આટલા વરસેય…

Vivek Tailor n vaishali

*
ગુજરાતી સૉનેટ પહેલવારકુ લખાયું એ વાતને આજે ૧૨૫ વર્ષ થયા… ૧૮૮૮થી ૨૦૧૩ની આ મઝલની શરૂઆત બળવંતરાય ક. ઠાકોરના અજરઅમર “ભણકારા” સૉનેટથી થઈ. ગુજરાતી સૉનેટ આ સવા શતાબ્દીમાં કેટલું બધું બદલાયું! આજે તો એ કદાચ મૃતઃપાય પરિસ્થિતિમાં મૂકાયું છે. છતાં ક્યાંક ક્યાંક સૉનેટની જ્યોત આછી તો આછી પણ હજી પ્રજ્વલિત છે. પરંપરાને બાજુએ મૂકીને છંદના બંધન ફગાવીને આજે માણીએ એક ગદ્ય સૉનેટ.
*

(ગદ્ય સૉનેટ)

સમયના સળ ચહેરા પર પડ્યા ન હોય, મકાનની એવી હાલત છે,
રંગના પોપડાં ઊખડી ગયા છે કદાચ શુંનું શું સાથે લઈને, પ્લાસ્ટર
ચીરીને ક્યાંક હવા તો ક્યાંક અંધારું મથી રહ્યાં છે અંદર ઉતરવા,
દીવાલો-ગોખલાંઓ રમી રહ્યાં છે કરોળિયાઓ સાથે. અવાવરૂ ઇચ્છા
જેવા એકાદ-બે પીપળા પણ ફૂટી આવ્યા છે નાના-મોટા.વરસાદને
રુચિ ગઈ હોય એવી એકાદ-બે જગ્યાએ શેવાળ પણ ફૂટી નીકળી છે.

આપણુંય આમ તો આવું જ ને ! સમયના થપાટે ક્યાંક કરચલી,
ક્યાંક સફેદી; ક્યારેક કમર, ક્યારેક ઘૂંટણ; કદીક શું, કદીક શું નહીં!
નાના-મોટા ભૂકંપ, પૂર, આગ,
પોપડાં-તડ-શેવાળ વિ. વિ.
એકદા એકાદા કુંડાળામાંય ગરી નહોતો ગયો આ પગ? હા, હાસ્તો.
પણ તેં સમય પર સાચવી લીધું હતું ને બધું સચવાઈ ગયું, હં ને!

પણ કહે મને, પ્રિયે ! કહે છે કોણ કે આ ચુંબનોને કાટ લાગે છે ?!
આ જો… જો આ… હજી આટલા વરસેય મારાં એક-એક રૂંવાડાં…

– વિવેક મનહર ટેલર
(૨૯-૧૦-૨૦૧૩)

14 comments

 1. Rina’s avatar

  રંગના પોપડાં ઊખડી ગયા છે …….અવાવરૂ ઇચ્છાજેવા એકાદ-બે પીપળા પણ ફૂટી આવ્યા છે …….એકાદ-બે જગ્યાએ શેવાળ પણ ફૂટી નીકળી છે……..નાના-મોટા ભૂકંપ, પૂર, આગ,પોપડાં-તડ-શેવાળ વિ. વિ…….

  .આપણુંય આમ તો આવું જ ને ! 
  Awesome…….

 2. kantilal vaghela’s avatar

  ગુજરાતી ગજલ-કાવ્ય સર્જકો માટેના આપના પ્રયાસને વંદનાઓ

 3. Hasit Hemani’s avatar

  હજી આટલા વરસેય મારાં એક-એક રૂંવાડાં…ઊભા થવાનુ ભૂલ્યા નથી.

 4. kishore Canada’s avatar

  પણ કહે મને, પ્રિયે ! કહે છે કોણ કે આ ચુંબનોને કાટ લાગે છે ?!
  આ જો… જો આ… હજી આટલા વરસેય મારાં એક-એક રૂંવાડાં…માં મલકાટ લાગે છે!

 5. vinod gundarwala’s avatar

  પણ તેં સમય પર સાચવી લીધું હતું ને બધું સચવાઈ ગયું, હં ને!

  Nice Doctor Sir, Wishing You Happy a Deepawali and New Year .. ..

  with warm regards,

  please keep sharing such precious poems forever

  ca vinod

 6. nishidh’s avatar

  Adbhut….!!

 7. jjugalkishor’s avatar

  સમય સમય પર વહેતી રહેતી, બદલતી રહેતી આ કળાને આવો વળા’ક આપવાની આ રીત તાજગી “કાટ નથી લાગ્યો”ની નિશાની બની રહી છે……!

  તમને ખૂબ ખૂબ અભિન’દન ! (પ્રથમ પંક્તિમાં “જાણે” શબ્દને ફક્ત ન થી ચલાવી લીધો છે પણ અર્થ સ્ફૂટ થવામાં …….)

  પ્રયોગનો આનંદ વહેચી લઉ છું……ફરી ધન્યવાદ !!

 8. harilaql soni’s avatar

  આફ્રિન આફ્રિન વિવેકભા………… ઇ

 9. pragnaju’s avatar

  ભરુચથી સૂરત આવતા બ. ક. ઠા દેખાયા. સ નો હ બોલતા ઘોડાગાડીવાળા સાથે ભાષાશુધ્ધી માટે ઝગડતા જો આવા પ્રયોગ અંગે જાણે તો …?
  જુ’ ભાઇ એ પ્રયોગ ન કેવળ વધાવ્યો પણ આનંદ વ્યક્ત કર્યો ! વાંચી ફરી ફરી સોનેટ માણી
  ધન્ય ધન્ય
  નાના-મોટા ભૂકંપ, પૂર, આગ,
  પોપડાં-તડ-શેવાળ વિ. વિ.
  એકદા એકાદા કુંડાળામાંય ગરી નહોતો ગયો આ પગ? હા, હાસ્તો.
  પણ તેં સમય પર સાચવી લીધું હતું ને બધું સચવાઈ ગયું, હં ને!
  વાહ
  યાદ તમારી જ પંક્તીઓ
  એક જ સ્ખલન આખું જીવન અમને સતત નડતું રહ્યું,
  હર રૂપમાં, હર શ્વાસને, હર સ્વપ્નને અડતું રહ્યું.
  …..અને પ્રાર્થના
  ભભકભર્યા તેજથી હું લોભાયો,
  ને ભય છતાં ધર્યો ગર્વ,
  વીત્યાં વર્ષો ને લોપ સ્મરણશ્રી,
  સ્ખલન થયાં જે સર્વ,
  મારે આજ થકી નવું પર્વ …

 10. jjugalkishor’s avatar

  “સમયના સળ ચહેરા પર પડ્યા હો જાણે, મકાનની એવી હાલત છે…..”

  આટલો ફેરફાર મારા મનમાં આવેલો….‘ન હોય’ એ બે શબ્દો “જાણે”ની અવેજીમાં સફળ નથી જણાયા….પણ તમારા કિબોર્ડમાં મને લખતાં ફાવ્યું નહીં….

 11. Harshad Mistry’s avatar

  Very nice, Vivekbhai.
  While I was reading this,so many missing memory jump in front of me.
  God Bless You, very touching.

 12. lata j hirani’s avatar

  bahu j gamyu. gady kavy ane navo prayog, banne…
  lata

 13. Chetna Bhatt’s avatar

  Wow…Adbhut…!!!!!!!!

 14. CHETAN SHUKLA’s avatar

  સરસ બહુ ગમ્યુ ……..

Comments are now closed.