હૈયાની વાત

 

IMG_7049

*

હોઠેથી કીધું, બસ કાને સંભળાય છે,
હૈયાની વાત સીધી હૈયામાં જાય છે;
તારી આ વાત મને આજે સમજાય છે.

તારું બોલેલું મારા કાને અથડાય છે પણ સમજાતું કેમ નથી આજે ?
સૂરજ જાણે કે એનો રસ્તો ભૂલીને ફેર પૂરવ ન ચાલ્યો હો સાંજે ?
માડીવછોયું એક નાનકડું વાછરડું ધીમે-ધીમેથી કરાંજે –
એમ શબ્દો ને સમજણનાં સગપણ ડચકાય છે.
હૈયાની વાત સીધી હૈયામાં જાય છે.

જીવતરના મઝધારે કૂદ્યો’તો હું તો બસ, એક જ ભરોસે કે તું છે !
પણ આજે આ રડતી બે આંખડીના આંસુ કોઈ પ્લાસ્ટિકના રૂમાલથી લૂંછે ?
ખોટી શેરીના નાકા પર આવીને ખોટું સરનામું કોઈ પૂછે,
એમ ઉપલકિયું’સૉરી’પણ ઉપલકથી જાય છે.
હૈયાની વાત સીધી હૈયામાં જાય છે.

– વિવેક મનહર ટેલર
(૨૯-૧૧-૨૦૧૫)

9 thoughts on “હૈયાની વાત

  1. ખોટી શેરીના નાકા પર આવીને ખોટું સરનામું કોઈ પૂછે,
    એમ ઉપલકિયું’સૉરી’પણ ઉપલકથી જાય છે.
    હૈયાની વાત સીધી હૈયામાં જાય છે.

    … ઓહ!

  2. માડીવછોયું એક નાનકડું વાછરડું ધીમે-ધીમેથી કરાંજે –

    સુરેશ દલાલ યાદ આવી ગયા ..

  3. હોઠેથી કીધું, બસ કાને સંભળાય છે,
    હૈયાની વાત સીધી હૈયામાં જાય છે;
    Waah!

  4. સરસ વાત,
    હોઠેથી કીધુ,બસ કાને સંભળાય છે,
    હૈયાની વાત સીધી હૈયામાં જાય છે; સ્વરબધ્ધ કરી રેકોર્ડીગ કરાવસો તો મઝા આવશે,આનદ થશે….અભિનદન………..આભાર………..

  5. માડીવછોયું એક નાનકડું વાછરડું ધીમે-ધીમેથી કરાંજે –
    એમ શબ્દો ને સમજણનાં સગપણ ડચકાય છે.

    ખોટી શેરીના નાકા પર આવીને ખોટું સરનામું કોઈ પૂછે,
    એમ ઉપલકિયું’સૉરી’પણ ઉપલકથી જાય છે.

    Waahhhhh

Leave a Reply to Nehal Cancel reply

Your email address will not be published. Required fields are marked *