ત્યક્તાની ગઝલ

(વડવાનલ….                                            ….દમણ-જુન-2006)

*

તું એવી રીતે આ સંબંધને ભૂલી ગયો, વ્હાલા
કે જાણે પાણીની ઉપર હવાએ પગલા ના પાડ્યા !

છે તારા પગમાં આ દુનિયાની બેડી, હું એ સમજું છું,
તું જાણે છે ખરો કે મારે મન તો તું જ છે દુનિયા ?

લૂંટાવી દીધું મેં સર્વસ્વ મારું એ જ વિશ્વાસે
કે તું દેતો નથી કોઈને પણ વચનો કદી ઠાલા.

મેં વડવાનલ ભીતર ધરબી દઈને હોઠ સીવ્યાં છે,
કદી લેવાને મોતી આવશે તું એ જ છે આશા…

ઉદાસી મુઠ્ઠીભર, ખોબો ભરીને રાહ, બે યાદો,
હવે શું આજ છે અકબંધ, વ્હાલા ! મારી કાયામાં ?

હું જન્મોજન્મ તારી રાહ જોવાને જ જન્મી છું,
તું જો, શું છે મિલન તારું ને મારું શક્ય આ ભવમાં ?

સમયના કોશેટામાં જાત મેં ધરબી દીધી મારી,
મળે રેશમ તને શબ્દોનું, મારી એ જ છે ઈચ્છા.

તું મારી યાદને શબ્દોમાં ઢાળી પામે છે કીર્તિ,
હું તારા શબ્દને શ્વાસો બનાવી જીવું રગરગમાં.

-વિવેક મનહર ટેલર

*

(વડવાનલ= સમુદ્રના પેટમાં ભારેલો અગ્નિ)

23 thoughts on “ત્યક્તાની ગઝલ

 1. મેં વડવાનલ ભીતર ધરબી દઈને હોઠ સીવ્યાં છે,
  કદી લેવાને મોતી આવશે તું એ જ છે આશા…

  તું મારી યાદને શબ્દોમાં ઢાળી પામે છે કીર્તિ,
  હું તારા શબ્દને શ્વાસો બનાવી જીવું રગરગમાં.

  વ્હાલા વિવેકભાઇ,

  ખૂબ જ દર્દ છે આ ગઝલમાં. એક એક પંક્તિ સાથે એમ થાય છે કે, “આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે ? “

 2. ” હું તારા શબ્દને શ્વાસો બનાવી જીવું રગ રગમાં !”
  હૈયાને ઠાલવવાની આનાથી બીજી કોઇ રીત જોઇ
  કે જાણી નથી !સિદ્ધહસ્ત કવિ આવા જ હોય !

 3. કદમ છે ઉઠાવ્યા એ રાહ ભણી
  જયાંથી પાછા વળવુ શકય નથી હવે,
  ભલે ના હો તારો સાથ કે સંગાથ મને,
  તને િવસરુ એ વાતમાં તથ્ય નથી હવે .

  મેં વડવાનલ ભીતર ધરબી દઈને હોઠ સીવ્યાં છે,
  કદી લેવાને મોતી આવશે તું એ જ છે આશા…

  િવવેકભાઇ,
  આમ લખેલા શબ્દ માત્રવાંચે જો આંખના ખૂણા ભીના થાય તો િવચાર આવે છે કે
  કોણ જાણે કેટલી વ્યથા ઘોળી હશે આ કાવ્યમાં ….

 4. ડૉકટરસાહેબ….

  ગઝલ વાંચીને આખમાં ઝળઝળિયા આવી ગયા. ગઝલનાં શબ્દોને મારી જિન્દગીના સમય સાથે સાંકળવા બેઠી તો ભૂતકાળ પૂનર્જીવિત થઇને હજી ગઇકાલે જ બનેલા બનાવોની જેમ બધુ નજર સમક્ષ આવીને પસાર થઇ ગયુ…..

  nice gazal…
  please keep it up…

 5. Every line precedes the beauty of the previous. Excellent!

  તું એવી રીતે આ સંબંધને ભૂલી ગયો, વ્હાલા
  કે જાણે પાણીની ઉપર હવાએ પગલા ના પાડ્યા !

