                 …એલિફન્ટાની ગુફાઓ, મુંબઈ)

*

દિવાળી દરવાજે ટકોરા દે છે અને હું બે અઠવાડિયા માટે વેકેશન પર જઈ રહ્યો છું. થોડો વખત અહીં પણ વેકેશન રાખીએ?

*

ભૂલી ગઈ દીવાલો આલિંગનો ચસોચસ,
ભીતરમાં સળવળ્યાં છે રેતી-સિમેન્ટ-કપચી;
ઘર ઘર બની ગયાં છે રેતી-સિમેન્ટ-કપચી.

હાડચામના નગરમાં લોહી થીજી ગયાં છે,
રસ્તાઓ લાગણીના રસ્તા ભૂલી ગયાં છે;
માણસ બની રહ્યાં છે રેતી-સિમેન્ટ-કપચી.

શ્રદ્ધા અસીમ ને અણખૂટ વિશ્વાસ ધીરે ધીરે
મંદિર બની ગયાં છે, મસ્જિદ બની ગયાં છે;
પથ્થરમાં અવતર્યાં છે રેતી-સિમેન્ટ-કપચી.

રાતોની રાત જાગી ઘરડું મકાન ખાંસે,
બારીઓ ધગધગે છે, ભીંતો ખરી રહી છે;
પાયામાં શું ખૂટ્યાં છે, રેતી-સિમેન્ટ-કપચી ?

નાનકડું ખોરડું ને ખેતર કૂવો ને પાદર.
નાનું કુટુંબ સૂતું, ઓઢીને સુખની ચાદર;
સઘળું લણી વળ્યાં છે રેતી-સિમેન્ટ-કપચી !

– વિવેક મનહર ટેલર
(૦૩/૧૦-૦૮-૨૦૧૦)

29 thoughts on “રેતી-સિમેન્ટ-કપચી (ત્રિપદી ગઝલ)

 1. સરસ સાહેબ………..

  નાનકડું ખોરડું ને ખેતર કૂવો ને પાદર.
  નાનું કુટુંબ સૂતું, ઓઢીને સુખની ચાદર;
  સઘળું લણી વળ્યાં છે રેતી-સિમેન્ટ-કપચી !

  આ પંક્તિઓ ગમી…

 2. દિવાળી પર આ ભાવો વાંચીને બહુ જ સુન્દર લાગ્યુ…

 3. બહુ ગમ્યું-

  ભૂલી ગઈ દીવાલો આલિંગનો ચસોચસ,
  ભીતરમાં સળવળ્યાં છે રેતી-સિમેન્ટ-કપચી;
  ઘર ઘર બની ગયાં છે રેતી-સિમેન્ટ-કપચી.

 4. ખૂબ સુન્દર…
  હમણા ચિત્રલેખામાઁ તમારા માટે સુરેશ દલાલે લખેલુઁ વાન્ચ્યુ. ઘણૉ આનન્દ થયો..
  અભિનન્દન
  લતા હિરાણી

 5. સરસ રચના વિવેકભાઈ…
  રેતી સિમેન્ટ કપચીને કોઇ કવિએ રદિફનો દરજ્જો આ પહેલાં નહીં જ આપ્યો હોય….
  આખી રચનામાં સરસરીતે ઓગળીને એકરસ થયો છે.
  હડચામના નગર…… વધુ ગમ્યો -અભિનંદન.
  દીવાળીના બે અઠવાડીયાના પ્રવાસનું આયોજન સુખરૂપ સંપન્ન હો
  અને સાથે નૂતનવર્ષની શુભકામનાઓ.

 6. ખૂબ સુંદર

  નાનકડું ખોરડું ને ખેતર કૂવો ને પાદર.
  નાનું કુટુંબ સૂતું, ઓઢીને સુખની ચાદર;
  સઘળું લણી વળ્યાં છે રેતી-સિમેન્ટ-કપચી !

  તેથી જ જુદા જુદા રૂપે મને તે પોતાના અસ્તિત્વનો
  આછો અણસાર આપતી રહે છે.

 7. રાતોની રાત જાગી ઘરડું મકાન ખાંસે,
  બારીઓ ધગધગે છે, ભીંતો ખરી રહી છે;-ખૂટયા છે પાયામા…….
  પાયામાં શું ખૂટ્યાં છે, રેતી-સિમેન્ટ-કપચી

  શુભ દિપાવલી

 8. સંવેદનાઓને બારીકાઈથી શબ્દદેહ અપાયો છે. ખૂબ ગમ્યું. અભિનંદન, દીવાળીની શુભેચ્છાાો.

 9. રાતોની રાત જાગી ઘરડું મકાન ખાંસે,
  બારીઓ ધગધગે છે, ભીંતો ખરી રહી છે;
  પાયામાં શું ખૂટ્યાં છે, રેતી-સિમેન્ટ-કપચી ?

  – સરસ !

