કવિતાનો છોડ…

 flowers by Vivek Tailor

(મારા આંગણાનું અજવાળું……. ….એપ્રિલ, ૨૦૧૪)

*

કવિતાનો છોડ ચિંતામાં પડી ગયો છે.
પહેલાં તો કોઈ દહાડે ગીત,
કોઈ દહાડો ગઝલ.
ક્યારેક અછાંદસ,
મુક્તક, હાઇકુ, સૉનેટ-
– રોજ નવાં નવાં પાન ફૂટતાં.
અચાનક આ શું થઈ ગયું ?
સૂર્યનો તડકો તો એનો એ જ છે.
ચાંદની શીતળતા પણ કાંઈ બદલાઈ નથી.
પવને પણ એની વફાદારી બદલી નથી.
જમીનમાં પૂરતો ભેજ છે.
ખાતર છે, પાણી છે.
પાસ-પાડોશના
ગુલાબ-મોગરો-જૂઈ પણ પૂર્વવત્ ખીલે-તૂટે-ખીલે છે.
આ શેનો સડો લાગ્યો ? ને ક્યાંથી ?
અરે કોઈ ડોક્ટરને બોલાવો…
મારી નાડી રે જોવડાવો…
મને ઓસડિયાં પીવડાવો…
મને ઇંજેક્શન મૂકાવો…
કવિ પણ ફિકરમાં.
માળી આવ્યો.
જોતાં જ ડોકું ધુણાવ્યું-
ઊં….હું !
એ જ હોવા જોઈએ માળા બેટા.
દુનિયાભરના બાગ ઊજાડશે કે શું ?
ફટ્ કરતાંકને એણે મૂળમાંથી બે કીડા કાઢ્યા.
લો સાહેબ ! આ જ બાગે-બાગે પેધાં પડ્યા છે.
ઇલાજ ?
ના… સાહેબ ! ના…
કાંઈ નહીં… કાંઈ નહીં… કાંઈ નહીં…
પેલા બે કીડા કવિની આંખોમાં એમ જોઈ રહ્યા હતા
જાણે એમને ખાલી છોડ જ નહીં, કવિ જ આખો ખાવો ન હોય !
ઓહ માય !
આ કેવા કીડા ? કોઈ જ ઇલાજ નહીં ?
કોને બચાવવા ? કેમ બચાવવા ? કેમ બચવું ?
પ્રલયનો દિવસ ઢૂકડો આવી પૂગ્યો કે શું ?
અંઅઅઅ… શું નામ કહ્યું હતું માળીએ ?
વૉટ્સ-એપાઇટિસ? ફેસબુકાઇટિસ ?

– વિવેક મનહર ટેલર
(૨૩-૦૬-૨૦૧૪)

facebook by vivek tailor

(પ્રલયનો પ્રારંભ ? …..શ્રીનગર, કાશ્મીર, મે-૨૦૧૪)

14 thoughts on “કવિતાનો છોડ…

  1. મઝાની કવિતા… અને પાછુ કોમેન્ટ કરતા પહેલા નીચે આપેલા અંગુઠા પર લાઇક કરવાનું..!!

  2. સરસ કવિતા અને આજના યુગની વિટબણા માટેની કટાક્ષમય વાતો અત્યારની પૅઢી તો ફેસબુક અને વ્હોટ્ટસ અપમા ગઝલ્ ગીત અને કવિતાને કદાચ ભુલી જશે,શ્રધ્ધા રાખવી રહી, ગુજરાતી છે ત્યા સુધી આ બધી મઝા માણી શકાશે અને આ ઈલેક્ટ્રૉનીક યુગમા પણ લયસ્તરો, શબ્દો છે શ્વાસ મારા, ટહુકો વિગેરે જીવંત છે જ એટલે કવિતા,ગઝલ અને ગીત અમને પ્રાપ્ત થતા જ રહેશે, આપનો આભાર અને આ ગીત જો ભવિષ્યમા સ્વરાકન થશે ત્યારે જરુર લોક્પ્રિય થશે એવુ સરસ ભાવવાહી છે સાથેના સરસ ફોટોગ્રાફ માટે પણ આપને અભિનદન………………….

  3. યુગોથી કહેવાયુ છે…

    જ્યં ન પહોંચે રવિ
    ત્યાં પહોંચે કવિ!

