શબ્દોના હમસફર

Butterfly by Vivek Tailor
(પાંદડુ કે પતંગિયું? …..                 ….મારા ઘરના આંગણેથી, મે, ૨૦૧૩)

*

કાના-માત્રા વગરના પાંચ અક્ષરોના બનેલા ચુસ્ત કાફિયા જ વાપરવા એવો નિર્ધાર સામે રાખીને લખેલી ગઝલ…

*

આંખોય મારી જેમ કરી બેઠી કરકસર,
બાકી શું મન, શું જાત? – હતું સઘળું જળસભર

શું હાજરીને પ્રેમનો પર્યાય કહી શકાય?
આવી ચડ્યો છું હું ભલે, આવ્યો છું મન વગર.

શાપ જ જો આપવો હતો, દેવો’તો કોઈ ઓર,
આ શું જનમ-જનમ ફર્યા કરવાનું દરબદર ?

રહેતો નથી કો’ અર્થ કે ઓળંગી કે નહીં,
નક્કી જ થઈ ગઈ’તી જો પહેલેથી હદ અગર.

પગમાં છે બૂટ એ ભલે શહેરોની દેન છે,
ફૂલ, ઘાસ, માટીથી હજી પાની છે તરબતર.

ભીતરથી ઊઠે એનો ક્યાં જઈ થઈ શકે ઇલાજ ?
દીપકનો દાહ હોય તો ઝટ જાવ વડનગર.

ફિતરતને મારી અન્યથા ભારે જ થઈ પડત,
સારું છે, શ્વાસને મળ્યા શબ્દોના હમસફર.

– વિવેક મનહર ટેલર
(૨૦-૦૨-૨૦૧૩/ ૧૦-૦૪-૨૦૧૩)

*

Butterfly by Vivek Tailor
(આ પાંખ તો જુઓ…..                 ….મારા ઘરના આંગણેથી, મે, ૨૦૧૩)

11 thoughts on “શબ્દોના હમસફર

  1. રહેતો નથી કો’ અર્થ કે ઓળંગી કે નહીં,
    નક્કી જ થઈ ગઈ’તી જો પહેલેથી હદ અગર.

    ફિતરતને મારી અન્યથા ભારે જ થઈ પડત,
    સારું છે, શ્વાસને મળ્યા શબ્દોના હમસફર.

    વાહહ…….

  2. ભીતરથી ઊઠે એનો ક્યાં જઈ થઈ શકે ઇલાજ ?
    દીપકનો દાહ હોય તો ઝટ જાવ વડનગર.

    વાહ……..ઈતિહાસના પાત્રો ની યાદ અપાવી (તાના-રિરી)

  3. Pingback: શબ્દોના હમસફર-વિવેક મનહર ટેલર | વિજયનું ચિંતન જગત-

  4. ફિતરતને મારી અન્યથા ભારે જ થઈ પડત,
    સારું છે, શ્વાસને મળ્યા શબ્દોના હમસફર. વાહ ખૂબ સુંદર ગઝલ…મક્તા ગમી ગયાં…

  5. વિચારોને અનુસરી લખવા કે ત્યજી દેવા

    મનને ખૂણે સતત ચાલી રહી ગડમથલ

    વિચાર લખવા જતાં લખાઈ ગયું

    પ્રવીણા અવિનાશ

  6. પગમાં છે બૂટ એ ભલે શહેરોની દેન છે,
    ફૂલ, ઘાસ, માટીથી હજી દ્પાની છે તરબતર.

    ખુબ જ સુન્દર…..

Leave a Reply to bharat vinzuda Cancel reply

Your email address will not be published. Required fields are marked *