બસ, બે ઘડી મળી…

(નાવડી… …..ગોવા, મે-૨૦૦૪)

બે-ચાર શ્વાસની આ મને નાવડી મળી,
સાગર મળ્યો અફાટ ને બસ, બે ઘડી મળી.

મારા ગયા પછીથી કદર આવડી મળી,
વાંચીને ગઝલો બોલ્યું કોઈ: “ફાંકડી મળી.”

આખી ઉમર પ્રતિક્ષા હતી એ ઘડી મળી,
સંવેદના સકળ મને જડ-શી ખડી મળી.

સંબંધમાં આ દિલ કશે આગળ ના જઈ શક્યું,
જે પણ ગલી મળી એ ઘણી સાંકડી મળી.

હૈયામાં તારા કેટલી ચીસો ભરી છે, શંખ ?
એક ફૂંક પાછી કેટલા પડઘા પડી મળી !

તું શ્વાસ થઈને મારી ભીતર શબ્દને અડી,
કાવ્યોને મારા જાણે પવન-પાવડી મળી.

– વિવેક મનહર ટેલર

12 thoughts on “બસ, બે ઘડી મળી…

  1. હૈયામાં તારા કેટલી ચીસો ભરી છે, શંખ ?
    એક ફૂંક પાછી કેટલા પડઘા પડી મળી !

    વાહ, શું વાત છે.

  2. બે-ચાર શ્વાસની આ મને નાવડી મળી,
    સાગર મળ્યો અફાટ ને બસ, બે ઘડી મળી…awesome

  3. આખી ઉમર પ્રતિક્ષા હતી એ ઘડી મળી,
    સંવેદના સકળ મને જડ-શી ખડી મળી.

    આને ગઝલદોષ ન કહેવાય?

  4. થોડા સમય પહેલાં તમે શ્રેી અનિલ ચાવડાની ગઝલ વિશે કમેન્ટ કરી હતી એનાં સંદર્ભ માં કહું છું,,

  5. @ ચિંતન:

    બે-ચાર શ્વાસની આ મને નાવડી મળી,
    સાગર મળ્યો અફાટ ને બસ, બે ઘડી મળી.

    મારા ગયા પછીથી કદર આવડી મળી,
    વાંચીને ગઝલો બોલ્યું કોઈ: “ફાંકડી મળી.”

    આખી ઉમર પ્રતિક્ષા હતી એ ઘડી મળી,
    સંવેદના સકળ મને જડ-શી ખડી મળી.

    – તમે રદીફની વાત કરો છો? પ્રસ્તુત ગઝલમાં આ ત્રણે શેર મત્લાના શેર ગણાય. પહેલો શેર ઉલા મત્લા અને બાકીના બંને શેર સાની મત્લા ગણાય…

    નાવડી, ઘડી. આવડી, ફાંકડી, ઘડી, ખડી – આ બધા કાફિયા સાથે ‘મળી’ રદીફ છે…

    આ ખુલાસા પછી પણ કોઈ દોષ નજરે ચડે છે, મિત્ર ?

  6. સંબંધમાં આ દિલ કશે આગળ ના જઈ શક્યું,
    જે પણ ગલી મળી એ ઘણી સાંકડી મળી.
    આ ગમ્યું…..

  7. સંબંધમાં આ દિલ કશે આગળ ના જઈ શક્યું,
    જે પણ ગલી મળી એ ઘણી સાંકડી મળી.

    અને
    તું શ્વાસ થઈને મારી ભીતર શબ્દને અડી,
    કાવ્યોને મારા જાણે પવન-પાવડી મળી.

    ખુબ જ ભાવનાત્મક અભિન’દન

Leave a Reply to Jay Bhayani Cancel reply

Your email address will not be published. Required fields are marked *