નડતું રહ્યું

(પારદર્શક સમુદ્રમાં સરી રહેલું આશ્ચર્ય…    … માલદીવ્સ, ફેબ્રુઆરી-2002)

*

એક જ સ્ખલન આખું જીવન અમને સતત નડતું રહ્યું,
હર રૂપમાં, હર શ્વાસને, હર સ્વપ્નને અડતું રહ્યું.

ક્ષય પામવાનો શાપ છે, છો ચાંદની મુજ શુદ્ધ હો,
માથે કલંક એક જ છે કિંતુ આજીવન નડતું રહ્યું.

એવા સ્મરણનું વિસ્મરણ થાતું નથી કેમે કરી
જેના પડળની વચ્ચે આ મન ધાન થઈ ચડતું રહ્યું.

સૌએ કહ્યું, ભૂંસે પવન થઈ, કાળ રેતીમાંથી છાપ,
પત્થર મહીં પગલાં બનીને કોણ તો પડતું રહ્યું.

સાચે અગર જો આ ક્ષણોને જીવવામાં નહોતો થાક,
થઈને કરચલી કોણ આ માથે કહો, પડતું રહ્યું?!

મારી નજર ભટક્યાં કરી, એકાગ્રચિત્ત જ તું સદા,
કિલ્લો અડીખમ લાગે છો ને, કૈંક ઉખડતું રહ્યું.

રાતે પ્રિયાના ગર્ભમાં પગરવ થયો નક્કી કશોક,
ગળપણ વધારે ચામાં બાકી શાને ઉમડતું રહ્યું ?

આ ઘર તરફ આવી રહ્યો શબ્દોને પહેરીને પવન,
સુંદર મજાનું કાવ્ય બારી જેમ ઊઘડતું રહ્યું.

– વિવેક મનહર ટેલર

12 thoughts on “નડતું રહ્યું

  1. આ ઘર તરફ આવી રહ્યો શબ્દોને પહેરીને પવન,
    સુંદર મજાનું કાવ્ય બારી જેમ ઊઘડતું રહ્યું.

    – મઝાની વાત !

  2. રાતે પ્રિયાના ગર્ભમાં પગરવ થયો નક્કી કશોક,
    ગળપણ વધારે ચામાં બાકી શાને ઉમડતું રહ્યું ?

    બધી અદ્ ભૂત કડીઓમાં આ ના સમજાઇ.

  3. સૌએ કહ્યું, ભૂંસે પવન થઈ, કાળ રેતીમાંથી છાપ,
    પત્થર મહીં પગલાં બનીને કોણ તો પડતું રહ્યું.

    very good words…. nice gazal!

  4. રાતે પ્રિયાના ગર્ભમાં પગરવ થયો નક્કી કશોક,
    ગળપણ વધારે ચામાં બાકી શાને ઉમડતું રહ્યું ?

    બાળક આવવાના સમાચારની ખુશી, એ જ આ ‘ગળપણ’ ને??!!!

  5. વિવેકભાઈ, વાંચ્યા પછી કશું બોલી શકાય એવી હાલત જ નથી રહી… સીધા જ ભૂતકાળ માં પહોંચી જવાયું…. અતિ સુંદર ગઝલ… અભિનંદન….

  6. એક જ સ્ખલન આખું જીવન અમને સતત નડતું રહ્યું..

    ખૂબ સરસ.જોકે આપની કઇ ગઝલના વખાણ કરવા એ ખબર નથી પડતી.હું પણ કાવ્યો લખુ છુ અને છપાય પણ છે.પરંતુ બધા અછાંદસ,છન્દમાં મારી ચાંચ ડૂબતી નથી.શીખવુ પડશે હવે ..તમારા જેવા ગુરૂ મળે તો…

  7. આ ઘર તરફ આવી રહ્યો શબ્દોને પહેરીને પવન,
    સુંદર મજાનું કાવ્ય બારી જેમ ઊઘડતું રહ્યું.

    sundar vichar ane sundar abhivyakti!

  8. આ ઘર તરફ આવી રહ્યો શબ્દોને પહેરીને પવન,
    સુંદર મજાનું કાવ્ય બારી જેમ ઊઘડતું રહ્યું.
    Awesome
    સૌએ કહ્યું, ભૂંસે પવન થઈ, કાળ રેતીમાંથી છાપ,
    પત્થર મહીં પગલાં બનીને કોણ તો પડતું રહ્યું.
    Wwahh

Leave a Reply to UrmiSaagar Cancel reply

Your email address will not be published. Required fields are marked *