કાશ્મીર

P5122137
(શિકારા…                                                …કાશ્મીર મે-૨૦૧૨)

*

કાશ્મીર જઈએ ત્યારે જાદુ અનુભવાય એ તો સ્વાભાવિક છે પણ કાશ્મીરનો ખરો જાદુ તો ત્યાં જઈ પરત આવી જઈએ એ પછીનો છે. કાશ્મીર લોહીમાંથી, શ્વાસમાંથી, અહેસાસમાંથી લગીરેય ઓસરતું, આછરતું નથી…

*

મન હજી પણ ત્યાં જ દોડી જાય છે,
કાશ્મીર શું છે, હવે સમજાય છે.

દાલ સરવર લોહીમાં એવું ભળ્યું,
રક્તકણ એક એક શિકારા થાય છે.

ખુશબૂ છે ગુલમર્ગની કે તારી યાદ ?
મન વિચારે છે, વિચાર્યે જાય છે…

મારતો, દોડાવતો અહીંયા સમય,
સંત પેઠે કેવો ત્યાં હિમાય છે !

જ્યાં કોઈ દિલથી ગળે મળતું જરા,
કાશ્મીર ત્યાં ત્યાં હવે દેખાય છે.

પુણ્યતા કેવી સ્મરણમાં પણ, અહો !
મારું હોવું અહીં તરત સ્વર્ગાય છે.

– વિવેક મનહર ટેલર
(૧૯-૧૨-૨૦૧૨)

*

P5122012
(ખુશબૂ…                                                    …કાશ્મીર મે-૨૦૧૨)

11 thoughts on “કાશ્મીર

  1. આહા… શું વાત છે…!! મઝા આવી ગઇ દોસ્ત…

    અને આ ફોટાઓ જરા વાંકા કર્યા એ પણ ગમ્યું..!!

  2. “કાશ્મીર પૃથ્વી પરનુ સ્વર્ગ” કાશ્મીરની નઝાકત સરસ કવિતા દ્વારા વ્યક્ત થાય છે…………….ફોટામા ગુલાબનુ વિશેષ સૌન્દર્ય નોખી ભાત પાડે છે………

  3. લોહી તરસ્યા બન્યા જનાવર,
    ફેર નથી હવે જન-જનાવરમાં,
    દાલ બિચારું શુ કરે,
    શિકારા પણ નિહાકા ખાય છે.

  4. મારતો, દોડાવતો અહીંયા સમય,
    સંત પેઠે કેવો ત્યાં હિમાય છે !

    ખરે જ !

  5. પુણ્યતા કેવી સ્મરણમાં પણ, અહો !
    મારું હોવું અહીં તરત સ્વર્ગાય છે.
    બહુ સાચી વાત… જોકે, કાશ્મીર ગયા હોય
    તેને જ સમજાય…મને એટલે જ સમજાયું…!

  6. જીવન આપણે માણવાનું હોય છે,
    બીજામાં દખલ ના કરીને આપણે,
    ખુદનું ભઈ ખુદે તાણવાનું હોય છે.

    -અશોક વાવડીયા,《રોચક》♥

  7. અતિસુંદર રચના વિવેક સર..કશ્મીર ને તાદ્રશ કરતી !

    કશ્મીર તો હું કદી ગયો નથી
    પણ
    અઢી દાયકા પહેલા
    છૂટી ગયેલ
    મારા વતનની ગલીઓને જોવા
    વર્ષમાં એકવાર જરુર જઉ છું..
    જે ધુળમાં હું આળોટ્યો, ઉછર્યો,
    અનેક ખેલ ખેલ્યો
    એ ફૂટપાથ, એ પ્હોળી શેરીઓ
    આજે પણ એવા જ દિલકશ છે,
    જેવા હું બચપણમાં છોડીને ગયેલો !
    એકલો જ ભટકવા નીકળી પડુ છું
    એ શેરીઓમાં
    જ્યાં મારુ બાળપણ સુતેલુ છે
    જ્યાં એક યુગ અટકેલો છે
    ને
    ધોમધખતા તાપમાંય
    હ્રદય ગાઇ ઉઠે છે :
    કિતની ખુબસૂરત યે તસ્વીર હૈ
    યે કશ્મીર હૈ..યે કશ્મીર હૈ !

Leave a Reply to perpoto Cancel reply

Your email address will not be published. Required fields are marked *