પેન ઉપર બેઠી વસંત

કાગળ પર જસ્ટ તારું નામ જ લખ્યું ત્યાં તો પેન ઉપર બેઠી વસંત,
આખેઆખો કાગળ મલકંત.

માટી ને પાણીના તોડી સૌ રૂલ
મારી પેન ઉપર ખીલ્યાં છે ફૂલ;
તારી ઇચ્છાઓમાં એકાદું ટાંકુ તો
બોલ, તને છે એ કબૂલ?
સીધી છે વાત, નથી સ્ટંટ,
હું પ્રેમી છું, નથી કોઈ સંત.
કાગળ પર જસ્ટ તારું નામ જ લખ્યું ત્યાં તો પેન ઉપર બેઠી વસંત…

કાગળને સ્હેજસાજ ઊપડ્યું છે શૂળ,
તારા નામમાંથી ફૂટ્યાં છે મૂળ;
ઊતરી ગ્યાં મારાંમાં એટલા તો ડીપ
કે મારો ‘આઇ’ મારામાં ધૂળ,
જ્યાં જોઉં ત્યાં તુ હિ તુ દિસંત,
મને મારો જડે ન કોઈ તંત.
કાગળ પર જસ્ટ તારું નામ જ લખ્યું ત્યાં તો પેન ઉપર બેઠી વસંત…

– વિવેક મનહર ટેલર
(૧૪-૦૨-૨૦૧૮)

38 thoughts on “પેન ઉપર બેઠી વસંત

  1. માટી ને પાણીના તોડી સૌ રૂલ
    મારી પેન ઉપર ખીલ્યાં છે ફૂલ;
    તારી ઇચ્છાઓમાં એકાદું ટાંકુ તો
    બોલ, તને છે એ કબૂલ?

    હાંસિલ-એ-ગીત…..હાહા…
    સુંદર ગીત….

  2. વાહ વાહ વાહ , શું સુંદર કોમળ કલ્પના છે!!! અતિ સુંદર મનભાવન.

  3. કાગળ પર જસ્ટ તારું નામ જ લખ્યું ત્યાં તો પેન ઉપર બેઠી વસંત…
    Aaha…

  4. કાગળને સ્હેજસાજ ઊપડ્યું છે શૂળ,
    તારા નામમાંથી ફૂટ્યાં છે મૂળ;
    ઊતર્યાઁ એટલાં તો ડીપ પાછા મારામાં
    મારો ‘આઇ’ મારામાં ધૂળ,

    ખુબ સુન્દર

  5. તું મારામાં હસતી ડિસન્ટ,
    મને મારો જડે ન કોઈ તંત…… વાહ

  6. મનહર ભાઈ તમારી રચનાઓ ખુબજ સુંદર છે અને નિયમિત નવી
    નવી રચનાઓ તમારી તેમજ અન્ય કવિઓ અને ગઝલકારોની
    રચનાઓ રજુ કરતા રહેશો એવી આશા

    શાંતિ તન્ના

  7. વિવેક ભાઈ…

    ખુબ જ સરસ શબ્દો….
    આનંદ આવી ગયો….

    ઊતર્યાઁ એટલાં તો ડીપ પાછા મારામાં
    મારો ‘આઇ’ મારામાં ધૂળ….
    વહેંચવાબદલ આભાર…
    ડો. અમિષ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *