તું પાંચ મિનિટ બેસીને વાત કર…

yellow feet green pigeon
(બેસીને વાત કર…    …yellow feet green pigeons, ભરતપુર, 15-02-2014)

*

ખુદ મને જ મારી સાક્ષાત્ કર,
તું પાંચ મિનિટ બેસીને વાત કર.

કંદોરે બાંધી તેં ઘર પહેરાવ્યું છે
પચ્ચીસ્સો સ્ક્વેર ફૂટ પહોળું;
અક્કેકાં પગલાંના અક્કેકા બોલ ઝીલે
રાત-દિવસ ભીંતોનું ટોળું,
ખાલીપો ખોંખારે, રાજીપો થાય – એ હાલ જરા તુંય આતમસાત કર.
તું પાંચ મિનિટ બેસીને વાત કર.

મોઘમ ઇશારા ને મૂંગી પ્રતીક્ષાના
ક્યાં સુધી ગાવાનાં ગાણાં ?
લાખ તારા ઇમ્પૉર્ટન્ટ કામોની યાદીમાં,
બોલ, અમે ક્યાંયે સમાણા ?
આયખાની ચાદરમાં એક-બે કરચલી દે, કોરેકોરી ન બાકાત કર.
બસ, પાંચ મિનિટ બેસીને વાત કર.

– વિવેક મનહર ટેલર
(૦૮-૦૧-૨૦૧૪)

*

herons
(જરા સખણો બેસ, બે ઘડી……       ગ્રે હેરોન, ભરતપુર, 15-02-2014)

19 thoughts on “તું પાંચ મિનિટ બેસીને વાત કર…

  1. બસ બેસીને તું પાંચ મિનિટ વાત કર, કરગરવાની સરસ રજુઆત……………………….

  2. અક્કેકાં પગલાંના અક્કેકા બોલ ઝીલે
    રાત-દિવસ ભીંતોનું ટોળું,

    Beautiful. ..

  3. વિવેક્ભાઇ,

    બહુ સુન્દર રીતે એક ડોક્ટર પત્નીની મનોવ્યથા વ્યક્ત કરી છે.

  4. આ વ્યથા ફક્ત ડૉક્ટર-પત્નીની નથી. અને કદાચ ફક્ત પત્નીની પણ નથી. જેટલો સમય ટીવી સામે જોવાય છે એટલો સમય એકમેક સામે અને એકમેકના મનમાં ઊતરીને જોવાનું બનતું નથી. એટલેજ જીવન બંધ ટીવીસ્ક્રીન જેવું ખાલી, ઉદાસ અને રંગવિહિન થતું જાય છે. ગીતમાં નવોજ, સાંપ્રતની છબી ઝિલતો વિષય લાવ્યા. સરસ.!!!

  5. @ મૂર્તિ મોદી:

    ડોક્ટર પત્ની??? તમારી વાતનો જવાબ કવિશ્રી સંદીપ ભાટિયાએ આપી દીધો છે…

  6. ગીત વિશે પાંચ મિનિટ કરતાં પણ વધારે સમય જોઈએ વાત કરવા માટે…

    મજાનું ગીત…

  7. લાખ તારા ઇમ્પૉર્ટન્ટ કામોની યાદીમાં,
    બોલ, અમે ક્યાંયે સમાણા ? ખરેખર સાચુ જ છે.

Leave a Reply to Chetna Bhatt Cancel reply

Your email address will not be published. Required fields are marked *