કહી દઉં તને હું એ, પણ…

arunachal-by-vivek-tailor-01(ઘરમાં રહીને જનગણ….          …..અરુણાચલ પ્રદેશ, નવે.- ૨૦૧૦)

*

વીત્યા સમયમાં સાચે કેવી હતી પળોજણ ?
થોડો સમય મળે તો કહી દઉં તને હું એ, પણ…

મોં ફેરવીને ચાલી નીકળ્યો આ આયનો પણ
પૂછ્યું જ્યાં કોણ મારી રાખે ખબર ક્ષણેક્ષણ ?

એવું નથી કે એ છે પગનો જ માત્ર અનુભવ,
સંકડાશ જ્યાં જ્યાં પહેરો, ત્યાં ત્યાં પડે છે આંટણ.

ઇચ્છા વટાવી ક્યારેય આગળ નથી જવાતું,
હોવામાં હોવી જોઈએ નક્કી જ ખોડ-ખાંપણ.

લોહી વહાવો સરહદ જઈને તો અર્થ છે કંઈ,
ગણગણ શું કરવું બાકી ઘરમાં રહીને જનગણ?

હાથપગ છે દોરડી ને ગાગરડી પેટ થઈ ગ્યું
તારા પછી ગઝલનું આવું થયું કુપોષણ.

– વિવેક મનહર ટેલર
(સપ્ટેમ્બર- ૨૦૧૬)

*

arunachal-by-vivek-tailor-02
(સલામ…                                …નામેરી, આસામ, નવે.- ૨૦૧૦)

17 thoughts on “કહી દઉં તને હું એ, પણ…

  1. એવું નથી કે એ છે પગનો જ માત્ર અનુભવ,
    જ્યાં સંકડાશ પહેરો, ત્યાં ત્યાં પડે છે આંટણ.

    Waahhhh

  2. એવું નથી કે એ છે પગનો જ માત્ર અનુભવ,
    જ્યાં સંકડાશ પહેરો, ત્યાં ત્યાં પડે છે આંટણ.
    Waah !

  3. આ બે શેર તો ખૂબ જ ગમ્યા…

    એવું નથી કે એ છે પગનો જ માત્ર અનુભવ,
    જ્યાં સંકડાશ પહેરો, ત્યાં ત્યાં પડે છે આંટણ.

    લોહી વહાવો સરહદ જઈને તો અર્થ છે કંઈ,
    ગણગણ શું કરવું બાકી ઘરમાં રહીને જનગણ?

    પણ આ છેલ્લા શેરમાં કઇ ખબર નઇ પડી!!

    હાથપગ છે દોરડી ને ગાગરડી પેટ થઈ ગ્યું
    તારા પછી ગઝલનું આવું થયું કુપોષણ.

  4. @ જયશ્રી :

    “હાથપગ દોરડી ને પેટ ગાગરડી” – આ આપણી ભાષાનો જૂનો રુઢિપ્રયોગ છે. સુક્તાન જેવી વિટામીનના ઉણપ અથવા ક્વાશિઓઅર્કર જેવી કુપોષણની બિમારીના કારણે બાળક કે દર્દીના હાથ-પગ દોરડીની જેમ એકદમ સૂકાઈ જાય છે અને પેટ ફૂલીને માટલા જેવું થઈ જાય છે. નાના હતા ત્યારે વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં વિટામીન બીની ઉણપના કારણે આ રુઢિપ્રયોગનો ઉલ્લેખ હતો અને એ અમને એટલો ગમતો કે અમે અવારનવાર એનો પ્રયોગ પણ કરતા રહેતા.

    કેટલાક ઉદાહરણ:
    જ્યારે હું બાળકને “હાથપગ દોરડી ને પેટ ગાગરડી’ ભાળું છું ત્યારે મને થાય છે કે “અરે ! આની કોઈ દવા નહિ કરે ?” ( ગીધુભાઈ બધેકા)

    હાથપગ દોરડી ને પેટ ગાગરડી = શરીરના પ્રમાણમાં પેટ મોટું હોવું. (ગુજરાતી લેક્સિકોન)

    હાથપગ દોરડી અને પેટ ગાગરડી થઈ જતાં. (દક્ષિણ-પૂર્વનો પ્રવાસ- સ્વામી સચ્ચિદાનંદ)

  5. ઇચ્છા વટાવી ક્યારેય આગળ નથી જવાતું,
    હોવામાં હોવી જોઈએ નક્કી જ ખોડ-ખાંપણ.

    ક્યા બાત …!

  6. એવું નથી કે એ છે પગનો જ માત્ર અનુભવ,
    સંકડાશ જ્યાં જ્યાં પહેરો, ત્યાં ત્યાં પડે છે આંટણ.
    Good 1…

Leave a Reply to નિનાદ અધ્યારુ Cancel reply

Your email address will not be published. Required fields are marked *