જળાશયમાં

P8149008
(ઝળહળાં જળાશય….                           …શબરીધામ, ૧૪-૦૮-૨૦૦૯)

*

શબ્દની એક કાંકરી ઊડી, આપણા મૌનના જળાશયમાં,
લીલના યુગયુગોના અંધારાં, થઈ ગયાં ઝળહળાં જળાશયમાં.

છાતીના ઓરડામાં ડૂમાઓ કાયમી ઘર જમાવી બેઠા છે,
બારી સહુ મુશ્કેટાટ બંધ સદા, ખુલે બસ, બારણાં જળાશયમાં.

રેતનો એક એક-કણ તળનો ,બસ ! પ્રતીક્ષા અને ઝુરાપો છે,
વાદળો દૂર દૂર ક્યાંય નથી, પાણી પણ છે જ ક્યાં જળાશયમાં ?

પાણી દેખાડું મારું એ પહેલાં પાણી પાણી જ થઈ જવાયું છે,
આપ સામે ફરક રહે જ છે ક્યાં, મારા આશય તથા જળાશયમાં ?

ભેંસની પીઠની સવારીઓ, વડની ડાળીની ચિચિયારીઓ;
કાળના થર ચડી ગયા એ પછી ના જડ્યા ગામના જળાશયમાં ?

પાણી પાણી જ હોય છે એ છતાં, પાણી પાણીમાં છે ફરક કેવો ?
માપસરનું મળત તો વૃક્ષ બનત, કાષ્ઠ કોહી ઊઠ્યાં જળાશયમાં.

પ્રશ્ન હજ્જારો ઊભ્ભા મોલ સમા ઊગી આવ્યા’તા મારી આંખોમાં,
આપે પાંપણ જરાક ઊઠાવી, ડૂબ્યા સૌ સામટા જળાશયમાં.

– વિવેક મનહર ટેલર
(૧૩-૧૦-૨૦૦૯/૧૯-૦૩-૨૦૧૦)

42 thoughts on “જળાશયમાં

 1. પ્રિય વિવેક,

  સુન્દર કવિતા………આ પઁક્તી ઓ દિલને ગમી…..

  “શબ્દની એક કાંકરી ઊડી, આપણા મૌનના જળાશયમાં,
  લીલના યુગયુગોના અંધારાં, થઈ ગયાં ઝળહળાં જળાશયમાં.
  પ્રશ્ન હજ્જારો ઊભ્ભા મોલ સમા ઊગી આવ્યા’તા મારી આંખોમાં,
  આપે પાંપણ જરાક ઊઠાવી, ડૂબ્યા સૌ સામટા જળાશયમાં.”

  રાજેન્દ્ર ત્રિવેદી

 2. આપની આટલી સરસ ગઝલ વાંચીને એક ‘તઝમીન’ લખવાનુ મન થઇ આવ્યુ…

  પાંપણના પોયણાંમાં અસ્રુબુંદ અચાનક આવી બેઠા છે,
  બે હોઠની પાંખડીએ મણમણના તાળા લગાવી બેઠા છે,
  હવે તો શ્વાસની ગતિ પણ સાવ અટકાવી બેઠા છે,
  છાતીના ઓરડામાં ડૂમાઓ કાયમી ઘર જમાવી બેઠા છે,
  બારી સહુ મુશ્કેટાટ બંધ સદા, ખુલે બસ, બારણાં જળાશયમાં.

 3. વિવેકભાઈ,

  આ બે શેર ખાસ થયા છે:

  રેતનો એક એક-કણ તળનો ,બસ ! પ્રતીક્ષા અને ઝુરાપો છે,
  વાદળો દૂર દૂર ક્યાંય નથી, પાણી પણ છે જ ક્યાં જળાશયમાં ?

  પ્રશ્ન હજ્જારો ઊભ્ભા મોલ સમા ઊગી આવ્યા’તા મારી આંખોમાં,
  આપે પાંપણ જરાક ઊઠાવી, ડૂબ્યા સૌ સામટા જળાશયમાં. …… વાહ!

  છાતીના ઓરડામાં.. અને પાણી દેખાડું મારું .. વાળા શેર સમજવામાં થોડાક અઘરા પડે છે.

  કાંકરીના ઊડવા કરતાં કાંકરીનું પડવું અને ઘર જમાવી બેઠા કરતાં ઘર બનાવી બેઠા કે ડેરો જમાવી બેઠા એવા શબ્દપ્રયોગ પ્રચલિત વાક્ પ્રચારોની વધુ નજીક આવશે એવું મને લાગે છે.

  અભિનંદન!

 4. સુંદર કવિતા
  રેતનો એક એક-કણ તળનો ,બસ ! પ્રતીક્ષા અને ઝુરાપો છે,
  વાદળો દૂર દૂર ક્યાંય નથી, પાણી પણ છે જ ક્યાં જળાશયમાં ?

  પાણી દેખાડું મારું એ પહેલાં પાણી પાણી જ થઈ જવાયું છે,
  આપ સામે ફરક રહે જ છે ક્યાં, મારા આશય તથા જળાશયમાં ?

