આપણી વચ્ચે… (તસ્બી ગઝલ)

(આપણી વચ્ચે….                                                   …રેડ બીલ્ડ બ્લુ મેગ્પાઇ, ઉત્તરાખંડ, ૨૦૧૭)

*

આપણી વચ્ચે હવે કંઈ પણ નથી,
જે હતી ક્યારેક એ સમજણ નથી.

આપણી વચ્ચે શું એવું થઈ ગયું?
હું નથી એ જણ, તું પણ એ જણ નથી.

આપણી ચાદરના ખિસ્સામાં હવે
સળવળે સળ દેવા એવી ક્ષણ નથી.

આપણાં ઘડિયાળ પાસે એકપણ
નોખા ટાઇમઝોનનાં કારણ નથી.

આપણે અહીંથી હવે થઈએ અલગ,
આપણી પાસે હવે કંઈ પણ નથી.

– વિવેક મનહર ટેલર
(૨૨-૧૧-૨૦૧૭)


(ઇતિ-હાસ…..                                                         …પરિસર,હુમાયુ મકબરા, દિલ્હી, ૨૦૧૭)

18 thoughts on “આપણી વચ્ચે… (તસ્બી ગઝલ)

  1. આપણી વચ્ચે હવે કંઈ પણ નથી,
    જે હતી ક્યારેક એ સમજણ નથી…
    Waah ! Avakhas…

  2. ગાઢ પ્રેમ ભર્યા સંબંધ હતા હવે સંબંધ માં દુરી થતી જાયછે એ વ્યથાને ,સંવેદના ને દરેક શેર માંસુંદર રીતે વર્ણવી છે.

  3. હ્રદયની વ્યથા શબ્દો માં – બહુજ સરસ !

    હ્રદય માં ભર્યા હતા ઢગલા ઉમંગો,
    અત્યારે તેમાં ઍક પણ કણ નથી.

    કાસીમ અબ્બાસ
    કેનેડા

  4. શ્રી વિવેકભાઈ,
    જય જલારામ.આપની રચના ઘણી સુંદર છે.તે લઈને ક્યારે હ્યુસ્ટન આવો છો.ફરી મળવા માટે
    પ્રેમથી પધારો.ગુજરાતી કલમપ્રેમીઓ તમારી રાહ જુએ છે.

    લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ સહિત કલમપ્રેમીઓના જય શ્રી કૃષ્ણ.

  5. ખૂવ સરસ
    ‘આપણી વચ્ચે..’ ગઝલમાં ક્ષણિકા અને તસ્બીનો જે પ્રયોગ કર્યો છે તે નોંધપાત્ર છે. ક્ષણિકા એટલે ચાર શેર ભાવસાતત્ય માટે હોય, અને પહેલા શેરનો કાફિયો છેલ્લા શેરમાં ફરી ઉપયોગમાં લેવામાં આવતો હોય તે. ટૂંકમાં કહી શકાય કે ગઝલના ઘરનું પણ ગઝલથી અલગ એવું સ્વ-તંત્રીય સ્વરૂપ એટલે ક્ષણિકા. નીચે નો મત્લાનો મારકણો શેર જુઓ
    આપણી વચ્ચે હવે કંઈ પણ નથી,
    જે હતી ક્યારેક એ સમજણ નથી.
    અને મક્તામા
    આપણે અહીંથી હવે થઈએ અલગ,
    આપણી પાસે હવે કંઈ પણ નથી.
    અહીં મત્લાના શેરનો કાફિયો છેલ્લા શેરમાં પણ ફરીથી પ્રયોજાયો છે.
    આ વિચારવમળ કરે તેવો અફલાતુન શેર
    આપણી વચ્ચે શું એવું થઈ ગયું?
    હું નથી એ જણ, તું પણ એ જણ નથી.
    તો સમ્-બન્ધની આવી જ સડવા માંડેલી લાશ…! સાથે યાદ આવે
    આપણી વચ્ચે – સુરેશ દલાલની રચના
    આપણી વચ્ચે કાંઈ નથી ને આમ જુઓ તો જોજન છે.
    તું કોઈ ખુલાસો આપ નહીં તને મૌનના સોગંદ છે.

    સમજું છું એથી તો જોને
    ચૂપ રહેવાની વાત કરું છું
    ધુમ્મસ જેવા દિવસોની હું
    ઘોર અંધારી રાત કરું છું

    વાસંતી આ હવા છતાંયે સાવ ઉદાસી મોસમ છે.
    આપણી વચ્ચે કાંઈ નથી ને આમ જુઓ તો જોજન છે.

    હવે વિસામો લેવાનો પણ
    થાક ચડ્યો છે
    આપણો આ સંબંધ
    આપણને ખૂબ નડ્યો છે.

    આમ જુઓ તો ખુલ્લેઆમ છે ને આ જુઓ તો મોઘમ છે.
    તું કોઈ ખુલાસો આપ નહીં તને મૌનના સોગંદ છે.

  6. જે હતી ક્યારેક એ અણબણ નથી!
    સંદર્ભ : ૧૫-૧૨-૨૦૨૦
    👌💐

Leave a Reply to Bharati gada Cancel reply

Your email address will not be published. Required fields are marked *