આઇ લવ યૂ, પપ્પા !


(જન્મ : ૨૯-૦૩-૧૯૪૨, મૃત્યુ : ૨૩-૦૮-૨૦૦૬)

*

 

 

 

 

 

 

 

 

 

 
(ગુજરાતમિત્ર- 27/08/2006)

*

પ્રિય પપ્પા,

તમે આમ અચાનક અને આટલા જલ્દી અમને છોડીને ચાલ્યા જશો એવી આશા તો અમને ક્યાંથી હોય ? ફક્ત બે મિનિટ… મૃત્યુને ગળે લગાડવાની આટલી ઉતાવળ ? મારા હાથમાં પસાર થયેલી એ બે મિનિટ, થોડા શ્વાસ અને મોનિટર પર ઝબકેલા થોડા ધબકારા… એડ્રીનાલિન, એટ્રોપીન, ઈંટ્રાકાર્ડિયાક ઈંજેક્શન, કૃત્રિમ શ્વાસ અને હૃદયનું પમ્પીંગ… એક ડૉક્ટરને ખબર હતી કે આ બધી કસરત વ્યર્થ હતી કેમકે જે શરીર પર એ મહેનત કરી રહ્યો છે એમાંથી ચેતન તો ક્યારનું ય વહી ગયું છે પણ એક પુત્ર જાણે એ બે મિનિટના શ્વાસમાંથી એક આખી જિંદગી ખેંચી આણવા મથતો હતો…

મૃત્યુ મારે માટે કોઈ મોટી ઘટના નથી. સિવીલ હૉસ્પિટલથી શરૂ કરીને આજદિન લગી કંઈ કેટલાય લોકોને મરતા જોયા છે અને કેટલાંય લોકોએ તો આ હાથમાં જ દમ તોડ્યો છે. મને તો પૂરેપૂરો વિશ્વાસ હતો કે કોઈપણ સગાનું મૃત્યુ મને લગીરે વિચલિત નહીં કરી શકે. અને આ ત્રણ દિવસોમાં હું વર્ત્યો પણ એમ જ. ત્રેવીસમીના એ ગોઝારા દિવસે પણ મેં પપ્પાના મૃત્યુના ગણતરીના કલાકોમાં જ બે દર્દી, જે મારી જ સારવાર લેવા ઈચ્છતા હતા એમને હૉસ્પિટલમાં દાખલ પણ કર્યા. કોઈપણ સગાને કે મમ્મી કે વૈશાલીને પણ રડવા ઉપર મનાઈ ફરમાવી. છૂટક-છૂટક રૂદનને બાદ કરતાં આખો પ્રસંગ કોરો રહે એની ખાસ કાળજી રાખી. કદાચ મારી સ્વસ્થતા લોકો માટે આશ્ચર્ય પણ હતી…

…શૂન્ય ધબકારા…શૂન્ય શ્વાસ અને આંખોની પહોળી થઈ ગયેલી કીકી… સવારે અગિયાર વાગ્યે એક ડૉક્ટરે એક દીકરાને સમજાવી દીધું કે હવે આ શરીર ફક્ત શરીર જ છે. સૌથી પહેલો ફોન મેં મારા ચક્ષુરોગ નિષ્ણાંત મિત્ર નીરવને કર્યો, ‘પપ્પા નથી રહ્યાં, ચક્ષુદાનની વ્યવસ્થા કર.’ અને ત્યારબાદ બીજો ફોન કર્યો મારી બહેનને…

ઘરની બહાર ચાલવા માટે નીકળેલો માણસ આંટા મારતા મારતા ઘરની બહાર જ ફસડાઈ પડે અને મચેલી બૂમરાણની સીડી પર દોડીને એક તબીબ-પુત્ર એની નાડી ગણતરીની ક્ષણોમાં તપાસે અને અનિવાર્ય મૃત્યુને પોતાના ખોળામાં શ્વસતું નીરખે એનાથી વધુ કરૂણ ક્ષણ એક પુત્રના જીવનમાં બીજી કઈ હોય શકે ? થોડો સમય તો આપવો હતો…. થોડી કોશિશને તો આપવો હતો થોડો અવકાશ… પણ તમને તો સામો તમારી પાસે કંઈ માંગે તે પહેલાં જ આપી દેવાની આદત પડી ગઈ હતી ને ! પણ જીવનનો એ શિરસ્તો મોત સાથે પણ નીભાવવાનો ?!