 10. રોજ નજર સામે જે પરિસ્થિતિ હોય એને બહુ જ સરળતાથી ઓળંગી જવાનું માણસ શીખી ગયો છે…
  ને છતાંય આ જ પરિસ્થિતિ જે ક્ષણે હૃદયને હલાવી જાય છે… કશુંક સ્પર્શે છે અંદર… ટીસ અનુભવાય છે… ઓળંગીને આગળ વધાતું નથી….
  અને આ થાય છે એક કવિના શબ્દથી તો એ નાની વાત નથી જ…

  ક્યાંક તો કશુંક સુધરશે જ…

 11. વાહ!

  શ્રદ્ધા અસીમ ને અણખૂટ વિશ્વાસ ધીરે ધીરે
  મંદિર બની ગયાં છે, મસ્જિદ બની ગયાં છે;
  પથ્થરમાં અવતર્યાં છે રેતી-સિમેન્ટ-કપચી.

  વાંચી લાગણીઓની ધમાલ મચી.
  માણસાઈ ક્યાં છે હવે અહિં બચી?

  સચાઈ હવે એક સપનું બની રહી;
  જુઠ્ઠી બુઠ્ઠી ભાવનાઓ સહુને જચી.

  હસવાનું ખોળતો રહું એક બહાનું
  અરે કોઈ મને કરો થોડી ગલીપચી

  મકાન બની રહી ગયા, ઘરો છે ક્યાં?
  દિવાલમાં કેદ રેતી-સિમેન્ટ-કપચી.

 12. હાડચામના નગરમાં લોહી થીજી ગયાં છે,
  રસ્તાઓ લાગણીના રસ્તા ભૂલી ગયાં છે;
  માણસ બની રહ્યાં છે રેતી-સિમેન્ટ-કપચી.

  અને

  નાનકડું ખોરડું ને ખેતર કૂવો ને પાદર.
  નાનું કુટુંબ સૂતું, ઓઢીને સુખની ચાદર;
  સઘળું લણી વળ્યાં છે રેતી-સિમેન્ટ-કપચી !

  નરી સચ્ચાઈ અને ખુબ સુંદર અભિવ્યક્તિ…
  શુભ દિપાવલી અને નૂતન વર્ષાભિનંદન in advance…

 13. ખૂબસરસ રચના !
  હાડચામના નગરમાં લોહી થીજી ગયાં છે,
  રસ્તાઓ લાગણીના રસ્તા ભૂલી ગયાં છે;
  માણસ બની રહ્યાં છે રેતી-સિમેન્ટ-કપચી.

  શુભ દિપાવલી,નૂતનવર્ષની શુભકામનાઓ.

 14. શ્રદ્ધા અસીમ ને અણખૂટ વિશ્વાસ ધીરે ધીરે
  મંદિર બની ગયાં છે, મસ્જિદ બની ગયાં છે;
  પથ્થરમાં અવતર્યાં છે રેતી-સિમેન્ટ-કપચી.

  સુંદર ત્રીપદી ગઝલ.

  િદપાવલીની શુભકામના સાથે નુતનવર્ષના અિભનંદન.

  અિભજીત પંડ્યા ( ભાવનગર ).

 15. તદ્દન નવા જ,કદી કોઇએ ન પ્રયોજ્યા હોય તેવા રદીફ લઇને રચેલ સુંદર, સંવેદનાસભર ગઝલ.

 16. સુંદર ત્રિપદી. દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા.

 17. હાડચામના નગરમાં લોહી થીજી ગયાં છે,
  રસ્તાઓ લાગણીના રસ્તા ભૂલી ગયાં છે;
  માણસ બની રહ્યાં છે રેતી-સિમેન્ટ-કપચી.

  સરસ રચના.
  રેતી સિમેન્ટ કપચી,
  મળે ભેળ-સેળીયા
  મતલબીયા, ટાઢા સંબંધો જેવા.

  સ્પંદન.

 18. ખુબ જ સુન્દર રચના.
  HAPPY DIWALI N A VERY PROSPEROUS N HEALTHY NEW YEAR TO YOU.
  Enjoy your vacation now n we will when u post the beautiful photos of those moments.
  chandrika

 19. રેતી સિમેન્ટ્ કપચિ એ દાટ તો વાળી દિધો …. સાચુ કહુ તો મારા સપના નો વાઢ સાવ જ વાઢિ લિધો …..

 20. વાહ વિવેકભાઇ વાહ….. સરસ રચના છે…

  નાનકડું ખોરડું ને ખેતર કૂવો ને પાદર.
  નાનું કુટુંબ સૂતું, ઓઢીને સુખની ચાદર;
  સઘળું લણી વળ્યાં છે રેતી-સિમેન્ટ-કપચી !

  સામ્પ્રત સમાજ નુ પ્રતિબિંબ જાણે….

  શુભ દિપાવલી અને નૂતન વર્ષાભિનંદન

 21. એક સામાન્ય આંચકાથી પણ જો જીવનની ઇમારત હચમચી જાય તો તાય કે….

  પાયામાં શું ખૂટ્યાં છે, રેતી-સિમેન્ટ-કપચી ?

  સુંદર રચના થઈ છે વિવેકભાઈ !

  અભિનંદન !

  દીપાવલીની શુભકામનાઓ !

Comments are closed.