નાંખી દે મૂળ માંહ્યમાં

વટવૃક્ષ જેમ આપણું વિસ્તરતું રહેશે વહાલ,
નાંખી દે મૂળ માંહ્યમાં, વડવાઈ થઈને ચાલ.

મડદાંના ચિત્તે વ્યાપ્ત આ શાંતિ ખપે નહીં,
બાળે છતાંય રાખે છે જીવંત આ મલાલ.

અવિભાજ્યતા એ પ્યારની તારી શરત પ્રથમ,
અહીંયા નિયમ છે ગમતાંનો કરતાં રહો ગુલાલ.

પાછી કશીક વાત થઈ ગઈ હશે જરૂર,
પાછી ચણાઈ ગઈ છે આ વચ્ચે ફરી દીવાલ.

મચકોડજો આ મોં પછી દેખી મને મૂંગો,
પહેલાં મને એ તો કહો કે શું હતો સવાલ ?

તારા વિરહમાં મૂઢ થવું લાગ્યું કૈંક કામ,,
સૂંઘીને મૃત્યુ પાછું ગયું, બક્ષ્યો બાલ-બાલ.

તારીખ કાવ્યની જુઓ, વાંચો પછી કલામ,
એ રીતે જડશે મારી કથા, મારી ચાલ-ઢાલ.

સૈનિક મારા શ્વાસનો બસ, ત્યાં ઢળી પડ્યો,
ખેંચી જરા જો લીધી તેં શબ્દોની એની ઢાલ.

– વિવેક મનહર ટેલર

9 comments

 1. મૃગેશ શાહ’s avatar

  સ્નેહી શ્રી વિવેક ભાઈ,

  આપનો સ્વયં સર્જક છો. આપની માટે તો શું કહેવું ? અમે તો આપના જેવા સર્જકની છાયામાં મબલખ મસ્તી માણીએ છીએ. આપની દરેક કૃતિઓ અદ્દભુત છે. હું પ્રશંસા કે પ્રતિપ્રશંસા રૂપે નથી કહેતો પણ ‘શબ્દો છે શ્વાસ મારાં’ એ ભાવનાની કેટલી બધી ઊંચાઈએ લખાયેલી આ વાત છે. આપે રચેલી આપની સૌથી હૃદયસ્પર્શી કૃતિનો કોઈ વાર રીડગુજરાતીને લાભ આપવા વિનંતી.

  આપ રીડગુજરાતીને રોજ વાંચો છો એ તો મારા માટે અત્યંત આનંદ અને ગૌરવ લેવા જેવી વાત ગણાય. ભલે આપ પ્રતિભાવ આપો કે ન આપો, આપનો અહોભાવ જ મારા માટે બસ છે.

  શુભેચ્છા સહ,
  મૃગેશ શાહ, વડોદરા.

 2. suvaas’s avatar

  સરસ ભાઇ સરસ , શબ્‍દોનો આશ્વાસ માણવા મળ્યો , આપ તરફથી અમને આી વાનગી પીરસાતી જ રહેશે એવી આશા…
  લી ફરીદ ..
  http://www.suvaas.blogspot.com

 3. Suresh’s avatar

  અવિભાજ્યતા એ પ્યારની તારી શરત પ્રથમ,
  અહીંયા નિયમ છે ગમતાંનો કરતાં રહો ગુલાલ.

  આ કડીઓ ઘણી ગમી. મકરંદ દવેનું આ કાવ્ય મને ઘણું જ ગમે છે. સંગીત ભવન ટ્રસ્ટ -મુંબાઇના ‘અમે રે સૂકું રુનું પુમડું’ આલ્બમમાં બહુ જ સુરીલી રીતે આ કવિતા ગવાયેલી છે.
  તમારો ગમતાંનો ગુલાલ કરવાનો ખ્યાલ બહુ જ ઊંચો છે.
  મલાલ શબ્દનો અર્થ સમજાવશો?

 4. મીના છેડા’s avatar

  પાછી કશીક વાત થઈ ગઈ હશે જરૂર,
  પાછી ચણાઈ ગઈ છે આ વચ્ચે ફરી દિવાલ.

  વાહ!

 5. Rina’s avatar

  amazing words…..following amazing thoughts….

 6. himanshu’s avatar

  વટવૃક્ષ જેમ આપણું વિસ્તરતું રહેશે વહાલ,
  નાંખી દે મૂળ માંહ્યમાં, વડવાઈ થઈને ચાલ.

  વડ થવા માટે વડવાઈ થવું પડે , ખોવાવું પડે, સમર્પિત થવું પડે……
  શું વાત કહી છે વિવેકભાઈ આપે……
  અપના શબ્દો ની સુવાસ ખરેખર કઈક અલગ જ છે.

 7. sneha’s avatar

  પહેલો ને છેલ્લો શેર સૌથેી વધારે ગમ્યાં..અદ્ભભુત..

Comments are now closed.