 6. અદભૂત.
  વ્યથાનું આટલું સુંદર શબ્દચિત્ર વાંચી ‘વ્યથા’ બહાર ન વ્યક્ત કરવા ઇચ્છતા શેખ આદમ આબુ વાલા યાદ આવી ગયા
  ‘ હે, વ્યથા! કુમળા કંઇ કાળજાને કોરતી કાળી કથા.”
  શબ્દોમાં કેટલી તાકાત અને આર્દ્રતા હોય છે, તેની અનુભૂતિ આવી રચનાઓ વાંચીએ ત્યારે થાય છે.
  આવી જ એક રચના – બાળ વિધવાની વ્યથા વિશેની – જે મોટે ભાગે પ્રેમચંદજીએ લખેલી છે, અને મારે વિનીતની પરીક્ષામાં આવતી હતી તેની બે પંક્તિ મને યાદ છે, તે નીચે મુજબ છે-

  “સૈલાની જબ બાગમેં આયે, ફૂલ અભી થે ખિલને ન પાયે
  ફૂલ ખીલે જિસ વક્ત ચમનમેં, સૈલાની જા બનમેં સોયે. ”

  આવું વાંચીએ ત્યારે સામ્પ્રત સમાજના તનાવોથી જડ થઇ ગયેલી આપણી સંવેદનશીલતા નવ પલ્લવિત થઇ જાય છે.અને આંસુ સારી ન શકાય તેવી અસહાયતા વાળી આંખો પણ ભીની થઇ જાય છે.

 7. The ghazal is speaking…my god!!..

  It sounds as if someone is speaking these words…Its is not ghazal but living words….

  Its superb….

  “JIVIT GHAZAL”

  I can’t express better than this…

 8. Really Vivekbhai, ઘણીવાર એવું જ લાગે કે તમારી કલમ માં ink નથી, blood chhe…!!

  પરંતુ, ખબર નહીં કેમ, મને આ ગઝલનું શીર્ષક ના ગમ્યું. એક કારણએ હોઇ શકે, કે મને સ્ત્રીઓ ને મળતુ એ label નથી ગમતુ. એક સંબંધ અકાળે પૂરો થાય, કે કાયમ માટે અધુરો રહી જાય, ત્યારે પુરુષ માટે કોઇ એવું Title નથી, તો સ્ત્રીઓ માટે કેમ ?

  Its just my personal views…

  I really liked that Gazal doesnt include that word ‘Tyakta’.

 9. આ ગઝલને ‘ત્યક્તાની ગઝલ’નું શીર્ષક જયશ્રી અને અન્ય સ્ત્રીઓને કદાચ નથી ગમ્યું. એક કવિ તરીકે મને પણ આ શીર્ષક નથી જ પસંદ. પણ મારો વાંચક જ્યારે મારી કૃતિમાં પ્રવેશે ત્યારે શરૂથી અંત સુધી હું કઈ દિશામાં જવા માંગું છું એ જ જો શોધવામાં અટવાઈ જાય તો એ મારો કવિ તરીકેનો દોષ છે. આ ગઝલમાંથી જો હું આ શીર્ષક હટાવી દઉં, તો ગઝલનું માત્ર શરીર જ રહેશે. શીર્ષક ભલે કઠે એવું હોય પણ મારા મતે આ ગઝલનો એ આત્મા છે. આ ગઝલમાં પ્રવેશવાનો દરવાજો આ શીર્ષક જ છે.

  સ્ત્રીઓ માટે જ ત્યક્તા જેવા શબ્દ કેમ? પુરૂષો માટે કેમ નહીં? અંગત રીતે મારું માનવું છે કે ભલે આપણો સમાજ પુરૂષપ્રધાન હોય, પણ આપણી ભાષા, આપણા સૌંદર્ય પ્રતીકો, વિશેષણો, ઉપમાઓ અને કદાચ એટલે જ આપણી સૌંદર્યસ્પર્ધાઓ પણ સ્ત્રીપ્રધાન જ છે. અભિસારિકા, પ્રોષિતભર્તૃકા, અખંડ સૌભાગ્યવતી, ગંગાસ્વરૂપ, ષોડષી, દેવદાસી, સદ્યસ્નાતા, અક્ષતયોનિ, અનામિકા – આ શબ્દોનું પુલ્લિંગ શું શક્ય છે, ભલે ને કેટલાક શબ્દો સમાજની દૂષિત મનોદશા કેમ નિર્દિષ્ટ કરતાં ન હોય ?! પુરૂષો માટે આવા વિશેષણો ન હોવાનું બીજું કારણ કદાચ એ છે કે ગુજરાતી, હિંદી, અંગ્રેજી કે કોઈપણ ભાષા, ખુદ ભાષા શબ્દ, સંસ્કૃતિ, ધરતી-આપણા મૂળ સાથે સંકળાયેલા આ તમામ શબ્દો પણ સ્ત્રીલિંગ જ છે!