મનહર ટેલર…. આખી જિંદગી સાચા અર્થમાં કોઈનું ય બુરૂ ન ઈચ્છ્યું હોય એવા માણસો હવે મળે જ ક્યાં છે આ અવનિ પર ? અજાતશત્રુ… નિઃસ્પૃહી… સત્યવક્તા…. નીડર… સાચા સમાજસેવક… મિત્રોના મિત્ર અને શત્રુઓના પરમમિત્ર… જોડણીકોશના પાનાં પર જોવા મળતા આ શબ્દોને જીવનાર હવે ક્યાં જડશે ? તમારા સાથી-કર્મચારીએ કાલે જે વાત કહી એ હજી આ મનની દિવાલોમાં પડઘાઈ રહી છે – ફેક્ટરીમાં એમણે એટલા બધા માણસોને એટલી બધી સહાય કરી છે કે એની ગણતરી પણ શક્ય નથી. ‘મને ખાવા પૂરતું મળે છે ને’ કહીને ગાંઠનું ગોપીચંદન કરનારને હવે એ લોકો ક્યાં શોધવા જશે ? ચક્ષુદાન અને તબીબ-વિદ્યાર્થીઓને કાપવા-ચીરવા માટે દેહદાન – 1987ની સાલે આટલું વિચારનાર માણસ કેટલા જોયા હશે? અને મૃત્યુ પછી તેર દિવસો સુધી ચાલનાર તમામ રિવાજો સંપૂર્ણ બંધ… તમે આ જમાનાથી આગળ હતા એટલે જ શું આ જમાનામાં વધુ ન ટક્યા?

અગિયાર વર્ષોથી પાર્કિન્સન્સ ડિસીઝથી પીડાઈને તમે થાક્યા હતા એની ના નહીં… કંઈક અંશે અમે પણ તમારી બિમારીથી થાક્યા હતા એની ય ના નહીં… પણ આમ… આ રીતે… સાવ જ અચાનક…? એ બે મિનિટનો બોજ આ ખભા શી રીતે જીરવી શક્શે એ પણ ન વિચાર્યું ? એક અફસોસ સદા રહી જશે કે તમારી બિમારી અને તમારા જેવા મારા દર્દીઓની દુઃખભરી સ્થિતિ ઉપર લખેલી મારી ‘પાર્કિન્સનના અંતિમ તબક્કાના દર્દીની ગઝલ’ તમને વંચાવવાની કદી હિંમત કરી શક્યો નહીં. કોણજાણે શાથી આ હાથમાં એ તાકાત જ ન આવી કે એક પ્રિન્ટઆઉટ તમારા હાથમાં આપી શકે…

…એક અફસોસ બીજો પણ રહી જશે, પપ્પા ! વર્ષોથી જે આંખોના રણે મૃગજળ પણ જોયું નથી એ આંખો દુનિયાની નજરોથી દૂર-દૂર, તમારી પુત્રીથી ય વધુ એવી પુત્રવધૂની આગોશમાં રાત્રે એક વાગ્યે જે મૂશળધાર સ્ત્રવી છે અને તમારી સાથે ભાગ્યે જ કોઈ શબ્દોની આપ-લે કરતા બે હોઠમાંથી વારંવાર સરેલા આ શબ્દો – જે તમારે જીવતેજીવત જો તમે સાંભળ્યા હોત તો કદાચ મૃત્યુની ગોદમાં આમ દોડીને ના સર્યાં હોત – “આઇ લવ યૂ, પપ્પા !”

 1. Anonymous’s avatar

  મા બાપ કદી મરતા નથી
  તે સતાનોનાં શ્વસોચ્છવાસમાં
  લાગણી રુપે હરદમ જીવતા હોય છે.

  અને તેથીજ દરેક બેસણામાં
  સૌ સંતાનોની આંખ રડતી હોય છે.

  Vijay Shah
  Houston Texas

  Reply

 2. Anonymous’s avatar

  Mitr Vivek,
  ……………….
  Meena

  Reply

 3. સુવાસ ટીમ વર્ક’s avatar

  જો તમે સુરતમાં રહેતા છો તો આ ક્ષણે સુરતના પૂર વિશેની તમારા અનુભવોની અમે રાહ જો ઇરહયા છીએ, પૂર કેવી રીતે આવ્‍યું, કારણો, ઉપાયો, પછી મદદ , સહાય અને ….
  તમારા અનુભવો…..

  Reply

 4. UrmiSaagar’s avatar

  પ્રિય વિવેકભાઇ, તમારા શબ્દો વાંચીને મારી આંખોમાં પણ કદી સરળતાથી ન આવતાં એવા અશ્રુઓ આવી ગયા… તમારા પપ્પાને પણ તમારી આ તિવ્ર વેદના અને અપાર લાગણીની જાણ ન હોય એવું તો કદી બને જ નહિં!! પરમાત્મા એમનાં આત્માને પરમ શાંતિ અને તમને આ દુ:ખ સહન કરવાની શક્તિ અર્પે એવી પ્રભુ-પ્રાર્થના!

