પાણીના બુદબુદા સમું જીવન…

ધબકાર અડધો એ ઘડી-પળ ચૂકી જાઉં છું,
જ્યારે અમસ્તું પ્યારમાં હું જીતી જાઉં છું.

પાણીના બુદબુદા સમું જીવન હવે થયું,
આવ્યો જરા સપાટીએ કે તૂટી જાઉં છું.

તૂટેલી ડાળ છું હું, ફરી જોડી ના શકો,
રોપો ધરામાં તો ફરીથી ઊગી જાઉં છું.

દર્દીનો હું ઇલાજ છું, મારો ઇલાજ શો ?
મુજ દર્દના ઇલમ બધાં શેં ભૂલી જાઉં છું ?!

હળવાશ જે હતી એ શું સંબંધની હતી ?
તૂટી ગયો એ જે ક્ષણે, હું ઝૂકી જાઉં છું.

છે વાંક એનો શું, જો શિરચ્છેદ મુજ થયો,
હુંજ શિશુપાલની હદો ઉલ્લંઘી જાઉં છું.

તસતસતા ફાટફાટ નગરની આ ભીડમાં,
શોધું છું હું મને ને મને ભૂલી જાઉં છું.

શબ્દો શું મારાં શ્વાસ હતાં ? જ્યાં ખતમ થયાં,
પુરૂં થયું જીવન, હું તો બસ જીવી જાઉં છું.

ડૉ. વિવેક મનહર ટેલર

7 thoughts on “પાણીના બુદબુદા સમું જીવન…

 1. “તૂટેલી ડાળ છું હું, ફરી જોડી ના શકો,
  રોપો ધરામાં તો ફરીથી ઊગી જાઉં છું.”

  Sundar aati sundar. Doctor, such depth of words!

 2. Finally I gazal I know ! Excellent gazal.My favorite is still…

  પાણીના બુદબુદા સમું જીવન હવે થયું,
  આવ્યો જરા સપાટીએ કે તૂટી જાઉં છું.

 3. Pingback: Atlantis Bahamas Vacation

 4. પાણીના બુદબુદા સમું જીવન હવે થયું,
  આવ્યો જરા સપાટીએ કે તૂટી જાઉં છું…
  વાહ……

 5. પાણીના બુદબુદા સમું જીવન હવે થયું,
  આવ્યો જરા સપાટીએ કે તૂટી જાઉં છું.

  તૂટેલી ડાળ છું હું, ફરી જોડી ના શકો,
  રોપો ધરામાં તો ફરીથી ઊગી જાઉં છું

  વિવેકભાઈ આ બે શેર બહુ ગમ્યા… સુંદર ગઝલ…

 6. દર્દીનો હું ઇલાજ છું, મારો ઇલાજ શો ?
  મુજ દર્દના ઇલમ બધાં શેં ભૂલી જાઉં છું ?
  વાહ….

Comments are closed.