પંચોતેરમે…

Tree by Vivek Tailor

*

(મુક્ત સૉનેટ ~ કટાવ છંદ)

પાન બધાંયે ખરી ગયાં છે,
કાળ તણી ચાબુકના ડરથી જાણે કેવાં ડરી ગયાં છે !
ડાળ બરડ સૌ તરડ-તરડ થઈ ધીમે ધીમે નમી રહી છે,
કેટકેટલી પાનખરો આ રસ્તાઓએ એક પછી એક સતત સહી છે !

ટાઢ-તાપ-વર્ષાની આંધી જરઠ ઝાડને સતત વીતાડે,
નાગો ચહેરો ઊર્મિઓને ક્યાં સંતાડે ?
સાચવ્યા છે કંઈ કંઈ પેઢીના કલરવ કંઈ ટહુકાઓ ને કંઈ માળાને,
ગણિત માંડવા બેસીએ તો માઠું લાગે સરવાળાને.

એક સમયનો હણહણતો હય ભૂલી ગયો છે જીવતરનો લય,
લોહી હજી પણ વહે છે રગમાં, કામ છતાં પણ કરી રહી વય.
બાદ થયા છે હવે પ્રતીક્ષામાંથી પંથી ને પનિહારી, બચ્ચા-કચ્ચા, ઝૂલા આદિ…
રાહ છે એક જ – પવન ફૂંકાશે કબ દખણાદી ?

સહસા વેલી એક ક્યાંકથી ઊગી નીકળી ને પહોંચી ગઈ થડથી લઈને ડાળ સુધી ત્યાં,
કંપ થયો આખી કાયામાં, પાન નામની ફૂટી ઘટના…

– વિવેક મનહર ટેલર
(૧૯-૦૯-૨૦૧૩)

 *

Tree by Vivek tailor

33 thoughts on “પંચોતેરમે…

  1. વાહ…વિવેકભાઈ વાહ !!
    પચોતેરમે પહોચ્યા પછી….
    પાન નામની ઘટના ફૂટવાથી જે કંપ થયો તે અનુભૂતિ કેવી હશે !!
    વિષાદનું કાવ્ય અચાનક હળવી પ્રસન્નતામાં પરિવર્તિત થઇ ગયું.
    મનને પ્રસન્ન કરી ગયું.

  2. કવિતા અને છંદ બંનેને ખૂબ સારી રીતે પકડ્યા છે… કટાવનો આ ઉછળતો કૂદતો લય… મજા આવી… ક્યા બાત હૈ…

  3. સાચવ્યા છે કંઈ કંઈ પેઢીના કલરવ કંઈ ટહુકાઓ ને કંઈ માળાને,
    ગણિત માંડવા બેસીએ તો માઠું લાગે સરવાળાને.
    એક સમયનો હણહણતો હય ભૂલી ગયો છે જીવતરનો લય,
    લોહી હજી પણ વહે છે રગમાં, કામ છતાં પણ કરી રહી વય……. વાહ સુંદર શબ્દો…. સાચવ્યા છે કઈ કઈ પેઢી ના કલરવ…..

  4. ખુબ સરસ વિવેકભાઈ,
    તમે જો પુનર્જન્મ્માં માનતા હોવ તો કહુ કે આગલા જન્મમાં પણ તમે પ્રસિદ્ધ કવિ જ હશો. જેનુ નામ ઈતિહાસને પાને હજુ ય ચમકતુ હશે જ….. ધન્યવાદ!

  5. એક સમયનો હણહણતો હય ભૂલી ગયો છે જીવતરનો લય,
    લોહી હજી પણ વહે છે રગમાં, કામ છતાં પણ કરી રહી વય.
    સુંદર
    જે ઘોડો નબળો હોય તેને અબલક કહેવામાં આવે છે
    તેને હય બનાવવા વેદમા અશ્વગંધા ની યોજના છે
    તને કોઈ અશ્વ કહે,
    તુરંગી, તુરંગા ચહે,
    હય સાથે ગંધ રહે રે !…તુરંગ પ્યારા !
    અને
    કટાવ છંદના સોનેટ ની આ પંક્તી એ
    કંપ થયો આખી કાયામાં,પાન નામની ફૂટી ઘટના…
    લીંબીક ને ઉજાગર કરી !
    યાદ
    સફળતા પ્રાપ્ત કરવાની ઝંખના વ્યક્તિને અશ્વમાનવ બનાવી મૂકે છે. એ હાંફતો હાંફતો જીવે છે અને દોડતો દોડતો જમે છે. સાર્થકતાનો દિવ્ય સ્વાદ એ પામતો નથી. (ગિરીશ કર્નાડના ‘હયવદન’?) આવતી ૧૧ મી એ હું ૭૫ મા પ્રવેશ કરીશ.લાગે છે લાગે છે વિવેકે મારી જ અનુભૂતિ …

