ઝરણાં જડી આવે (બે કાફિયાની ગઝલ)


(ધોધ : ધરતીને ઊગેલું સ્વપ્ન…              …સૌરાષ્ટ્ર, ઑગષ્ટ-03)

*

પડેલા પથ્થરોમાં જે રીતે ઝરણાં જડી આવે,
સ્મરણના રણમાં તારા જળમયી હરણાં મળી આવે.

તું મોટો છે – શું એ કરવાને સાબિત પૂર લાવ્યો છે  ?
…કે જ્યાં એક લાશ પણ લઈ હાથમાં તરણાં તરી આવે…

અમારા આભ સરખા ઘા ઉપર થીંગડા નહીં ચાલે,
ખબર છે તોય ઇચ્છું છું, તું ચાંદરણાં લઈ આવે.

નિરાશા થાય છે પૃથ્વી ઉપર જન્મી ફરી પાછા,
આ શું કે આદમી કો’ આદમીવરણા નહીં આવે ?

જો જગ્યા હોય મનમાં આભ સમ ચાદર મળે તમને
ને પાથરવાને પૃથ્વી જેવા પાથરણાં મળી આવે.

તમારી હોય જો તૈયારી વીંધાઈ જવાની, દોસ્ત !
નયન ચારેતરફ તમને તો મારકણાં મળી આવે.

આ મારો શબ્દ પણ તારી જ માફક જો હવા થઈ જાય,
તો મારા શ્વાસમા મારાય સાંભરણાં કદી આવે.

-વિવેક મનહર ટેલર

8 thoughts on “ઝરણાં જડી આવે (બે કાફિયાની ગઝલ)

  1. અમને તારવા તું ખુદ અહીં કદી આવે ન આવે,
    તારા નામે ખુદ તરનારા અહીં અનેકો મળી આવે!

  2. વાહ વિવેકભાઇ…

    જો જગ્યા હોય મનમાં આભ સમ ચાદર મળે તમને
    ને પાથરવાને પૃથ્વી જેવા પાથરણાં મળી આવે.

    સરસ…!! મજા આવી હોં…!!

  3. નિરાશા થાય છે પૃથ્વી ઉપર જન્મી ફરી પાછા,
    આ શું કે આદમી કો’ આદમીવરણા નહીં આવે ?

    જો જગ્યા હોય મનમાં આભ સમ ચાદર મળે તમને
    ને પાથરવાને પૃથ્વી જેવા પાથરણાં મળી આવે.

    વાહ વિવેકભાઇ લાજવાબ

Leave a Reply to naresh dodia Cancel reply

Your email address will not be published. Required fields are marked *