આલિંગન : ૦૧

IMG_3480b
(કશ્મકશ……                     ……કાન્હા નેશનલ ફૉરેસ્ટ, 2015)

*

મેલ મૂઆ ઢંઢેરા પીટવાનું પ્રીતના, આવ મુંને બથ્થ મહીં ઝાલ,
આખા ગામમાં શું મચવે ધમાલ ?

ફાગણમાં સે’જ તેં રંગી’તી ઈમાં તો ઝમકુડી જીવ લે છ, બોલ,
રસિયો નખ્ખોદિયો પાદર બેહીને મારી ચામડીનો બજવે કાં ઢોલ?
મારી ઓસરિયું સીમમાં ન ખોલ.
ભીંતનેય કાન નહીં જાય ગીત ઢોલિયાના, ઈ જ તો સે હાચી કમાલ.
ગામ આખામાં કરતો ધમાલ ? ઝટ આવ મુંને બથ્થ મહીં ઝાલ

મનડામાં મોતી જો વીંધાણું હોત તો તું વીજળીના ચમકારે પ્રોત,
દખના કે વખના કટોરાં જે દેત તું એ હરખેથી માંડત હું હોઠ,
ક્યાંક છાનું મળાય ઈમ ગોત
ઢેફાને તરબોળી નાખે , દેખાય નંઈ; પાણી જ્યમ કરવાનું વહાલ,
ગામ આખામાં કર મા ધમાલ, આવ ઓરો ને બથ્થ મહીં ઝાલ!

– વિવેક મનહર ટેલર
(૨૬-૨૮/૦૭/૨૦૧૫)

*

aalingan 01

4 thoughts on “આલિંગન : ૦૧

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *