પપ્પાજીની ચડ્ડી

OLYMPUS DIGITAL CAMERA
(આજના ઇસુ ખ્રિસ્ત…                   …અજંટા, મહારાષ્ટ્ર, ૨૮-૧૦-૨૦૧૧)

*

નવેમ્બર મહિનો એટલે ચાચા નહેરુ અને મારા દીકરાના જન્મદિવસનો મહિનો. બાળદિનનો મહિનો. બંનેનો જન્મદિન ચૌદમીએ આવે છે પણ આ આખો મહિનો બાળગીતો માટે રાખીએ તો ? મોટાઓ માટેના ગીત-ગઝલ તો આપણે ખુલીને માણીએ છીએ. આ મહિને બાળકાવ્યો વાંચીએ અને શક્ય હોય તો આપણા દીકરાઓ સાથે ગાઈને થોડી મજા પણ કરીએ… બરાબર ?

*

પપ્પાજીની ચડ્ડી પહેરી હું નીકળ્યો બજારમાં,
હું પણ મોટ્ટો થઈ ગયો, એ ભારમાં ને ભારમાં.

પહોળી પહોળી ચડ્ડી વાતે વાતે સરકે સરરર સરરર
ચાલું કે ચડ્ડી ઝાલું એ નાના જીવની છે ફિકર.

ધ્યાન રાખું રસ્તા પર તો ચડ્ડી સરકી જાય છે,
ચડ્ડીને સાચવવામાં પગ ડોલમડોલા થાય છે.

એક બિલાડી મ્યાઉં કરીને પાસેથી કૂદી ગઈ,
ગળામાંથી ચીસ, ચડ્ડી હાથેથી છૂટી ગઈ.

બોલો, તમને આવે છે ભરોસો મારી વાત પર ?
નીચેને બદલે મેં મૂક્યા હાથ મારી આંખ પર !

બજાર આખ્ખું ડ્રોઇંગરૂમના ડ્રોઇંગ જેવું થઈ ગયું,
ન હાલે ન ચાલે, જાણે ટિણકી બોલી, સ્ટેચ્યૂ !

મારાથી ભગાયું નહીં ને ચડ્ડી પણ રહી ત્યાંની ત્યાં,
આંખોમાંના સાત સમંદર પૂરજોશમાં છલકાયા.

એવો રડ્યો.. એવો રડ્યો… આંસુઓની આવી રેલ,
બજાર આખ્ખું ડૂબી ગયું, કેવો થ્યો ચડ્ડીનો ખેલ ?!

– વિવેક મનહર ટેલર

(૦૯-૦૯-૦૯)

*

OLYMPUS DIGITAL CAMERA
(આજના બુદ્ધ….       ….બીબી કા મકબરા, ઔરંગાબાદ, ૨૯-૧૦-૧૧)

22 thoughts on “પપ્પાજીની ચડ્ડી

 1. બાળકનું રડવું હસવું ઉપજાવી ગયું…

  સુંદર બાળ નિર્દોષતા…

 2. વાહ, વાહ !!!

  એવો રડ્યો.. એવો રડ્યો… આંસુઓની આવી રેલ,
  બજાર આખ્ખું ડૂબી ગયું, કેવો થ્યો ચડ્ડીનો ખેલ ?!

 3. મને આપનુ આ કાવિય બિલકુલ નહિ ગમિયુ. ચડ્ડી ને બદલે બિજિ કોઇ વસ્તુ વિસે વાત કરિ સકાતે. સા માટે આપણે આવિ મજાક ઊડાવિ જોયે ? . આને બદ્લે દાદા નો ડ્ન્ગોરો વધારે સારુ ગિત છે.

 4. હેતલબહેનની વાત મને પણ ગમી.સ્વયમ્ ને આશિષ..
  કાવ્ય વિશે કાઁઇ લખવુઁ યોગ્ય માનતો નથી.આભાર ..

 5. નવેમ્બર ૧૪મીએ મારો પણ જ્ન્મદિન આવી રહ્યો છે.
  સ્વયમને મારા અગાઉથી જ્ન્મદિનના અભિનંદન.
  હાલ http://www.girishparikh.wordpress.com બ્લોગ પર આકાર લઈ રહેલા મારા પુસ્તક ‘વિવેકના શેરોનો આનંદઃ વિવેક મનહર ટેલરના ૫૦ શેરો અને એમના વિશે રસમય વાંચન’ ને અર્પણ કરવાનું નીચે મુજબ વિચાર્યું છે. બધા સ્વીકાર કરશે એમ માનું છું.

  “વૈશાલી, સ્વયમ
  તથા
  વિવેકના ગઝલ-ગુરુ
  રઈશ મનીઆરને”.

  વિવેકભાઈઃ નવેમ્બરના મહિનાને ‘બાળગીત-મહિનો’ બનાવવાનો વિચાર ગમ્યો. એક બે બાળગઝલો પણ લખશો. કદાચ એમાંથી એક બે શેર મારા પુસ્તક માટે પસંદ કરું.
  –ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિયા

 6. ખુબ જ સરસ છે મને લાગ્યું કે ચડ્ડી તો મોટા કરે છે પણ બધાની સામે મોટા કરે છે. નાનપણમાં ચડ્ડી ના પહેરવા માટે રડતાં……

 7. નાના છોકરાઓ માટે ચડ્ડી એ એક્દમ સામાન્ય શબ્દ છે. આ તો આપણે મોટેરાઓના મગજની વધારે પડતી સમજ એમાં જોડાય છે એટલે એ શબ્દ ખાનગીપણાને લાયક બની જાય છે. મને નથી લાગતું કે આમાં કોઇ જ મજાક ઉડાવામાં આવી હોય. એક્દમ નિર્દોષ રીતે આ કાવ્ય માણો બસ..મને તો નિર્દોષતા બહુ ગમી.

 8. લખવું જ હોય તો ‘પપ્પાજીની’ ઘણી બધી વસ્તુઓ પર્ લખી શકાય !

  જે તમને ગમ્યું તે ખરું.

  આવતી કાલે ૧૧-૧૧-૧૧ ‘મન માનસ અને મનન ‘ પર ૧૦૦૦મી કૃઉતિ જરૂરથી વાંચશો

  http://www.pravinash.wordpress.com

 9. ઘણી વાર તો ગેલીસ પટાવાળી ચડ્ડી પહેરાવતા
  પણ કોકવાર આવી ચડ્ડી પહેરવામાં મઝા થતી!

  પહોળી પહોળી ચડ્ડી વાતે વાતે સરકે સરરર સરરર
  ચાલું કે ચડ્ડી ઝાલું એ નાના જીવની છે ફિકર.

  ધ્યાન રાખું રસ્તા પર તો ચડ્ડી સરકી જાય છે,
  ચડ્ડીને સાચવવામાં પગ ડોલમડોલા થાય છે.

  બાળપણની જોયેલી નૉસ્ટેલજીક યાદને તાજી કરી!!!!

 10. Pingback: ચશ્મીસ ચચ્ચુ, બિલાડીનું બચ્ચુ · શબ્દો છે શ્વાસ મારા

Comments are closed.