  ભેંસની પીઠની સવારીઓ, વડની ડાળીની ચિચિયારીઓ;
  કાળના થર ચડી ગયા એ પછી ના જડ્યા ગામના જળાશયમાં ?

  વાહ્
  માણતા માણતા …

  આવી પહોંચ્યું છે જળાશય આંખનું ; હું જાઉં છું;
  ને તમારે પણ અહીંથી પાછા વળવું જોઈએ.

 5. પ્રિય વિવેકભાઈ,

  નીચેની પંક્તિ ખુબજ ગમી. બહુજ મહાન સત્ય કહી દિધું. You are a very good observer!

  “પાણી પાણી જ હોય છે એ છતાં, પાણી પાણીમાં છે ફરક કેવો ?
  માપસરનું મળત તો વૃક્ષ બનત, કાષ્ઠ કોહી ઊઠ્યાં જળાશયમાં”

  બે લાઈનોમાં તમે કેમેસ્ટ્રી, એગ્રીકલ્ચર,ફીલોસોફી અને પોએટ્રી બધુ જ સમાવી દીધું છે! આવું જ
  creative લખતા રહો તેવી શુભેછાઓ.

  દિનેશ ઓ. શાહ, ડી ડી યુનિવરસીટિ, નડિયાદ, ગુજરાત, ભારત

 6. ઘણી બધી વાતો કહી દીધી તમે વાત વાત માં,
  માપ સર નુ મળત તો વ્રુક્ષ બનત,
  કાષ્ઠ કોહી ઉઠ્યા છે જળાશય માં,
  બધી વાતો માં આજ વાત લાગુ પડતી હોય છે..
  ખરુ ને?
  સુન્દર..

 7. આ ગઝલ વિશે….
  – ગાલગા ગાલગા લગાગાગા-નાં બે આવર્તનવાળો અ(અલ્પ)-પ્રચલિત છંદ.
  – અનોખો અને અઘરો રદીફ – (જળાશયમાં), તો સાથે કાફિયાની મોકળાશથી અભિવ્યક્તિનો આગવો અવકાશ.
  – અનુભવી કલમની તાકાત અને તકનીકથી થયેલી શબ્દ ગૂંથણી દ્વારા રદીફને નીભાવવાનો કલાત્મક ઉદ્યમ.
  – અગાઉનું મુકતકાવ્ય ‘સાહસ’ જેટલું કુદરતી હતું એટલી જ આ ગઝલ તકનીકી રીતે મુજબૂત છે.
  – બન્ને પ્રકારની કાવ્યશૈલીઓ પર પ્રભુત્વ એ ઊંચા ગજાના કવિની લાક્ષણિકતાઓ છે.

 8. તમારી ગઝલ પણ ગમે છે, ગીત્ પણ ગમે છે……..કારણ નહી આપુ કારણ મને ગ મે છે….કદાચ આ કારણે પણ ગઝલ ગમી હોય્ ?.
  આપે પાંપણ જરાક ઊઠાવી, ડૂબ્યા સૌ સામટા જળાશયમાં.
  બહુજ સારી, સરસ્, ગમતાનો ગુલાલ્………

 9. છાતીના ઓરડામાં ડૂમાઓ કાયમી ઘર જમાવી બેઠા છે,
  બારી સહુ મુશ્કેટાટ બંધ સદા, ખુલે બસ, બારણાં જળાશયમાં.

  આંખોના જળાશય કદી ન સુકાય્….

 10. મજાની ગઝલ. સુંદર કસબ.

  રઈશ મનીઆર

 11. કાંકરિચાળો એક પણ વમળ સર્જે અનેક જિવન જળાશયમા ,કસ્તિ સોંપુ કોને ?હોડી પુરેપુરિ જવા તત્પર જળાશય મા…..

 12. પાણી પાણી જ હોય છે એ છતાં, પાણી પાણીમાં છે ફરક કેવો ?
  માપસરનું મળત તો વૃક્ષ બનત, કાષ્ઠ કોહી ઊઠ્યાં જળાશયમાં.

  ખૂબ સુંદર વિવેકભાઈ…..

 13. છાતીના ઓરડામાં ડૂમાઓ કાયમી ઘર જમાવી બેઠા છે,
  બારી સહુ મુશ્કેટાટ બંધ સદા, ખુલે બસ, બારણાં જળાશયમાં.

  અમારી આંખોના જળાશયના દરવાજા ઘણીવાર તમારી કવિતા ખોલી નાખે છે.

 14. વાહ ! સુંદર રચના !

  શબ્દોની કસબભરી સુંદર ગુંથણી !

 15. વાહ.. અનુભવની માવજત પામેલી ગઝલ.. આ ગઝલ રણકાર માટે તમારા સ્વરમાં પઠન કરી આપશો મિત્ર??

 16. આભ ની ઊંચા ઇ અને સ મું દ ર ની ગ હે રા ઈ મા પી શ કે એ ટ લું ગ જુ ફ ક ત આ પ નુ જ છે…….

