રસ્તો

twenty years

વીસ વરસ પહેલાં છવ્વીસમી જાન્યુઆરીના દિવસે અમે અગ્નિની સાક્ષીએ દ્વૈતમાંથી અદ્વૈત થવા તરફ ગતિ કરી હતી… જીવનમાં બંનેનું સરખું વજન રહે એ માટે, કોઈ પંડિતની સલાહ લીધા વિના અમે જાતે જ પ્રજાસત્તાક દિવસ પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો.  દામ્પત્યજીવનની વીસમી વર્ષગાંઠ પર આ એક સૉનેટ મારા તરફથી વૈશાલીને ભેટ કેમ કે વીસ વર્ષના સહવાસનો આ પ્રવાસ હવે શ્વાસ બની ગયો છે…

*

(શિખરિણી)

કદી આ રસ્તાને ઉપર ચડવું’તું પરવતે,
યદિ એનું ચાલે, શિખર કરતાં ઉન્નત જતે,
કદી ખીણોથીયે નીચું ઉતરવાનું થયું હશે,
વળી કો’દી તો એ પણ થયું હશે: ના જવું કશે.

કદી આ રસ્તો છે સમથળ અને ક્યાંક નહિ એ,
કશે તૂટ્યો-ફૂટ્યો કરમ સમ તો અક્ષત કશે,
કદી સીધેસીધો, કદી અવળચંડો વનવને,
કદી થંભે દોડે, જીવન સરખો લાગત મને.

કહો, રસ્તાને હો થવું અગર રસ્તો, શીદ થશે?
કિનારી જોશેને ઉભય તરફે! તો જ બનશે.
કદી ઢાંકી દે ઘાસ, કદી વળી ઢેફાં-ધૂળ નડે,
છતાં બંને સાથે સતત રહીને મારગ ઘડે.

ભલે જેવો-તેવો પણ સતત વચ્ચે જ લઈને,
રચ્યો બંનેએ મારગ જીવનનો કોર થઈ બે.

– વિવેક મનહર ટેલર
(૨૬-૦૧-૨૦૧૭)

(લગાગાગાગાગા / લલલલલગા / ગાલલલગા)

*

IMG_1774

18 thoughts on “રસ્તો

  1. ભલે થોડી દેજે પણ પ્રેમની યાદો તારી જ દેજે…

    દે ભલે ધુળ કે તડકો એનાથી બચવા ઓઢણી તારી જ દેજે…

  2. સુંદર છંદોબદ્ધ કાવ્ય!

    અહો સુંદર જોડું કર્તાએ નિરમ્યું દિસે!

    • તમને બંનેને ચંદ્ર સુધી પહોંચીને પાછો આવતો પ્રેમ! 🙂

Leave a Reply to Rakesh Thakkar Cancel reply

Your email address will not be published. Required fields are marked *