નિઃશબ્દતા ઊગે છે…

(બેમાંથી એક થઈએ…                          …ભુજ આઉટસ્કર્ટ, ડિસે, ૨૦૧૭)

*

શબ્દો ખરી ગયા છે, નિઃશબ્દતા ઊગે છે,
તારી ને મારી વચ્ચે એક વારતા ઊગે છે.

પહોંચ્યું છે મૌન જ્યારે આજે ચરમસીમા પર,
બેમાંથી એક થઈએ એ શક્યતા ઊગે છે.

સૂરજ ! તને છે સારું, ઊગવાનું એકસરખું
દિનરાત ચોતરફ અહીં વૈષમ્યતા ઊગે છે. *

દર્પણ તૂટ્યા પછીની ખાલી દીવાલમાંથી,
ખુદને મળી શકાશે એ સજ્જતા ઊગે છે.

સગપણમાં વચ્ચે વચ્ચે તકલીફ આવી ક્યાંથી?
રોપ્યું નથી જ મેં તો કંઈ પણ છતાં ઊગે છે!

કરમાઈ શીદ ગયા છો, ડેડ-એન્ડ જોઈ દૂરથી જ?
રસ્તામાં થઈને રસ્તો આગળ જતાં ઊગે છે.

– વિવેક મનહર ટેલર
(૦૨-૦૧-૨૦૧૮)

* વિષમતા અને વૈષમ્યની સરહદ પર રમતા-રમતા ‘વૈષમ્યતા’ શબ્દનો અહીં જે પ્રયોગ થઈ ગયો છે એ ભાષાકીય ભૂલ છે. નવો સુધારો ન કરું ત્યાં સુધી આ શેર રદ ગણવો. આ ભૂલ તરફ ધ્યાન દોરનાર મિત્રોનો સહૃદય આભાર…


(શક્યતા ઊગે છે….                     …રિજેન્ટા રિસૉર્ટ, ભુજ, ડિસે, ૨૦૧૭)

34 thoughts on “નિઃશબ્દતા ઊગે છે…

  1. સગપણમાં વચ્ચે વચ્ચે તકલીફ આવી ક્યાંથી?
    રોપ્યું નથી જ મેં તો કંઈ પણ છતાં ઊગે છે!
    વાહ! ખૂબ સરસ!

  2. સરસ ભાવવાહી ગઝલ….
    દર્પણ તૂટ્યા પછીની ખાલી દીવાલમાંથી,
    ખુદને મળી શકાશે એ સજ્જતા ઊગે છે………લાજવાબ…….

    ગઝલ પણ સરસ અને સાથે અર્થપુર્ણ છબી પણ એટલી સરસ…..
    અભિનંદન અને આભાર…..

  3. પહોંચ્યું છે મૌન જ્યારે આજે ચરમસીમા પર,
    બેમાંથી એક થઈએ એ શક્યતા ઊગે છે

    વાહ.. બહુજ સરસ..!

  4. Title નિ:શબ્દતા ઊગે છે..
    જ્યાં શબ્દો ખરી ગ્યાં છે .. પણ કેટ કેટલું ઊગી નીકડયું છે.. Positivity થી ભરપૂર.. આશાવાદી ગઝલ..
    જ્યાં સજ્જતા ઊગે છે.. શક્યતા ઊગે છે.. અને છેલ્લે..
    કરમાઈ શીદ ગયા છો, ડેડ-એન્ડને નિહાળી?
    રસ્તામાં થઈને રસ્તો આગળ જતાં ઊગે છે.
    ક્યાં બાત.. મસ્ત અર્થ સભર..!

  5. દર્પણ તૂટ્યા પછીની ખાલી દીવાલમાંથી,
    ખુદને મળી શકાશે એ સજ્જતા ઊગે છે.
    વાહ! સરસ રચના!

  6. દિન રાત ચોતરફ અહીં વૈષમ્યતા ઊગે વાહહહહહ ખૂબ સુંદર વાત કહીં સાહેબ

  7. મૌન ચરમસીમા પર પહોંચે ત્યારે બે શક્યતાઓ ઉગે છે. એક તો બેમાંથી એક થઈ જવાની, બેમાંથી એક-એક થઈ જવાની. કવિ અહીં ભાવકને એક થઈ જવાની શક્યતા તરફ દોરી જઈ, મૌનને પણ ઉત્સાહ અને નવી ઊંચાઈ આપી દે છે.

    વાહ… મજાની ગઝલ.

  8. નિશબ્દ વાર્તા ,જયારે મૌન ની ચરમસીમા પર પહોંચે છે,ત્યારે એક નવું પરિમાણ સર્જાય છે . સાહેબ ,ખૂબ સરસ..!

  9. વાહ…કવિશ્રી,વિવેકભાઇ
    સરસ,રવાનીદાર ગઝલ બની છે.
    નિઃશબ્દતા,વૈષમ્યતા,શક્યતા….સ-શક્ત કાફિયા.
    ઊગે છે – રદિફ પણ કાફિયાની જુગલબંધીમાં ઓર ખીલ્યો છે…જનાબ !
    અને હા !
    અંતિમ શેરમાં ડેડ-એન્ડ શબ્દ બહુ સહજ આવ્યો છે.
    -સરવાળે, ‘સર્વાંગ સુંદર‘ ગઝલ બદલ
    ગઝલપૂર્વક અભિનંદન.

  10. અલગ અલગ વિષમતાઓની વચ્ચે સંભાવવાના દ્વાર ખોલતી આશાવાદી ગઝલ. નવી કલ્પના, મઝાના કાફિયા અને સરળ બાની.

  11. ખુબ સરસ
    સગપણમાં વચ્ચે વચ્ચે તકલીફ આવી ક્યાંથી?
    રોપ્યું નથી જ મેં તો કંઈ પણ છતાં ઊગે છે!

  12. સગપણમાં વચ્ચે વચ્ચે તકલીફ આવી ક્યાંથી?
    રોપ્યું નથી જ મેં તો કંઈ પણ છતાં ઊગે છે!

    કરમાઈ શીદ ગયા છો, ડેડ-એન્ડ જોઈ દૂરથી જ?
    રસ્તામાં થઈને રસ્તો આગળ જતાં ઊગે છે.

    વાહ…..ખૂબ સરસ..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *