(Arise, awake & stop not……વિવેકાનંદ રોક,
કન્યાકુમારી - ફેબ્રુઆરી-2002)
કન્યાકુમારી - ફેબ્રુઆરી-2002)
હોવાપણાંનો તાગ શું પામી શકાય ?
આકાશનાં અવકાશને માપી શકાય ?
આ ભાગવાનું કોનાથી ? કોના સુધી ?
બે-ચાર પળ શું શ્વાસને ખાળી શકાય ?
‘હું કોણ છું?’ આ પ્રશ્નમા અટક્યા વગર,
આ જિંદગીને એમ પણ માણી શકાય.
અસ્તિત્ત્વનો ખાલીપો ભરવો શક્ય છે,
કોઈ એક ચહેરે સ્મિત જો આણી શકાય.
થઈ પ્રાણવાયુ શબ્દ જ્યા વહેતા રહે,
એ શ્વાસની સરહદ કદી ત્યાગી શકાય ?
શબ્દ જ હતો પણ થઈ ગયો અ-ક્ષર ‘વિવેક’,
દિલમાં જે જીવ્યો એને શું મારી શકાય ?
ડૉ. વિવેક મનહર ટેલર
‘હોવાપણું’ શૃંખલાની આ ત્રીજી અને અંતિમ ગઝલ છે. પહેલી બે ગઝલોમાં પ્રશ્નાર્થ બનીને રહ્યા પછી આ ગઝલમા જવાબોની સમીપે સરકવાની કોશિશ કરી છે.

10 comments
Comments feed for this article
Trackback link
http://vmtailor.com/archives/63/trackback/
July 22, 2006 at 10:24 pm
સુવાસ ટીમ વર્ક
સુવાસ પર લિંક ‘શબ્દો છે શ્વાસ મારાં ‘ મુકી દીધી છે.
July 23, 2006 at 8:07 pm
અમિત પિસાવાડિયા
‘હું કોણ છું?’ આ પ્રશ્નમાં અટક્યા વગર,
આ જિંદગીને એમ પણ માણી શકાય.
સરસ !
July 24, 2006 at 12:07 am
sana
In 3rd para you have mention that one much not think “Who am I”,But how is it possible to leave without our own identity?
Very nicely expressed “Howapanu” in 3 parts.
July 24, 2006 at 12:08 am
"ઊર્મિ સાગર"
‘હું કોણ છું?’ આ પ્રશ્નમાં અટક્યા વગર,
આ જિંદગીને એમ પણ માણી શકાય.
hmmmm….
એમ તો આ પ્રશ્નમાં અટકયા વગર પણ જિંદગીને માણી શકાય, પરંતુ આ પ્રશ્ન પણ કદી આપણો પીછો છોડે એવો તો છે જ નહિં!!
વિવેકભાઇ, “હોવાપણું – 4″ માં બધાં જવાબો મળી જશે ખરાને?! હવે તો એની રાહ જોવી જ પડશે!
“ઊર્મિ સાગર”
www.urmi.wordpress.com
July 24, 2006 at 11:01 am
radhika
થઈ પ્રાણવાયુ શબ્દ જ્યાં વહેતાં રહે,
એ શ્વાસની સરહદ કદી ત્યાગી શકાય ?
શબ્દ જ હતો પણ થઈ ગયો અ-ક્ષર ‘વિવેક’,
દિલમાં જે જીવ્યો એને શું મારી શકાય ?
” શબ્દો છે શ્વાસ મારાં ” blog name aa pankati thi sarthak thay chhe
‘હું કોણ છું?’ આ પ્રશ્નમાં અટક્યા વગર,
આ જિંદગીને એમ પણ માણી શકાય. nice one….
July 24, 2006 at 7:10 pm
Himanshu
Wow…
July 25, 2006 at 10:28 pm
manvant
અલગ મેલથી મારાં બે સૂચનો મોકલું છું.
આ કાવ્ય સરસ છે ! અભિનંદન !
July 27, 2006 at 9:16 pm
manvant
વિવેકભાઈ! મારું કહેવું એમ છે કે “વિવેક”
એ શબ્દ જ કહેવાય !અક્ષર નથી.
એકલો જ ‘એ’ અક્ષ્રર છે( સ્વર છે).હવે મને
સ્પષ્ટતા કરવાની સારી તક મળી !સમજાયું ?
ત્રણે સુન્દર કાવ્યો બદલ ખૂબ જ ધન્યવાદ !
July 28, 2006 at 6:37 pm
વિવેક
શબ્દ જ હતો પણ થઈ ગયો અ-ક્ષર ‘વિવેક’,
દિલમાં જે જીવ્યો એને શું મારી શકાય ?
પ્રિય મનવંતભાઈ,
શબ્દ અને અક્ષરની વચ્ચે રહેલો જે તફાવત આપ મને સમજાવવા માંગો છો એ હું સમજી શક્યો છું અને એ હું જાણું જ છું.
શબ્દનું આયુષ્ય શું? વાંચીને ભૂલી જવાય એટલું… ખરુંને? અને વિવેક તરીકે મારું આયુષ્ય કેટલું? બળીને ખાખ થાઉં એટલુ?
અહીં હોવાપણાંની વાત છે… અહીં જે વાત હું કહેવા માંગું છું એ શબ્દ કે અક્ષરની નથી… મારી કવિતાની છે… મારા દેહનું આયુષ્ય ગમે એટલી નશ્વર હકીકત કેમ ન હોય, પણ હું એકવાર કવિ બન્યો, એટલે કે બીજા અર્થમાં શબ્દ બની ગયો તો અમર-નશ્વર થઈ જવાનો… મારું હોવાપણું શાશ્વત થઈ ગયું. અને એટલે મેં ‘અક્ષર’ શબ્દને તોડીને ‘અ-ક્ષર’ શબ્દના ક્ષર ન હોવાપર ભાર મૂક્યો છે…. એક વાર કવિ લોકોના હૃદયમાં રમતો થઈ ગયો એટલે એ અ-ક્ષર થઈ ગયો!
July 29, 2006 at 12:11 am
manvant
વાહ વિવેકભાઈ! તમારી સ્પષ્ટતા ઊડીને આંખે
વળગી ગઈ.તમારે આટલી બધી ચોખવટ કરવી પડી તે બદલ હું અફસોસ સાથે ક્ષમાયાચના કરું છું.બાકી
તમારી જેમ જ મારી સમજ પણ હતી જ !