  ૐ શાંતિ!!

  Reply

 5. Nav-Sudarshak’s avatar

  વિવેક ભાઈ! જીવનની કેટલીક વાસ્તવિકતાઓ સ્વીકારવી અને જીરવવી આકરી હોય છે. મૃત્યુ એક આવી જ વાસ્તવિકતા છે; વળી આ તો જનકનું મૃત્યુ; અનેરી શૈલીથી જિંદગી જીવી જાણનાર પ્રેમાળ પિતાનું મૃત્યુ!!

  આપણા માટે આશ્વાસન એ કે આપણને સંસ્કારનો, જીવનદ્રષ્ટિનો અમોલો વારસો આપતા ગયા! અન્યને પંથ ચીંધી જનાર વેંત ઊંચેરા દિવ્ય અસ્તિત્વનો નિ:સહાય બની નજરથી લોપ થતો જોવો તે જીવનની કરુણતા જ ને! છતાં તમે- પરિવારે તેને જે સાહજિકતાથી સ્વીકારી, તેમાં તમે જીવનને જ નહીં, મૃત્યુને પણ નવી દ્રષ્ટિથી મૂલવ્યું છે. તમે અખંડ, અવિનાશી અસ્તિત્વનો, પરમ ચૈતન્યનો સ્વીકાર કર્યો છે. તે થકી સદગત્ આત્માનું દિવ્યતામાં ભળવું સાર્થક થશે.

  દિવંગત આત્માને પરમાત્મા પરમ શાંતિ અર્પો તે પ્રાર્થના !! ૐ શાંતિ: |
  …… હરીશ દવે અમદાવાદ

  Reply

 6. ધવલ’s avatar

  સૂક્કીભટ આ ભોમ પર
  રોમેરોમ લાય બળે,
  વરસે મારા આંસુ તો કંઈ
  અંદર ટાઢક વળે.

  Reply

 7. chetan framewala’s avatar

  વિવેકભાઈ,
  સ્વજન નું આપણને ઓચીંતા હંમેશ માટે છોડી જવાની ઘટના થી વધારે દુઃખદ કોઈ ઘટ્ના નથી હોતી.
  પણ પિતા કદી મરતાં નથી એ હર-હંમેશ એના સંતાનો માં જીવંત રહે છે.
  શ્રી મનહરભાઈ ના બે ચક્શુ-બે કુટુંબની રોશની બની સદાય જીવંત રહેશે.
  નીદા ફાઝલી ની એક નઝમ યાદ આવે છે.

  મૈં આપકી કબ્ર પર ફાતિયા પઢને નહીં આયા
  ક્યોંકી મૈં જાન્તા હું તેરે મરને કી સચ્ચી ખબર જીસને ફૈલાઈ હૈ. વહ જૂઠા હૈ………
  ………………..
  મૈં આપકી કબ્ર પર ફાતિયા પદ્ઢને નહીં આયા
  ક્યોકી આપ કભી મર નહીં શકતે,
  કબ્ર મેં મૈ કૈદ હું,
  આપ મુઝમેં જીંદા હૈં….

  પરમ કૃપાળુ પરમાત્માઆપ્ને એમના આદ્ર્શો પર ચાલ્વાની શક્તિ આપે એજ પ્રાથના….

  ચેતન ફ્રેમવાલા

  Reply

 8. Bhavesh Jhaveri’s avatar

  Vivekbhai,

  Firstly condonlences on this sudden bolt from the blue. Really reading your fathers life character & about you from Dr.Pankaj I feel you have taken yourself, your profession to newer heights. May you discover God’s inner strength in you more than ever before & strive to give more to this world on this eve when God has just called your Papa for body change as soul is immortal.

  Reply

 9. શ્રિયા’s avatar

  પ્રિય વિવેકભાઇ,

  મનહરકાકા ને બહુ નજીકથી જાણવાનો લ્હાવો મને મળ્યો છે અને ખરેખર તેમના જેવી વ્યક્તિ આ જગતમાં મળવી દુર્લભ છે. ખરા અર્થમાં “સજ્જન” એવા મનહરકાકા સદા મારી સ્મ્રુતિમાં રહેશે. તેમના નામ પ્રમાણે જ તેમનો સ્વભાવ અને તેનાથી સૌ કોઈ નું મન હરી લેનારા મનહરકાકા ની ખોટ આપણે સૌ કોઈને સદા સાલસે.