    આવા કીડા ઊર્ફે બહાનાઓની કોઈ વિસાત નથી!
    રોગ માથું ઊંચું કરે છે તો દવા દબાવે જ છે…

    આ તો સંવેદનાની ધાર માત્ર થોડીક બુઠ્ઠી થઈ છે… શું છે કે આજકાલ હવે આંગળીઓ પેન્સિલ નથી પકડતી … પણ ટેરવાઓ ચાલે છે… તો શું થયું
    ટેરવે ટેરવે લાગણીઓ ફૂટવાની જ.. સ્તબ્ધતા હટવાની જ…

    કવિને કોઈ ખાઈ ન શકે…

  4. @ મીના છેડા:

    કવિને કોઈ ખાઈ ન શકે… સાચી વાત ! પણ અહીં વાત માત્ર કવિની કે કવિતાના છોડની નથી… દુનિયાભરના બાગ-બગીચાઓની વાત છે. તમામ પ્રકારની રચનાત્મક્તાની વાત છે. તમામ પ્રકારની સર્જનાત્મકતા જોખમાવાની વાત છે. સ્વીકારું છું કે આ સમસ્યાઓનો પણ કોઈ તો ઉકેલ આવશે જ. ટેલિવિઝન આવ્યું ત્યારે પણ ખૂબ મોટો હોબાળો થયો હતો. સવાલ એ છે કે આજની પેઢી અને આવતીકાલની પેઢી આ દૂષણથી કેટલી દૂર રહી શક્શે?

    મારી પોતાની વાત કરું તો અચાનક મને ખ્યાલ આવ્યો કે હું વૉટ્સ-એપમાં એવો ડૂબી ગયો છું કે મેં મહિનાઓથી કોઈ કવિતાઓ લખી જ નથી… કોઈ સારા અનુવાદ કર્યા જ નથી… હું જાગી શક્યો. મેં બ્રેક મારી… પણ બધા કળાકાર જાગી શક્શે? અને એ જાગે ત્યાં સુધીમાં કેટલું નુક્શાન થઈ ચૂક્યું હશે !

  5. હકિકત તરી આવી….
    એક પ્રકારનુ વ્યસન તો ખરું…
    પણ્….
    મહદઅંશે (ક્યારેક્..) નવી જ શીખ પણ અપાવડાવે…
    સાહિત્યિક વાતારવણ વોટ્સઅપ દ્રારા પણ સ્થાયી થયુ છે..
    અને ફેરબુક દ્રારા તો ખરું જ્….
    પણ રોગ ખરો….

  6. ધબકારે જીવ મારો જાય રે…મને કેર કાંટો વાગ્યો….વ્યસન માં થયો ઉમેરો..હવે આ વ્યસન છોડાવનાર ડોકટર ને શું કેહશું? અને હા લવેરિયા વધ્યા થયો છે બધે ફેબરિયા….સુંદર રચના…

  7. કાવ્ય તરીકે સરસ રચના.સર્જન શક્તિને એમ કઈ થોડા વોટ્સ અપ અને ફેસ્બૂકના કીડા
    ખાઈ શકે !! આ કીડાઓને કારણે જે કઈ સર્જન યુવા વર્ગ કરે છે તેનો વ્યાપ વધ્યો છે તે વાત
    સાચી માનવી રહી.

  8. શ્રી વિવેકભાઈ,

    ઘણા વખત પછી આજે તમારી વેબ સાઇટ ની મુલાકાત લીધી…
    સાચી વાત છે આપણે બધા whatsapp અને facebook માં ડૂબી ગયા છીએ….
    આપની કવિતા ખૂબ જ સ્પર્શી ગઈ …..
    ખૂબ ખૂબ આભાર….

  9. આ કેવા કીડા ? કોઈ જ ઇલાજ નહીં ?
    કોને બચાવવા ? કેમ બચાવવા ? કેમ બચવું ?
    પ્રલયનો દિવસ ઢૂકડો આવી પૂગ્યો કે શું ?
    અંઅઅઅ… શું નામ કહ્યું હતું માળીએ ?
    વૉટ્સ-એપાઇટિસ? ફેસબુકાઇટિસ ?
    વાહ

Leave a Reply to Chetna Bhatt Cancel reply

Your email address will not be published. Required fields are marked *