રાસ ચાલુ છે હજી…

solar rainbow by Vivek Tailor
(કંકણાકાર ઇન્દ્રધનુષ…….                   ….સુરત, ૨૨-૦૭-૨૦૧૬)

*

એકધારા શ્વાસ ચાલુ છે હજી,
જિંદગી ! અભ્યાસ ચાલુ છે હજી.

સૂઈ જા, ચાદર ! હવે સળ નહિ પડે,
સાંજનો કંકાસ ચાલુ છે હજી.

કોકની છાયા પડી ગઈ છે કે શું ?
બેઉમાં ખગ્રાસ ચાલુ છે હજી.

હું હજી સમશાનથી નીક્ળ્યો નથી,
રુક જરા ! સંન્યાસ ચાલુ છે હજી.

છત તળે સૂરજ હજી ડૂબ્યો નથી
કમસેકમ સહેવાસ ચાલુ છે હજી.

ક્હાનજી ! અડધે મૂકીને ચાલ્યા ક્યાં ?
ભીતરે તો રાસ ચાલુ છે હજી.

મટકી તો ફૂટી ગઈ છે ક્યારની,
તોય હર્ષોલ્લાસ ચાલુ છે હજી ?

– વિવેક મનહર ટેલર
(૨૫-૦૭-૨૦૧૬)

flower by Vivek Tailor

(ભંવરેને ખીલાયા ફૂલ…          …નિજાનંદ રિસૉર્ટ, આણંદ, ૧૪-૦૮-૨૦૧૬)

13 thoughts on “રાસ ચાલુ છે હજી…

 1. કોકની છાયા પડી ગઈ છે કે શું ?
  બેઉમાં ખગ્રાસ ચાલુ છે હજી.

  હું હજી સમશાનથી નીક્ળ્યો નથી,
  રુક જરા ! સંન્યાસ ચાલુ છે હજી.

  Waahhhhh

 2. “જિંદગી અભ્યાસ ચાલુ છે હજી”
  વાહ! ખુબ સરસ ગઝલ

 3. એકધારા શ્વાસ ચાલુ છે હજી,
  જિંદગી ! અભ્યાસ ચાલુ છે હજી.
  મસ્ત…

 4. “એકધારા શ્વાસ ચાલુ છે હજી,
  જિંદગી ! અભ્યાસ ચાલુ છે હજી.”

  “મટકી તો ફૂટી ગઈ છે ક્યારની,
  તોય હર્ષોલ્લાસ ચાલુ છે હજી ?”

  વાહ! ખુબ સરસ ગઝલ.

 5. ઞઝલ તો કહેવાઇ, અધુરી છે હજુ
  આસ્વાદ લેવાનું, ચાલુ છે હજી.
  ખુબ જ સુંદર ઞઝલ.

Comments are closed.