બે કાફિયાની ગઝલ


(સૌંદયનો અજગર-ભરડો….                              …કેરળ, ફેબ્રુ.-02)

*

અજંપો અજંપો અજંપો નર્યો,
સમય ! તેં કીડી થઈને ચટકો ભર્યો.

અમે વેદનાઓનો કાવો કર્યો,
અને જિંદગીને એ પ્યાલો ધર્યો.

તને ઘાનું રૂઝવું શેં ગમતું નથી ?
શું પાછો જવાને તું પાછો ફર્યો ?

ફરી હાથ મૂક્યો મેં તારા ખભે,
ફરી પાછો આજે હું ખોટો ઠર્યો.

શું છે ભેદ તારો, કહે જિંદગી –
હું મરવાને જીવું કે જીવતો મર્યો ?

તું દરિયો હતી કે હતી ઝાંઝવા ?
હું અવઢવમાં, ઈચ્છા ! ભવ આખો તર્યો.

પૂણી શ્વાસની પીંજી શબ્દો રચે,
અમે આયખાનો એ ચરખો કર્યો.

-વિવેક મનહર ટેલર

કાવો=ઉકાળો, કાઢો

13 comments

 1. manvant’s avatar

  “સૌન્દર્યનો અજગર ભરડો “ના શબ્દો ગમ્યા.
  ‘હું મરવાને જીવું ? કે જીવતો મર્યો ?
  આનો જવાબ કોણ આપી શકે ? સૌન્દર્યદર્શનથી
  નીપજેલો સવાલ !સરસ !

 2. Urmi Saagar’s avatar

  તું દરિયો હતી કે હતી ઝાંઝવા ?
  હું અવઢવમાં, ઈચ્છા ! ભવ આખો તર્યો.

  પૂણી શ્વાસની પિંજી શબ્દો રચે,
  અમે આયખાનો એ ચરખો કર્યો.

  Very nice!!!!

  UrmiSaagar
  http://www.urmi.wordpress.com

 3. Suresh’s avatar

  શિર્ષક સમજાવશો? કેમ બે કાફિયા?

 4. dhaval’s avatar

  ઘૂંટાયેલી વેદનાની અસરદાર ગઝલ. આ ત્રણ શેર તો તદ્દન સોંસરવા ઊતરી ગયા.

  અજંપો અજંપો અજંપો નર્યો,
  સમય ! તેં કીડી થઈને ચટકો ભર્યો.

  તને ઘાનું રૂઝવું શેં ગમતું નથી ?
  શું પાછો જવાને તું પાછો ફર્યો ?

  ફરી હાથ મૂક્યો મેં તારા ખભે,
  ફરી પાછો આજે હું ખોટો ઠર્યો.

  શબ્દ અને શ્વાસની રમતને પલોટતા શેર વધુને વધુ ચોટદાર બનતા જાય છે. ને વળી બે કાફિયાની ગઝલનો નવો પ્રયોગ પણ ગમ્યો.

 5. વિવેક’s avatar

  પહેલી નજરે આ ગઝલ એ હમરદીફ-હમકાફિયા ગઝલ છે જેમાં કાફિયો રદિફના સ્થાને આવીને ગઝલનો નિર્વાહ કરે છે. આ પ્રથમ દ્રષ્ટિએ જ દેખાતા કાફિયા છે – નર્યો, ભર્યો, કર્યો, ધર્યો, ફર્યો, ઠર્યો વિ…

  પણ બે કાફિયાને એક સાથે રાખવાનો એક પ્રયોગ પણ આમાં કર્યો છે. આ ‘ઓ’કારાન્ત કાફિયા છે – અજંપો, ચટકો, કાવો, પ્યાલો, પાછો, ખોટો વિ.

  બે કાફિયા રાખવાથી બીજા કાફિયામાં મળતી છૂટ લઈ શકાતી નથી. જો પહેલો કાફિયો લેવામાં ના આવ્યો હોય તો બીજા કાફિયામાં ઊગર્યા, પાથર્યા જેવા શબ્દો વાપરી શકાયા હોત.

  વસ્તુ અઘરી નથી પણ એને કારણે ગઝલનું સંગીત વધુ સુમધુર બને એ જ આશય છે.

 6. sana’s avatar

  Good One..

 7. pragna’s avatar

  ફરી હાથ મૂક્યો મેં તારા ખભે,
  ફરી પાછો આજે હું ખોટો ઠર્યો.

  શું છે ભેદ તારો, કહે જિંદગી –
  હું મરવાને જીવું કે જીવતો મર્યો ?

  અતિ સુંદર, છેતરામણી જિંદગી થી અજાણ માનવી પલ પલ પોતાની ઈચ્છાઓ ને પામી લેવાની
  ચાહમાં જિંદગી તરફ ડગ માંડતો જાય છે અને એજ જિંદગી માનવી ને છેતરી હસતી હસતી આગળ
  નિકળી જાય છે.

 8. Jayshree’s avatar

  ફરી હાથ મૂક્યો મેં તારા ખભે,
  ફરી પાછો આજે હું ખોટો ઠર્યો.

  આવું ખોટા ઠરવાનું તો ગમે ય ખરું… કદાચ..

 9. મીના છેડા’s avatar

  ફરી ફરી… વાંચવી ગમતી રહી છે આ ગઝલ…

 10. rina’s avatar

  ફરી હાથ મૂક્યો મેં તારા ખભે,
  ફરી પાછો આજે હું ખોટો ઠર્યો.

  શું છે ભેદ તારો, કહે જિંદગી –
  હું મરવાને જીવું કે જીવતો મર્યો ?
  Wwaahh

 11. nehal’s avatar

  …મઝા પડી ગઈ…..અનોખી….સરસ…રચના..

 12. kumar jinesh.’s avatar

  ‘સૌદર્યનો અજગર ભરડો’ કદાચ કોવલમ બીચ પર જતા રસ્તે આવતુ સુન્દર સ્થળ…?
  ગઝલ માણવી પણ ગમી.

 13. વિવેક’s avatar

  @ કુમાર જિનેશઃ સોએ સો ટકા સાચી વાત… ત્રિવેન્દ્રમથી કોવાલમ બીચ તરફ જતાં રસ્તામાં વેરાયેલું પડેલું સૌંદર્ય છે આ… આભાર !

Comments are now closed.