ખરી ગયેલા પોપડા

diwal_01

સમયની ચાવીથી
ગઈકાલની ભીંત ખોતરીને
ખરેલા પોપડાની ખાલી પડેલી જગ્યામાંથી
હું ભીતર ઘૂસ્યો.
ભીંતની અંદર
મારી ગઈકાલ એની આજ જીવતી આખી પડી હતી.
મેં જોયું,
સવારના પહોરમાં હું પત્ની સાથે સાઇકલ લઈને
છે…ક ડુમસ જવા નીકળ્યો.
હું મારી પાછળ પાછળ જ હતો.
બી.આર.ટી.એસ.ના કોરિડોરમાં
મેં બંને હાથ છોડીને પૂરપાટ સાઇકલ ભગાવી.
મારી નજર સામે જ
મારી સાઇકલની સીટના સળિયાનું લિવર સ્હેજ ઢીલું થયું
ને એકાદ ફૂટ ઊંચે કરેલી સીટ
ફાટાક્ કરતીકને…
હું મારા હાથ પકડી શકું
કે છોડી દીધેલા હાથથી ગબડતું સમતુલન જાળવી શકું
એ પહેલાં તો
હું સિમેન્ટના રોડ પર પૂર જોશમાં…
૧૦૮ આવી એ પહેલાં તો જો કે હું ભાનમાં પણ આવી ગયો હતો.
પણ મારી પત્નીની હાલત જોઈને
હું મારી ગઈકાલની આજમાં અવળો દોડ્યો.
સૌથી પહેલાં તો મેં સીટના સળિયાનું લિવર ટાઇટ કરી દીધું.
પછી જેવો હું કોરિડોરમાં હાથ છોડવા ગયો કે
મેં જબરદસ્તીથી મારા હાથ સ્ટિઅરિંગ પર ચિપકાવી દીધા
અને સાઇકલના પેડલ પર તો બેસી જ ગયો.
લે, વધાર ઝડપ હવે જોઉં…
અકસ્માત વિના બી.આર.ટી.એસ.નો કોરિડોર પસાર થઈ ગયો
એટલે
ભીંતમાંથી ખરેલા પોપડાની જગ્યામાંથી ફરી બહાર કૂદી આવ્યો.
હાશ !
પત્યું.
બચ્યો…
પણ બહાર તો કોઈ બીજી જ દુનિયા હતી.
મારો દીકરો મારી ખુરશીમાં બેસીને પેશન્ટ તપાસતો હતો.
એની જ ઉંમરના મને એની સામે ઊભેલો જોઈને એ બોલ્યો,
બોલો, શું તકલીફ છે ?
મારી પર તો જાણે ભીંત પડી.
હું તો લાગલો જ હડી કાઢીને પાછો ભીંતમાં ઘૂસ્યો.
સીટનું લિવર ફરી થોડું ઢીલું કરી દઈ
ચુપચાપ બહાર આવીને
પાટો મારેલા હાથમાં જઈને સૂઈ ગયો.
સમયની ચાવી
મેં ભીંતની અંદર જ નાંખી દીધી.
ન રહેગા બાંસ, ન બજેગી બાંસુરી.
ખરી ગયેલા પોપડા
કંઈ ભીંત પર પાછા ચોંંટતા હોતા નથી.

– વિવેક મનહર ટેલર
(૨૫-૦૭-૨૦૧૬)

diwal_02

12 thoughts on “ખરી ગયેલા પોપડા

 1. ન રહેગા બાંસ, ન બજેગી બાંસુરી.
  ખરી ગયેલા પોપડા
  કંઈ ભીંત પર પાછા ચોંંટતા હોતા નથી. 100% -Tru
  – વિવેક મનહર ટેલર

 2. ઘણા સમય પછી જરા શાંતિથી અહીં આવ્યો, પ્રિય મિત્ર! આનંદ આવ્યો. ‘ખરી ગયેલા પોપડા’ પર થંભી ગયો. ખાલી શબ્દોથી પ્રભાવિત થવાની વાત નથી. અહીં ઘણી ડેપ્થ છે. આપણા જીવનની ઘટનાઓ વાસ્તવિક છે કે પછી .. ? ? ? શું? સ્થળ અને કાળને જીતી શકાય? ક્યારે, કેવી રીતે કે કેવા સંદર્ભમાં સમયનો કાંટો ફેરવવાની ઝંખના થાય ? અને જો સાચે જ સમય અને સ્થળની પર થઈએ તો શું પરિણામ હોય? મેટ્રિક્સ, ઇન્સેપ્શન અને ઇન્ટરસ્ટેલર યાદ આવી ગયાં. ગુજરાતી ભાષામાં આવી ‘હટ કે’ કૃતિઓની જરૂર છે, કે જે કિપ થોર્ન વાંચે તો તેમને પણ પ્રેરણા મળે. અભિનંદન.

 3. શુભ દીપાવલિ!
  વર્ષારંભે આપની સર્જનાત્મકતાને નવી દિશા મળો!
  નવલ વર્ષ આપના જીવનને નૂતન અર્થ બક્ષે તેવી મંગલ કામના!
  હરીશ દવે

  મુક્તપંચિકા અને લઘુલિકા
  https://muktapanchika.wordpress.com

Comments are closed.