હું


(જિંદગીની સડકો પર…                         …કાશ્મીર, મે- ૨૦૧૨)

*

અડધી રાતે
ઊંઘમાંથી સફાળા જાગીને મેં જોયું,
તો પલંગમાં હું ક્યાંય નહોતી.
ન ચાદરની કરચલીમાં,
ન નાઇટલેમ્પના આથમતા ઉજાસમાં.
હેલ્થક્લબ જતા પતિ માટે
ટેબલ પર કાઢી રાખેલા દૂધના ગ્લાસમાં પણ નહીં.
ચાની તપેલીમાંથી ઊઠતી ગરમ વરાળમાં પણ નહીં
અને ગરમાગરમ બટેટાપૌંઆમાંય નહીં.
બધાએ વાંચી નાંખેલા અખબારમાં
ક્યાંક હું ચોળાયેલી પડી હોઈશ એમ માનીને
હું પાનેપાનાં ઉથલાવી ગઈ પણ…
દીકરાનું ટિફિન પણ ખોલ્યું
ને એના દફ્તરમાં કાળજીપૂર્વક ગોઠવેલી
એક-એક ચોપડીઓની વચ્ચે પણ હું ફરી આવી…
ઓફિસ જતાં પહેલાં તૈયાર કરેલા લંચમાં
અને ઓફિસ-અવર્સના એક-એક પડળ પણ
બાજનજરે ફંફોસી જોયા.
કામવાળીઓની અવારનવાર ગેરહાજરીનો બુરખો ઓઢીને
મેં આખા દિવસના કાચમાં પણ જોયું.
હોમવર્કના પાનાંઓના અક્ષરે-અક્ષર ઉતરડી જોયા,
કદાચ હું ત્યાં મળી જાઉં મને.
કદાચ હું રાતના ઢાંકા-ઢૂબાની ગલીઓમાં તો ભૂલી નથી પડી ને?
બનવાજોગ છે
કે એ લેપટોપ મૂકીને પાસે આવે
એ વિચારે લંબાતી જતી રાતના બોરિંગ બગાસામાં હું ક્યાંક ઊડી ગઈ હોઉં.
કે મગરના જડબાં જેવા ખેંચાયેલા દિવસના
તૂટતા શરીર પર
લીલું-લીસું ચુંથાતી રાતની ચાદરમાં તો હું નથી ને?
કે પછી ઊંડા પાણીની શાર્કના દાંતમાંથી છટકવા
આખો દિવસ ફોરવર્ડ કર્યે રાખેલા મેસેજિસ સાથે
ક્યાંક હું પોતે જ તો ફોરવર્ડ નથી થઈ ગઈને?
હું ત્યાંય નથી….
હું ક્યાંય નથી ?

-વિવેક મનહર ટેલર
(૨૭-૦૬-૨૦૧૨)

20 thoughts on “હું

 1. ઊંડા પાણીની શાર્કના દાંતમાથી….
  ગજ્જબ….

 2. હુ ક્યાય નથી … સાચી વાત છે… હુ ક્યાય નથી

 3. ખૂબ સુંદર અભિવ્યક્તિ!
  સુધીર પટેલ.

 4. ફરી ફરી વાંચ્યું આ અછાંદસ…

  એક સજીવ જિંદગી જ ઊભી કરી દીધી છે… પહેલી વાર સરસરી નજરે વાંચ્યું તો લાંબું લખાયું એવો ભાસ હતો જે આજે ભગાઈ ગયો…

  સ્ત્રીનો એક આખો સમય …. બહુ જ ઓછા શબ્દોમાં વર્ણવી ગયો એવું હવે નક્કર લાગ્યું…

 5. કોઇ કહી શકે કે આ કવિતા એક સ્ત્રીએ નથી લખી?

 6. આપણુ હોવુ શુ ખરેખર હોવુ છે? આપણે તો તત્વગ્યાનની ભાષામા સ્વપ્ન જ છીએ ને? વાહ્…સુન્દર રચના અને એટ્લુ જ સરસ ચિત્ર પણ.

 7. હું..

  સ્વ ની શોધમાં..

  મોટાભાગની ગૃહિણીની દિનચર્યા આ કાવ્યમાં વર્ણવાયેલી છે એવી હોય છે..
  કાવ્ય ની નાયિકા પણ ઘરમાં રહે છે, કુટુંબમાં સાચવે છે.. પણ એ ખરેખર ત્યાં છે? એ સ્વ ને ઘરના દરેક ખુણે શોધી વળે છે પણ પોતે જ પોતાને જડ્તી નથી..

  કાવ્ય ના અંત માં એ પ્રશ્ન કરે છે..હું ક્યાંય નથી ?આ પ્રશ્ન નો જવાબ તો કવિશ્રી એ પોતાના કાવ્યમાં જ આપી દીધો છે..

  એ ક્યાં નથી??

  દૂધના ગ્લાસમાં મિઠાશ સ્વરૂપે,ચાની તપેલીમાંથી ઊઠતી ગરમ વરાળમાં સવારની તાઝગી સ્વરૂપે,ગરમાગરમ બટેટાપૌંઆ ના સરસ સ્વાદમાં,દફ્તરમાં કાળજીપૂર્વક ગોઠવેલી ચોપડીઓની વચ્ચે અને હોમવર્કના પાનાંઓના અક્ષરે-અક્ષરમાં એ એનો સ્પર્શ છે..રાતના બોરિંગ બગાસામાં અને ઊંડા પાણીની શાર્કના દાંત જેવી એકલતામાં પ્રતીક્ષા સ્વરૂપે છે એ..

  જો છેલ્લું વાક્ય ” હું ક્યાંય નથી ?” ન હોત તો કદાચ નાયિકાની પોતાના અસ્તિત્વ વિશે ની શોધ અપૂર્ણ જ રહેત..

  ખૂબ સુંદર અભિવ્યક્તિ..!

Comments are closed.