 17. વિવેકભાઇ, મને એકને જ ગળામા ડૂમાઓ ભર્યા હોવાનો વહેમ આ વાચીને દૂર થયો, અને એની સાથે જ આ લખનાર તથા વાચનાર તમામ સાથે જાણે એ વેદનાની માળામા મણકાની જેમ હુ પણ પરોવાઇ.

  પાણી દેખાડું મારું એ પહેલાં પાણી પાણી જ થઈ જવાયું છે,
  આપ સામે ફરક રહે જ છે ક્યાં, મારા આશય તથા જળાશયમાં ? <= very romantic.

 18. છાતીના ઓરડામાં ડૂમાઓ કાયમી ઘર જમાવી બેઠા છે… રેતનો એક એક-કણ તળનો, બસ ! પ્રતીક્ષા અને ઝુરાપો છે…. અને છેલ્લો શેર… વાહ ક્યા બાત હૈ. ખુબ જ સુંદર…

 19. વિવેકભાઈ,
  વાહ્!!!! ખુબ સુન્દર ગઝલ.
  અંતિમ શેરમાં ડૂબી જવાનું ગમ્યું.

 20. સુંદર શબ્દચિત્ર.
  ખાસ ગમેલી પંક્તિ…………
  પ્ર્શ્નો હજ્જારો ઊભ્ભા મોલ સમા ઊગી આવ્યા’તા મારી આંખોમાં,
  આપે પાંપણ જરાક ઊઠાવી,ડૂબ્યા સૉ સામટાં જળાશયમાં.

 21. કવિતા વાંચવાની મઝા એક વાત છે અને નીવડેલી કલમોના પ્રતિભાવો પણ મઝા આપનારા બની રહેછે.દા.ત. પંચમ શુક્લ નો અભ્યાસુ પ્રતિભાવ, કવિના ભાવ જગતની,કવિતાના વ્યાકરણની અને કવિતાની ખુબીઓની વાતો હમેશા મારા જેવા કાવ્ય રસિકો માટે રાહબર બને છે, કાવ્ય વધુ આસસ્વાદ્ય બને છે.

 22. સુંદર ગઝલ! ખાસ કરીને તો ‘જળાશયમાં’ જેવો તાજગી સભર રદીફ બખૂબી નિભાવાયો છે.
  સુધીર પટેલ.

 23. આપનું આ જળાશય ઊંડે ક્યાંક સ્પર્શી ગયું.
  જોરદાર ગઝલ.

 24. હજારો પ્રર્શ્નો ઉભા થયા અને જળાસયો સુકાય ગયા,
  વિરહના નીરંતર તાપ થકી

  આંખલડી છલકાય ઉઠી છ્પ્પનિયા જેવા કારમા ઘાતથી.
  જળાસયો ફરીથી છલકાય ઉઠયા અમારા અશ્રુના સૈલાબ થકી.

 25. પ્રિય વિવેક ,
  તમે ખુબ જ સુન્દર ગઝલ લખી છે.શબ્દો તો એના એ જ હોય છે પણ તમારા જેવા ના હાથે(કલમે) જયારે ચડે ત્યારે એની બને છે કવિતા.
  વાંચવાની અને ફરી ફરી વાંચી તેને મણવાની એનાથી પણ વધુ મઝા આવી.
  અજમા

 26. જનાબ,
  બહોત ખુબ, પ્રથમ ત્રણ અને અંતિમ શેર તો બહુ ગમ્યા.

 27. Dear Vivek Uncle,
  Today I show almost all Pictures on your site.
  Dady says you are avery good poet, I dont know more about poetry but I must say you are a great Photographer.
  I have one suggetion, can you add photo section in your index, so that we who love your photography can directly see all your pictures.
  thanks in advance,
  Regards,
  Aman Chetan framewala

 28. પ્રિય અમન,

  તારા પ્રસ્તાવ બદલ આભાર… ફોટોગ્રાફીનો અલગ વિભાગ બનાવી શકાય પણ મારા ખ્યાલથી એ ખૂબ સમય માંગી લે એવું કામ છે… છતાં વિચાર કરીશ…

  આભાર!

 29. છાતીના ઓરડામાં ડૂમાઓ કાયમી ઘર જમાવી બેઠા છે,
  બારી સહુ મુશ્કેટાટ બંધ સદા, ખુલે બસ, બારણાં જળાશયમાં

  પાણી પાણી જ હોય છે એ છતાં, પાણી પાણીમાં છે ફરક કેવો ?
  માપસરનું મળત તો વૃક્ષ બનત, કાષ્ઠ કોહી ઊઠ્યાં જળાશયમાં.
  Awesome….

 30. ખુબજ સરસ.
  પાણી પાણી જ હોય છે એ છતા,માપસર નુ મળત તો વ્રુક્શ બનત,કાષ્ટ કોહી ઉઠ્યા જળશય માં,
  અને છાતી ન ઓરડા માં ડુમાઓ નુ રહેવુ,સરસ.

Comments are closed.