હે પ્રભુ !

02
(……ભેડાઘાટ, મધ્યપ્રદેશ, મે-૨૦૧૫)

*

ॐ शांतिः शांतिः शांतिः ।
હે પ્રભુ !
રોજ જ સવારે સમયસર હું આપની સેવામાં હાજર થઈ જાઉં છું
એ તો આપ જાણો જ છો.
આપ તો અંતર્યામી છો, સ્વામી.
આપ જાણો જ છો કે હું માત્ર નિસ્વાર્થ સેવા જ કરવા આવું છું.
આપ તો અંતર્યામી છો, ભગવન!
હું મારા માટે કદી કશું માંગતો નથી.
અરે હા, પ્રભો !
આ મંદિરના પગથિયાં પર
રોજ લાઇન લગાડીને બેસી રહેતા ભિખારીઓનું કંઈ કરો ને !
આપ તો જાણો જ છો, અન્નદાતા
કે હું મંદિરે આવવા નીકળું છું
ત્યારે ખિસ્સામાં પાકિટ લઈને આવતો નથી, નહિંતર…
એમાં આજે તો પગથિયાં ચડતી વખતે
પેલો નાગૂડિયો, સાલો પગને જ ચોંટી પડ્યો.
માફ કરજો, સર્વેશ્વર !
પણ જળો જેવો… છેલ્લે લાત મારી ત્યારે જ છૂટો પડ્યો…
યુ નો, બોસ!
હાથમાંથી પૂજાની થાળી પડી જાત નહિંતર…એટલે…
કપડાં પર પડતે તો આ નવા કપડાં બગડી જતે મારા.
અને આજે તો મારે નોકરી માટેના ઇન્ટર્વ્યૂ માટે જવાનું છે.
આમ તો લાગવગ લગાડી જ દીધી છે, યુ સી !
બટ… તમારી મહેરબાની પણ હોય તો તો…
ના… ના… મારા માટે નહીં
પણ મારા ઘરડા મા-બાપ
બિચારા આશા લગાવીને બેઠા છે મારા પર.
ટકા બરાબર આવે એ માટે થોડી ચોરી પણ કરેલી પરીક્ષામાં.
કરવી પડેલી, યાર..
આપ તો જાણો જ છો, હું કદી ખોટું કરતો નથી.
ડોનેશન આપીને ભણાવ્યો એ લોકોએ મને.
આ નોકરી માટે આમ તો સાહેબને પણ ખુશ કરવાનું કહેવડાવ્યું છે.
મને જો કે આવું બધું કરવાનું, યુ નો, ફાવતું નથી.
હું રહ્યો સીધો માણસ. સિદ્ધાંતવાદી.
પણ આ સાહેબો સાલા…
સૉરી બોસ! આ સાલી જીભ જ એવી થઈ ગઈ છે…
પણ એ લોકો લાંચ લીધા વિના જોબ આપતા જ નથી.
પેરેસાઇટ્સ છે…
એ લોકોમાં અને પેલા ટ્રાફિક સિગ્નલ પર
ભટકાઈ ગયેલા નાગા ટાબરિયામાં કંઈ ફેર છે?
પણ એ ટાબરિયાવના મા-બાપ પણ ખરા હશે, નહીં?
રસ્તા પર ભીખ માંગવા છોડી દીધા.
ભણાવવા-બણાવવાના નહીં?
અરે હા, યાર…
આ ભણાવવાની વાત પરથી યાદ આવ્યું.
મોટાભાઈના પપ્પુનું રિઝલ્ટ જરા ડાઉન આવ્યું, યુ નો.
હવે એના માટે ડોનેશનનું એરેન્જ કરવાનું.
આ એક મારી નોકરીનું થઈ જાય પછી તો બખ્ખા જ બખ્ખા…
અરે.. અરે… પ્રભુ ! આ દેવા પડવાના છે તે લેવાના નહીં ?
સિસ્ટમ જ આખી એવી સડી ગઈ છે ને, દેવાધિદેવ…
તમે તો જાણો જ છો કે મને તો…
તમે તો જાણો જ છો કે હું કેટલો નિયમિત…
ઓકે…ઓકે…
રોજ નથી આવતો. નથી આવી શકાતું, યાર…
પણ આ શ્રાવણમાં તો રોજ આવું જ છું ને !
અને જ્યારે પણ કોઈપણ મંદિર રસ્તામાં આવે છે,
કમ સે કમ માથું ઝૂકાવીને પગે તો લાગી જ લઉં છું ને !
બસ હવે, વધુ તો શું કહું, અંતર્યામી ?
તમારાથી શો પરદો કરવાનો ?
ઓહ શીટ !
સાડા આઠ થઈ ગયા…
ભગવાન… જરા જોઈ લેજો બધું, યાર…
નીકળું.
ॐ शांतिः शांतिः शांतिः ।

– વિવેક મનહર ટેલર
(૧૪-૧૦-૨૦૧૪)

*

01
(……ભેડાઘાટ, મધ્યપ્રદેશ, મે-૨૦૧૫)

5 thoughts on “હે પ્રભુ !

  1. માર્મિક !
    કવિતા સહેજ લંબાઇ ગઇ
    પણ માણસની દરેક વાતે ખુદની જવાબદારીમાંથી છટકબારી શોધવાની વ્રુત્તિ પર સુંદર કટાક્ષ !

  2. હા! આવું જ તો થતું હશે…. દરેકના મનમાં… થોડું ઓછું વત્તું અથવા થોડી અલગ ભાષા અને થોડા અલગ વિચારો પણ છતાંય આવું જ….
    આ કટાક્ષ… આ સત્ય… કડવાશ ભરેલુંતો ય સત્યની નજીક…

  3. “ભગવાન… જરા જોઈ લેજો બધું, ”
    હાસ્તો, જોવા વાળો એ બેઠો છે તો આપણે શાને ચિંતા???

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *