નથી મળતી…

IMG_8657
(લીન….                         ….સ્વયમ્, માથેરાન, માર્ચ, ૨૦૧૬)

*

‘મરીઝ’, ‘શૂન્ય’, ‘અસદ’, ‘મીર’માં નથી મળતી,
સમયના દર્દની કોઈ દવા નથી મળતી.

કબૂલો કે ન કબૂલો છતાં નથી મળતી,
ખરા ગુનાની ખરેખર સજા નથી મળતી.

જે ડગલે-પગલે ગઈકાલમાં મળ્યા કરતી,
મજા એ કેમે કરી આજમાં નથી મળતી.

સમયના હાથમાં સાચે જ કોઈ ખોટ હશે?
એ સ્પર્શી લે પછી નિર્દોષતા નથી મળતી.

પછી છો લાખ મથો, જે ડૂબી ગયું એ ગયું,
મળે છે વાયકા પણ દ્વારકા નથી મળતી.

અચાનક જ જો કોઈ રંગે હાથ ઝડપી લે,
તો ઑન ધ સ્પૉટ કોઈ વારતા નથી મળતી.

એ તારી આંગળીની ખુશબૂની ગુલાબી અસર,
હતી જે પત્રમાં, વૉટ્સ-એપમાં નથી મળતી.

આ શૂન્યતાના નગર વચ્ચે મારી એકલતા,
થઈ ગઈ છે ખરી લાપતા, નથી મળતી.

– વિવેક મનહર ટેલર
(૧૨/૧૩-૦૭-૨૦૧૬)

*

swayam by Vivek Tailor
(ધ્યાનસ્થ….                            ….સ્વયમ્, માથેરાન, માર્ચ, ૨૦૧૬)

(તરહી પંક્તિ : સાભાર સ્મરણ: મરીઝ)

21 thoughts on “નથી મળતી…

 1. એ તારી આંગળીની ખુશબૂની ગુલાબી અસર,
  હતી જે પત્રમાં, વૉટ્સ-એપમાં નથી મળતી.

  🙂

  આ શૂન્યતાના નગર વચ્ચે મારી એકલતા,
  થઈ ગઈ છે ખરી લાપતા, નથી મળતી.

  વાહ…

 2. સમયના સ્પર્શમાં લાગે છે સાચે દોષ કશો,
  એ સ્પર્શી લે પછી નિર્દોષતા નથી મળતી.

  પછી છો લાખ મથો, જે ડૂબી ગયું એ ગયું,
  મળે છે વાયકા પણ દ્વારકા નથી મળતી.

  Waahhhhhhh

 3. એ તારી આંગળીની ખુશબૂની ગુલાબી અસર,
  હતી જે પત્રમાં, વૉટ્સ-એપમાં નથી મળતી.

  વાહ વિવેકભાઈ …!

 4. બહુ જ સુંદર…
  બધા જ શેર ગમ્યા.

 5. વાહ
  ખરેખર ગમી જાય એવી ગઝલ
  વાહ
  વાહ

 6. “જે ડગલે-પગલે ગઈકાલમાં મળ્યા કરતી,
  મજા એ કેમે કરી આજમાં નથી મળતી.”
  વાહ, આ અને બધાજ શેર (પુરી ગઝલ સુંદર.)

 7. એ તારી આંગળીની ખુશબૂની ગુલાબી અસર,
  હતી જે પત્રમાં, વૉટ્સ-એપમાં નથી મળતી.

  સરસ મજાની રચના

 8. એ તારી આંગળીની ખુશબૂની ગુલાબી અસર,
  હતી જે પત્રમાં, વૉટ્સ-એપમાં નથી મળતી.

  આ શૂન્યતાના નગર વચ્ચે મારી એકલતા,
  થઈ ગઈ છે ખરી લાપતા, નથી મળતી.

  આહાહા…એક તાલમાં જ ગવાઈ જાય
  ને
  હ્રદયે સ્પર્શિ જાય એવી રચના…

 9. ચોથો, પાંચમો ને છઠ્ઠો શેર તો દાદુ થયા છે… આમ તો આખી ગઝલ પાણીદાર !

