ગોઠે ન ગોઠે

Sun by Vivek Tailor
(સૂરજની વચ્ચે….    ….જયસમંદ તળાવ, રાજસ્થાન, ૨૧૦૧૪)

*

મને સઘળી પીડા પડી ગઈ છે કોઠે,
ભરો પ્યાલી, લાવો, હું માંડું છું હોઠે.

આ સ્મિતની પછીતે મેં દાટ્યું છે શું શું ?
બતાવું પણ એ તમને ગોઠે ન ગોઠે.

ફરું દરબદર આંસુનું પાત્ર લઈને
અને રાતે પાછો વળું નરણે કોઠે.

હૃદય નામનું સાવ નાનું-શું પ્રાણી,
ને શું શું ભરાઈ પડ્યું એની પોઠે !

હું સાવ જ સૂરજ વચ્ચે આવી પડ્યો છું,
હવે ક્યાં જવું ? ને બચું કોની ઓઠે ?

લખી લો, આ સૌ મારા જીવતરનાં પાનાં,
લખ્યાં છે યકિનન ગમારે કે ઠોઠે.

– વિવેક મનહર ટેલર
(૨૮-૧૦-૨૦૧૫)

*

sunset by Vivek Tailor
(ઉતરતી સાંજના ઓળા….            …આલ્બર્ટ હૉલ, જયપુર, ૨૦૧૪)

13 thoughts on “ગોઠે ન ગોઠે

  1. કફિયાની તાજગીએ ગઝલને ઓર સુંદરતા બક્ષી
    છે. અભિનંદન વિવેકભાઈ

  2. નરણે કોઠે….
    હૃદય નામનું સાવ નાનું-શું પ્રાણી,
    ને શું શું ભરાઈ પડ્યું એની પોઠે !
    વાહ વાહ …મસ્ત !!

  3. બધા જ શેર સારા થયા છે.’ માંડુ છું ‘ને બદલે
    માંડી દઉં હોઠે વધુ યોગ્ય લાગે

  4. Sunder kavita Vivek-bhai.

    Tame bhale kaho, pan jivatar na paana

    lakhava-valo V M TAILOR na to gamaar chhe

    ke na to thoth chhe. Many THANKS.

  5. લખી લો, આ સૌ મારા જીવતરનાં પાનાં,
    લખ્યાં છે યકિનન ગમારે કે ઠોઠે.

    – વિવેક મનહર ટેલર Kya baat…

  6. ત્રીજા શેરમાં અભિવ્યક્તિ ત્રીજા પુરુષ એકવચનને બદલે પ્રથમ પુરુષ એકવચન – એ રીતે ફેરફાર કર્યો છે… આ ફેરફાર સૂચવવા બદલ ડૉ. ભાસ્કર વખારિયાનો ઋણસ્વીકાર કરું છું.

    મૂળ શેર :
    ફરો દરબદર આંસુનું પાત્ર લઈને
    અને રાતે પાછા વળો નરણે કોઠે.

    ફેરફાર પછી :
    ફરું દરબદર આંસુનું પાત્ર લઈને
    અને રાતે પાછો વળું નરણે કોઠે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *