જે મળ્યું તે બેય હાથે લઈ લીધું…

lonely tree by Vivek
(અલ્લાહનો વારસો….       …અરુણાચલ, નવે-૨૦૧૦)

*

વારસામાં જે મળ્યું તે બેય હાથે લઈ લીધું,
છું મજામાં, જે મળ્યું તે બેય હાથે લઈ લીધું.

ભાનમાં છું એ ખબર પડતાં જ આશાઓ વધે,
મેં નશામાં જે મળ્યું તે બેય હાથે લઈ લીધું.

આ નથી ને તે નથીની વાત પર દુર્લક્ષ દઈ
મેં બધામાં જે મળ્યું તે બેય હાથે લઈ લીધું.

આપવા બેઠો તો મેં છાતી ચીરીને આપ્યું ને
સામનામાં જે મળ્યું તે બેય હાથે લઈ લીધું.

લોકને પાછળ મૂકી હું મોખરે રહ્યો કે મેં
આયખામાં જે મળ્યું તે બેય હાથે લઈ લીધું.

સંભવે જો આ યુગે તો આ રીતે જ એ ચીખશે:
હેં સુદામા,  જે મળ્યું તે બેય હાથે લઈ લીધું ?

-વિવેક મનહર ટેલર
(૨૬-૦૨-૨૦૧૩)

*

snake bird by Vivek
(બેય હાથે…                    …સ્નેક બર્ડ, નામેરી, આસામ, નવે-૨૦૧૦)

12 thoughts on “જે મળ્યું તે બેય હાથે લઈ લીધું…

  1. બધા જ શેર મનભાવન બની રહ્યા છે,
    છેલ્લા શેરમા બહુ માર્મિક પ્રશ્ન છેડ્યો છે,કવિશ્રી ડો વિવેકભાઈને અભિનદન્……………….

  2. Waaahhh. ….

    સંભવે જો આ યુગે તો આ રીતે જ એ ચીખશે
    હેં સુદામા, જે મળ્યું તે બેય હાથે લઈ લીધું ?

    Awesome

  3. આપે જે લખ્યુ તે અમે પ્રેમથિ લૈ લિધુ
    અને જિવન નિ અન્દર ઉતરિ લિધુ.
    અભિનન્દન .

    Arvind Vora.
    Rajkot.
    India.

    M.94268 49718

  4. ભાનમાં છું એ ખબર પડતાં જ આશાઓ વધે,
    મેં નશામાં જે મળ્યું તે બેય હાથે લઈ લીધું.
    આપવા બેઠો તો મેં છાતી ચીરીને આપ્યું ને
    સામનામાં જે મળ્યું તે બેય હાથે લઈ લીધું.—-ખુબ સરસ!!!!!

  5. કાવ્યના કયા ભાગના વખાણ કરુ.
    સમ્પુર્ણ કાવ્ય જ સુન્દર.
    ખાસ કરીને

    વારસામાં જે મળ્યું તે બેય હાથે લઈ લીધું,
    છું મજામાં, જે મળ્યું તે બેય હાથે લઈ લીધું.

    તમારી કાવ્ય પન્ક્તિમા એક શબ્દ ઉમેરવાની ગુસ્તાખી કરૂ છુ. માફ કરજો.
    છું મજામાં, (કારણકે) જે મળ્યું તે બેય હાથે લઈ લીધું.

Leave a Reply to Arvind Vora Cancel reply

Your email address will not be published. Required fields are marked *