મને ફસાવ નહીં…

OLYMPUS DIGITAL CAMERA
(મારે ખેડવા છે સાતે સમંદર…                          ….દુબઇ,૧૧-૨૦૧૨)

*

ભૂંસી ભૂંસીને તું લખીને મોકલાવ નહીં,
ભીતરમાં ભાવ છે જે એને તું છુપાવ નહીં.

નવા જગતની હવામાં તું આમ આવ નહીં,
બની ગયાં છે જે તારા, વધુ બનાવ નહીં.

કવિ છું, વાંચી શકું છું હું તારું મૌન, સમજ !
તું વ્યર્થ શબ્દના છળમાં મને ફસાવ નહીં.

મહાસમુદ્રના પેટાળ પણ મેં તાગ્યા છે,
તું એક આંસુના ઊંડાણથી ડરાવ નહીં. **

આ શબ્દ, જેને તું મારા ગણે છે, મારા ક્યાં ?
લઈ તું એનો ભરમ મારી પાસે આવ નહીં.

આ સાવ મુઠ્ઠી સમા દિલની વાતમાં આવી,
પહાડ જેવું આ આખું શરીર તાવ નહીં.

લે ! છોકરામાં છડેચોક છોકરી આ ડૂબી,
નવાઈ એ જ કે અખબારમાં બનાવ નહીં.

– વિવેક મનહર ટેલર
(૨૮-૧૨-૨૦૧૨)

** એક કાવ્યગોષ્ઠીમાં રઈશભાઈએ આ શેર વિશે ટિપ્પણી કરી અને મને મારી ભૂલ સમજાઈ. આ શેર હવે નવા સ્વરૂપે:

મહાસમુદ્રના પેટાળ મોટી વાત નથી,
છે આ તો આંસુનું ઊંડાણ, ઝંપલાવ નહીં.

*

P1014347
(છડેચોક કૂદું હું તારામાં…      …દુબઇ મૉલ, ૧૧-૨૦૧૨)

25 thoughts on “મને ફસાવ નહીં…

  1. ફસાવ નહીં મને તું…કહીને કવિ ભાવકને ભાવ જગતમાં પુરેપુરા ફસાવે છે…

    ફોતરે છોલે
    કલમ કૈં શબ્દોને
    શોણિત શ્વાસો

  2. વિ છું, વાંચી શકું છું હું તારું મૌન, સમજ !
    તું વ્યર્થ શબ્દના છળમાં મને ફસાવ નહીં
    વાહ કવિશ્રી…..

  3. દરેક શેર … સરસ!
    કોઈ એક કે બે શેરને અલગ કરીને પસંદ કરી નથી શકતી… જોયું તો આખી ગઝલ પસંદ થઈ ગઈ …

  4. મહાસમુદ્રના પેટાળ પણ મેં તાગ્યા છે,
    તું એક આંસુના ઊંડાણથી ડરાવ નહીં.

    વાહ િવ્વેકભાઇ ખુબ સુન્દર્…

  5. આગળ કોઈ એ આ કોમેન્ટ આપી છે..

    ફસાવ નહીં મને તું…કહીને કવિ ભાવકને ભાવ જગતમાં પુરેપુરા ફસાવે છે…
    એ ખૂબ ગમી…!

    તમારી ગઝલ ની વાત કરીએ તો..

    દરેક પંક્તિઓ સુંદર છે પણ,

    કવિ છું, વાંચી શકું છું હું તારું મૌન, સમજ !
    તું વ્યર્થ શબ્દના છળમાં મને ફસાવ નહીં.

    આ શબ્દ, જેને તું મારા ગણે છે, મારા ક્યાં ?
    લઈ તું એનો ભરમ મારી પાસે આવ નહીં.

    આ બંને ઉત્તમ છે..!

  6. હા. કવિઓથી સાવધાન રહેવું જ જોઇએ હોં..
    આપણા મૌન ને વાંચીને એની કવિતા બનાવી નાખે..
    ખૂબ સરસ ગઝલ…

  7. મહાસમુદ્રના પેટાળ પણ મેં તાગ્યા છે,
    તું એક આંસુના ઊંડાણથી ડરાવ નહીં.—ખુબ સરસ

  8. મહાસાગરતો તરી જવાય પણ આસુના ઉડાણમાતો ભલભલા ડૂબી જાય.

  9. ગમ્યું..

    કવિ છું, વાંચી શકું છું હું તારું મૌન, સમજ !
    તું વ્યર્થ શબ્દના છળમાં મને ફસાવ નહીં.

    યોગેશ વૈદ્ય

  10. I don’t know whether I’m eligible to comment on some serious literary work or not! But yeah most of your poetic creations fall under my ‘LIKE’ area. Very difficult to find a Ghazal from you which does not appeal me as a common/ average literature especially Gujarati reader. But this one will definitely take some efforts to really LIKE it; this being your I mean Vivek’s creation! I hope and request you very humbly not to feel offended….. This is my very first opinion/comment on your works till the date I’ve started following your site regularly. I mean your league as a poet is way beyond this. Again I sincerely apologise if I am sounding too judgemental or biased. Regards…..

  11. A small correction here, in the statement; “Your league…… ” please read “way above this” instead of “way beyond this”

  12. નવા જમાનાની હવામાં આમ આવ નહીં,
    બની ગયાં છે જે તારા, વધુ બનાવ નહીં.

    કવિ છું, વાંચી શકું છું હું તારું મૌન, સમજ !
    તું વ્યર્થ શબ્દના છળમાં મને ફસાવ નહીં.
    વાહ્
    યાદ
    માત પિતા સુત ભાઈ ને ભગિની, ઈ સબ ઠગનકી ટોળી રે;
    પ્રીત લગાડી તારું સર્વ લૂંટી લેશે, પછી રહેશે આંખ્યો ચોળી રે…
    સીમાડે ઊભેલા શબ્દોના દ્વાર જાણે ઊઘડ્યાં ને બંધ થયાં પાછાં.
    શબ્દોની અદલાબદલી વચ્ચે, મનગમતો ઠઠારો રાખમાં.

  13. ખુબ સરસ. એક correction….ભૂંસી ભૂંસીને તું લખીને મોકલાવ નહીં, instead of ભૂંસી ભૂંસીને… I think chheki chhekine will be more apropriate, because ભૂંસી ભૂંસીને… is ok if written on a slate and not on paper. Had to write in English because Gujarati selection could not spell properly in Gujarati.

  14. વાહ .. ક્યા બાત.
    લે ! છોકરામાં છડેચોક છોકરી આ ડૂબી,
    નવાઈ એ જ કે અખબારમાં બનાવ નહીં.

Leave a Reply to Bimal Desai Cancel reply

Your email address will not be published. Required fields are marked *