  6. ડો. વિવેક્ભાઈ,
    સરસ રચના, પુર્વ જન્મના બધા જ સંસ્કારો લઈને માનવી આ જગતમા આવતો હોય છે એમ કાવ્ય પરથી લાગ્યુ, આખી જીદગી ઢ્સરડા કર્યા પછીની અનુભુતિને સરસ રિતે નિરુપણ કરી છે, વિષાદ સાથે અમારા જેવા પચોતેરમા પહોચીશુ ત્યારની વ્યથાનો પણ એક સરસ અનુભવ કરવાની /થવાની તૈયારી કરવાની મનોવ્યથાનો પણ સરસ અહેસાસ કરાવતી રચના, આપને અભિનદન્ ……………………..

  7. ૭૫ મુ બેસતા હજુ હણહણાટાઆશા,સપન હોય તેણે કેવુ કાવ્ય લખવુ?

  8. વિવેક્ભાઈ બહુ જ સુદર રચના.વય નો અહેસાસ્.શબ્દ નથિ મલતા વાતને બિરદાવવા

  9. કંપ થયો આખી કાયામાં, પાન નામની ફૂટી ઘટના……..આ પન્ક્તિ વાચિ ને અમે કમ્પિ ગ્યા….સરસ વિવેક સર્….

  10. સરસ કાવ્ય વિવેકભાઈ. કટાવને આટલી સહજતાથી પ્રયોજવો સહેલો નથી. એ માટે અભિનંદન.

    ‘નાગો ચહેરો..’માં પર્ણહીન જરઠ વૃક્ષની તીવ્રતા વધારવા ‘ખુલ્લો ચહેરો…’ કે અન્ય વૈકિલ્પ વિચારાય તો વધુ સારુ. કાવ્યની ભાષા અને વિચારની સાથે એ એક શબ્દ કઠે છે. મિત્ર દાવે આ અંગત મંતવ્ય યોગ લાગે તો સ્વીકારશો.

  11. ખુબ સુન્દર !!! મનોજ ખન્ડૅરિયા યાદ આવે .

    ઃહવાયેલીસળીભીતર ભરી , અહીના જીવન જાણૅ કે બાકસના ખોખા .

  12. આખું યે સોનેટ કાવ્યત્વથી છલછલ છે.
    ‘કાળ તણી ચાબુકના ડરથી ‘ શરું થયેલું કાવ્ય ‘કંપ થયો આખી કાયામાં, પાન નામની ફૂટી ઘટના…’ સુધીનો અક્ષરેઅક્ષર પાંચ વખત વાંચ્યો. અદ્ભૂત અભિવ્યક્તિ,સુંદર લય અને સશક્ત શબ્દોનું યથોચિત સ્થાન. મને સૌથી વધુ ગમી ગઈ તે આ પંક્તિઓ ઃ
    એક સમયનો હણહણતો હય ભૂલી ગયો છે જીવતરનો લય,
    લોહી હજી પણ વહે છે રગમાં, કામ છતાં પણ કરી રહી વય.
    બાદ થયા છે હવે પ્રતીક્ષામાંથી પંથી ને પનિહારી, બચ્ચા-કચ્ચા, ઝૂલા આદિ…
    રાહ છે એક જ – પવન ફૂંકાશે કબ દખણાદી ?
    લાજવાબ…..અમર અંતરો…સર્વમાન્ય,સર્વવ્યાપક,સમયનો સંકજો…

  13. ને પહોંચી ગઈ થડથી લઈને ડાળ સુધી ત્યાં,
    કંપ થયો આખી કાયામાં, પાન નામની ફૂટી ઘટના…

    વાહ જનાબ…….!
    તુસ્સિ લાજવાબ……!

    અભિનંદન.

  14. આ કાવ્ય મોનાલિસાના સ્મિત જેવુ !!!સુન્ન્દર ! અતિ સુન્દર !!ગોરજવેળાના વાતાવરણમા પ્રસરતી મહેકજેવી મહક . નથી લાગતુ એવુ ?

Leave a Reply to સુનીલ શાહ Cancel reply

Your email address will not be published. Required fields are marked *