બીજું કંઈ નથી અમે

આગળ સદા જવાની સજા ભોગવી અમે,
જોઈ કિનારા વચ્ચે રિબાતી નદી અમે.

દિલગીર છું છતાં હું ન યાચી શકું ક્ષમા,
માફીની હદથી બહારની ભૂલો કરી અમે.

સુધરી ગયા તો પણ સદા દુનિયાની દૃષ્ટિમાં,
ચોર જ હતા ને એજ હશું હર ઘડી અમે.

મતભેદ સારા આ હતા મનભેદથી વધુ,
લડતાં તો લાગતું કે હા, છીએ હજી અમે.

જીભેથી શાહી જખ્મોની ઊડી ન એથી તો
હોઠોની વચ્ચે શબ્દને ફાંસી કરી અમે.

અજવાળું કાળી રાતનું દેખાશે કાવ્યમાં,
હાથે ઉજાગરાની કલમને ગ્રહી અમે.

અંતે પડ્યો ન ફેર કશો, એનો અર્થ શો?
વાતો જીવનની સૌ ભલે કાવ્યે વણી અમે.

મારાથી પહેલાં મારું બધે નામ પહોંચી જાય,
શબ્દોની સાથે એવી કરી દોસ્તી અમે.

લેવાને પ્રાણ શબ્દ ઉપર પાશ નાંખ, યમ!
ના દેહ કે ના શ્વાસ, બીજું કંઈ નથી અમે.

– વિવેક મનહર ટેલર

8 thoughts on “બીજું કંઈ નથી અમે

 1. અજવાળું કાળી રાતનું દેખાશે શબ્દમાં,
  હાથે ઉજાગરાની કલમને ગ્રહી અમે.
  kya baat hai….!!!

 2. કિનારા વચ્ચે રિબાતી નદી !!!,,,,,વાહ, સરસ, આખી ગઝલ ગમી…

 3. હેલ્લો
  એક મારિ મન નિ વાત……………

  મને નથિ ખબર કેવિ લાગસે………………

  “પાનખર ના પ્રયાસ સામે ,વસન્ત નો તર વરાટ તમે…
  અજન્યા ઉચવાસ મા, પોતાનો સ્વાસ સમાવનાર પણ્ તમે

  ફુલ થઈ ને ઝાકળૂ ને વિસમો આપનાર પણ તમે જ ને તમે જ
  અરે! ફોરમ થઈ મહેકવા લાગ્યા અમે……બસ! હવે સમિ જાઓ …
  કેહનાર પણ તમે જ…અમે તો ફર્યા પરત પાનખર મહિ….
  કા?ખરિ પડયા તમે……….હુમ્મ! એજ તો હતા અમે …
  “બિજુ કઈ નથિ અમે” અને એજ ના સમજિ શકયા તમે?

  “બિદિયા”.

 4. દિલગીર છું છતાં હું ન યાચી શકું ક્ષમા,
  માફીની હદથી બહારની ભૂલો કરી અમે.

  કદાચ હદથી બહાર એટલે જ ભૂલો જાય છે… સુધરવા કરતાં યાચવાના પ્રયત્નમાં રહે છે માનવ…

 5. આગળ સદા જવાની સજા ભોગવી અમે,
  જોઈ કિનારા વચ્ચે રિબાતી નદી અમે. વાહ ખુબ સરસ !!!

Comments are closed.