ના, નહીં આવું, મળવાને નહીં આવું…

flowers by Vivek
(કાળજાંના ફૂલ…                 ….અરુણાચલ પ્રદેશ, નવેમ્બર, ૨૦૧૦)

*

ના, નહીં આવું, મળવાને નહીં આવું,
જે મારગથી તારી હો આવન-જાવન, એ મારગને મારગમાં નહીં લાવું.

કાળજાના ફૂલડાને પથ્થર બનાવવાનું કામ કેવું કપરું છે, કાના ?
પણ એકવાર નક્કી કરી જ દીધું હોય પછી ડગ પાછા ભરવાના શાના ?
જાદુની વાત નથી, હૈયાને રોજ-રોજ પળ-પળ હું આવું સમજાવું.
ના, નહીં આવું, મળવાને નહીં આવું…

તારી આગળ તો આખી દુનિયા પડી છે ને મારી તો દુનિયા બસ, તું !
આયનાની સામે છો કલ્લાકો કાઢું પણ જડતી નથી મને ‘હું’.
સાન-ભાન ભૂલી પણ એટલું નહીં કે મારા હોવાની યાદ હું કરાવું.
ના, નહીં આવું, મળવાને નહીં આવું…

લિખિતંગ રાધાના ઝાઝા જુહાર, ભલે આંખો આ થાય નહીં ચાર,
મનડું પાણીની જેમ તારામાં ઢોળાયું, તનડાનો શાને વિચાર ?
ના, ના, રિસાઈ નથી, પ્યાર છે આ પ્યાર છે પણ તને હું કેમ સમજાવું ?
જા, નહીં આવું, નહીં આવું, નહીં આવું…

– વિવેક મનહર ટેલર
(૧૨-૦૧-૨૦૧૩)

*

nameri by Vivek
(એ રસ્તો….                     ….નામેરી બર્ડ સેન્ક્ચ્યુરી, અરુણાચલ, નવે-૧૦)

8 thoughts on “ના, નહીં આવું, મળવાને નહીં આવું…

  1. સાન-ભાન ભૂલી પણ એટલું નહીં કે મારા હોવાની યાદ હું કરાવું.

    વાહ કવિ..!!

  2. પ્યારમા સમજાવવાની સરસ રજુઆત અને એવી જ સરસ રચના, અભિનદન……………………………

  3. રિસામણાંના પોતને નાજુકાઈથી વર્ણવતું મજાનું ગીત !

  4. તારી આગળ તો આખી દુનિયા પડી છે ને મારી તો દુનિયા બસ, તું !
    આયનાની સામે છો કલ્લાકો કાઢું પણ જડતી નથી મને ‘હું’.
    સાન-ભાન ભૂલી પણ એટલું નહીં કે મારા હોવાની યાદ હું કરાવું.
    ના, નહીં આવું, મળવાને નહીં આવું…—-ખુબ સરસ્!!!!

  5. લિખિતંગ રાધાના ઝાઝા જુહાર, ભલે આંખો આ થાય નહીં ચાર,
    મનડું પાણીની જેમ તારામાં ઢોળાયું, તનડાનો શાને વિચાર ?

  6. તારી આગળ તો આખી દુનિયા પડી છે ને મારી તો દુનિયા બસ, તું !
    બહુ જ મસ્ત ….

    ના, ના, રિસાઈ નથી, પ્યાર છે આ પ્યાર છે પણ તને હું કેમ સમજાવું ?
    જા, નહીં આવું, નહીં આવું, નહીં આવું…

  7. તારી આગળ તો આખી દુનિયા પડી છે ને મારી તો દુનિયા બસ, તું !
    આયનાની સામે છો કલ્લાકો કાઢું પણ જડતી નથી મને ‘હું’.
    સાન-ભાન ભૂલી પણ એટલું નહીં કે મારા હોવાની યાદ હું કરાવું.
    ના, નહીં આવું, મળવાને નહીં આવું…
    કેવુ સમર્પન વ્હા

Leave a Reply to Rina Cancel reply

Your email address will not be published. Required fields are marked *