સપ્તપદી – સાત મોનોઇમેજ કાવ્યો

Vivek_what is a marrriage?

*

લગ્ન એ સારી વાત છે.
એના વિશે બધા જાણે છે
પણ
હું
સફળ લગ્નજીવનની વાત કરતો હતો.

*

લગ્ન એટલે
પડછાયો રહી જાય
પણ
તમે ગાયબ થઈ જાવ
એવો જાદુ.

*

સ્પર્શ રહી જાય અને આંગળા ખરી જાય
એ લવ-મેરેજ.
આંગળા રહી જાય અને સ્પર્શ ખરી જાય
એ એરેન્જ્ડ-મેરેજ.

*

લખવું તો છે લગ્ન વિશે
પણ
મનમાં
કેમ પડઘાયા કરે છે
બાંધી વાવ ?

*

હસ્તમેળાપ વખતે
ફોટોગ્રાફરે
આપણા હાથ ઉપર
ઘડિયાળ મૂકીને ફોટો લીધો હતો.
આપણે કેટલાં ખુશ હતાં!
હવે સમજાય છે-
એ ફોટો અને એ સમય બંને
એ આલ્બમમાં જ થીજેલા રહી ગયા…

*

લગ્ન એટલે
આલ્બમમાં સચવાઈને મૂકાયેલા ફોટોગ્રાફ્સ જેવો સંબંધ.
શરૂશરૂમાં
તમે
થોડા થોડા દિવસે આલ્બમ બહાર કાઢીને
એને પંપાળતા રહો છો.
પણ પછી…

…કયા કબાટમાં ?

*

સમય
એના ટાંચણાથી ટોચી-ટોચીને
લગ્નના ઘરમાં વસતા ‘અમે’ને
ધીમે ધી…મે
‘હું’ અને ‘હું’માં ફેરવી નાંખે છે.

-વિવેક મનહર ટેલર
(૦૭-૦૨-૨૦૧૩)

*

Goa

(ખાલી…ખાલી…      …ગોવા, બીટલબાઅટિમ બીચ, નવેમ્બર, ૨૦૦૮)

18 thoughts on “સપ્તપદી – સાત મોનોઇમેજ કાવ્યો

  1. “પ્રેમ” અને “લગ્ન”
    આ બ્ન્ને અડધીયા અક્ષરના ગુંચવાડા જે પેસી શકે અને એમાથી આબાદ નીકળી શકે તે જ આ લખી શકે …..
    ખુબ સુંદર દોસ્ત

  2. Very nice VT..
    સમય
    એના ટાંચણાથી ટોચી-ટોચીને
    લગ્નના ઘરમાં વસતા ‘અમે’ને
    ધીમે ધી…મે
    ‘હું’ અને ‘હું’માં ફેરવી નાંખે છે.
    bahuj saras lakhyu chhe..

  3. તમે સફળ લગ્નજીવનની વાત કરો છો –
    પણ સફળતાનું માપદંડ શુ?

    એકબીજાથી કંઇ છુપાવવું નહી એ?
    કે કશું કહ્યા વગર સમજી જવાય – એ?

    એકબીજા સાથે ઝગડવું નહી – એ?
    કે પછી – એકઘડી એ બધ્ધો ગુસ્સો બીજા પર ઉતારી ને બીજી ઘડીએ વર્ષો પછી મળ્યા હોઇ એમ ભેટી પડવું – એ?

    અને તમે ભલે એરેન્જડ મેરેજ કે લવ-મેરેજની વાત કરો –
    પણ એમાં તો એવું છે ને –
    એરેન્જડ વેડિંગ હોઇ શકે – એરેન્જ્ડ લિવિંગ હોય શકે – પણ મેરેજ તો લવ વિના શક્ય જ કેવી રીતે હોય?

  4. in the western world, the very idea of an arranged marriage is so alien that the phrase “arranged marriage” does not exist.
    In the Indian context……..
    In love marriage love sometimes disappears AFTER the marriage.
    In arranged marriage love sometimes appears AFTER marriage. VIJAY JOSHI

  5. I love your concept of presenting a chain of short poems on a single theme which can be called Nano-Images or “લઘુ કાવ્યચિત્રો અથવા લઘુ ચિત્રકાવ્યો અથવા લઘુ કાવ્ય શ્રુંખલા”

  6. લગ્ન અને પ્રેમની પરીભાષા સરસ લઘુકાવ્યો દ્વારા સ્રરળ અને અર્થ સભર માણવા મળ્યા, આપનો આભાર………………….

  7. ટ્રાયલ એન્ડ એરર્સ એટલે જ લગ્ન જીવન…
    અલબત્ત એ શારીરિક મોહથી શરૂ થતી યાત્રા હોય પણ ધીમે ધીમે એ મોહ જ છે; એનો ખ્યાલ તો થોડા મહિનાઓમાં જ આવી જાય.. તો ય માણસને એ અંગે ઘણી શંક – કુ શંકાઓ જ રહે…એ એવો ખેલ છે…અને એમ કરતાં કરતાં સમય જતાંપ્રેમ પણ જન્મી જાય અથવા એનો આભાસ અને અહેસાસ નો ભ્રમ થતો થઇ જાય… બાકી તો વિવેક ભાઇએ બહુ સરસ કવિતામય કહ્યુ છે… આંગળા ખરી જાય ને સ્પર્શ રહી જાય….

  8. સમાજે ઊભા કરેલા અસામાજિક બંધન વિશે આટલી સહજતાથી વાત જણાવી શકવી એ પણ ખરું !
    સફળ લગ્નજીવનની વાત …. બાંધી વાવની યાદ આવવી…

    સચોટ !

  9. એક ડોક્ટર હોવું ને સાથે સાથે જ જે સ વિવેકી છે તેજ આટલું સુંદર લખી શકે

    ખુબ જ સુંદર રચના

    “હું”

    અને

    “તું”

    આ બે નો સાચા હૃદય થી એકાકાર એટલે જ સુખી લગ્ન જીવન

    ને પછી થશે

    “અમે”

    ને તેમાંથી બનશે

    “આપણા”

    “આપણા” મને બહુ ગમે

    ને આ

    ડોક્ટર વિવેક જી પણ ક્યાં પારકા છે?

    ના ના

    “આપણા” જ છે ને

  10. લાગ્ન જિવન નુ સચોત દર્પન્………!!!

    VMT Sir…nicely engraved…..!!!

    love and arranged is a pre nuptial phase…..!!!!

    post nuptial both are same……!!!!!

    we take each other for granted….!!!

  11. સુંદર કાવ્યો વિવેકભાઈ, મને પડછાયા રહી જાય વાળું બહુ જ સ્પર્શી ગયું. કેવી ગજબ વાત કરી આપે તો, વાહ વાહ!

Leave a Reply to perpoto Cancel reply

Your email address will not be published. Required fields are marked *