  શ્રિયા

  Reply

 10. Dr. Pankaj Gandhi’s avatar

  Dear Dr Vivek
  Nice write up, really I cried
  Dr. Pankaj Gandhi (Chauhan)

  Reply

 11. Kirit Shah’s avatar

  Dear Vivek Bhai

  Amazing expression of feelings – it is simply flowing like a river –
  Its your love for your Papa and for your Poetry – perhaps this combination can only creat such powerful expressions.
  Your Papa is alive and living in each and every word you have written for him

  Kirit Shah

  Reply

 12. paresh lupin diabetes’s avatar

  Amazing expression of feelings – it is simply flowing like a river –
  Its your love for your Papa and for your Poetry – perhaps this combination can only creat such powerful expressions.
  Your Papa is alive and living in each and every word you have written for him

  Reply

 13. sana’s avatar

  Your father is alive in your words that is within yourself.

  ભગવાન તમારા પિતા ના આત્મા ને શાંતિ આપે.

  Reply

 14. અમિત પિસાવાડિયા’s avatar

  ઇશ્વર સદગત આત્મા ને શાંતિ અર્પે.

  Reply

 15. Manish’s avatar

  Ahi charka jivan nu ultu phare chhe;
  Ke balak na man ma pita uchhre chhe;
  Ane vhal je shabdo bani nitre chhe.

  Manish Chevli

  Reply

 16. Dipika Mehta’s avatar

  Vivekbhai
  Sorry to know about your Daddy. “Bhagvan Amna Atma Ne Shanti Aape aj Prarthna”

  Reply

 17. nilam doshi’s avatar

  આ વાંચી ને આજે મારી આંખ ફરી એકવાર છલકાઇ ગઇ.મારા પપ્પાની વસમી વિદાય ને આજે 5 મહિના થયા.આજે આ વાંચ્યું ત્યારે લાગ્યું કે આ બધું તો મારા પપ્પા વિષે લખાયેલ છે.દેહદાન,ચક્ષુદાન,અને બધારીતરિવાજો બંધ!!ફકત અનાથાશ્રમ માં નાના બાળકોને આપવા સિવાય.એક પણ મિનિટની માંદગી ભોગવ્યા સિવાય,,રાત્રે બધા સાથે(મારી સાથે ફોનમાં)વાતો કરી સવારે ઉઠયા જ નહીં!!આંસુથી ધૂંધળી બનેલ આંખોથી હવે નહી લખી શકાય.

  Reply

 18. Pragna’s avatar

  હાથ મારો ઝાલે તું એ ઝંખના કાયમની છે,
  ભૂલ્યો, પણ મેં ક્યાં કદી મારી હથેળી દીધી છે ?

  વાંચીને આંખો છલકાઈ ગઈ

  ભગવાન તમારા પિતા ના આત્મા ને શાંતિ આપે.

  પ્રજ્ઞા.

  Reply

 19. rachna’s avatar

  bhailu hu pappa ne bahuj be tran divas thi yaad kari rahi chhu.mane na sahan thai evi rite pappa yaad avi rahya chhe. i miiss him alot . but thank god ke tu mari pase chhe. tari kavita vanchiane pappa bahu j yaad avi gaya.
  bahuj saras kavita chhe. anathi sari shhradhanjali biji hoi j na sake.
  mane maru balpan yaad avi gayu. tara papane lakela letter thi mari juni yado vadhu taji thai gai chhe. i love you viv. vachine aakho bharai gayi.
  bhagvan pappa na atmane shanti aape.
  have vadhu lakhi saku em nathi.aankho bharai gayi chhe.

  Reply

 20. rachna’s avatar

  બહુ જ દિલ ને સ્પર્શી જાઇ એવી કવિતા… જાણે મારી લાગણીને તારા શબ્દો! કાશ આ કવિતા – પપ્પાની પથારી…- પપ્પા એ વાંચી હોત તો….! આજ્નો દિવસ રડાવવાનો લાગે છે.ઉત્તમ રચના. લવ યુ.

  Reply

 21. sujit chovatiya (surat)’s avatar

  va bhai va su shabdo ni rchana che
  i love you papa
  fast time Aa word vachiyo va sudar ati sudar

  Reply

 22. Pancham Shukla’s avatar

  હૃદયસ્પર્શી….

  Reply

 23. rachna shah’s avatar

  આખરે આખો દિવસ રોકેી ને રાખેલા અશ્રુબન્ધ્ ને તે તોડેી જ નાખ્યો…….!વહાલા પપ્પા વિના મને ગમતુ નથેી….!i love you bhai….!