 10. વાહ… વિવેકભાઇ,
  આખી ગઝલ ખરેખર બહુજ સરસ થઇ છે – આ શેર વધુ ગમ્યો..
  સમયના સ્પર્શમાં લાગે છે સાચે દોષ કશો,
  એ સ્પર્શી લે પછી નિર્દોષતા નથી મળતી.
  {અંતિમ શેરમાં, થઇ ગઇ છે ખરી@ફરી લાપતા
  મને વધાર યોગ્ય લાગે છે શેરના ભાવનો સંદર્ભ જોતાં.
  -ક્ષમાયાચના સાથે…} ગઝલપૂર્વક અભિનંદન..

 11. @ મહેશભાઈ રાવલ:

  પ્રતિભાવ બદલ ખૂબ ખૂબ આભાર. જે પ્રતિભાવ મને બે મિનિટ વિચારવા મજબૂર કરી દે એવા જ પ્રતિભાવની હંમેશા પ્રતીક્ષા હોય છે. “ફરી લાપતા” પણ મૂકી શકાય. “ફરી” શબ્દપ્રયોગનો સૂચિતાર્થ એવો થાય કે અગાઉ પણ લાપતા થઈ ગઈ હતી અને મળી ગઈ હતી. આ પરથી એવું પણ સમજી શકાય કે એકવાર મળી ગઈ હતી એમ ફરીવાર પણ મળી શકવાની શક્યતા નકારી ન શકાય.

  મેં “ખરી લાપતા” વાપર્યું છે. આપણે વ્યવહારમાં કહેતાં હોઈએ છીએ કે આ તો જો, ખરું ખોવાઈ ગયું છે… ખરો બિઝી થઈ ગયો છે… વિ. આ શૂન્યતાના નગરની વચ્ચે મારી એકલતા કંઈક એ રીતે ખોવાઈ ગઈ છે કે હવે મળતી જ નથી, મળી શકવાની કોઈ શક્યતા પણ નથી… – આ મને અભિપ્રેત છે.

  ફરી એકવાર આપના ઝીણવટભર્યા અને વિચક્ષણ નિરીક્ષણ અને અભિપ્રાય બદલ ખૂબ ખૂબ આભાર…

 12. હમ્મેશા ઉત્તમ્…

  વિવેકભાઇ,
  મને આનેી મેઇલ નથેી આવતેી. મે ફરેી સબસ્ક્રાઇબ કર્યુ પણ એ ‘ના’ પાડે છે. યોગ્ય કરશો.

 13. પછી છો લાખ મથો, જે ડૂબી ગયું એ ગયું,
  મળે છે વાયકા પણ દ્વારકા નથી મળતી.
  – વિવેક મનહર ટેલર – Bahoot Khoob…

 14. @ લતાબેન :

  આપનું ઇ-મેલ આઇડી ઉમેરી દીધું છે. આપના ઇનબોક્ષમાં કન્ફર્મેશન માટે મેલ આવશે. એમાં ઓકે કરી દેશોજી.

  આભાર…

 15. શ્રી વિવેકભાઇ,
  સૌ પ્રથમ તો આપની લાગણી બદલ હૃદયપૂર્વક આભાર.
  આપે પ્રતિભાવમાં, ફરી..નો જે સૂચિતાર્થ જણાવ્યો એજ
  મનમાં રાખી સૂચન કરેલું !
  ખરી..નું અર્થઘટન પણ યોગ્ય કર્યું છે- એકલતા(એકાંત)સાવ નહીં જ મળે
  અથવા નથી જ મળવાની, એના કરતા
  જ્યારે-જ્યારે ખોવાઈ કે ખોરવાઇ છે ત્યારે મહામહેનતે પરત મેળવી
  છે(સમય પાસેથી કવિતા માટે તમે સમય ઝૂંટવી લ્યો છો એમ !)પણ
  સ્થાપિત નથી થઇ શક્તી.
  એક પ્રક્રિયા (દ્વંદ્વ) ચાલ્યા કરે છે અમારી વચ્ચે-હું શોધ્યા કરૂં છું
  અને એ, ફરી-ફરી ખોવાયા કરે છે -મને આ પ્રક્રિયાભાવ અભિપ્રેત રહ્યો છે…
  મથામણનો ય એક અલગ આનંદ હોય છે..😀
  -બધા મજામાં છીએ. ગઇકાલે કવિશ્રી અનિલ જોશી સાથે ‘બેઠક’માં ગઝલપઠન કર્યું
  કવિશ્રીની ભરપૂર દાદ મળી.
  -મળતાં રે’જો,ગમશે.

Comments are closed.