ઝાડ! તને આવું આવ્યું છે કદી જીવવાનું?

(હરિતબુંદ….                               …બિન્સર, ઉત્તરાખંડ, ૨૦૧૭)

*

મૂળિયાં વાઢીને જીવવાનું ને વળી ફૂલ પણ માથે ખીલવવાનું,
ઝાડ! તને આવું આવ્યું છે કદી જીવવાનું?

હાથો કુહાડીનો કાયામાં રાખી તું મોટું થાય, સાચી એ વાત છે;
ફળો ભેટ દેવાને માટે તું મૌન રહી પથરા ખાય, સાચી એ વાત છે,
પણ જાતની જ આરી બનાવીને જાતને પોતાના હાથે જ કાપવાનું?
બોલ, કદી આવું આવ્યું છે તારે જીવવાનું?

અંગારવાયુ પી પ્રાણવાયુ દેવાનું કામ, કહે લોક, ઘણું કપરું છે,
પણ અંગારા ખાઈનેય પ્રાણ પાથરવાથી વિશેષ, કહો, શું એ અઘરું છે?
હસતું મોં રાખીને સાવ લીલાં પાન સૌ એક પછી એક ખેરવવાનું,
હાય ! આ જીવવાનું કેમનું જીરવવાનું?
બોલ, કદી આવું આવ્યું છે તારે જીવવાનું?

-વિવેક મનહર ટેલર
(૨૩-૦૬-૨૦૧૫)


(ત્રિશૂલ….                       …બિન્સર, ૨૦૧૭)

15 thoughts on “ઝાડ! તને આવું આવ્યું છે કદી જીવવાનું?

  1. સટસ્ટ સરસ.પણ કાવ કવિ” હવે ઝાડનો જવાબ પણ લખો.

  2. ખૂબ ખૂબ ખૂબ સરસ રચના છે. વિવેક ભાઈ.અભિનંદન.

  3. સરસ રચના. લયબદ્ધ વાક્ય રચના છે. અભિનંદન

Leave a Reply to Rina Manek Cancel reply

Your email address will not be published. Required fields are marked *