સાંભળ જરા

vmtailor.com
(સાંજના પડછાયા…                                 …પચમઢી, મે-૨૦૧૫)

*

શબ્દની છેલ્લી ગલીમાં, અર્થથી આગળ જરા,
મૌનની પેલી તરફ ઊભો છું હું, સાંભળ જરા.

આમ હું પથ્થર સમો છું, આમ છું કાગળ જરા,
થાઉં સાંગોપાંગ ભીનો, વરસે જ્યાં વાદળ જરા.

તું મને જોતાની સાથે ઓળખી લેશે, ન ડર;
ખુશબૂ પહેરીને ઊભો છું, છાંટીને ઝાકળ જરા.

હાથમાં લઈ હાથ ચલ, સંભાવનાની ઓ તરફ,
બે’ક ડગલાં છો સ્મરણનાં રહી જતાં પાછળ જરા.

હુંય તારી જેમ ઓગળવા હવે તૈયાર છું,
શું કરું છૂટતી નથી મારાથી આ સાંકળ જરા…

સાંજના પડછાયા જેવી જિંદગીનું શું કરું ?
હું વધું આગળ જરા ત્યાં એ ખસે પાછળ જરા.

આ શરાફત કેળવેલી છે હજારો જન્મથી,
જો, ભીતર અડકી તો જો, કેવો છે વડવાનળ જરા !

– વિવેક મનહર ટેલર
(૧૦-૦૪-૨૦૧૫)

*

vmtailor.com
(ખુશબૂ પહેરીને ઊભો છું………                    …પચમઢી, મે-૨૦૧૫)

14 thoughts on “સાંભળ જરા

  1. સાંજના પડછાયા જેવી જિંદગીનું શું કરું ?
    હું વધું આગળ જરા ત્યાં એ ખસે પાછળ જરા.
    વાહ…લાજવાબ.

  2. ખુબ જ સરસ.સાંજના પડછાંયા જેવી જિંદગી નુ શું કરુ અને સાંગોપાંગ ભીના થવાની વાત સરસ.

  3. સરસ વાત લઈ આવ્યા,સાજ્ના પડછાયા જેવી જિંદગીન વાત દાદ માગી લે છે……..

  4. આ શરાફત કેળવેલી છે હજારો જન્મથી,
    જો, ભીતર અડકી તો જો, કેવો છે વડવાનળ જરા !

    Nicest of “Saanj Na Padchhaya..””

  5. શબ્દની છેલ્લી ગલીમાં, અર્થથી આગળ જરા,
    મૌનની પેલી તરફ ઊભો છું હું, સાંભળ જરા.

    -સરસ !

  6. તું મને જોતાની સાથે ઓળખી લેશે, ન ડર;
    ખુશબૂ પહેરીને ઊભો છું, છાંટીને ઝાકળ જરા.

    ઓળખવા માટે કોઈ નિશાનીની જરૂરત ક્યાં છે ?

    સુંદર

  7. Can not comment…Vivekbhai..Always n all poems r just beautiful…enjoyed very much..Can u give me the name of the Book of poem?

Leave a Reply to Dhaval Shah Cancel reply

Your email address will not be published. Required fields are marked *