  મારી ગઝલોનું તો કેન્દ્રબિંદુ જ સ્ત્રી છે… કોઈને કોઈ સ્વરૂપે મારા જીવનમાં પ્રવેશેલી સ્ત્રીઓ જ મારી ગઝલોની ચિરકાળ નાયિકાઓ છે… એ સ્ત્રી કોઈ પણ હોઈ શકે છે. મારી આસપાસ કોઈ સંબંધ કે વ્યવસાય થઈને વીંટળાયેલી યા વૈશ્વિક સ્તરે પથરાયેલી કોઈપણ માનુની મારા સ્પંદનોની ધરી હોઈ શકે છે. એ સ્ત્રી રસ્તે ચાલતી પણ અનાયાસે હૃદયમાં પગલું પાડી ગયેલી કોઈ અનામિકા પણ હોઈ શકે! સ્ત્રી-પુરૂષના સંબંધોના વિવિધ આયામ એ મારી ગઝલોનાં નાનાવિધ પરિમાણો અને પ્રાણ છે. ત્યક્તા શબ્દનો પ્રયોગ કોઈની માનહાનિ માટે નહીં, પણ કો’ક હૈયાને વાચા આપવા માટે છે… કદાચ કોઈ એક પુરૂષ એની કોઈ એક ભૂલનું પ્રાયશ્ચિત્ત કરે…. કદાચ………!

 10. આ ગઝલમાં પ્રવેશવાનો દરવાજો આ શીર્ષક જ છે.

  તમારી વાત તો સાચી. આ ગઝલનો આત્મા શીર્ષકમાં છે. જે દર્‍દ આ ગઝલમાં રજૂ થયું છે, જે ચીસ સંભળાય છે, એ કદાચ આ શીર્ષક વગર હ્ર્દયમાં આટલે ઉંડે સુધી ના પહોચી હોત..

  જે પરિસ્થિતીની અભિવ્યક્તિ આંખ ભીની કરી દે, કોઇ એને કેવી રીતે સહન કરતું હશે?

  કદાચ કોઈ એક પુરૂષ એની કોઈ એક ભૂલનું પ્રાયશ્ચિત્ત કરે…. કદાચ………!

  સાથે એવી પણ આશા રાખું, કે કોઇક આવી ભૂલ કરતા અટકે.

 11. પ્રિય વિવેકભાઇ,

  “સમયના કોશેટામાં જાત મેં ધરબી દીધી મારી,
  મળે રેશમ તને શબ્દોનું, મારી એ જ છે ઈચ્છા.”

  તમારી ગઝલનું રેશમ ખૂબ જ સ્પર્શિ ગયું!!

  “તું મારી યાદને શબ્દોમાં ઢાળી પામે છે કીર્તિ,
  હું તારા શબ્દને શ્વાસો બનાવી જીવું રગરગમાં.”

  તમારી આ ગઝલ તો પોતે જ રગરગમાં જઇને બોલે છે.. એના વિશે બીજુ કશું પણ બોલી શકીએ એ માટે તો નવી બારાખડી શોધવી પડશે!!

  ઉર્મિ સાગર
  https://urmi.wordpress.com

 12. Dear Vivek,
  Though,I am late but Not too late.
  Your GAZAL HAS PAIN.
  TYAKTA IS WHO LEAVES one behind.
  OUR BODY LEFTS BEHIND,
  WHEN TYAKTA,SPIRIT-SOUL LEAVES.
  SHAKTI LEAVES,SHIV HAS TO LEAVE.
  ONLY LEFT IS SHAV.

 13. moti leva jo e aave pachithi to vadvanalne lidhe dazi jashe kharo nahi? karanke aa gazalma mane prem karta vadhare aakrosh,chitkaar laage che. bhale e haju ena maate saaru ichchati hoy pan e to koi pan stree na swabhav ma nathi ke jene ekvaar chahyo, prem karyo ena vishe aakhri shwaas taq kai khotu vichaare. e chahine bhale koine na dazade. pan aag no swabhav che ke ema haath nakhanarr daze daze ne daze j.

 14. આ ગઝલને ‘ત્યક્તાની ગઝલ’નું શીર્ષક જયશ્રી અને અન્ય સ્ત્રીઓને કદાચ નથી ગમ્યું. એક કવિ તરીકે મને પણ આ શીર્ષક નથી જ પસંદ. પણ મારો વાંચક જ્યારે મારી કૃતિમાં પ્રવેશે ત્યારે શરૂથી અંત સુધી હું કઈ દિશામાં જવા માંગું છું એ જ જો શોધવામાં અટવાઈ જાય તો એ મારો કવિ તરીકેનો દોષ છે. આ ગઝલમાંથી જો હું આ શીર્ષક હટાવી દઉં, તો ગઝલનું માત્ર શરીર જ રહેશે. શીર્ષક ભલે કઠે એવું હોય પણ મારા મતે આ ગઝલનો એ આત્મા છે. આ ગઝલમાં પ્રવેશવાનો દરવાજો આ શીર્ષક જ છે.

  સ્ત્રીઓ માટે જ ત્યક્તા જેવા શબ્દ કેમ? પુરૂષો માટે કેમ નહીં? અંગત રીતે મારું માનવું છે કે ભલે આપણો સમાજ પુરૂષપ્રધાન હોય, પણ આપણી ભાષા, આપણા સૌંદર્ય પ્રતીકો, વિશેષણો, ઉપમાઓ અને કદાચ એટલે જ આપણી સૌંદર્યસ્પર્ધાઓ પણ સ્ત્રીપ્રધાન જ છે. અભિસારિકા, પ્રોષિતભર્તૃકા, અખંડ સૌભાગ્યવતી, ગંગાસ્વરૂપ, ષોડષી, દેવદાસી, સદ્યસ્નાતા, અક્ષતયોનિ, અનામિકા – આ શબ્દોનું પુલ્લિંગ શું શક્ય છે, ભલે ને કેટલાક શબ્દો સમાજની દૂષિત મનોદશા કેમ નિર્દિષ્ટ કરતાં ન હોય ?! પુરૂષો માટે આવા વિશેષણો ન હોવાનું બીજું કારણ કદાચ એ છે કે ગુજરાતી, હિંદી, અંગ્રેજી કે કોઈપણ ભાષા, ખુદ ભાષા શબ્દ, સંસ્કૃતિ, ધરતી-આપણા મૂળ સાથે સંકળાયેલા આ તમામ શબ્દો પણ સ્ત્રીલિંગ જ છે!

  મારી ગઝલોનું તો કેન્દ્રબિંદુ જ સ્ત્રી છે… કોઈને કોઈ સ્વરૂપે મારા જીવનમાં પ્રવેશેલી સ્ત્રીઓ જ મારી ગઝલોની ચિરકાળ નાયિકાઓ છે… એ સ્ત્રી કોઈ પણ હોઈ શકે છે. મારી આસપાસ કોઈ સંબંધ કે વ્યવસાય થઈને વીંટળાયેલી યા વૈશ્વિક સ્તરે પથરાયેલી કોઈપણ માનુની મારા સ્પંદનોની ધરી હોઈ શકે છે. એ સ્ત્રી રસ્તે ચાલતી પણ અનાયાસે હૃદયમાં પગલું પાડી ગયેલી કોઈ અનામિકા પણ હોઈ શકે! સ્ત્રી-પુરૂષના સંબંધોના વિવિધ આયામ એ મારી ગઝલોનાં નાનાવિધ પરિમાણો અને પ્રાણ છે. ત્યક્તા શબ્દનો પ્રયોગ કોઈની માનહાનિ માટે નહીં, પણ કો’ક હૈયાને વાચા આપવા માટે છે… કદાચ કોઈ એક પુરૂષ એની કોઈ એક ભૂલનું પ્રાયશ્ચિત્ત કરે…. કદાચ………!

  – હું અહીં એક વાક્ય સ્ત્રીને મધ્યબિદું રાખીને વિચાર આજના જમાનમાં સ્ત્રીને પ્રધાન આપે છે તે ખુબ જ ગમ્યું. લખવા પરંતુ જ હોય તો એવુ છે.. એક સાચી ભાવના સ્ત્રી માટે હોવી આવશ્યક છે બાકી બધુ જ નકામું છે.. સોરી ભૂલથી કંઈક અંશે કહેવા બદલ….

 15. હું જન્મોજન્મ તારી રાહ જોવાને જ જન્મી છું,
  તું જો, શું છે મિલન તારું ને મારું શક્ય આ ભવમાં ?

  સમયના કોશેટામાં જાત મેં ધરબી દીધી મારી,

 16. waah… faraz no ek sher yaad aavi gayo –
  फिर इतने मायुस क्यो हो उसकी बेवफ़ाइ पर फ़राज़् ,
  तुम खुद हि तो केहते थे कि वो sab से जुदा है।।।।

 17. સરસ ગઝલ

  prabbu milan ni aa gazal chhe ,

  હું જન્મોજન્મ તારી રાહ જોવાને જ જન્મી છું,
  તું જો, શું છે મિલન તારું ને મારું શક્ય આ ભવમાં ?

  એક ભક્ત ભગ્વન ને પ્રથના કરે તેવુ લાગે છ
  ભગવન ના પ્રેમ ના સબ્દો ખુબજ સરસ છએ
  nice

 18. કવિ પુરુષ હોવા છતાં ત્યકતા સ્ત્રીની ર્હદય સોંસરવી ઉતરી જતી દર્દ ભરી અભિવ્યક્તિ , વાહ,………., શબ્દોથી શું કહું ? મીરાની તડપન નો એહસાસ કરાવ્યો, સુફી સંતોની ભગવાન પ્રત્યેની લાગણીઓ આવી જ હોય છે, સુંદર……….રચના. .

 19. Very much transmitting, communicatting. It is rather on untracked area of love, feelings, emotions conjucted with Hate.

  ( Since I am poor in typing and having injury in “Radius Ulna” unable to express what arrises in Brain through Heart.)

Comments are closed.