…પણ સમય તો લાગશે!

(જરા આ ચાંચુડી ઘડાવી દો ને….                               Green Backed Tit, કૌસાની, ૨૦૧૭)

*

બધું ભૂલી જવું છે દોસ્ત! પણ સમય તો લાગશે!
ઉતારી દેવો છે આ બોજ પણ સમય તો લાગશે!

વધી જવું છે પણ શું યાદ તમને બાંધી રાખે છે?
થઈ જશે બધાનો તોડ પણ સમય તો લાગશે!

ભલે નિદાન થઈ ગયું, ભલે ઈલાજ પણ ખબર,
ભલે જૂનો જ છે આ રોગ પણ સમય તો લાગશે!

મને ગમી ગયાં છે એ, કદાચ ત્યાંય એવું છે,
ન વચ્ચે કોઈ રોકટોક પણ સમય તો લાગશે!

ભલે વિકાસની ઊઠી રહી છે આંધી ચોતરફ,
નવું નવું બને છે રોજ પણ સમય તો લાગશે!

શબદને હાથ ઝાલીને કલમ પલાણી છે મેં તો,
જીતી જવો છે મર્ત્યલોક, પણ સમય તો લાગશે!

– વિવેક મનહર ટેલર
(૦૩-૦૯-૨૦૧૭, ૩.૦૦થી ૩.૩૦)

*


(હેરસ્ટાઇલ કેવી લાગી, કહો તો…..                       …White Cheek Bulbul, પંગોટ, ૨૦૧૭)

15 thoughts on “…પણ સમય તો લાગશે!

  1. વિકાસની ભલે ઊઠી રહી છે આંધી ચોતરફ,
    નવું નવું બને છે રોજ પણ સમય તો લાગશે!
    Khari vaat !

  2. હેરસ્ટાઇલ કેવી લાગી, જવાબ કહેવા પણ સમય તો લાગ્શે

Leave a Reply to pankaj Vakharia Cancel reply

Your email address will not be published. Required fields are marked *