  Reply

 24. Daxesh Contractor’s avatar

  દરેક પુત્રમાં એનો પિતા જીવતો હોય છે … અને બેશક, તમને જોઈને એમનો આત્મા સૌથી વધુ હરખાતો હશે. એમના સદગુણો અને આદર્શોને આપણા જીવન દ્વારા ચરિતાર્થ કરીએ એ જ એમને અપાયેલ સૌથી ઉત્તમ અંજલિ…very touchy and emotional … God bless him.

  Reply

 25. મીના છેડા’s avatar

  …….

  Reply

 26. REKHA’s avatar

  રહે સ્મ્રુતિ પિત્ત્રુ-પ્રૅમનિ સદાયૅ,
  રડી આખો આજે પિતાની વિદાયૅ……

  વિવૅકભાઇ,આજે મારા પિતાનિ યાદ મને પણ ……

  Reply

 27. misri hiteshkumar okhabhai’s avatar

  ઊભો છું હું રસ્તે એકલો ,વા”ટ જોઉ છું કોંઇકની
  એજ મ્રુગજળ માં હરણાની આંખ ભીની ભીની….

  સાહેબ ક્રિપીયા આ સઇટની મુલાકાત એક વાર જરૂર લેજો …..

  ***** …………………..ધન્યવાદ………………..*****

  Reply

 28. વિવેક’s avatar

  સહુ મિત્રોનો આભાર !

  Reply

 29. Rina’s avatar

  ………….

  Reply

 30. Dhruv’s avatar

  સર, આ ‘પાર્કિન્સનના અંતિમ તબક્કાના દર્દીની ગઝલ’ વાળિ લીંક કામ નથી કરતી… આશા છે વાંચવાનો અવસર મળશે…

  Reply

 31. deepak trivedi’s avatar

  પિતાજી ના અવસાનથી ઘરની છત્રછાયા જાણે જતી રહી હોય એવું લાગે છે . ઘરનો કોઈ ખૂણો ખાલી થઇ ગયો હોય તેવું લાગ્યા કરે છે . આમ છતાં આપ સ્વસ્થ રહો અને આપના કુટુંબીજનોને સ્વસ્થ રાખો એ શક્તિ આપણે ઈશ્વર આપે એવી અભ્યર્થના…

  Reply

 32. gunvant thakkar’s avatar

  સુંદર, લાગણી સભર,અત્યન્ત હ્રદય સ્પર્શી .

  Reply

 33. Cetna Bhatt’s avatar

  આજે તો સવાર સવારમાં રડાવી તમે મને…!

  Reply

 34. Cetna Bhatt’s avatar

  પાર્કિન્સનના અંતિમ તબક્કાના દર્દીની ગઝલ’ વાળિ લીંક કામ નથી કરતી…
  એરર આવે છે…!

  Reply

 35. Neha’s avatar

  નિઃશબ્દ !

  Reply

 36. Prabhulal Tataria

  શ્રેી વિવેક ભાઈ
  માવિત્રો જાયરે ચાલ્યા જાય છે ત્યારે આખેી ઉમર એમણે ઉપાડેલો જવાબદારેીનો ભાર આપણા પર આવે છે ત્યારે સમજાય છે કે આપણે કૅટલા નિશ્ચિંત હતા હળવા ફોૂલ માવિત્રોનો હંમેશા દુષ્કાળ રહ્યો છે એ ખોટ કોઇ પુરેી શકે એમ નથેી હા આપણે સદ્ગત્ના આત્માને શાંતિ મળે એ પ્રાર્થના સિવાય બેીજું કાંઇ પણ કરવા અસમર્થ છેીઁએ

  Reply

 37. Poonam’s avatar

  કદાચ મારી સ્વસ્થતા લોકો માટે આશ્ચર્ય પણ હતી…

  પણ જીવનનો એ શિરસ્તો મોત સાથે પણ નીભાવવાનો ?!

  તમે આ જમાનાથી આગળ હતા એટલે જ શું આ જમાનામાં વધુ ન ટક્યા?

  જોડણીકોશના પાનાં પર જોવા મળતા આ શબ્દોને જીવનાર હવે ક્યાં જડશે ?

  મૃત્યુને પોતાના ખોળામાં શ્વસતું નીરખે એનાથી વધુ કરૂણ ક્ષણ એક પુત્રના જીવનમાં બીજી કઈ હોય શકે ?

  …….Nishabd

  Reply

Reply

Your email address will not be published. Required fields are marked *